“‘વહાલસોયી મા’ આદરણીય શ્રી શરદભાઈ જોશી સંપાદિત પુસ્તકમાં ચાર કવિતાઓ પૈકી એક ગીત💐 મમ્મી પાછી આવ. જાળાં ઉપર લટકી રહેલાં આપણા જૂના કૅલેન્ડરનું પાનું તો પલટાવ, મમ્મી, પાછી આવ! કહ્યાં વગર તું ક્યાં ગઈ છે એ તો કહી દે, જા, આવું કરવાનું સાવ? મમ્મી, પાછી આવ! ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ, ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ, લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ! સ્વેટર મારું ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી, શર્ટ ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી, હવે વીત્યા દિવસો ઉલટાવ, મમ્મી, પાછી આવ! ખાવાની એ સહુ વરણાગી કોરાણે મૂકાઈ ગઈ છે, પાણિયારે દીવો ક્યાં છે? તુલસી પણ સૂકાઈ ગઈ છે, આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ! છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતા’તા, ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતા’તા, ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ! — યામિની વ્યાસ”.