Daily Archives: જાન્યુઆરી 17, 2022

ક્યાં જઈએ?/યામિની વ્યાસ

બાજુના બૅડ પરથી કણસવાનો અવાજ પરિચિત લાગતા મુદિતની નજર અનાયાસ એ તરફ ગઈ. ‘આ તો નંદિની, એ ક્યાંથી હોય?…. ગઈકાલ રાત સુધી તો અહીં કોઈ વૃદ્ધ કાકા હતા. એ ક્યાં ગયા? તેમને શિફ્ટ કર્યા કે તેમનું મૃત્યુ થયું? મને એવી તે કેવી ઊંઘ આવી ગઈ કે ખબર જ ન પડી! આ હોસ્પિટલ નહીં, આ તો ટ્રેન જેવું છે. કોરોનાકાળમાં તો બાજુની સીટ પણ ફટાફટ બદલાય છે. મુસાફરો પળવારમાં જ પોતાનું સ્ટેશન આવતાં ચૂપચાપ ઊતરી જતા હોય છે અને નવા મુસાફરો તેનું સ્થાન લઈ લેતા હોય છે. મને એવી તે કેવી ઊંઘ ચડી ગઈ? અહીં નંદિની…. એ વળી ક્યારે? મુદિતે ઘેરણભરી આંખો ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો. ‘અરે… હા! લાગે તો એ જ છે. એની સૂવાની આ સ્ટાઇલ આ જ રીતે; કોણીથી હાથ આડો રાખીને માથાની ફરતે મૂક્યો હોય અને બીજો હાથ… હા વળી, મારી છાતી પર જ રહેતોને!’ નેઝલ કેન્યૂલા લગાડીને સૂતેલી નંદિની પર મુદિતની નજર પડી. બીજી જ પળે વિચાર ઝબકયો, ‘અરે! નંદિનીને કોરોના થયો છે તો મારી પિંકી કોની પાસે હશે? તેને તો કોરોના…. ના, ના, એને નહીં જ થયો હોય.’ પિંકીની વાત યાદ આવતાં મુદિત એકદમ ગભરાઈ ગયો. તેણે મનોમન પ્રાર્થના કરી કે, પિંકી સલામત જ હશે. તેને નંદિનીને પૂછવાનું મન થઈ ગયું પરંતુ એ સૂતેલી હતી. મુદિત અને નંદિની પતિપત્ની હતાં. ચાર વર્ષ પહેલાં બંનેએ છુટાછેડા લીધાં હતાં. દીકરી પિંકી નંદિની પાસે અને દીકરો ચિન્ટુ મુદિત પાસે રહે એ શરતે બંને છૂટાં પડ્યાં હતાં. જોકે, બંને બાળકોને વારાફરતી મમ્મીપપ્પાને મળવાની છૂટ હતી. તેઓ મળતાં પણ હતાં પરંતુ ધીરેધીરે ઓછું થતું ગયું. આમ તો આ ખૂબ સોહામણું જોડું હતું. અદેખાઈની આંખ ફૂટે એટલું સોહામણું! પરંતુ ધીરેધીરે થોડાં વર્ષોમાં, શું થયું તે ખબર નહીં, પરંતુ કોઈની નજર લાગી ગઈ. આર્થિક રીતે બંને પોતપોતાની રીતે પહેલેથી પગભર જ હતાં. નંદિનીને સારી જોબ હતી અને મુદિત પણ ઘંઘામાં સારું કમાતો હતો. ધીરેધીરે નાનીનાની વાતમાં બંને વચ્ચે કચકચ થયાં કરતી.અને પછી સુલેહ માટે એકેય માનવા તૈયાર ન થતું. જ્યારે લડાઈ થતી ત્યારે ચારપાંચ દિવસ તેઓ છૂટાં પણ પડી જતાં. નંદિની પિયર ચાલી જતી અથવા તો મુદિત પોતાના ભાઈના ઘરે જતો રહેતો. બંનેનાં ઘરનાં વડીલોએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આખરે તો અહમ એટલે સુધી ટકરાયો કે બંને છૂટાં પડીને જ રહ્યાં. તેનું કારણ શું હતું તે કદાચ તે બંનેને પણ સમજાયું ન હતું. છૂટાછેડા પછી તેઓ શરૂઆતમાં સુખ અનુભવવાં લાગ્યાં કે, હાશ! રોજની કચકચથી છૂટયાં. બંનેને ભાગે આવેલાં સંતાનોને વિશેષ પ્રેમ આપીને ઉછેરવાં લાગ્યાં. મુદિતને કોરોના થયો હતો અને તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. આમ તો તે આવ્યો ત્યારે તો ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હતો પરંતુ અત્યારે ઓક્સિજન લેવલ ઠીક હતું. તેની બાજુની જ પથારીમાં નંદિની એડમિટ થયેલી હતી. મુદિત વિચારમાં ખોવાઈ ગયો. રાતે પોતે સૂઈ જ ન હતો શક્યો ને વિચારોમાં જ સવાર પડી ગઈ હતી. સવારે મુદિતની આંખ ઘેરાઈ અને તેને ઝોકું આવી ગયું. સવાર પડતાં નંદિની જાગી. તેની બાજુમાં કોઈ મોટેથી ઘોરતું હતું. એ ચીડ સાથે બોલી, ‘આવું મુદિત જેવા ભયાનક નસકોરાં બોલાવતું કોણ ઊંઘતું હશે? અને જોયું તો બાજુમાં મુદિત જ હતો. શ્વાસ લેવામાં નંદિનીને ખૂબ તકલીફ પડતી હતી છતાં પણ મોઢું બગાડીને મુદિત તરફ જોઈ રહી. અહીં પણ મારી બાજુમાં? ઓહો…! મરીશ તો પણ તેની બાજુમાં જ મરીશ? ભગવાન પણ કેવું નિર્માણ કરે છે? પરંતુ નંદિની પળમાં જ પત્નીમાંથી મા બની ગઈ. તેને ચિન્ટુ યાદ આવ્યો અને વિચાર્યું કે, મુદિત અહીં છે તો ચિન્ટુને કોણ સાચવતું હશે? અત્યારે તો લોકડાઉનમાં બાપ દીકરો સતત સાથે જ હશે. એને તો કોરોના નહીં થયો હોય ને? ના, ના, એને નહીં જ થયો હોય. મારો ચિન્ટુ…. એ લગભગ રડી પડી. નંદિનીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી એ દવા કે સવારની ચા ન લઈ શકી. મુદિત પણ ઉઠી ગયો. બંનેએ આંખોથી એકબીજા સાથે વાત કરી લીધી પરંતુ એમાં ભારોભાર તિરસ્કાર અને નફરત જ હતી. બંનેને થયું કે, બૅડ બદલાવડાવી દઈએ પણ જ્યાં બૅડની જ અછત હોય ત્યાં શું થઈ શકે?આ તો ઓક્સિજન માટેનો તરફડાટ. ટ્યૂબ દ્વારા મળતા ઓક્સિજનમાંથી શ્વાસ લેવાના તે પણ બાજુબાજુમાં! બંને માટે ખૂબ કપરી પરિસ્થિતિ હતી. બંને એકબીજાથી મોઢું ફેરવીને સૂવાનો પ્રયત્ન કરતાં હતાં પરંતુ આમ જુઓ તો, મોઢું ફેરવી શકતાં ન હતાં. હોસ્પિટલમાંથી આવેલા લંચ માટે પણ મુદિત હોસ્પિટલ સ્ટાફને ફરિયાદ કરતો કે, ‘આવું નથી ભાવતું. મોઢામાં ટેસ્ટ બદલાઈ ગયો હોય ત્યારે આવું ખાવાનું આપો છો? અને તે પાછું આપી દેતો. નંદિનીને તેનો ભૂતકાળ યાદ આવી જતો. ‘હા, મુદિતના આવા જ નખરા… મારા સિવાય કોઈનું પણ બનાવેલું તેને ટેસ્ટી લાગતું. હું કેટલી મહેનત કરીને બનાવતી! પરંતુ તે આવું જ કહેતો. તેનો સ્વભાવ ક્યારેય નહીં બદલાય. આ માણસ સાથે કોઈ કદી રહી જ ના શકે.’ મુદિતે એકવાર નંદિની સાથે ફોન પર પિંકીને વાત કરતા સાંભળી. પૈસાના રોકાણની બાબત હતી અને એ માટે નાનાજી સાથે જઈ એફ.ડી. તોડાવવાની વાત હતી. મુદિતને થયું કે, હજુ નંદિની હિસાબ અને ગણતરીમાં કાચી જ છે. એનું શું થતું હશે? ઘર કેમ ચલાવતી હશે? પછી પિંકીના ભવિષ્યનું શું? હોસ્પિટલમાં પણ બંને આઈસીયુમાં માંડમાંડ રહેતાં હતાં. એકેયથી બોલી તો નહોતું શકાતું પરંતુ એકબીજા સાથે નજરથી વાતો થઈ જતી હતી. ધીરેધીરે નંદિનીની તબિયત બગડતી ગઈ. મુદિતને પૂછવું હતું કે, તું હોસ્પિટલનું બિલ કેવી રીતે મેનેજ કરશે? હોસ્પીટલમાં કોઈને પ્રવેશ મળતો ન હતો. સગાંવહાલાં બહાર જ ડૉક્ટરને મળીને ચાલ્યાં જતાં. જોકે, તેઓને ખબર હતી કે, બંનેનાં બૅડ બાજુબાજુમાં જ હતાં. એકવાર મુદિત ચિન્ટુ સાથે વિડીયોકૉલ પર વાત કરતો હતો અને નંદિનીથી ન રહેવાયું. તેણે કહ્યું, ‘મુદિત મને ફોન આપ.’ પરંતુ મુદિતે ફોન કાપી દીધો. એ જ રીતે પિન્કી સાથે વાત કરતી વખતે પણ થયું. ધીરેધીરે બંનેને અહેસાસ થવા લાગ્યો કે જ્યાં શ્વાસ જ નહીં રહે તો બાળકોનું શું થશે? કોણ સાચવશે તેમને? બંનેને એકબીજા સાથે વાત કરવી હતી પરંતુ પહેલ કોણ કરે? કોરોના કરતા પણ ગંભીર પરિસ્થિતિ મનની હતી. નંદિનીની તબિયત વધુ બગડતી ગઈ. નંદિનીને પણ થયું કે, હવે હું કદાચ નહીં બચું. ડૉક્ટર જ્યારે તપાસવા આવ્યા ત્યારે નંદિનીની હાલત જોઈને મુદિતથી બોલાઈ ગયું, “ડૉક્ટર, મહેરબાની કરીને એમને બચાવી લેજો.” ડૉક્ટરને નવાઈ લાગી. નંદિનીના રોમરોમમાં જાણે ચેતના જાગી ઊઠી. તેના જીવમાં જીવ આવ્યો. આ એક જ વાક્ય તેને બચવા માટે પૂરતું હતું. મુદિતથી અચાનક જ બોલાઈ ગયું હતું. તેને મનમાં થયું કે, નંદિની બચી જાય તો બંને બાળકો સચવાઈ જશે.મારે ડાયાબિટીસ છે, હું કદાચ નહીં જ બચું.ડોક્ટરના ગયા પછી ધીરેધીરે તેઓએ આંખોથી વાત કરવાનું શરૂ કર્યું. બંનેના ચહેરા પર નરમાશ હતી એના પર ટપકતા આંસુ ઘણું કહી જતા હતા. આખરે મુદિતે પહેલ કરી, “હવે કદાચ હું બચું કે ન બચુ, પરંતુ તારે તો જીવવું જ પડશે, નંદિની.” નંદિનીથી બોલાય તેમ ન હતું. તેણે ઈશારાથી સમજાવ્યું કે, “મારે નહીં… તારે બચવાનું છે. તું જ બાળકોને વધારે સારી રીતે કેળવી શકે તેમ છે. મારામાં હવે બહુ તાકાત નથી.” ધીરેધીરે બંને એકબીજાની કાળજી લેવાં લાગ્યાં. હોસ્પિટલના સ્ટાફને નવાઈ લાગી કે, બે પેશન્ટને એકબીજા માટે આવી લાગણી કેમ થઈ આવી? પણ પછીથી સૌ બંનેની વાસ્તવિકતા જાણી ગયા. સૌ એ બંનેને એવી રીતે જોતા, જાણે કહેતા ન હોય કે હવે તમે બંને એક થઈ જાઓ! અને તે બંનેને પણ થતું કે, હવે જ્યાં એક એક શ્વાસ માટે તકલીફ પડે છે, મોત સામે ઊભું છે ત્યારે આગળનું જીવેલું બધું બાદ કરીને ફરીથી…… ને નંદિનીએ મુદિત તરફ હાથ લંબાવ્યો. મુદિતે તરત જ એમાં પોતાની હથેળી મૂકી દીધી. ને બીજા દર્દીઓ પણ ઘડીભર દુઃખ ભૂલી આંખોમાં ભીનાશ સાથે બંનેને જોઈ રહ્યાં. લગભગ એક અઠવાડિયું બંનેની સારવાર ચાલી પણ વધારે તો એકબીજાની હૂંફથી બંને સાજા થયા ને બંનેને રજા પણ સાથે જ મળી. બંનેને વિદાય આપવા આખી હોસ્પિટલ ભેગી થઈ ગઈ. દરેક પેશન્ટને સાજા થતી વખતે તાળીઓ પાડીને વિદાય આપવામાં આવતી, પરંતુ આ એક વિશેષ અવસર હતો. બધાએ તાળીઓથી અને ફૂલની પાંખડીઓ વેરીને તેમને વિદાય આપી. ખુશીથી બંનેની આંખ ભરાઈ ગઈ. નંદિનીને તો લાગ્યું કે, જાણે ફરી મુદિત સાથે લગ્ન થયાં હોય ને વિદાય થઈ રહી છે! હોસ્પિટલ બહાર બંનેનાં વડીલો સાથે પિંકી અને ચિન્ટુ પણ લેવાં આવ્યાં હતાં. નંદિનીએ પૂછ્યું, “ક્યાં જઈએ?” મુદિતે કહ્યું, “આપણા ઘરે…..સ્તો!”

Leave a comment

Filed under Uncategorized