Daily Archives: જાન્યુઆરી 25, 2022

ધોધમાર રાત/ યામિની વ્યાસ

“આટલો વરસાદ છે તો રાતે આટલી મોડી બસમાં શું કામ જાય છે, દીદી?” “અરે ભઈલા! સવારે આઠેક વાગે અજવાળામાં પહોંચું તો સારુંને, વહેલી બસમાં જાઉં તો સવારે ચારપાંચ વાગે પહોંચીને પછી ક્યાં જાઉં? જો, અહીં ગમે એટલું મોડું થાય તું મૂકી જાયને? અને હા સાંભળ, રિટર્નમાં પણ હું ત્યાંથી સાંજે બેસીશ, તારે મોડી રાતે લેવા આવવું પડશે. જો, આ જ બસ લાગે છે. તું હવે જા, સાચવીને જજે.” ને નાનાભાઈને લેખાએ ટપલી મારી. લેખા અમદાવાદ નોકરીના ઇન્ટરવ્યૂ માટે જતી હતી. આઠ વાગે ઊતરીને કોઈ હોટેલ કે રેસ્ટોરાંમાં ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ કરી દસ વાગે ઇન્ટરવ્યૂમાં પહોંચી શકે અને સાંજે ફરી સુરત પરત થવા બસ પકડી લે એવી એની ગણતરી હતી. રાત્રે આરામથી જઈ શકે એટલે એસી બસમાં બારી પાસેની સીટનું જ બુકિંગ હતું. જોકે, વરસાદના છાંટાને બારીમાંથી અડી ન શકાય એટલો અફસોસ હતો. બારી પર એની તડતડ, ટપટપ કે ઝરમર અનુભવી રહી. ચાંદ દેખાતો નહોતો ત્યારે દાદીની ટકોર યાદ આવી. “અરે અમાસે જવાની ઇન્ટરવ્યૂ માટે? ચાલ, હું અખંડ દીવો કરીશ. બધું સારું થશે.” બસની સાથે જાણે વરસાદી વાદળનું છત્ર પણ સફર કરતું હતું. બસમાં બધાં પડદો પાડી સૂતાં હતાં ત્યારે પડદો ખસેડી એ મોસમને મનભર માણી રહી હતી. થોડી થોડી વારે વરસાદને વીંધતી ટ્રક પસાર થતી એ એના આનંદમાં વિક્ષેપ પાડતી. કંટાળીને થોડીવાર પછી એણે બસમાં બધા મુસાફરો સામે જોયું. એની બાજુમાં શરીરે ભરાવદાર એક બહેન બેઠી હતી. એ સગર્ભા હતી એવું તો કેટલીવારે ધ્યાન ગયું જયારે એણે અડધી ઊંઘમાં જ એનું ખોળામાંનું પર્સ લેખાની સીટ પર મૂક્યું. લેખા સાવ એકવડી ને વધુ બારી પાસે ખસેલી એટલે ખાસી જગ્યા હતી. કદાચ લેખા જ જાગતી હતી બાકી તો બધાંને વરસાદી નશો ચઢ્યો હોય એમ ઘેનમાં હતાં. અચાનક બાજુવાળી સ્ત્રી જાગી. એણે પેટ પર હાથ મૂકી આમતેમ જોયું. એને અસુખ જેવું વર્તાતું હતું. “તમને કંઈ થાય છે?” લેખાથી પૂછ્યા વગર ન રહેવાયું. જવાબમાં એણે ચીસ પાડી. બધાં જાગી ગયાં. એને દુ:ખાવો વધતો હતો. એક વડીલ બહેન પાસે આવ્યાં એને પીડાતી જોઈ, ”પ્રસુતિનો દુઃખાવો લાગે છે” કહી એને હાથ ફેરવવાં લાગ્યાં. બસ ઊભી રહી. નજીક અંકલેશ્વર હતું, ત્યાં એક ભાઈએ એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો ને બસે ગતિ પકડી. લેખાએ એ બહેનનાં ઘરે ફોન કરવા નંબર માંગ્યો પણ એ બહેન ચીસ સિવાય કંઈ ઉચ્ચારી શકતાં ન હતાં. થોડાં મુસાફરોનાં મુખ પર ચિંતા ને કેટલાંકનાં ચેહરા પર અણગમોય વર્તાતો હતો. ઘણા મદદ કરવા પ્રયત્ન કરતા પણ થાય પણ શું? આખરે એ બેનના પર્સમાંથી મોબાઇલ શોધી છેલ્લે ફોન કર્યો હતો એ નંબર લગાડ્યો. સદભાગ્યે એમના ઘરનો જ નંબર હતો. તેઓએ શક્ય એટલી ઝડપે અહીં પહોંચે છે એવું કહ્યું પણ વરસાદમાં કલાક તો સહેજે થાય એવું લાગતું હતું. દરમિયાન એમ્બ્યુલન્સ આવી ગઈ. એ બેનને તો એમાં ખસેડયાં પણ સાથે કોણ જાય? લેખાએ રિકવેસ્ટ કરી કે, “કોઈ બેનની સાથે જઈ શકે, મારે તો વહેલી સવારે પહોંચવું પડે એમ છે.” પણ કોઈ તૈયાર ન થયું. આખરે લેખા જ સાથે ગઈ. કલાકેક પછી એમનાં સગાં આવી ગયાં ત્યાં સુધીમાં તો બાળક સુખરૂપ અવતરી ચૂકયું હતું. એ બહેનના પતિએ લેખાનો આભાર માન્યો અને સવાર સુધી રોકાઈ જવા કહ્યું પણ “બીજી બસમાં જતી રહીશ. જવું ખૂબ જરૂરી છે.” લેખાએ એવું જણાવતાં લેખાને બસસ્ટેન્ડ પર મૂકવાની વ્યવસ્થા કરી. હજુ પણ ઘણો સમય હતો, બસ મળી જાય તો એ સમયસર પહોંચી શકે એમ હતી. ત્યાં લેખાને જોતાં જ એક કાર ઊભી રહી. ”હેલો, કેવું છે એ બહેનને?”એ બસનાં જ એક મુસાફર, જે એમ્બ્યુલન્સ બોલાવવા કે ફોન કરવા વગેરેની દોડાદોડમાં મદદરૂપ થયા હતા. એમણે પણ એ બહેનની સારી ખબર સાંભળી હાશ અનુભવી અને સૌજન્યતાથી પૂછ્યું, ”આપને ક્યાં જવું છે? હું અમદાવાદ જાઉં છું, આ તો કાલે અમદાવાદથી આવ્યો ત્યારે અંકલેશ્વર મારી કાર બગડી જતાં ભાઈને ત્યાં મૂકી હતી. એણે રીપેર કરાવી દીધી. બીજે કામ પતાવી અહીં આ બસમાં જ આવ્યો. હવે કાર લઈ સવાર સુધીમાં પહોંચી જવાશે. વરસાદ બહુ છે તો બસનાં ઠેકાણાં નહીં. તમને જલદી પહોંચવું છે તો વાંધો ન હોય તો આવો.” પ્રવાસમાં કોઈ ઘટના બને તો અજાણ્યા સહપ્રવાસી પણ જાણીતા બની જતા હોય છે. લેખા બેસી તો ગઈ પણ પછી એને ખ્યાલ આવ્યો કે, રાત, વરસાદ અને કારમાં સાથે એક પુરુષ! ગીતો પણ વરસાદી વાગતાં હતાં. કંઈપણ બની શકે. ક્યાં રહો છો? શું ભણ્યા? શું કરો છો? ઘરે કોણ? ક્યાં જવા માટે ટ્રાવેલિંગ કરો છો? વિગેરે વિગેરે પુછાયું. પછી થોડી ચુપકીદી. વળી પેલો માણસ આ રીતે સહાયરૂપ થવા બદલ લેખાના ભરપૂર વખાણ કરતો હતો ને પછી તો પ્રેમસભર ગીતો શરૂ થયાં. ”ઉંઘ આવતી હોય તો આરામ કરો. મને તો આ ગીતો કંપની આપશે.” પણ લેખા મોબાઈલમાં ટાઈમ જોવા લાગી. ભલભલા વિચાર આવી ગયા. ‘કેટલો સૂમસામ રસ્તો છે! બસમાં હતી ત્યારે તો કેટલા વાહનો જતાં હતાં એ બધાં ક્યાં ગયાં? આ કોઈ ભળતે રસ્તે તો નહીં લઈ જતો હોયને! હું વળી ક્યાં બેઠી? મારે શું કામ પેલી બેનને હોસ્પિટલ લઈ જવી જોઈએ?ચૂપચાપ બસમાં બેઠીબેઠી જોયા કરત તો? ને સારું થયું મેં પેલાને સાવ ખોટા જવાબો આપ્યા. નહીં તો આવા લોકો તો પાછળ પડી જાય. હે ભગવાન! જલદી અમદાવાદ પહોંચાડી દે. દાદી, તું હમણાં જ દીવા કરી દે!” એની આંખો સહેજ ઘેરાવા લાગી ત્યાં માંડ ધીમો પડેલો વરસાદ ધોધમાર થયો અને બારીમાંથી દેખાતું એનું ગમતું દૃશ્ય અણગમતું થવાં લાગ્યું. ફરી વાતો શરૂ થઈ ને એણે વાતો બદલી. રસોઈની વિવિધ રેસિપી, ઓનલાઈન શોપિંગ કે ફેશન વિશેના ઊંધાસીધા વિચારો રજૂ કર્યા. જેમાં પેલા ભાઈને કંઈ ગતાગમ ન પડી છતાં સાંભળી. હવે રાત અને વાત ખૂટવા પર હતી. વરસાદ શાંત પડ્યો હતો અને લેખાને શાંતિ થતી જતી હતી. દૂરથી દેખાતો સોહામણો સૂર્યોદય જોઈ મનોમન હરખાઈ. હજુ આખા રસ્તે એના ગપ્પાં ચાલુ જ હતા. અમદાવાદમાં પ્રવેશતા જ થોડી વારે કહ્યું, ”આ મારા મામાનું ઘર. અહીં ઉતારી દો. થેન્ક યુ” કહી ચાલવા માંડી. મનોમન કહેવા લાગી, ફરી કદી નહી મળીશું.” ને જીવનમાં આવી ભૂલ કદી ન કરવી એવું જાતને વચન આપ્યું. હોટેલમાં ગઈ, મોઢું ધોયું. રાતભર ઊંઘી નહોતી એટલે થાક તો હતો જ. ચાનાસ્તો લઈ હળવી થઈ ને નીકળી ઇન્ટરવ્યૂ આપવા, લાઈનમાં બેઠી, નંબર આવતા અંદર ગઈ એની આંખો આશ્ચર્યથી પહોળી, પેલો માણસ જ ઇન્ટરવ્યૂ લેનાર… –

Leave a comment

Filed under Uncategorized