Daily Archives: જાન્યુઆરી 10, 2022

નેટ્રીસીડે (Natricidae) અને હોમલોપસીડે (Homalopsidae) કુટુંબના ચાર સાપ

‘અભીવ્યક્તી’

(38) લીલવો, લીલો સાપ, લીલુ ગેંડુ, (39) ડંડુ, ડુંડવાળુ, જળસાપ, પાણીનો સાપ, (40) શ્વાનમુખી જળ સાપ, શ્વાનમુખી ડેડું અને (41) કળણનો સાપ, કીચડીયો, કાદવનો સાપની સચીત્ર જાણકારી પ્રસ્તુત છે…

View original post 1,611 more words

1 ટીકા

Filed under Uncategorized

નૉનસેન્સ બોલે તો બકવાસ/પરેશ વ્યાસ

, તું મરજીવો મોતી માટે,છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા! – શ્યામ સાધુ તાજેતરમાં જ ‘બકવાસ’ શબ્દ વિષે બે વકીલો લડી પડ્યા. હું વકીલ તું વકીલ ન્યાય માટે, છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા. પણ.. લડતા લડતા લડી પડે, ભાઈ વકીલ છે. આમ તો કોર્ટમાં સામસામી દલીલો કરે ત્યારે વકીલો એક બીજાને મારા વિદ્વાન મિત્ર તરીકે સંબોધે. પછી બહાર નીકળીને સાથે ચાય પણ પીતા હોય. દલીલો સામસામી હોય પણ એમાં કશું ય અંગત ન હોય. પણ થોડા દહાડા પહેલાં સર્વોચ્ચ અદાલતની કોર્ટ નં. ૧માં વડા ન્યાયમૂર્તિ રામન્ના, ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ, પ્રદૂષણ અંગેની એક લોકહિતની અરજીની સુનાવણી દરમ્યાન બે ઉચ્ચ વકીલો, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં પ્રેસિડન્ટ વિકાસ સિંઘ આપસમાં બાખડ્યા. અમને થયું કે આ વકીલોનાં એસોસિએશનને ‘બાર’ કેમ કહેતા હશે? સારું છે આ શબ્દયુદ્ધ હતું, બાર-ફાઇટ નહોતી. નહીં તો માથા રંગાઈ જાત. પણ એ જવા દો. આજે કોઈ નૉનસેન્સ વાત કરવી નથી કારણ કે આજનો શબ્દ જ નૉનસેન્સ છે. વાત દિલ્હીનાં પ્રદૂષણની હતી. બે પર્યાવરણવાદીઓએ યાચિકા કરી કે સરકાર કાંઈ કરતી નથી એટલે કોર્ટ આદેશ કરે, સરકારને ફરજ પાડે કે આમ કરવું, તેમ કરવું.. સોલિસિટર જનરલનાં કહેવાનો એ મતલબ હતો કે પ્રદૂષણનો પ્રશ્ન સાચો છે પણ આ યાચિકા પાછળ અરજદારનો કોઈ એજન્ડા છે. અરજદાર વતી દલીલ કરતાં વકીલ અને બાર એસોસિએશનનાં પ્રમુખ ગુસ્સે થઈ ગયા. કહ્યું કે આ દરજ્જાનાં વકીલ નૉનસેન્સ વાત કરે… એ બરાબર નથી. સોલિસિટર જનરલે સામે તરત કહ્યું કે નૉનસેન્સ શબ્દ કોર્ટમાં વર્જ્ય છે, વપરાઇ શકતો નથી. અને આ શબ્દયુદ્ધ તુમુલ બને એ પહેલાં ખંડપીઠ પર બિરાજમાન ન્યાયમૂર્તિઓએ મામલો શાંત પાડ્યો. થેન્ક યૂ, માય લોર્ડ્સ. અમેરિકાનાં સ્થાપકો પૈકીનાં એક બેન્જામિન ફ્રેન્કલીન કહેતા કે જે વિદ્વાન મૂર્ખ હોય છે એ અભણ મૂરખની સરખામણીમાં પોતાનું નૉનસેન્સ સારી ભાષામાં રજૂ કરે છે, તેમ છતાં આખરે તો એ નૉનસેન્સ જ છે! આમ આ આખી વાત, આમ જુઓ તો નૉનસેન્સ જ હતી પણ જો તેમ જુઓ તો… અમને શબ્દ મળ્યો: નૉનસેન્સ (Nonsense). ગુજરાતી લેક્સિકોન અનુસાર નૉનસેન્સ એટલે અર્થહીન વાત, અક્કલ વગરની વાત, વાહિયાત (વાત), બકવાટ, મૂર્ખામીભર્યું (વર્તન). તમે કહો છો તે વાત વાહિયાત છે. અમે કહીએ છીએ કે વાહિયાતપણું પોતીકું હોય છે. કહે છે કે એકને માટે નૉનસેન્સ લાગે એ વાત બીજા માટે સેન્સવાળી હોઈ શકે. ટૂંકમાં જે વાત સુસંગત નથી, બંધબેસતી નથી એ નૉનસેન્સ છે. ‘સેન્સ’ એટલે જાણવાની શક્તિ, કશાકનું ભાન કે જ્ઞાન, સૂઝ, સંવેદ, સમજણ, અક્કલ, સહજવૃત્તિ કે પ્રેરણા, વ્યવહાર જ્ઞાન. નૉન તો આપણે જાણીએ. ‘નૉન’ એટલે નહીં. જિંદગી આખી નૉનસેન્સ છે. કશુંય સમજાતું નથી. રોજ ઊઠીને ડખ્ખો થતો રહે છે. બે ડઝન પુસ્તકોનાં બેસ્ટસેલર લેખક જેમી હોમ્સ એમનાં પુસ્તક ‘નૉનસેન્સ’માં કહે છે કે નૉનસેન્સ છે તો સારું છે. તો જ એમાંથી માર્ગ નીકળશે. પ્રોબ્લેમનો ઉકેલ આવશે. થોડી ધીરજ રાખવી. કન્ફ્યુઝન થાય તો એનો નિકાલ પણ આવશે. નૉનસેન્સ છે એટલે સેન્સ-ની વાતો સમજાય છે, લો બોલો! બકબક, બેહૂદગી એટલે નૉનસેન્સ. નૉનસેન્સ એટલે હાસ્યાસ્પદ અથવા અસત્ય વિચાર, વક્તવ્ય અથવા માન્યતાઓ. અને આવું કોઈ આપણને કહે તો એને કહી દેવાય કે ડોન્ટ ટૉક નૉનસેન્સ. નૉનસેન્સ શબ્દ નિરર્થક અસંગત અથવા અનર્ગલ આચરણ માટે પણ ઉપયોગમાં આવે; જેમ કે સાહેબ બૌ કડક છે હોં, નૉનસેન્સને જરા પણ ચલાવી ન લિયે. માટે તમે એમને રૂબરૂ મળો તો ટૂ-ધ-પોઈન્ટ વાત કરવાની, સમજ્યા ને?! ઘણી વાર કશુંક એવું લાગે કે કોઈક શબ્દો બોલાઈ તો રહ્યા છે પણ એનો કોઈ અર્થ ન નીકળે. દાખલા તરીકે દરિયામાં આગ લાગે તો માછલી ઝાડ ઉપર ચઢી જાય! અથવા પેલું ખૂબસૂરત ગીત છે ને કે ‘ખેતમેં ઊગતી ટોફી, પેડપે ફલતે લડ્ડૂપેંડે, નલ ખોલો તો કોફી.. નૉનસેન્સનો આવો એક સમાનાર્થી શબ્દ ‘એબ્સર્ડ’ (Absurd) આપણે જાણીએ છે. મૂળ લેટિન શબ્દો એબસર્ડસ (બેસૂરો) અને સર્ડસ (મંદબુદ્ધિ) પરથી આવેલો શબ્દ એબ્સર્ડ ૧૬મી સદીથી ઇંગ્લિશ ભાષામાં છે. અન્ય બે શબ્દો છે ગિબરિશ કે જિબરિશ (લવારો) અને બુલશિટ (મૂર્ખામીભર્યું). અહીં બુલ એટલે આખલો અને શિટ એટલે છાણ- એવી વાત નથી. મૂળ લેટિન શબ્દ છે ‘બૉલોક્સ’, જેનો અર્થ થાય છે નર અંડકોષ કે વૃષણ. નર જનનેંદ્રિયની નીચે આવેલાં વૃષણ એટલે બૉલ્સ. ‘બુલશિટ’ એ ઇંગ્લિશ ભાષામાં ગાળ છે. બુલશિટ કરતાં નૉનસેન્સ શબ્દ ઓછો અપમાનજનક છે. એથી વધારે સારી રીતથી કહેવું હોય તો ‘ઈટ ડઝ નોટ મેક સેન્સ’- એવું કહેવાય. અર્થ એક જ થાય, બકવાસ…. પણ કહેવાની રીત જુદી. મને લાગે છે કે હવે આ બકવાસને અહીં જ સમેટી લઈએ. નહીં તો તમે કહેશો કે મને લૉગોરીઆ (Logorrhoea) થઈ ગયો છે. ‘લૉગો’ એટલે શબ્દ અને ‘રીઆ’ એટલે ઝાડા થઈ જવા તે. ડાયેરીઆ શબ્દ તો આપણે જાણીએ જ. લૉગોરીઆ એટલે શબ્દનો અતિસાર થઈ જાય તે! વધારે પડતાં શબ્દો, એવા શબ્દો કે જેની જરૂર નથી. એકની એક વાત પણ ફેરવી ફેરવીને એવી રીતે કહે કે અંતે કવિ શું કહેવાય માંગે છે?-એ કાંઈ સમજાય જ નહીં. આ પણ તો નૉનસેન્સ જ થયું ને ભાઈ! ‘નૉનસેન્સ’ શબ્દ સુપ્રીમ કોર્ટમાં પ્રતિબંધિત છે. પણ લૉગોરીયા? કોર્ટમાં સદેહે શબદ-યુદ્ધે ચડેલાં સુપ્રીમ વકીલોને આ આજનો શબ્દ સપ્રેમ અર્પણ છે. અમેરિકન લેખક, પોલિટિકલ કાર્ટૂનિસ્ટ ડો. થિયોડર સ્યૂસ કહેતા કે મને નૉનસેન્સ ગમે છે કારણ કે એ મગજનાં કોષોને જાગૃત કરે છે. વડા ન્યાયમૂર્તિને અમારી અરજ છે કે આપણાં વિદ્વાન વકીલોનું નૉનસેન્સ ચલાવી લેવું, તંઈ શું? શબ્દ શેષ:“જ્યારે અન્ય લોકોનાં નૉનસેન્સમાં તમે અનાયાસે ખેંચાઇ જાઓ ત્યારે આ શબ્દોનું પુનરાવર્તન કરતાં રહેવું. – આ મારું સર્કસ નથી, આ મારા વાંદરાઓ નથી – આ મારું સર્કસ નથી, આ મારા વાંદરાઓ…. ” -પૉલિશ કહેવત

Leave a comment

Filed under Uncategorized