Daily Archives: જાન્યુઆરી 9, 2022

“કાશ…હું હલી હોત! /યામિની વ્યાસ”

“કાશ…હું હલી હોત! અરે બાપ રે! આ શેનો અવાજ? અરે હા, આ તો સવારે ભરેલા ભીંડા વધાર્યા હતા તે છે. અરે ભૂલી ગઈ? રાઈ તતડી રહી છે. પરવળ વઘારવાના છે. અને સહેજ બીજી બાજુ જોયું ત્યાં એક પાણીનું ટીપું અંદર પડતાં એક રાઈનો દાણો તેના હાથ પર ઊડીને પડ્યો. એ જરા ચમકી પરંતુ હાથ હલાવવાનો ન હતો. ઓહ! હું તો ભૂલી જ ગઈ! હું તો અત્યારે આ મશીનમાં છું. હલીશ તો વધુ વાર લાગે છે. કદાચ એ ફરીથી પૈસા પણ માંગે. આટલા બધા… ચાર હજાર રૂપિયા લાવવા ક્યાંથી? સુમીનો એમ.આર.આઇ. ટેસ્ટ ચાલતો હતો. કેટલાય વખતથી તેના જમણા હાથની આંગળીઓ બરાબર કામ નહોતી કરતી, ઝણઝણાટી થતી હતી. શરૂઆતમાં તેણે બહુ ધ્યાન ન આપ્યું. તેને લાગ્યું કે કદાચ વજન ઉચકાઈ ગયું હશે અથવા એ હાથથી કામ વધુ પડતું કર્યું હશે તો આવું થતું હશે. ધીરેધીરે તેના જમણા પગનો અંગૂઠો પણ વગર કારણે હલતો હતો. તેનું ધ્યાન જતું ત્યારે તેને જોરથી પકડીને દબાવી દેતી અને આજ્ઞાંકિત બાળકની જેમ પગનો અંગૂઠો પણ શાંત થઈ જતો. એકવાર સાણસીમાંથી તપેલી છટકી ગયેલી ત્યારે ઘણું બધું દૂધ ઢોળાઈ ગયું હતું અને તે દાઝી જતાં બચી ગઈ હતી. પછી તેણે અને તેના ઘરનાએ નક્કી કર્યું કે હવે ડૉકટરને બતાવવું. ડૉકટરે ઘણી બધી તપાસ કરી અને અંતે લાગ્યું કે પાર્કિન્સનની શરૂઆતની અસર લાગે છે. તેના માટે મગજનો એમ.આર.આઇ. કરાવવો જરૂરી છે. સુમી તો સાંભળીને ડઘાઈ ગઈ કે, હાથ સાથે મગજને શું લેવાદેવા? પરંતુ સાજા થવું હોય તો કરાવવું જ પડે. સૌથી પહેલાં તો તેની ફી સાંભળીને જ તેને આંચકો લાગ્યો પરંતુ થાય શું? મગજનો એમ.આર.આઇ. કરાવતા તેને ખૂબ ડર લાગતો હતો. ફાઈલ આપીને તે પણ લાઇનમાં બેઠી. આજુબાજુ બે ત્રણ જણા હતા તેમને પણ પૂછ્યું કે, આમાં શું હોય છે? અને શું થાય છે? જેમને અનુભવ હતો તેમણે તેનો અનુભવ કહ્યો, ‘વધુ કંઈ નહીં થાય. તમને સુવડાવીને મશીનમાં મૂકી દેશે અને જુદા જુદા અવાજો આવશે. સુમીને આ સાંભળીને ખરેખર બીક લાગતી હતી. એકવાર મશીનમાં જાઉં અને પાછી આવું જ નહીં તો? વીજળીનો કોઈ પ્રોબ્લેમ થાય અને મશીન મારા પર તૂટી પડે તો? સુમીને જાતજાતના વિચારો આવતા રહ્યા. તેણે તેના પતિ અરુણને કહ્યું, ‘તમે ત્યાં મારી સાથે આવજો.’ તેનો નંબર આવ્યો ત્યારે તેણે અરુણનો હાથ પકડી રાખ્યો. એમ.આર.આઇ. કરનારા ભાઈએ કહ્યું, ‘કોઈ જાતની ધાતુની વસ્તુ પહેરેલી નથી ને? હોય તો કાઢી નાંખો.’ સુમીએ નાકની ચૂની, કાનની બુટ્ટી માંડ કાઢી. ગળામાંથી મંગળસૂત્ર અરુણે કાઢી આપ્યું. તેને થયું કે ખરેખર હવે હું ઉપર ચાલી. સાચી વાત છે… ત્યાં ઘરેણાં પહેરીને થોડું જવાય છે? અંદર જે કપડાં આપ્યાં હતાં તે સુમીએ બદલી લીધાં. સુમીને એવું જ લાગતું હતું કે જાણે ખરેખર તે આ દુનિયામાંથી જઈ રહી છે! અરુણે પણ તેનો હાથ છોડાવીને કહ્યું કે, ડરવાની કોઈ જરૂર નથી. આમાં કશું જ નહીં થાય. ત્યાં મારાથી જોડે ન ઊભું રહેવાય. સુમીનો સહેજ ધ્રુજતો હાથ વધુ ધ્રુજવા માંડ્યો, આખું શરીર ધ્રુજવા માંડ્યું. તે હિંમત કરીને સૂઈ તો ગઈ પણ તેણે પેલા ભાઈને પૂછ્યું, “આમાં કેટલી વાર લાગશે?” પેલા ભાઈએ સ્મિત સાથે કહ્યું, “વીસેક મિનિટ, જો તમે હલશો નહીં તો. જો હલશો તો વધુ સમય લાગી શકે અને ફરીથી એમ.આર.આઇ. કરવો પડે.” સુમી વધુ ગભરાઈ. ફરી કરવો પડે? એટલે કે હું જીવતી રહીશ અને પાછી મશીનમાં જઈશ? તેણે આંખો સજ્જડ બંધ કરી રાખી. આંખો ખોલે તો બીક લાગે ને! જુદાજુદા અવાજોમાં ખોવાઈ ગઈ. અરે બાપ રે! આ તો હું ટ્રાફિકની વચ્ચે ફસાઈ ગઈ. કેટલા બધા હોર્ન વાગે છે? અને આ ગાડી ઊંધી કેમ આવે છે? સુમી ઘરેથી ટિફિન સર્વિસ આપતી હતી. નાસ્તા બનાવીને પણ તે વેચતી હતી, જેથી ઘરના બે છેડા જોડવામાં મદદ કરી શકે. તેનો સામાન લેવા માટે તે ટુ-વ્હીલર પર દોડ્યા કરતી. એને યાદ નથી કે કોઈ દિવસ એક્ટિવા પર સરખી રીતે બેસીને આવી હોય. ડિકી આખી ભરેલી હોય અને બે પગ પહોળા રાખીને માંડ ટેકવાય એટલો સામાન આગળ ભરેલો હોય. મમરા,પૌંઆ, વિવિધ લોટ, શાકભાજી વગેરેથી તેનું એક્ટિવા હંમેશા લદાયેલું રહેતું. આવા ટ્રાફિકના અવાજોથી તે કંટાળી જતી. વચ્ચે એક્ટિવા ઊભું રાખે તો બેલેન્સ માટે એકાદ પગ નીચે મૂકવો પડતો. ઘણીવાર તો ટ્રાફિક ચાલુ થાય ત્યારે લાગતું કે, પગ ત્યાં જ રહી ગયો છે અને પોતે આગળ વધી ગઈ છે. “અરે! જઈ તો રહી છું. પાછળથી કેમ આટલા બધા હોર્ન વાગે છે? અને આ શેનો અવાજ છે? લે, શરણાઈ કેમ ચાલુ થઈ? હા, તે દિવસે ઘર આખું ભરેલું હતું. ભારે કપડાં અને ઘરેણામાં બધાં જ તૈયાર થયાં હતાં અને અરુણ વાજતે ગાજતે મને લેવા આવ્યા હતા. હમણાં જ કાઢ્યું એ મંગળસૂત્ર તેમણે તેમના હાથે મને પહેરાવ્યું હતું. આજે! કાઢી પણ લીધું. હા, પણ તે દિવસથી આજ દિવસ સુધી મારો એ હાથ સદાય કામમાં રહ્યો. બસ હવે મને સાંઠ થવાનાં તો હાથ ઝણઝણે તો ખરો ને! કેટલાં વર્ષો થયાં કદાચ આ હાથને આરામ જ નથી મળ્યો. હું ઊંઘી જાઉં છું માત્ર ત્યારે જ તે નવરા હોય છે. પરંતુ હાથને મગજ સાથે શું લેવાદેવા છે તે હજુ સમજાતું નથી. બસ, આ બધી તપાસ થાય, સારી દવા થાય અને મારો હાથ ચાલતો થઈ જાય એટલું જ ઈચ્છું છું. કોઈના આધારે રહેવું ન પડે અને હું જાતે જ મારાં કામ જિંદગીભર કરતી રહું. અરે હવે શેનો અવાજ આવે છે? આતો ધીમોધીમો સરસ અવાજ છે! ખરરર ખરરર ખરરર… હા, એ બાજુમાં જ સૂતેલા છે. એમનાં નસકોરાં બોલે છે અને હું આખા દિવસનો હિસાબ લખું છું. આ સામાન-ચીજ કેટલાની આવી? કેટલો ખર્ચ થયો? અને આવક કેટલી થઈ? પણ હવે આ હાથ કામ નથી કરતો. મારાથી લખાતું જ નથી. પીન્ટુને કહું ત્યારે તે માંડ લખી આપે. હે ભગવાન! મારો હાથ સારો કરી દે. કામ તો ગમે તે રીતે હું કરી દઈશ પણ લખાતું નથી. લખવાથી લઈને લાફો મારી શકું તેવો હાથ બનાવી દે. અરે… તે દિવસે? હું કંઈ એવી યુવાન પણ ન હતી. પાંત્રીસ-ચાલીસ થયાં હશે. હું સામાન લેવા જતી ત્યાં પેલો પાછળ પાછળ આવતો. ને ખરીદીને પાછી આવતી હતી ત્યારે તેણે મારો દુપટ્ટો ખેંચેલો. મેં બધું મૂકીને તેને કેવો લાફો મારેલો! ત્યારે બધાં ભેગાં થઈ ગયાં હતાં. પણ હવે આ હાથમાં એવી તાકાત નથી. લાફો તો કોઈને નથી મારવો પણ હાથમાં એવી તાકાત તો જોઈએ ને! અરે બાપ રે! આ વળી શેનો અવાજ? પેલા ઉપરવાળાં સવારે ઊઠીને તેમના પ્લેટફોર્મ પર જ આદુ વાટતાં હશે તેનો અવાજ લાગે છે, ઠક ઠક ઠક… એ તો હું વાટતી હોઉં ત્યારે નીચેવાળાને પણ સંભળાતો જ હશે. હવે આ શું? ગ્રાઇડર-મિક્ચર શરૂ થયું? બહુ જલદી ચટણી વટાઈ ગઈ. હજુ તો આદુમરચાં પણ પીસવાના છે. ને આ ચૂરેચૂરા થતો અવાજ શેનો છે? હા, તે દિવસે પાપડપૌંઆ બનાવ્યા એ પાપડ ચૂરવાનો અવાજ. કેટલું બધું કામ થઈ રહ્યું છે! કેવા કેવા અવાજો આવે છે? આ ધબ ધબ ધબ… કોઈ ધોકા મારતું હોય તેવો અવાજ! એ દિવસે બે ચારસા બોળ્યા હતા. એ ઘોકાયા વગર મેલ ન કાઢે તે એનો અવાજ લાગે છે. અરે બાપ રે! આ ઘરઘરાટી શેની છે? હું રોજ વિમાન ઊડતું જોઉં છું. એમાં કદી પણ બેઠી નથી. જિંદગીમાં એકવાર બેસવા મળે તો બસ. આજે જાણે ફરી રહી છું. વિમાનમાં જ… આહાહા… એની ઘરઘરાટીમાં કેવી મજા આવે છે! આકાશની વચ્ચેથી ફંગોળાઈ રહી છું અને બારીમાંથી જોઉં છું, ત્યાં વાદળાં કપાઈ રહ્યા છે ને હું તીરની માફક આગળ વધી રહી છું. અને વરસાદ? લે, વરસાદ તો બારીમાંથી મારી પાસે આવવા જાણે તરસે છે,આ એનોજ અવાજ.બસ, આ વિમાનની મુસાફરીમાં એક વાર જવું છે. હા, હું વિમાનમાં જ છું. આજુબાજુ એરહોસ્ટેસ છે,મને ચોકલેટ્સ આપે છે!કેવું છે ધરતીથી ઉપર બધું! ભલે એકવાર તો એકવાર જવા મળે ને તો બસ. કરરરર કટ, કરરરર કટ… અરે ભાઈ! ઓ પાયલોટ ભાઈ! અરે આ વિમાન બગડી ગયું કે શું? બાપ રે! નીચે તો નહીં જઈ પડે ને? એકદમ અવાજો બંધ કેમ થઈ ગયા? ચાલો બહેન, તમારું એમ.આર.આઇ. પતી ગયું. પેલા ભાઈનો અવાજ આ બધા જ અવાજોથી જુદો પડતો હતો. મને થયું, “અરે! આટલી વારમાં પતી પણ ગયું. બધી વાત કરતા હાથને આરામ હતો, ઝણઝણાટી પણ નહોતી લાગતી. હા, આટલો સમય હાથને કેવો આરામ મળ્યો હતો! અને હું ક્યાંથી ક્યાંય લટાર મારી આવી. આ બધું લાંબુ ચાલ્યું હોત તો કેવી મજા પડત! કાશ… હું હલી હોત! યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized