ઝૂમકી/યામિની વ્યાસ

“ઝૂમકી છેલ્લે દિવસે તો ઝૂમકીના સ્ટોલ પર ભીડ જામી હતી. હસ્તકલા મેળામાં ઝૂમકીએ પહેલીવાર ભાગ લીધો હતો. તેણે માટીમાંથી સુંદર ઘરેણાં બનાવ્યાં હતાં.તેમાંય હાથે બનાવેલ ઝૂમખાં તો સહુને આકર્ષતા. “બેન, આ ઝૂમખાં કેટલાંનાં?” “એ છોકરી, આમાં નિયોન ગ્રીન કલર નથી?” “મને રોયલ બ્લ્યૂ કલર જોઈએ છે. એ છે કે નહીં?” ઝૂમકી આ બધા રંગથી અજાણ હતી. તેને તો લાલ, લીલો, પીળો, ગુલાબી જેવા સામાન્ય રંગોની જ ખબર હતી. તેના સ્ટોલ પર બધાએ અવાજ અને ભીડ કરી મૂકી હતી. ઝૂમકી બધાને જવાબ આપી શકતી નહોતી. ગ્રાહકો ઘરેણાં જોવા માટે લેતાં અને ગમતો કલર કે ડિઝાઇન ન મળે તો મૂકી દેતાં. એમાં કેટલાંય ઝૂમખાં ચોરાઈ ગયાં, કેટલાક તૂટી ગયાં. ઝૂમકી નાસમજ હતી. ઘણી ખોટ ગઈ. તે રડી પડી પરંતુ તેના પિતાએ હિંમત આપી એટલે બીજીવાર હિંમત કરીને તૈયારી સાથે તે ભાગ લેવા આવી હતી. “આ ઝૂમખાં કેટલાંનાં?” “સાઠ રૂપિયા, બેન.” “આવા એક સરખાં દસ જોઈએ છે.” “ના, હું હાથથી જ બનાવું છું એટલે સાવ એક્સરખી બીજી પેર નહિ મળે.” “સારુ, આ આપી દે. ઝૂમકીનાં ઝૂમખાં બહુ લોકપ્રિય હતા.ઝૂમકીને પણ પ્રિય હતા. ઝૂમકી ખૂબ મહેનતથી દિલ રેડીને અવનવી ડીઝાઇનમાં હાથની કલાકારીગીરીથી ઝૂમખાં બનાવતી. અને સ્વરોજગાર કે હસ્તકલાઉધોગ મેળામાં કે નજીકનાં શહેરોમાં વિવિધ જગ્યાએ તે વેચવા જતી. તેના ઝૂમખાં, ગળામાં પહેરવાના હાર કે માટીના નાના ડેકોરેટિવ પીસ અને રમકડાં જેવો સામાન લઈને જતી અને લગભગ પહેલાં બે દિવસમાં જ બધો સામાન વેચાઈ જતો. એકવાર તો એની બાજુમાં ઇમિટેશન જ્વેલરીનો સ્ટોર હતો. એ ગ્રાહકોને મોટેમોટેથી બૂમ પાડીને માલ ખરીદવાનો આગ્રહ કરતો. તે ઓછી કિંમતના ઝૂમકીનાં ઘરેણાં વિશે કહેતો કે, તે તો માટીના, તૂટી જાય,તકલાદી હોય, અરે એક સરખા પણ ન હોય. પરંતુ ઝૂમકીને ત્યારે ખબર પડી કે, તે સ્ટોલવાળાએ જ તેના માણસો મોકલીને બધાં ઘરેણાં ખરીદી લીધાં હતાં. તેનો બધો જ સામાન વેચાઈ જતા તેને થયું કે લાવને, મેળામાં ફરી જોઉં. તેની બહેન સાથે તે ગઈ. ચાર લાઈન પછી જે પહેલા નંબરનો સ્ટોલ હતો તેમાં તેનાં પોતાનાં જ બનાવેલાં ઘરેણાં વેચાતાં હતાં. તેણે સ્ટોલવાળાને પૂછ્યું, “ભાઈ, આ ઝૂમખાં કેટલાંનાં?” “બસ્સો ચાલીસ” ઝૂમકીને નવાઈ લાગી. જે પોતે સાઠ રૂપિયામાં વેચે છે તે અહીં ચાર ગણા ભાવે વેચાય છે. તેણે બહુ રકઝક કરી ત્યારે પેલો બસ્સોમાં આપવા તૈયાર થયો. તેનાં જ બનાવેલાં ઘરેણાં હતાં પરંતુ તેને તો કશો વાંધો ન હતો. તેને તેની મહેનતના પૈસા તો મળી જ ગયા હતા. પરંતુ હવે તેને તેનાં ઘરેણાંની કિંમત સમજાઈ હતી. ઝૂમકી ઉત્સાહી હતી.લગન અને ધગશથી કામ કરતી. તેના બાપુને કંપવાની બિમારી હતી.તે તેનાં નાનાં ભાઈબહેનને શાળાએ ભણવા મોકલતી. ઝૂમકીનું નાનકડું ઘર ગાળેલી, ચાળેલી, પલાળેલી માટી, કાગળનો માવો, લાપી,ગુંદ, રંગો વગેરેથી ભરેલું રહેતું. તેની મા ખૂબ સુંદર આવા જ ઝુમખાં બનાવતી. હવે મા નહીં રહી પણ આ અદ્ભૂત કળા વારસામાં આપતી ગઈ. તેના પિતા પણ ખૂબ સરસ મૂર્તિઓ બનાવતાં પરંતુ હવે તેમના હાથની તકલીફને કારણે બનાવી શકતા ન હતા. ઝુમકીએ આખું ઘર પોતાને ખભે લઈ લીધું હતું. એકવાર આવા જ મેળાના સ્ટોલમાં માટીમાંથી બનાવેલ પાણી ભરવાની બોટલ, રસોઈનાં વાસણો વગેરે ઇકો ફ્રેન્ડલીના નામે ખૂબ મોંઘા ભાવે વેચાતાં જોયાં. ઝુમકીએ જોયું એને લાગ્યું આ તો બનાવવા હાથવગા છે. સરળ છે. પછી તેણે પણ બાપુની મદદથી બનાવ્યાં અને વેચવા લઈ ગઈ. તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તેનું કામ ખૂબ સરસ રીતે ચાલતું હતું. એકવાર મેળામાં એક ફેશનેબલ મેડમ એની સહેલીઓ સાથે આવ્યાં “મને નેકપીસ બતાવજે.” ઝૂમકીએ પૂછ્યું,”ગળાનો હાર?” “હા” “કેટલી કિંમત? “સો રૂપિયા, મેડમ.” અનુભવે ઝૂમકી મેડમ અને સર બોલતા શીખી ગઈ હતી. “બસ? 100 રૂપિયા જ?” મેડમના મોઢામાંથી નીકળી ગયું. “રૂપા, ખૂબ ડિસન્ટ છે.ફિનિસિંગ પણ સરસ છે ને ખૂબસસ્તું છે.એમની સહેલીએ કહ્યું. “સારું પછી આવીએ” કહી એઓ ગયા. ઝૂમકીને થયું,”આવા મોટા માણસોને આપણાં ઘરેણાં થોડાં ગમે?કંઈ પાછા નહીં આવે.” પણ થોડી જ વારમાં એઓ આવ્યાં. રૂપામેડમે જેટલાં પણ ઘરેણાં હતાં તે ખરીદી લીધાં અને ઉપરથી થોડા રૂપિયા વધારે આપ્યા અને કહ્યું, “ તારો નંબર આપ. હું તને બીજા ઓર્ડર પણ અપાવીશ. ઝૂમકીએ તેનો નંબર આપ્યો. તેનો ફોન સાવ સાદો હતો. રૂપામેડમે તેને કહ્યું કે, “તું આના ફોટા પડે અને ઇન્ટરનેટ હોય તેવો મોબાઈલ લે. તો ફોટા મોકલી ને તું ઓનલાઇન ધંધો કરી શકે.” ઝૂમકીએ કમાણીના પૈસામાંથી એક સેકન્ડ હેન્ડ મોબાઈલ લીધો. પરંતુ તેને ધંધા વિશે કશી જ ખબર ન હતી. રૂપામેડમ સમાજસેવિકા,વિવિધ મહિલા સંસ્થા સાથે જોડાયલાં અગ્રણી હતાં,ઘણી ક્લબના સભ્ય હતા. અને તેમનું બહુ મોટું ગ્રુપ હતું. તેમણે તેમની જન્મદિવસની પાર્ટીમાં બધાને આવા ઘરેણાં ગિફ્ટ આપ્યાં. યુનિક અને સ્પેશિયલ ડિઝાઈનવાળા આવા ઘરેણાં બધાને ખૂબ ગમી ગયાં અને પૂછ્યું કે, આ ક્યાંથી ખરીદો છો? તો તેમણે કહ્યું કે સરપ્રાઈઝ છે. રૂપામેડમ જ ઝૂમકીને ફોનથી ઓર્ડર આપતાં અને રૂપામેડમને ત્યાં ઝૂમકી ઘરેણાં પહોંચાડતી. રૂપામેડમ એને સારા એવા પૈસા પણ આપતાં. રૂપામેડમે પોતે જ બિઝનેસ શરૂ કર્યો. ઘરેણાંથી જ સારી એવી કમાણી કરવાં લાગ્યાં. ઇકો ફ્રેન્ડલી વાસણો પણ તેઓ ખરીદતાં. તેણે કહ્યું કે તું ઓનલાઈન આ રીતે બિઝનેસ કરી શકે પરંતુ ઝૂમકી પાસે એવી આવડત ન હતી. પણ એ રાતદિવસ જાગીને કામ કરતી. તેનાં ઝૂમખાં અલગ રીતે જ તૈયાર કરતી. એક ઝુમખું તૈયાર કરવામાં તેને કેટલી ય મહેનત પડતી હતી. કોપરેલવાળા હાથ કરી માટીના તૈયાર કરેલા લોંદા સાથે બેસી જતી.મસળીને અદ્ભુત આકાર આપતી,ઉપર ડિઝાઇન કોતરવામાં એની માસ્ટરી હતી.ઝીણી ગોળીઓ વાળી એના મોતી બનાવતી.ને એને ભીના જ તારમાં લટકાવતી.એક એક પીસ તૈયાર કરી ઘરમાં સૂકવતી પછી તડકામાં સૂકવતી અને છેલ્લે નાળિયેરની કાચલીઓ ભેગી કરીને સળગાવી ને એમાં શેકતી.પછી તેને સુંદર રીતે કલર કરતી. એનાં બનાવેલ ઘરેણાં ખાસ તો એ રીતે જુદાં પડતાં કે બીજા લોકો તૈયાર બીબા વાપરતા જ્યારે એ આંગળીઓથી જ બનાવતી. એનાં ભાઈબહેન પણ સ્કૂલેથી આવીને શાળાનું ગૃહકાર્ય પતાવીને કોપરેલવાળા હાથ કરીને બેસી જતાં ને નાનાં નાનાં રમકડાં બનાવતાં. જે ઇકોફ્રેન્ડલી રમકડાં તરીકે વખણાતાં. રૂપા મેડમનો ફોન આવતો ને ઝૂમકી વારંવાર રૂપામેડમના ઘરે માલ પહોંચાડવા જતી. તેમના પતિ બિલ્ડર હતાં. તેમનું મોટું નામ હતું. મોટો દીકરો અનય આર્કિટેકટ અને તેની વાઇફ ઇન્ટીરીયર ડિઝાઈનર હતી. નાનો દીકરો તનય ખાસ ભણી શક્યો ન હતો. માંડ ગ્રેજ્યુએશન પતાવ્યું હતું. તે તેના પપ્પાની ઓફિસે જતો પરંતુ બે-ત્રણ કલાક માંડ બેસતો અને પાછો ઘરે આવી જતો. આમ તો તે સામાન્ય હતો પરંતુ તેને થોડી માનસિક સમસ્યાઓ હતી. તેને ઊંચાઈનો ડર લાગતો. ઘરમાં ઘણી ગાડીઓ હતી પરંતુ તે ચલાવી નહોતો શકતો. તે ટુ-વ્હિલર પણ માંડ ચલાવતો પરંતુ તે ફ્લાયઓવર પરથી પસાર ન થઈ શકતો. એવી નાનીનાની ઘણી સમસ્યાઓ હતી.ડિપ્રેશનમાં પણ રહેતો. તેની પણ સારવાર ચાલતી જ હતી. રૂપામેડમે તેને પરણાવવાના ઘણા બધા પ્રયત્નો કરી જોયા. પરંતુ છોકરીઓ જોઈને તનય ના પાડી દેતો. રૂપામેડમને પણ થતું કે, કોઈ તેને સમજી શકે એવી છોકરી જોઈએ. તનય ખૂબ પ્રેમાળ અને ભોળો હતો.તેને માટે રૂપામેડમના મનમાં રૂપાળી ઝૂમકી વસી ગઈ. તેમણે જોયું કે ઝૂમકી સાથે પરણાવું તો! ઝૂમકી તનયને સમજી શકશે અને સાચવી પણ શકશે. ઝૂમકીના હાથની કલાની આવડતથી બીજો મોટો બિઝનેસ પણ થઈ શકશે અને સમાજમાં એક ઉદાહરણ બની શકે છે કે, સામાન્ય અને ગરીબ પરિવારની દીકરીને વહુ તરીકે અપનાવી. રૂપામેડમ ને ઘણા બધા ફાયદાઓ દેખાયા. તનય જ્યારે મૂડમાં હતો ત્યારે રૂપામેડમે તેને પૂછ્યું અને તનયે હા પાડી. એ જ્યારે બીજી છોકરીઓને જોતો ત્યારે હંમેશા લઘુતાગ્રંથિ અનુભવતો, પરંતુ તેને ઝૂમકીના વર્તનમાં સહજતા લાગી અને તેણે હા પાડી. રૂપામેડમે ઝૂમકીને ફોન કરી તેના પિતાને મળવાની વાત કરી. ઝૂમકીએ તેમને તેના પિતાની બિમારી વિશે વાત કરી. રૂપામેડમે કહ્યું કે, તેમને શહેરમાં લઈ આવ. આપણે તેમને ન્યૂરો ફિઝિશિયનને બતાવીશું. તેમની પણ ટ્રીટમેન્ટ શરૂ થઈ. ઝૂમકીએ રૂપામેડમનો આભાર માન્યો. રૂપામેડમે વાત તનય વિશે છેડી, “જો તારી ઈચ્છા હોય તો મારા દીકરા સાથે તને પરણાવું.” ઝૂમકીએ તરત જ કહ્યું, “તમારી વાત સારી છે પરંતુ મેં નક્કી કર્યું છે કે, હું લગ્ન નહીં કરું. મારા બાપુની સાથે જ રહીશ અને નાનાં ભાઈ-બહેનને ખૂબ ભણાવીશ,બંને ખૂબ સરસ ભણી રહે,પગભર થાય પછી પરણાવીશ અને હું મારા બાપુની સેવા કરીશ. રૂપામેડમે કહ્યું કે, “એવી વ્યવસ્થા કરી આપીએ કે, તું તારા બાપુની સેવા કરી શકે, અને નાનાં ભાઈબહેનને ભણાવી શકે તો?” ઝૂમકીએ કહ્યું કે, “બાપુ સાથે વાત કરીને હું જવાબ આપીશ.” હવે તનય પણ ઝૂમકીને યાદ કરતો. તે ઝુમકી સાથે લગ્ન કરવાની જીદ લઈ બેઠો. રૂપામેડમે બે દિવસ પછી ફોન કર્યો. ઝૂમકીને ઘણું દબાણ કર્યું. એમાં બધાનું ભવિષ્ય સુધરશે એવી ખાતરી આપી ત્યારે ઝૂમકીએ કહ્યું કે, “હું એક જ શરતે તૈયાર છું કે તનય ઘરજમાઈ બને.” રૂપામેડમ સાંભળીને છક થઈ ગયાં. ઝૂમકીએ કહ્યું, “એ સિવાય બીજું કશું જ થઈ શકે તેમ નથી, કારણકે હું મારા બાપુને છોડવાની નથી.” આખરે રૂપામેડમે ઝૂમકીને ખૂબ ઓછી કિંમતે તેમના હસબન્ડના એક નવા જ બનતા પ્રોજેકટમાં ફ્લેટ અપાવ્યો. ખુદ્દાર ઝુમકીએ પોતાના પૈસે જ ફ્લેટ ખરીદ્યો. રૂપામેડમે તનય સાથે તેના લગ્ન કરાવ્યાં અને સમાજમાં એક ઉદાહરણ તરીકે તેમની નામના થઈ. ઝૂમકી તેના પિતા અને ભાઈબહેન સાથે એ ફ્લેટમાં રહેવા આવી. તનય પણ ખૂબ ખુશ હતો. ઝૂમકી તેને ખૂબ માન આપતી અને તેની કાળજી પણ લેતી. ખૂબ વ્હાલ કરતી, પ્રેમ કરતી હતી. તેના બંને ભાઈબહેન પણ જીજુની પાછળ દીવાના હતાં. ભાઈબહેનનું શહેરમાં સારી શાળામાં એડમિશન લઈ લીધું. ઝૂમકી કામમાં કાર્યરત રહેતી અને હવે તો સાસુ બનેલાં રૂપામેડમ ઓનલાઇન બિઝનેસ કરી આપતાં હતાં. ઝૂમકીએ પણ ગાડી ખરીદી અને તનયને લઈને ફરવા જતી. પોતે જે રીતે ડ્રાઇવિંગ શીખી હતી તે રીતે તનયને પણ ધીમેધીમે ડ્રાઈવિંગ શીખવવા લાગી. તનયમાં આત્મવિશ્વાસ પેદા કર્યો. તનય ગાડી ચલાવતો થયો. રૂપામેડમ માટે ખૂબ આનંદના સમાચાર હતાં. તનય પણ ખૂબ ખુશ હતો. હવે ધીમેધીમે ફ્લાયઓવર પર પણ ચલાવતો થઈ ગયો હતો. તેને હવે બીક લાગતી તો ઝૂમકી તેને સાચવી લેતી. ઝૂમકી તનયને ડૉકટર પાસે બતાવવા લઈ ગઈ ત્યારે પરિણામ સારું જણાયું. ધીરેધીરે તેની દવાનો ડોઝ ઓછો થતો ગયો. આ બાજુ તેના પિતા પણ આનંદમાં રહેતા હતા. એમની પણ ટ્રીટમેન્ટ ચાલતી હતી. નવાઈની વાત હતી કે, જીવનમાં આનંદની ક્ષણો વધતા એમનો પણ ડોઝ ઓછો થયો. આમ, સૌની જિંદગીમાં દવાનો ડોઝ ઓછો અને ખુશીનો ડોઝ વધતો ગયો. આ ઝૂમકીની કળાના કસબને કારણે જસ્તો! – યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.