Daily Archives: જાન્યુઆરી 18, 2022

આકાશવાણી /યામિની વ્યાસ

સવારે ઉઠતાંવેંત આકાશ આકાશને તાકતો રહ્યો.હંમેશા સ્વચ્છ તરોતાજા રહેતા ગમતીલા વાદળો ગોરંભાયા હતા.”ઓહોહો, દોસ્ત આજે તો તારો ઘેરો રંગ! કોણ તને સવાર સવારમાં રંગી જાય છે ભાઈ! પણ જરા થોભજે, છોકરીઓને સ્કૂલે મૂકી આઉં ને ઓફિસે પહોંચું ત્યાં સુધી. હજી તો રેઇનકોટ પણ નથી કાઢ્યા સ્ટોરરૂમનાં કબાટમાંથી.”કયા ખાનામાં છે યાદ તો છેને?” પાછળથી ખડખડાટ હસતી વાણીનો મીઠો સ્વર સંભળાયો.”ઓયે, ખબર છે, ઉપલા ખાનામાં કાળી પ્લાસ્ટિક બેગમાં પેક કરીને મૂક્યા છે. એય ટેલકમ પાવડર છાંટીને. તેં એવો મને ટ્રેઈન કરી દીધો છે કે…” હળવું સ્મિત આપી આકાશે ત્રણેય રેઇનકોટ કાઢ્યા. “ઓહ,તાન્યાનો રેઇનકોટ તો બગલમાંથી ફાટી ગયો છે ને આન્યાના રેઇનકોટનું તો પહેલું બટન જ નથી! ચાલ, કંઈ નહીં આજે બાઇકને બદલે ઉબર કરી બન્નેને મૂકી આવીશ. વાણીને કહેવું જ નથીને! ચલો આનુ.. તાનુ.. દૂધ નાસ્તો રેડી કર્યો છે.યુનિફોર્મ પહેરી આવી જાઓ જલ્દી.” આન્યા તાન્યા બન્ને યુનિફોર્મ પર નવનક્કોર રેઇનકોટ પહેરી સ્કૂલબેગ લઈ આવી ગઈ.”પાપુ.. આજે તો મસ્ત વરસાદ પડવો જોઈએ.”” હા પાપુ..તોજ આ રેઇનકોટ પહેરવાની મજા આવે.”બન્ને મીઠડીઓના ટહુકા સાંભળ્યા.પણ રેઇનકોટ કોણ લાવ્યું એ પૂછવાની એને જરૂર ન લાગી.બન્ને દીકરીઓ ઉત્સાહથી વરસાદની રાહ જોતી આકાશની પાછળ બાઇક પર ગોઠવાઈ ગઈ. જરાકજ આગળ રસ્તાના વળાંક પર બરાબર કક્ષાના ઘર પાસેથી પસાર થતાં ફોરાં વરસવા શરૂ થયાં. આન્યા તાન્યાએ મોજમાં આવી બૂમ પાડી,”કક્ષામાસી…” ને કક્ષા પણ હાથ હલાવતી બાલ્કનીમાં રાહ જોતી ઊભી જ હતી.” આકાશે પણ આભારનું સ્મિત વેર્યું. આકાશ, વાણી અને કક્ષા શાળા સમયથી મિત્રો.પછી અલગ અલગ લાઇન લેતાં જુદી જુદી કોલેજમાં પણ મિત્રતા અકબંધ. વિકેન્ડમાં અચૂક મળતાં.ઘણાં બધાંને અદેખાઈ આવતી અને મસ્તીમાં કહેતાં પણ ,”જોજો, આકાશ બન્નેને પરણશે.” આ વાત ત્રણેય હળવાશથી લેતાં.સમય વીતતો ગયો.પોતપોતાના કામમાં મળવાનું ઓછું થતું ગયું.પણ ઘરેથી લગ્નનું દબાણ આવ્યું ત્યારે વાણીથી ન રહેવાયું. બન્નેને ફોન કરી કેફે પર બોલાવ્યાં. “જૂઓ, મારે ઘરે તો મારાં મામી માગું લઈને આવ્યા છે એ વાતો ચાલે છે, આકાશ તું અને કક્ષા એકબીજા સાથે ખુશ હો તો હું ઘરે છોકરો જોવા હા પાડું.”બન્ને ખડખડાટ હસી પડ્યાં,આકાશે ધબ્બો મારતા કહ્યું “યાર, મેં તો આ બાબત કશું વિચાર્યું પણ નથી,પહેલાં બરાબર સેટલ તો થાઉં!””ને આપણે તો કદી લગ્ન ન કરવા એ નક્કી કર્યું જ છે, મેં તને ઘણીવાર કહ્યું પણ છે વાણી.””હા, પણ એ તો પહેલાં બધાં જ કહે, હું પણ નહોતી કહેતી પણ…”” જે હોય એ મારું તો નક્કી જ છે આજીવન નહીં પરણવાનું.આપણે ભલા ને આપણાં ડાન્સ કલાસ ભલા” કક્ષાએ કોફી પર આવેલી મલાઈ ચમચીથી ઊંચકી સાઈડ પર મૂકી.આવા સંવાદોથી છુટા પડેલાં ત્રણેય થોડાં સમય પછી આકાશ અને વાણીના લગ્નમાં સજીધજીને ખુશખુશાલ મળ્યાં. આકાશ અને વાણીનું સુમધુર લગ્નજીવન મહેકાવતાં આન્યા ને તાન્યા જન્મ્યાં.ને કક્ષાના નૃત્યકળા વર્ગનું મોટું નામ થઈ ચૂક્યું. હજુય ત્રણેય મિત્રો ઘણીવાર મળતાં. અને આન્યા તાન્યા આવ્યા પછી તો મુલાકાતો ખૂબ વધતી ગઈ. બન્ને ભાણીઓ ક્ક્ષામાસીની લાડલી હતી.” મારી પાસે રહેશે બન્ને, જાઓ ફરી હનીમૂન ટુર પ્લાન કરો.” હસતી હસતી કક્ષા કહેતી ને આન્યા તાન્યાને પણ કક્ષા સાથે મજા પડતી.ને કક્ષા બંનેને જીવની જેમ સાચવતી.” કક્ષા એઓને નૃત્યની તાલીમ પણ આપતી.”જુઓ, કક્ષામાસીને હેરાન નહીં કરતાં, એ તમારાં ટીચર પણ છે,પરીક્ષા પણ લેશે.”ફોન પર વાણી કહેતી ત્યારે, “ટીચર હોગી તુમ્હારી મમ્મા, હમારી તો જાન હૈ.હૈના કક્ષા માસી!” હિન્દી ફિલ્મ જોતાં જોતાં ખડખડાટ હસતી બેમાંથી એક ડાયલોગ મારતી ને કક્ષા વહાલથી બંનેને ગળે વળગાડતી. વાણી અને આકાશની ભરી ભરી જીંદગીથી હંમેશ ખુશ થતી કક્ષાને વાણી વ્હાલપૂર્વક સમજાવતી.”તું પણ લગ્ન કરી લે,ચાલ હું અને આકાશ છોકરો શોધવામાં મદદ કરીએ.” કક્ષાના માબાપ પણ એ બાબત ખૂબ ચિંતા કરતાં. આકાશે પણ એમને ધીરજ આપી કે,” અમે એને મનાવીશું. એને ગમતું પાત્ર શોધી આપીશું.અરે કક્ષાની કક્ષાનું શોધીને જ રહીશું.”પણ માને એ કક્ષા નહીં.બધાં સમજાવી થાકી ગયાં. આન્યા તાન્યાને શાળાએ મુકવા જવાનો ક્રમ આકાશનો હતો જ્યારે લેવા વાણી જતી.એક દિવસ ઘરે ઇલેક્ટ્રિશીયન રીપેરીંગ માટે બોલાવ્યો. એ મોડો આવ્યો. વાણીને થયું,”લાવ,કક્ષાને કહી દઉં, જરા છોકરીઓને લઈ આવ,” પણ એટલામાં તો ઇલેક્ટ્રિશીયને થોડીવારમાં કામ પતાવી આપ્યું.એને ફટાફટ પૈસા આપી,ઘર બંધ કરી વાણીએ એક્ટિવા સ્કૂલ તરફ ભગાવ્યું.સ્કૂલ છૂટ્યા પછી બાળકોને સમયસર લેવા ન પહોંચાય તો કેવી કેવી ઘટનાઓ બને છે એના બિહામણા કેટલાય વિચારો એનાં મનમાં ફરી વળ્યાં. એણે જલદી સ્કૂલે પહોંચવા સ્પીડ વધારી પણ એ ખરેખર સ્કૂલે ન પહોંચી સામેથી પુરઝડપે આવતી બાઈક સાથે અથડાઈ ને સીધી હોસ્પિટલમાં. ઘણી ગંભીર પરિસ્થિતિમાં જાણે બધાને અલવિદા કરવાજ ચારેક દિવસ જીવી. ખૂબ દુઃખદ ઘટના બાદ ભાંગી પડેલા પરિવારને બેઠાં થતાં ઘણી વાર લાગી.કક્ષાએ બન્ને દીકરીઓને સાચવી લેવામાં મદદ કરી.અને આકાશે પણ પોતાની સાથે હંમેશ વાણી છે એવા આભાસ સાથે જીવવાનું સ્વીકાર્યું. સવાર પડતાં જ વાણી સાથે સંવાદ સાધતો.અને વાણી એને જવાબ આપતી એવું અનુભવતો. “જો,વાણી આજે તો તારા જેવા લાઈવ ઢોકળા, નવા સીંગ તેલ સાથે અને હું તારું ગમતું શર્ટ નહીં પહેરું ત્યારે તારા મિજાજ જેવી તીખી તમતમતી અને તને ‘હાય હિરોઈન’ કહું ત્યારે તારા લટકા જેવી ખટમીઠી ચટણી લીલા લસણ, લીલા કાતરા આંબલીપાન, આદુ,લીલા મરચા,કોથમીર અને ગોળવાળી.બોલ બરાબર? હવે ભરું ને એક એક કટોરો?અને ,” ભરને દસ બાર… ઓહોહો,કહેવું પડે વાહ.” જવાબ પણ પોતે જ આપે દલા તરવાડીની જેમ. બસ આવું રોજનું થયું.એ ખરેખર વાણીને અનુભવતો. ઘણાં આ વાત જાણતાં તો હસતાં.પણ કક્ષા સમજી શકતી. હવે તો કક્ષા જાણે આન્યા તાન્યાની માસી કમ મા હતી. બન્ને દીકરીઓની જરૂરિયાતને યાદ રાખતી અને એની વ્યસ્થા કરી દેતી. એટલે આકાશને નવા રેઇનકોટ જોતા પૂછવું નહોતું પડયું. ધીમે ધીમે સમય વીત્યો.આન્યા તાન્યા મોટાં થતાં ગયાં. વાણીના મૃત્યુ બાદ વતનમાં રહેતાં આકાશના માતાપિતા પણ આકાશ પાસે આવી ગયાં હતાં. એઓ અને કક્ષાનાં માતાપિતા, સગા સંબંધીઓ,મિત્રો, આડોશીપાડોશીઓ કે કોઈ પણ ઓળખીતા ઇચ્છતા કે આકાશ અને કક્ષા લગ્ન કરી લે.આન્યા તાન્યા તો ખુશીથી સહમત જ હોય. પરંતુ આકાશ તો દરેક બાબતમાં વાણીની સંમતિ લેતો.જવાબ પણ જાતેજ આપતો પણ આ બાબતમાં એ જાતે જવાબ આપી શક્યો નહીં.અંદરથી પીડાતો એ કશું બોલી શક્યો નહીં. એમાં એક દિવસ આન્યા તાન્યાએ આકાશને પૂછ્યું,”પાપુ, ભલે મમ્મા અહીં જ છે, આપણી આસપાસ,પણ આપણને વહાલ કરી વળગવા આવી શકતી નથી.હાથ ફેરવી શકતી નથી.તો એટલીવાર કક્ષામાસીને મમ્મા ન બનાવાય?”” થોડી વાર અટકી આકાશ બોલ્યો,” એ તો વાણીને પૂછવું પડે,” ને જાણે આકાશવાણી થઈ હોય એમ ખરેખર વાણીનો તૂટક તૂટક અવાજ સંભળાયો. “કક્ષા,મારી બેનપણી,મારી બેન, હું હવે બહુ જીવું એમ નથી,તારે જ તારી આન્યા તાન્યાને સાચવવાના છે, તું આકાશ સાથે પરણીશ? મારે ખાતર? હું આકાશમાંથી…” બોલતાં બોલતાં અવાજ કપાઈ ગયો. એટલામાં કક્ષા એનો ફોન શોધતી આન્યા તાન્યાને પૂછવા આવી,વાણી પણ અવાજ સાંભળી ગળગળી થઈ “આકાશ,આ વાણીની છેલ્લી ક્ષણો,જ્યારે તને ડોકટરે બોલાવ્યો હતો.એનો અવાજ મેં યાદગીરી રૂપે રેકોર્ડ કર્યો હતો.”સ્તબ્ધ થયેલ આકાશ કંઈ બોલે એ પહેલાં,ધોધમાર આંસુ સાથે રડી પડ્યો” આન્યા પાણી લેવા ગઈ.કંઈ ન સમજાતાં તાન્યા પણ પાછળ ગઈ.આકાશને હાથ ફેરવતાં “જો આકાશ…હું સાથે રહીશ પણ લગ્નથી બહુ ડરું છું. વાણીની આ ઈચ્છા હું નહીં પૂરી કરી શકું.પ્લીઝ મને માફ કરજે વાણી.” કક્ષા રડી પડી.આકાશ કક્ષાની આંખો લૂછતો આશ્ચર્ય સાથે “ડર!!શેનો ડર છે? કોઈ ભવિષ્યવાણી છે? એને તો ખોટી ઠેરવી શકીશું” જવાબ આપતાં કક્ષાથી એક ધીમી ચીસ નીકળી ગઈ,”કોઈ કરતાં કોઈને જ નથી ખબર, મારી નાની ઉંમરમાં મારા પર બળાત્કાર થયો હતો. એ..એ..હું ભૂલી શકતી નથી…આકાશ.” વર્ષોથી મનમાં દબાવી રાખેલી વાતથી એ ધ્રૂસકે ચઢી.આકાશ પણ ચોંકી ગયો,એને વળગી બોલ્યો.”કક્ષા, હવે તને શું કહું? હું તારા મનનાં ઘાને રૂઝવી શકું તો વાણી પણ રાજી થશે.”

Leave a comment

Filed under Uncategorized