સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ +અલાયશિપ: 

અલાયશિપ: હાંસિયામાં છે તેઓનું ઉપરાણું તાણવું તેઆ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;-ના તે નહીં,એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;– તે યે નહીં.રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,તે મેદની છે જિંદગી. -ઉશનસ્ ‘અલાયશિપ’ (Allyship) આમ તો શબ્દ તરીકે આ વર્ષે જ ડિક્સનરી ડોટ કોમમાં દાખલ થયો અને આ જ વર્ષે ‘વર્ડ ઓ ધ યર’ ઉર્ફે વર્ષનો સરતાજ શબ્દ પણ બની ગયો. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘અલાય’ એટલે વિશિષ્ટ હેતુસર ભેગું કરવું અથવા એક કરવું, બીજા સાથે જોડાયેલું માણસ અથવા રાજ્ય, સંધિ, લગ્ન કે મિત્રાચારીથી જોડાવું, મિત્રરાજ્ય કે રાષ્ટ્ર, સહાયકારી, સંધિથી જોડાયેલ રાષ્ટ્ર. અને ‘-શિપ’ એટલે ભાવવાચક નામ બનાવવા માટેનો પ્રત્યય. જેમ કે સિટીઝન અને સિટીઝનશિપ. નાગરિક અને નાગરિકતા. ફ્રેન્ડ અને ફ્રેંડશિપ. મિત્ર અને મિત્રતા. મેમ્બર અને મેમ્બરશિપ. સભ્ય અને સભ્યતા. ઓહ નો! સભ્ય અને સભ્યપદ. અલાયનો અર્થ આમ તો મિત્ર, દોસ્ત કે ભાઈબંધ. ‘ભાતૃ’ અને ‘બંધુ’ મળીને શબ્દ બન્યો તે ‘ભાઈબંધ’. બહેનોની મિત્રતા માટે બહેનપણી શબ્દ છે. કોઈ છોકરો કોઈ છોકરીને ‘બહેનપણી’ કહે એમાં બહેન જેવો ભાવ હોવો જો કે જરૂરી નથી! અને આ ‘-પણું’ એટલે શિપ. છોકરીની ફ્રેંડશિપ એટલે સખીપણું. કવિ શ્રી મુકેશ જોશીનાં ગીતનો ઉઘાડ છે: મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા.. આજનો શબ્દ ‘અલાયશિપ’ એટલે મિત્રપણું. પણ મિત્રતા તો અકારણ પણ હોઈ શકે. અલાયશિપમાં અલબત્ત કોઈ ચોક્કસ હેતુ હોય છે. અહીં કોઈ સંધિ છે. કોઈ કારણ છે કે આપણે ભેગા થયા છીએ. આપણે એક જાતનાં નથી, એક જમાતનાં પણ નથી પણ એકમેકનાં વિચાર, વાણી કે વર્તનને ટેકો આપીએ છીએ. પુરસ્કૃત કરીએ છીએ. હું તમારો હિમાયતી છું. હિમાયત કરવી એટલે ટેકો આપવો, ઉત્તેજન આપવું, બચાવ કરવો, રક્ષણ કરવું, આશ્રય આપવો. એવા લોકો જે હાંસિયામાં ધકેલાયા છે. લઘુમતીમાં છે. એની લાગણી અને માંગણીમાં હું મારો સૂર પૂરાવું છું. હું તેઓને યથાશક્તિ મદદ કરું છું. એ મારી અલાયશિપ છે. આપણાં દેશમાં નથી પણ વિદેશમાં રંગભેદ છે. આપણાં દેશમાં જો કે બીજા ઘણાં ભેદ છે. આપણું કામકાજ જ ભેદી છે! પણ હા, કાળા, ધોળાંનો ભેદ નથી. વિદેશમાં ‘બ્લેક લાઇવ્સ મેટર’ જેવા વિરોધ પ્રદર્શન થાય છે. માત્ર અશ્વેત લોકો જ એવું કરે છે, એવું નથી. શ્વેત લોકો પણ એમાં જોડાય છે. આ ફ્રેંડશિપ નથી. આ અલાયશિપ છે. હમણાં ગયા અઠવાડિયે ગ્રેટ બ્રિટનનાં બ્રિસ્ટોલ શહેરમાં એક ઘટના બની. વાત જાણે એમ હતી કે શહેરની મધ્યમાં દાનવીર એડવર્ડ કોલસ્ટન(૧૬૩૬-૧૭૨૧)નું પૂતળું મૂક્યું છે. દાનવીર સાચા પણ જ્યારે લોકોને ખબર પડી કે કોલસ્ટન હબસી ગુલામોનાં વેપારમાં માલેતુજાર થયા હતા તે પછી આ પૂતળું અશ્વેત લોકોનાં વિરોધનું નિમિત બની ગયું. બ્રિસ્ટોલની ૩૦ વર્ષની છોકરી રિહાન ગ્રેહામે વિરોધ કરતા લોકોને રસ્સો આપ્યો, પૂતળાંનાં ગળામાં ફાંસો બાંધવા માર્ગદર્શન આપ્યું કારણ કે એ સ્ટેજ/ફિલ્મમાં ઉપર લાઇટિંગ ટેકનિશ્યન છે. એ જાણતી હતી કે ક્યાં રસ્સો બાંધવો અને કેવી રીતે ખેંચવો. અને પૂતળું જમીનદોસ્ત થઈ ગયું. લોકોએ એને ઢસડીને દરિયામાં નાંખી દીધું. છોકરીની ધરપકડ થઈ. એણે કહ્યું કે અમે ગયા વર્ષથી વિરોધ પ્રદર્શન કરીએ છીએ, આ ગુલામોનાં વેપારી-નું પૂતળું દૂર કરવા અમે મ્યુનિસિપાલિટીનાં સત્તાવાળાઓને કેટલીય વાર કહ્યું પણ તેઓ માન્યા નહીં. મેં આજે આવું કર્યું કારણ કે ‘કલર પીપલ’ સાથે મારી ‘અલાયશિપ’ અને ‘સોલિડારિટી’ છે. કલર પીપલ એટલે જેની ચામડીનો રંગ સફેદ નથી તેવાં બધા લોકો. આપણાં જેવા બ્રાઉન પીપલ ઉર્ફે ઘઉંવર્ણા લોકો ય એમાં આવી ગયા. અલાયશિપ એટલે હિમાયતીપણું. અને સોલિડારિટી એટલે સમસ્વાર્થતા અથવા હિતસંબંધનું ઐક્ય. રિહાન ગ્રેહામ પોતે નખશિખ શ્વેત છે. ગોરી ગોરી છે. પણ અશ્વેત લોકોની એ હિમાયતી બની ગઈ. એણે તેઓનું ઉપરાણું લીધું અને કહ્યું કે આ મારી અલાયશિપ છે. એ શબ્દ જે મૂળ તો દુશ્મનનો દુશ્મન એટલે દોસ્ત હોય એવા દેશ માટે વપરાતો હતો, એ હવે લોકસંબંધ અને જાહેર ટેકેદાર માટે વપરાવા લાગ્યો. એવા લોકોનાં અમે તરફદાર છઈએ જે અમારા જેવા નથી, અલગ છે પણ લગોલગ છે. ડિક્સનરી ડોટ કોમ દ્વારા જ્યારે અલાયશિપ શબ્દ વર્ડ ઓફ યર જાહેર થયો ત્યારે ડિક્સનરીનાં એક અધિકારી જ્હોન કેલીએ કહ્યું કે આ શબ્દ તો બે સદીથી છે પણ હવે એ એક ચોક્કસ અર્થમાં વપરાવા લાગ્યો છે. એક બીજો એવો જ લાગતો શબ્દ છે: ‘અલાયન્સ’ (Alliance). પણ એ શબ્દ અલાયશિપથી અલગ છે. અલાયન્સમાં વ્યક્તિઓ, કુટુંબો, દેશો કે પછી સંગઠનો વચ્ચેનાં સંયુક્ત આયાસ, પ્રયાસ અને હિતસંબંધોનું જોડાણ છે. અલાયશિપ-માં નિસ્વાર્થ ભાવ છે. હું સમલિંગી નથી પણ તેઓનાં અધિકાર માટે રજૂઆત કરું તો એ અલાયશિપ છે. હું અપંગ નથી પણ દિવ્યાંગનાં હક અધિકાર માટે આંદોલન કરું તો એ અલાયશિપ છે. વંચિત લોકોનાં ભલાં માટે હું તેઓનું ઉપરાણું લઉં તો એ અલાયશિપ છે. હું પોતે હાંસિયાનો માણસ નથી. પણ જે મુખ્ય ધારાથી દૂર છે એને માટે અવાજ ઊઠાવવાની મારી હિમાયત છે. અલાયશિપમાં વૈવિધ્ય છે, સમન્યાય છે અને સમાવેશ છે. અલાયશિપમાં સામાજિક ન્યાય છે, માનવ તરીકેનાં અધિકારની પુષ્ટિ એમાં થાય છે. અલાયશિપમાં જરૂરી નથી કે બહુ મોટી હોહા કરવી જ પડે. મોટું આંદોલન કરવું જરૂરી જ છે, એવું નથી. આ કામ દેખાડો કર્યા વિના કે ઢોલ પીટ્યાં વિના ય થઈ શકે. કામ ઓછું અને દેખાડો ઝાઝો એને ‘ઓપ્ટિકલ અલાયશિપ’ કહે છે. સાયલન્ટ અલાયશિપ ઘણીવાર વધારે અસરકારક નીવડતી હોય છે. અને ઘણીવાર અલાયશિપનું ભૂત વળગે તો તમે નબળાં વર્ગ માટે કાંઈ કેટલું બોલી/કરી નાંખો. અરે ભાઈ! એ લોકોને પૂછ્યું કે અમે તમારું ઉપરાણું લઈએ છે, એ તમને યોગ્ય લાગે છે? ઘણીવાર તેઓને પોતે પોતાની રીતે રજૂઆત કરવી હોય. તમે કોણ છો એમની જિંદગીમાં દખલ કરનારાં? અને એ પણ સમજી લેવું જોઈએ કે ઉપરાણું લેનાર આપણે પરફેક્ટ નથી. એટલે હરેક વખતે આપણે સફળ જ થઈએ એવું ય નથી. પણ હા, અલાયશિપમાં જે કરો એનો ફીડબેક લેતા રહેવું. ખ્યાલ આવે કે તમે કર્યું એ સારું તો કર્યું પણ સાચું કર્યું?

શબ્દશેષ:“અલાયશિપ એ એક અઠવાડિયાનો ખેલ નથી. એ આખી જિંદગીની પ્રતિબદ્ધતા છે. શીખવું, રચનાત્મક ટીકાને સમજવી, ભૂલ્યાં ત્યાંથી ફરી ગણવું, સંશોધન કરતાં રહેવું અને પરિસ્થિતિથી વાકેફ રહેવું.” –અજ્ઞાત પરેશ વ્યાસ

3 steps to kickstart your Allyship today | WCM

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.