Daily Archives: જાન્યુઆરી 19, 2022

ગંગાબા /યામિની વ્યાસ

સનટાવરના નવમા માળે લિફ્ટ ઊભી રહી.”આહાહા, અલકનંદા એસોસીએટસ, યાર તારી કમ્પનીનું નામ જ શાનદાર છે.પછી બિઝનેસ ચાલેજને જોરદાર.”” હા, અલકનંદા ઇન્ડસ્ટ્રીઝ,અલકનંદા બિલ્ડર્સ,અલકનંદા બ્યુટીઝ,મારા ભાઈ,ભાભીના બિઝનેસના પણ આવા જ નામો છે કારણ અલકનંદા મારી મધરનું નામ છે.””ઓ હાઉ નાઇસ નેઇમ! લકી છો.મારી મધર ઇન લૉ નું નામ તો ગંગા છે, કેવું લાગે?”મિત્રની નવી ઓફિસનાં ઉદ્દઘાટન પ્રસંગે ભૌમિક અને સુહાસિની ત્યાં પહોંચ્યા ત્યારે સુહાસિનીથી બોલ્યા વગર ના રહેવાયું. વધુ અવરજવર અને આઇસ્ક્રિમ સર્વ થવાની ચહલપહલમાં એના બોલવા પર ખાસ કોઈએ ધ્યાન ન આપ્યું.બુકે અને ગિફ્ટ આપી એઓ ઘરે આવવા કારમાં બેઠાં.”બાનું નામ કહેવાની તારે શી જરૂર હતી?આમેય એઓ તો પોતાની માનું નામ કહી દેખાડો જ કરતાં હોય!””છોડને ભૌમિક,આમ પણ બાને આજે મુકવા જવાનું જ છેને!””અરે, હા, આજે? ઓહો, એ તો હું ભૂલી જ ગયેલો, બા ત્યાં કમ્ફર્ટ ફીલ કરશે જોજે. એમનું સામાન તો રેડી છેને? જોકે કપડાં, દવા જેવું લઈ જાય તો ચાલે, બીજું બધું ત્યાં જે જોઈએ તે પ્રોવાઇડ કરતા જ હોય છે.””હા, આટલા હાઈ રેઈટ છે તો હોય જને.” ભૌમિક અને સુહાસિની ઘરે આવ્યા અને કલાકમાં જ ગંગાબાને મુકવા નીકળ્યા.”બા, એકલા પીકનીક ચાલ્યા? હું પણ આવું?”નાનો યશ સુસવાટાની જેમ દોડતો આવ્યો ને વળગ્યો.”બેટા, તારે તો બહુ વાર છે, તું મને ત્યાં મળવા આવજે મારા નવા ઘરે.”બા દેવસ્થાનમાં પગે લાગતાં બોલ્યાં,” એમણે લાલાની નાનકડી મૂર્તિ સાથે લીધી.દાદાજીના ફોટાને જોતાં આંખમાં આવેલાં પાણીએ જાણે કેટલાંય સંવાદ સાધી લીધા. ‘તું ઇમોશનલ ન થઈ જતો,’ ભૌમિકને સુહાસિનીએ ઇશારામાં કહ્યું.યશને હજુ કંઈ સમજાતું નહોતું. “બા, તું કાયમ માટે થોડી જાય છે,ધારે ત્યારે ઘરે આવી શકે, ને અમે પણ તો મળવા આવીશું. આ તો તું ત્યાં આરામ અનુભવી શકે.ત્યાં તારી ખૂબ કાળજી થશે.” ભૌમિક પગે લાગ્યો.”અરે બા, આ કાળઝાળ મોંઘવારી ને કોમ્પિટિશનના જમાનામાં અમારે તો દોડતાં જ રહેવું પડેને! નહીં તો પાછળ પડી જઈએ.વળી એમાં યાશીની ને યશના સત્તર જાતના કલાસીસ, નહીં તો એ લોકોનો ગ્રોથ ના થાય!અને ત્યાં તો તમારું થ્રી સ્ટાર હોટેલ જેવું રહેવાનું છે,રાજ કરશો.” યશ પણ રડવા જેવો થઈ ગયો,આવવા જીદ કરવા લાગ્યો પણ ટ્યૂશન ટીચર આવશે કહી એને હોમવર્ક કરવા બેસાડ્યો. જતાં જતાં તુલસીને હાથ ફેરવી એમાં થોડું પાણી રેડી ગંગાબા ચાલ્યા ‘ધ કમ્ફર્ટ લકઝરી ઓલ્ડ એઇજ હોમ’માં. દરમિયાન યાશીની ડાન્સકલાસમાંથી ઘરે આવી.”દીકરા,તું આવી ગઈ?” વહાલભર્યો આવકાર નહીં સાંભળતા નવાઈ લાગી.”બા,તો એકલાં જ પીકનીક ગયાં.” વાત સમજાતાં એ પણ રડી પડી પણ મમ્મી પપ્પાના નિર્ણય આગળ કંઈ થઈ શકે એમ નહોતું. સરળ સ્વભાવના ગંગાબાને ત્યાં ખરેખર બહુ જ સુવિધા હતી. સમયસર ચા નાસ્તા, સારુંભોજન, સમયસર લોન્ડ્રી સર્વિસ, મેડિકલ ચેકઅપ, ફિલ્મ, બુક્સ,બર્થડે સેલિબ્રેશન બધું જ હતું.મિત્રો પણ થઈ ગયાં હતાં પણ. “ઘર તે ઘર” એમ કહી તેઓ બધાંને જ યાદ કરતાં. વળી અહીં રાખવામાં દીકરાના કેટલાય રૂપિયા ખર્ચાયા હશે એની ફિકર. બા વગરના ઘરમાં ભાગદોડવાળા રૂટિનમાં બધાય ટેવાઈ ગયાં. સામી દિવાળી હતી એટલે બુટિક ચલાવતી સુહાસિની પણ કામમાં ને ભૌમિક પણ એના બિઝનેસમાં. વળી વેકેશન ટુરનું પ્લાનિંગ કરવાનું આ વખતે ખૂબ ઇઝી હતું કારણ બાને ક્યાં મુકવા એ ફિકર નહોતી.એની હાશ કરતી સુહાસિનીએ ભૌમિકને ફોન કર્યો.”વહેલું બુકીંગ કરાવજે, પછી ફ્લાઈટના ભાવ બહુ વધી જશે.””હા, પણ મોટાભાઈનો મુંબઈથી ફોન હતો. વેદિકા અને વ્યોમ અહીં આવી રહ્યાં છે દિવાળી વેકેશનમાં, અરે પણ આગળ સાંભળ તો ખરી..એઓએ મોટાભાઈ ભાભી સાથે કેરાલાનું બુકીંગ કરાવી દીધું છે.વેદિકા- વ્યોમ યાશીની -યશને સાચવશે.””ઓહોહો એ પણ સારું છે એટલે જ બાને ઓલ્ડએઇજહોમમાં મુકવા એમણેજ જ સજેસ્ટ કર્યું હશે. જેમની સાથે બહુજ મજા પડે એવાં મોટાં બેન ને ભાઈ આવે છે જાણી યશ-યાશીની પણ ખુશખુશાલ હતાં.એમની સામે તો કોઈ પણ હોલીડે ટુર પાણી ભરે. કોલેજમાં રજા પડતાંજ વેદિકા -વ્યોમ આવી ગયાં એટલે યાશીની-યશની ચિંતા કર્યા વગર ભૌમિક સુહાસિની ટુર પર ગયાં. “બા, આમાં કયો મસાલો નાખું?””આને ધીમે રહીને ગેસ પરથી ઉતાર.””જાંબલી સાથે પીળો રંગ ખૂબ ખીલે છે હં તારી રંગોળીમાં.””પણ,બા મીંડાવાળો શીખવોને!””અલ્યા,છોકરો છે તો શું થઈ ગયું,બધું આવડવું જોઈએ.””બા.. સેવ પાડવા સંચામાં કઈ જાળી લઉં?””એ, બા જો લગાવી ઝબુકઝબુક લાઈટ,તમને બહુ ગમેને!””બા,હું નવા વર્ષની શરૂઆત યોગાસનથી જ કરીશ.દીદી તો એરોબિક્સ પણ શીખી છે એટલે એને તો આવડે.””આ તો ચણાનો લોટ ને મલાઈની કમાલ””કાલની વાર્તા અધૂરી છે બા, પછી એ અલીડોસા..?””ઓયે બા, આને કેમ ઘુઘરા કહેવાય?””યાશીની બેટા વેદિકાદીદીની જેમ કોર ધીમેથી વાળ””ચાલો બા હેરકલર કરી આપું.””વાવ,ગ્રેટ મેઇકઓવર””અરે ગાંઠ ટાંકો આને ન કહેવાય હેંને બા!””બા, તમને આટલું બધું કેવી રીતે આવડે?”બાએ બહુ થોથા વાંચ્યા હશે?””ના રે બેટા, થોથા તો શું આ તો અમારી કોઠાસૂઝ” મમ્મીપપ્પા અને કાકાકાકી ટુર પર ગયાં એટલે છોકરાઓ તરત જ બાને ઘરે લઈ આવ્યાં અને ખૂબ મજા કરી બાનું વહાલ,શીખ,આશીર્વાદ મેળવ્યાં.જુદાં જુદાં રૂમને બદલે ડ્રોઈંગ રૂમમાં જ ગાદલાં પાથરી બાની આસપાસ બધાં સૂતાં.દસ દિવસ પછી વહેલી સવારે ભૌમિક, સુહાસિની, મોટાભાઈ ભાભી પાછા ફર્યાં ત્યારે બધાને આ રીતે સૂતેલાં જોઈ નવાઈ લાગી.ખાસ તો બાને જોઈ સુહાસિનીના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ.”કેમ આમ?” બધાં જ ઊઠી ગયાં. પણ કોઈએ જવાબ આપ્યો નહીં.એટલે ફરી થોડીવારે સુહાસિની જ બોલી, “વેદિકા,તમારું ટુર પ્લાનિંગ ખૂબ સરસ હતું બહુ જ મજા આવી.”વેદિકા ચાદરની ઘડી વાળતાં બોલી,”તમે બાને મુકવાનું પ્લાનિંગ કર્યું ત્યારથી અમારો આ પ્લાન પણ નક્કી જ હતો. ને બાને હું મુંબઈ લઈ જાઉં છું,મારા રૂમમાં રહેશે.””ના,દીદી મારા રૂમમાં..”વ્યોમ બાને ચા આપતાં બોલ્યો.”એમ!તો હું ભણવા મુંબઇ આવીશ.” યાશીની હજુ બોલી પણ ન રહી ને એને ધક્કો મારી યશે દોડીને બાને પકડી લીધા.”નહીં જવા દઉં મારા બાને…” બા ઓલ્ડએઇજહોમ જવા પોતાની બેગ લેવા વાંકા વળ્યાં કે, વેદિકાએ એમને બેસાડયાં.”હું દેવદિવાળીએ ‘ગંગા એરોબિક્સ’નું ઓપનિંગ કરું છું,એનું ઉદ્દઘાટન કોણ કરશે?”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized