Daily Archives: જાન્યુઆરી 11, 2022

એ આવશ/યામિની વ્યાસ

  હૃદય બેસી જાય એવું દૃશ્ય આંખ સામે હતું. ઉપર ધોધમાર વરસાદ અને નીચે, નીચે માનવી સળગતા હતા. હા, એરપોર્ટથી થોડે દૂર જ લેન્ડિંગ કરતાં પહેલાં એક પ્લેન ક્રેશ થયું હતું. હંમેશા તત્પર અને ચપળ રહેતી ફાયર બ્રિગેડની ટીમ આંખના પલકારામાં કામગીરીમાં જોતરાઈ ગઈ. ઘટનાસ્થળની નજીકના વિસ્તારમાંથી દોડી આવેલા ઝૂંપડાંવાસીઓએ નજરોનજર ઘટના જોઈ હતી. અગનમાં ફેરવાતા આખા વિમાનને જોયું હતું અને નજીક જઈને સળગેલા માણસોને પણ. સૌપ્રથમ ટોળાંને દૂર કરાયું અને પછી યાત્રીઓને ગાડીઓમાં ગોઠવી ગોઠવીને સિવિલ હોસ્પિટલ તરફ રવાના કરાતા હતા. બંને પ્રકારની ગાડી હતી; એમ્બ્યુલન્સ અને શબવાહિની. શ્વાસ ચાલતા હતા એવા ત્રણેક યાત્રીઓને તાત્કાલિક પહોંચાડ્યા પછી એમ્બ્યુલન્સ પણ શબવાહિનીના કામમાં જ આવતી હતી. યુવાન સ્ટેશન ઓફિસર સૌમ્ય ભટ્ટ એક એક બોડીને ખૂબ જ સાચવીને હેન્ડલ કરવા સૂચનો આપતો હતો. અડધા બળેલા, સંપૂર્ણ બળેલાં ચહેરાઓ જોઈ ઇન્સાનિયતને નાતે કેટલીય સંવેદનાઓ જાગે પણ આ તો ફરજ હતી. ઇમોશન્સને અવકાશ નહોતો. હાથમાં જાડા રબરના ગ્લોવ્સ પહેરેલા લાશ્કરના હાથ પર કાળી ચામડીઓ રબરની જેમ જ ચોંટી જતી. એક નાનકડી બાળકીને ઉઠાવતા એનું માથું છૂટું પડી ગયું અને લાશ્કર ધ્રુજી ઊઠ્યો, પણ આ ઝડપી કામગીરીમાં એણે અટકવાનું નહોતું. એણે ખૂબ સાવધાનીથી ધડ અને માથું વ્યવસ્થિત રીતે ગોઠવ્યાં. એનો હાથ બાળકીના માથા પર ફેરવવા આપોઆપ લંબાઈ ગયો પણ બીજો સાવ ઓગળી ગયેલો દેહ એને બોલાવતો હતો. બે-અઢી કલાકની સખત કામગીરી પછી કુશળ ફાયર ઓફિસર સૌમ્ય ઘરે પહોંચ્યો અને સીધો બાથરૂમમાં ગયો.ગરમ પાણીના શાવર નીચે ડેટોલની અડધી બોટલ સાથે ઊભો રહી ગયો.પતિની ઇમર્જન્સી ડ્યૂટીથી વાકેફ સરવાણી સોહમના હાથમાંથી ટુવાલ લેતાં બોલી, “ચાલ, લંચ ગરમ કરી દીધું છે. હવે કોઈનો ફોન આવે તો પણ લઈશ નહીં,પહેલા ખાઈ લે.” પણ ફોન મુંબઈથી હતો. “હેલો મોટાકાકા! હા, મને ખબર છે. હું હમણાં જ ત્યાંથી આવ્યો. હા, એ જ… મુંબઈ ટુ અમદાવાદ. ઓહ… નો..! સૌમ્યથી એક ચીસ નીકળી ગઈ. “ના, ના. મોટાકાકા,શક્ય નથી. એક એક બોડી મારી નજર સામેથી પસાર થઈ છે. ઓહ માય ગોડ! હું સિવિલ પહોંચું છું. તમને ફોન કરું. પ્લીઝ, ટેક કેર. અવનીભાભીને સાચવજો.” કાનથી મોબાઈલ આપમેળે જ ખિસ્સામાં ગોઠવાઈ ગયો. “સરવાણી, આજે પ્લેન ક્રેશ થયું એમાં અદિત હતો પણ…” એ અડધું જ વાક્ય મૂકીને સિવિલ હોસ્પિટલ દોડી ગયો. ટોળાને વીંધતો એ દોડ્યો અને આખી દુર્ઘટના દુર્ગંધથી માથું ફાડી નાખે તેવી હતી. નાક પર રૂમાલ બાંધીને બહાવરા બેબાકળા દોડતા, રડતા અથવા તો ગભરાટના માર્યા લોકો જોઈને ચક્કર ખાઈ જવાય તેવું વાતાવરણ હતું. પણ કોણ કોને રોકે? ડેડ બોડી રૂમ ભરાઈ જવાથી બાકીની લાશોને હોસ્પિટલના પેસેજમાં જ ગોઠવવામાં આવી હતી. સફેદ ચાદરો ઓઢાડેલી હતી પરંતુ બધા પોતપોતાના સગાની શોધાશોધમાં ઝડપથી ખેંચી,ઢાંકી ન ઢાંકી ને આગળ વધતા હતા. સૌમ્યએ સૌથી પહેલા બર્ન્સ વોર્ડ આઈ.સી.યુ. તરફ જઈને વેન્ટિલેટર પર હતા તે ત્રણ યાત્રીઓને જોઈ લીધા. પછી લોબી તરફ દોડ્યો. એક એક લાશ તેણે નજીકથી જોઈ પરંતુ અદિત ન મળ્યો. એણે લીસ્ટ જોવા માટે માંગ્યું અને જોયું તો અદિત ભટ્ટ નામ એમાં હતું. ફરીથી ચકાસ્યું. પોસ્ટમોર્ટમ રૂમ, ડેડબોડી રૂમ, પેસેજ…. પરંતુ તે ક્યાંય મળ્યો નહીં. કદાચ હોય તોપણ ઓળખાય નહીં તેવી લાશોમાં તેને ઓળખવો શક્ય ન હતો. ત્યાં જ ખબર પડી કે મુંબઇથી અવની જે સ્પેશ્યલ પ્લેન ઉપડ્યું છે તેમાં આવી રહી છે. એ સીધો જ એરપોર્ટ પહોંચ્યો. કાકાને અને અવનિને લઈ આવ્યો. અવનીના મોંમાંથી રડતાં રડતાં ત્રણ જ શબ્દો સર્યા, “તેં જોયો અદીતને?” સૌમ્ય ખૂબ ધીમેથી બોલ્યો, “ભાભી, ખૂબ હિંમત રાખવી પડશે. અદિતને તમારે જ ઓળખવાનો છે.” અવની મનમાં ઘણો વલોપાત અનુભવતી હતી છતાં સ્વસ્થતા જાળવી રડવું રોકાવું પડે એમ જ હતું. સૌમ્ય અને કાકાને થયું આટલી બધી સળગી ગયેલી લાશો જોઈને અવની સંતુલન ગુમાવી દેશે. આમ તો એ પત્રકાર હતી. આવી બધી ઘણી ઘટનાઓ તેણે જોઈ હતી, તેનું રિપોર્ટિંગ કર્યું હતું. તે નીડર અને બાહોશ હતી,કેટલાયને સાંત્વના આપી હતી.વળી સેલ્ફ કાઉન્સેલિંગ શીખવી ડિપ્રેશન દૂર કરવા મોટીવેટ કર્યા હતા. પરંતુ અત્યારે વાત કંઈક જુદી જ હતી. ધબકારા ચૂકી જવાય અને કાળજુ કંપી જાય તેવા મૃતદેહો જોતી જોતી તે આગળ વધી. એમાં અદિતને શોધવા તે ધારી ધારીને, અડીને, ફેરવીને, હલાવીને અરે સાવ ભડથું થઇ ગયેલી હોય એવી લાશોને પણ કોઈને કોઈ એંગલથી માપવા પ્રયત્ન કરતી. આજુબાજુથી કેટલીય લાશો એનાં સગાંવહાલાં લઈ જતાં હતાં. અવનીને વીજળીની ગતિએ એક લખલખું પસાર થઈ ગયું. ‘આ જ અદિત…’ એવું મારે બોલવાનું આવશે ત્યારે? ખરેખર તો આવી કેટલીય ઘટનાઓ અને દુર્ઘટનાઓની પોતે તેની ફરજ દરમિયાન સાક્ષી બની હતી, પરંતુ અત્યારે તેણે સંતુલન ગુમાવ્યું. કાકાએ અને સૌમ્યએ તેને સાચવી લીધી. ડેડબોડીરૂમના એક ખૂણામાં લઈ જવાની તો સૌમ્યની હિંમત ન ચાલી. ત્યાં આખો દેહ નહીં પરંતુ વિવિધ અંગોના બળેલા ટુકડા હતા. સાંજ ઢળવા આવી. આ ત્રણેય હજુ ત્યાં જ હતા. હવે ખૂબ ઓછી લાશ બાકી હતી. ‘મીમી…મીમી…” જેવો મીઠો અવાજ સંભળાતા તેણે પાછળ ફરીને જોયું. એક નાનકડી ફૂલ જેવી બાળકીએ તેની માને ઓળખી લીધી હતી અને તેની પાસે જવાનો પ્રયત્ન કરતી હતી. તેને ક્યાંથી ખબર હોય કે આ મા હવે ક્યારેય તેને ઊંચકવાની નથી. ને એના પપ્પા ધ્રુસકે ધ્રુસકે રડતા હતા.તેની નાનકડી આંખોનું અચરજ જોઈ વિધાતાને પણ તેની આવી કિસ્મત લખવા બદલ અફસોસ થતો હશે. આ દૃશ્ય અવની ન જોઈ શકી એને એની દીકરીઓ યાદ આવી ગઈ. સૌમ્યએ કહ્યું, “આપણે ઘરે જઈએ.” અવની તરત જ બોલી, “અદિત વિના?” એક કલાક વીતી ગયો. હવે માત્ર ન ઓળખાતી હોય તેવી, હોળીમાં બળેલાં લાકડાં જેવી બે જ લાશ બાકી હતી. સૌમ્યએ કહ્યું કે, “મેં અહીં વાત કરી છે. જુઓ, અહીં હવે છેલ્લા બે જ મૃતદેહો બચ્યા છે. એમાંથી એક અદિત હોઈ શકે. આપણે હવે ઘરે જઈએ. કાલે સવારે બીજા મૃતદેહનો પરિવાર સંમત થાય તો બંનેના સાથે અંતિમ સંસ્કાર કરી શકાય. એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.” બસ હવે ઘરે જવાનું હતું. અને સવારની રાહ જોવાની હતી. બધા સગાંઓ ઘરે આવી ગયાં હતાં. અવનીને જોતાં જ દીકરીઓ સહિત બધાં તેને વળગી પડ્યાં પણ પછી એને એક રૂમમાં લઈ જવામાં આવી. ખૂબ થાકેલી અવની માના ખોળામાં માથું મૂકી પારાવાર વલોપાત પછી જાણે તંદ્રામાં સરી પડી. “બાય અનુ…!” વહેલી પરોઢે ઘરેથી એરપોર્ટ જવા નીકળેલા અદિતનો હસતો ચહેરો યાદ આવ્યો. “યાર, તેં આજે અમદાવાદ જવાનું નક્કી કર્યું? આજે તો મેં એક બીજો પ્લાન કર્યો હતો તારી સાથે. અવનીને નજીક ખેંચતા, “અરે! બે કલાકનું જ કામ છે. ચાર વાગે પાછો આવી જઈશ. બસ પછી તેં ગોઠવેલા પ્લાન મુજબ… અને સાથે સૌમ્ય અને સરવાણીને પણ મળતો આવીશ, પછી ઊડીને તારી પાસે. ને જો, મેં સૌમ્યને પણ ફોન નથી કર્યો. ચોવીસ કલાકની ડ્યૂટીવાળું બમ્બાખાનું છોડીને એ ક્યાં જવાનો? ચલ બાય…” અદિત આવવાનું કહીને જાય એ સમયે તે પાછો ન આવે એવું કદી બન્યું ન હતું. એને ટેવ હતી એરપોર્ટ પહોંચીને એક ફોન કરે જ અને કર્યો પણ હતો. ઊંઘતી દીકરીઓને પણ યાદ કરેલી.ને મને સાંજની રાહ જોવા પણ કહેલું. પછી.. એવું થયું હશે કે, આદિત્ય પ્લેનમાં બેઠો જ ન હોય, ટિકિટ ખોવાઈ ગઈ હોય અથવા તેની સીટ બીજા કોઈને અલોટ કરી હોય. ના, ના, પ્લેનમાં બેઠો હશે પણ ક્રેશ થતી વખતે સૌથી પહેલાં તે બહાર કૂદી પડ્યો હશે. હા, એવું જ હશે. એ અગાઉ મિલીટરીની ટ્રેનિંગ લેવા પણ ગયો હતો. સ્ટીલ જેવી એની બોડી છે. એની કૂદીને દોડી જ ગયો હશે. અદિત તું આમાં નહીં જ હોય.તું બચી જ ગયો હશે.મેં ખૂબ ધારીને જોયું છે અદિત તું જ મારું અતીત અને ભાવિ પણ. પ્લીઝ એક વાર કહી દેને કે તું આવીશ. આવીશને ‘અદિત?’અદિત. શબ્દ અવનીથી મોટેથી બોલાઈ ગયો. માએ ઢંઢોળી અને બોલી, “બેટા, તારું મોઢું સુકાતું હશે, પાણી પી લે.” અવની સફાળી બેઠી થઈ. બિહામણા વાતાવરણે તેને ઘેરી લીધી હતી. સવાર પડી. એને વડીલોએ સમજાવી કે બે મૃતદેહોના સાથે જ અગ્નિસંસ્કાર કરવાના છે. બીજા મૃતદેહનો પરિવાર પણ હિંદુ બ્રાહ્મણ છે અને તેમને પણ વાંધો નથી. આ સિવાય બીજું કરી પણ શું શકાય? બંને મૃતદેહોને સંપૂર્ણ ઢાંકી ફૂલોથી સજાવીને સિવિલમાં જ તૈયાર કરવામા આવ્યા. હવે તેના દર્શન સિવાય કશું જ કરવાનું નહોતું. મુખ હોય તો ગંગાજળ રેડાયને? એને નસકોરા હોય તો રૂ મુકાય ને? ચામડી હોય તો ચંદનનો લેપ કરાય ને! બસ જે છે તે આ જ છે અને અંતિમ છે. અવની સૌની સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી. તેના મનમાં આક્રંદનો પાર ન હતો પરંતુ તેણે ગાડીમાંથી ઊતવાની ચોખ્ખી ના પાડી. એ અદિત નથી. હું વિદાય નહીં આપું. મારો અદિત તો આવશે. સૌને થયું કે હવે શું કરવું? મા તેને સમજાવવા લાગી પરંતુ અવની ન માની. એની આંખમાં આંસુનું ટીપું પણ ન હતું.પણ તેણે જોયું, સામેથી આવેલી એક કારમાંથી એક યુવાન ગર્ભવતી સ્ત્રીને ટેકો આપીને માંડ ઉતારવામાં આવી. જોતા જ લાગ્યું કે પ્રસવની ક્ષણ હમણાં જ આવી જશે. મુરઝાયેલો ચહેરો, રડી રડીને એ સૂકાઈ ગયેલી આંખો અને ત્રણથી ચાર જણા તેને ટેકો આપીને બંને લાશ સુવડાવી હતી એ તરફ લઈ જતા હતા, જોઈને જ એમ થાય કે તેને શું કામ અહીં આવ્યા હશે? પરંતુ જરૂરી હતું કે તે સ્વીકારે કે તેનો પતિ મૃત્યુ પામ્યો છે.ડોક્ટરની સલાહ મુજબ એને મૌન તોડી રડાવવી અત્યન્ત જરૂરી હતી. અવની માંડ આ દ્રશ્ય જોઈ શકી, તે સ્ત્રી ઢળી પડવાની તૈયારીમાં હતી, તે ભાન ગુમાવી દે તેવું લાગ્યું પરંતુ ત્યાં જ અવની ગાડીમાંથી ઊતરી અને દોડી. અવની એ યુવાન સ્ત્રીને જોરથી વળગી પડી અને પીઠ પર હાથ ફેરવતા બોલી, “આવશે… એ આવશે…” આગલા દિવસથી મૌન થઈ ગયેલી એ યુવાન ગર્ભવતી સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. બધાના રુદન વચ્ચે પણ દબાઈ જતો, એના પેટ પર હાથ ફેરવતો ફેરવતો સ્વર સંભળાતો હતો, “એ આવશે… પાછો આવશે.” યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized