સાચે સરનામે સ્તુતિ અને સની બેંગ્લોર આઇ.ટી.માં સાથે જ ભણતાં હતાં. સરસ રીતે સંસ્કૃત બોલી શકતી સ્તુતિ અને સડસડાટ અંગ્રેજી બોલી શકતો સની વચ્ચે હંમેશા સ્પર્ધા રહેતી. જ્યારે કોલેજમાં ટેલન્ટ કમ્પિટિશન હોય ત્યારે, માનો ને કે, બે ગૃપ જ પડી જતાં; સ્તુતિનું ગર્લ્સ ગૃપ અને સનીનું બોયઝ ગૃપ. બંને પોતાની કમાલ દેખાડી શકતાં. સમય જતા આ સ્પર્ધા સ્નેહમાં પરિણમી. સ્તુતિ અને સનીને એક જોવા માટે સૌ મિત્રો પણ તત્પર હતા. ઘણી વાર તો એવી પણ અફવા ફેલાતી કે તે બંનેને જ ખબર ન હોય! બંનેમાં એક સામ્યતા હતી કે, બંને સેવાકીય પ્રવૃત્તિમાં રસ ધરાવતાં હતાં. અભ્યાસ દરમિયાન તેઓ બંને એક એનજીઓ સાથે સંપર્કમાં રહીને સેવાપ્રવૃત્તિ કરતાં રહેતાં. રક્તદાન, નેત્રદાન કે દેહદાન કરવા માટે લોકોને તૈયાર કરતાં. એ માટે રક્તદાન શિબિર જેવા ઘણાં આયોજનો કરતાં. તેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ બનાવતા અને એ રીતે લોકજાગૃતિનું પણ કાર્ય કરતાં. સ્તુતિ અને સનીની યુવા ટીમ બની ગઈ હતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતી હતી. હોટલોમાં જમવાનું બચ્યું હોય તો ત્યાંથી એકઠું કરીને ગરીબોને ને ઝુંપડાવાસીઓને પહોંચાડતાં. પોતાના ખર્ચે ગાડી કરીને પહોંચી જતાં. જૂનાં રમકડાં, કપડાં, પુસ્તકો પણ તેઓ આ રીતે જરૂરીયાતવાળાને પહોંચાડતાં. એમ સમજો કે, તેઓએ એક મિશન ઉપાડયું હતું અને તેથી તેઓ બંને એ સાથે રહેવાનો નિર્ધાર કર્યો હતો. તેઓ બંનેએ નક્કી કર્યું હતું કે, જીવનમાં પોતાનાં ક્ષેત્રમાં કામ કરતાં કરતાં આ બાબત પર પણ સાથે રહીને કામ કરવું. કૉલેજનું છેલ્લું વર્ષ પૂરું થાય પછી તે ઘરે જઈને સ્તુતિએ પપ્પાને વાત કરવાનું નક્કી કર્યું હતું. તેના પપ્પા જ્ઞાતિ-જાતિમાં માનનારા રૂઢીચુસ્ત હતા, પરંતુ સ્તુતિ જાણતી હતી કે, તેના પપ્પા તેને ખૂબ વહાલ કરે છે એટલે સનીની જ્ઞાતિ અને કામ તેઓ સ્વીકારી લેશે. પપ્પા જરૂર માની જશે એવો એને વિશ્વાસ હતો. સની સામાન્ય ઘરનો છોકરો હતો અને બેંગ્લોરમાં રહેતો હતો. જ્યારે કે, સ્તુતિ મુંબઈમાં રહેતી હતી. તેનું એડમીશન બેંગ્લોરમાં લીધું હતું અને તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. બંનેનું ભણતર પૂરું થયાં પછી સ્તુતિ સનીને પ્રોમિસ કરીને પોતાના ઘરે જવા નિકળી. બધા તેની રાહ જ જોઈ રહ્યા હતા કે, સ્તુતિ ક્યારે ઘરે આવે! તે સૌની લાડકી દીકરી હતી. સ્તુતિના આવ્યા પછી તેને સની યાદ આવતો, કૉલેજ કેમ્પસ,તેનું ગ્રુપ, મસ્તી તોફાન, કે એક્ટિવિટીઝ સઘળું ખૂબ યાદ આવતું. તે સની સાથે,તેની ટીમ સાથે અને ઘણા બધા મિત્રો સાથે ફોન પર વાતો કરતી. તેની સહેલી નિકિતાએ પૂછ્યું કે, “તેં ઘરમાં વાત કરી કે નહીં?” સ્તુતિ એ કહ્યું કે, “આજે પપ્પા સાથે વાત કરીશ.” સાંજે પપ્પાની રાહ જોવા માંડી. પપ્પા ઓફિસેથી આવ્યા. શનિવાર હતો અને પપ્પાને થાક્યાપાક્યા આવેલા જોઈને સ્તુતિને થયું કે, કાલે રવિવારે સવારે જ વાત કરીશ. પણ, સાંજે જમીને પરવાર્યા પછી તેના પપ્પાએ સ્તુતિને કહ્યું, “મેં તારા માટે એક છોકરો જોઈ રાખ્યો છે. તું ઓળખે જ છે. મારા મિત્ર અશોકનો દીકરો વિનય. તું જાણે જ છે કે તેઓ ખાધેપીધે બહુ સુખી લોકો છે.વિનય દેખાવડો છે અને હોશિયાર બિઝનસમેન છે. મમ્મી પણ રાજી છે. તું જ્યારે બેંગ્લોર હતી ત્યારે અમે નક્કી કરી રાખ્યું હતું. સ્તુતિ જવાબ ન આપી શકી. તે ચુપચાપ રૂમમાં ચાલી ગઈ. મમ્મીપપ્પાને એમ લાગ્યું કે, તે શરમાઈ ગઈ હશે. બીજા દિવસે સવારે તેણે પપ્પાને સની વિશે વાત કરી. સનીની જ્ઞાતિ, અભ્યાસ ને પ્રકૃતિ વિશે. એણે જણાવી દીધું કે પોતે સની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પરંતુ પપ્પાએ સખત વિરોધ દર્શાવ્યો. તેઓ કશું જ બોલ્યા નહીં. સ્તુતિએ તેની મમ્મીને એ બાબતે પૂછ્યું. મમ્મીએ કહ્યું, “પપ્પાની ઈજ્જતનો સવાલ છે હવે. આપણું ખાનદાન અને તું કહે છે તે તારા મિત્રનું ખાનદાન ઘણું જુદું છે. પપ્પાની વાત માની લે.” પણ, સ્તુતિએ પપ્પાને ફરી આગ્રહ કરી જોયો પણ પપ્પા એક ના બે ન થયા અને સખત રીતે સ્તુતિને ઠપકો આપીને પોતાની નારાજગી દર્શાવી. સ્તુતિએ ધીરજ રાખી કે, સમય જતાં કદાચ પપ્પાનો નિર્ણય બદલાઈ શકે. દરમિયાન પપ્પાને હાર્ટએટેક આવ્યો. એમને હોસ્પિટલમાં દાખલ કર્યાં. સ્તુતિ પપ્પા પાસે ગઈ અને તેમના માથે હાથ ફેરવ્યો. પપ્પાએ કહ્યું, “દીકરા, મારી છેલ્લી ઈચ્છા પૂરી કર. અને આ લગ્ન કરી લે. સ્તુતિ રડી પડી અને બોલી, “પપ્પા તમારી છેલ્લી ઇચ્છા નહીં, બધી જ ઇચ્છાઓ પૂરી કરીશ. પણ આવું શા માટે બોલો છો?” લગ્નના આગલા દિવસે સ્તુતિ નિકીતાના ઘરે ગઈ. તેને મળવા માટે બેંગલોરથી સની મુંબઈ આવ્યો હતો. સની સાથે મળીને છેલ્લી વાતો કરી. બંને ખૂબ દુખી થયાં, પરંતુ તેમની પાસે કોઈ ઉપાય ન હતો. સનીએ કહ્યું, “સ્તુતિ, તું પરણી જા અને તારો સંસાર સુખેથી ભોગવજે. હવે આપણે ક્યારેય એકબીજાને મળવાની ઈચ્છા નહીં કરીએ.હા, હું હંમેશા સતત તારે માટે ઝંખતો રહીશ.” અને એણે મનોમન નિર્ધાર કર્યો કે સ્તુતિ વગર એ બીજા કોઈને પરણી નહીં શકે. બંને ખૂબ ભારે હૈયે આંખમાં આંસુ સાથે છૂટાં પડ્યાં. સ્તુતિ તેના પપ્પાની ઈચ્છા મુજબ પરણી ગઈ. વિનય સ્વભાવે ને દેખાવે સારો હતો, પણ પાકો બિઝનેસમેન હતો. તેઓનું લગ્નજીવન સારું ચાલવા લાગ્યું. સ્તુતિને જોબ કરવાની ઈચ્છા હતી, પરંતુ વિનય અને તેના ઘરનાઓએ કહ્યું, “ઈશ્વર કૃપાથી આપણને કોઈ વાતે ખોટ નથી. તારે નોકરી કરવાની જરૂર નથી. ઘર-પરિવારનો સમય સાચવીને જે કરવું હોય તે કર. તને છૂટ છે.” સ્તુતિએ ફરી સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરી. તેણે નાનકડી ટીમ બનાવી અને જે પ્રવૃત્તિ તે બેંગ્લોરમાં કરતી હતી તે અહીં કરવાનું શરૂ કર્યું. લોકોને રક્તદાન, નેત્રદાન ને દેહદાન વિશે તે સમજાવતી. અનાથ બાળકો, અંધજનો ને નારી સંરક્ષણ કેન્દ્રો વગેરેમાં જઈને સેવા આપવાનું શરૂ કર્યું. ઘરમાં કોઈનો જન્મદિવસ હોય કે વર્ષગાંઠ હોય તો સ્તુતિ વિનય પાસેથી ખાસ ગિફ્ટ માંગતી અને મોટું દાન એ સેવાપ્રવૃત્તિમાં કરાવતી. આ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી સમય સારી રીતે જતો.તેને બે સોહામણાં બાળકો થયાં. તેનો જીવનસંસાર સરસ ચાલતો હતો. આમ, સ્તુતિ ઘર અને પરિવાર સાચવતી સાચવતી આ પ્રવૃત્તિમાં ડૂબતી ગઈ. એક દિવસ સ્તુતિ કોઈ એન.જી.ઓ.માંથી કામ પતાવીને આવતી હતી. રાત્રે થોડું મોડું થયું હતું. ડ્રાઈવરને તેણે સૂચના આપી કે, ‘ગાડી ઝડપથી ઘરે લઈ લે.’ ઉતાવળમાં આવવામાં ચાર રસ્તા પર અકસ્માત થયો. ગંભીર હાલતમાં સ્તુતિને હોસ્પિટલ લાવવામાં આવી. ડ્રાઇવરનું તો સ્થળ પર જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. સૌ દોડાદોડીમાં પડી ગયા. ગમે તેટલો ખર્ચ થાય તો પણ સ્તુતિને બચાવવા માટે વિનય પાછું વાળીને જોતો ન હતો. આર્થિક રીતે તો કોઈ સમસ્યા જ ન હતી. સ્તુતિ માટે દવા અને દુઆ બંને એકધારાં ચાલતાં હતાં. તેની સાથે સંકળાયેલી એન.જી.ઓ., મિત્રો, સગાંસંબંધીઓ, કુટુંબીઓ, તેનાં બાળકો એમ બધાં જ ખૂબ દુઃખી હતાં. બધાં જ તેને માટે પ્રાર્થના કરતાં હતાં. પણ થાય શું? સ્તુતિની સ્થિતિ વધુ બગડતી ગઈ. આખરે ડૉક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરી. સૌને માટે એ આઘાતજનક હતું. વિનયે થોડી સ્વસ્થતા રાખીને સ્તુતિની ઈચ્છા પ્રમાણે તેના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું. બધાએ વિનયની હિંમત માટે દાદ આપી અને સહમતિ દર્શાવી, કારણ કે સ્તુતિનું તો કાર્ય જ સેવાનું હતું. અને તેની આ પણ અંતિમ સેવા બની રહે તે ઇચ્છનીય હતું. સ્તુતિની આંખો, લીવર, કિડની અને હૃદય સાથે અન્ય અંગોનું પણ દાન કરવામાં આવ્યું. આંખો તો તાત્કાલિક મુંબઈમાં જ કોઈ છોકરાને અપાઈ. તે રીતે કિડની અને લીવર પણ બીજા શહેરમાં આપવામાં આવ્યું. તેનું હૃદય ગ્રીન કોરિડોરમાં ધબકતું ધબકતું ત્યાં પહોંચ્યું હતું જ્યાં તેનાં હૃદયનું સાચું સરનામું હતું. એક વરસથી કાર્ડિઓ માયોપથી ડિસઓર્ડરથી પીડાતા, ચેન્નઈમાં રહેતા, સની પાસે….. હવે સ્તુતિ સનીની છાતીમાં ધબકી રહી છે. .