Daily Archives: ફેબ્રુવારી 1, 2022

ગ્રીનવૉશિંગ: પરેશ વ્યાસ

ગ્રીનવૉશિંગ: હમપે યે કિસને હરા રંગ ડાલા.. માર ડાલા!

તો ખજૂરી સાવ લીલી થૈ જશે,
ઝાંઝવાં ભ્રમણાનાં એ પી જાય તો. – હેલ્પર ક્રિસ્ટી

વર્ષ વીત્યું. હાઈશ! આખા વર્ષમાં કિયો શબ્દ ચલણમાં રહ્યો એ સમાચારને અમે ધારી ધારીને વાંચ્યાં. આવી એક શબ્દની બ્યુટી કોન્ટેસ્ટ સ્વિસ ફાઈનાન્સિયલ વર્ડ-ઓફ-ધ-યર છે. એમ કે ચલણી નોટ્સનાં વિશ્વમાં કિયો શબ્દ ચલણમાં રહ્યો? ગત વર્ષોમાં, ‘નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ’ (તમે લોન લ્યો તો તેઓ તમને વ્યાજ ચૂકવે, લો બોલો!), ‘ઝીરો ઇન્ટરેસ્ટ રેટ’ (ટૂંકા ગાળાની વ્યાજવિહોણી લોન) તેમજ વર્ચ્યુઅલ કરન્સીનાં ‘બિટકોઇન’ અને ‘લિબ્રા’ શબ્દો ફાઈનાન્સિયલ વર્ડ ઓફ ધ યર બન્યા હતા. લિબ્રા એટલે ત્રાજવું. તુલા. લિબ્રા ફેસબૂકની ડિજિટલ મુદ્રા છે. પણ એ જવા દઈએ. વર્ષ ૨૦૨૧માં એક જબરો શબ્દ સરતાજ બન્યો અને એ છે ગ્રીનવૉશિંગ (Greenwashing).
શોપિંગ મોલમાં અનાજ કરિયાણું ય વેચાય છે. અદાણી, અંબાણી કે તાતા જેવા કોર્પોરેટ આજકાલ ગાંધી અને મોદી થઈ ગયા છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ગાંધી’ એટલે સુગંધી પદાર્થ વેચનારો અથવા કરિયાણાનો વેપારી; અને ‘મોદી’ એટલે અનાજ, ગોળ, ઘી વગેરે ખાદ્ય વસ્તુ પહોંચાડનાર કે વેચનાર વેપારી. હવે આપણે ખરીદી કરવા મોલમાં જઈએ ત્યારે એક જ માલનાં બે પ્રકારનાં પેકેટ્સ હોય. એનાં મોલ જુદા જુદા હોય. એક સસ્તું હોય જેની પર કોઈ ખાસ લખાણ ન હોય પણ બીજા પર લખ્યું હોય: નેચરલ અથવા બાયો અથવા કેમિકલ ફ્રી અથવા ઇકો-ફ્રેન્ડલી અથવા સર્ટિફાઇડ ગ્રીન. એમ કે અમે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં નથી. અમે પર્યાવરણ બચાવીએ છીએ. એટલે અમારી પ્રોડક્ટ થોડી મોંઘી છે. પણ એ તમારા સ્વાસ્થ્ય માટે સારી છે- એવું તેઓ જાહેરાતમાં કહે છે. આપણે ભોળાં છીએ. સ્વાસ્થ્ય સાથે શા માટે ચેડાં કરવા? વધારે પૈસા દઈ દઈએ છીએ કારણ કે પૈસા તો ઝાડ પર ઊગે છે! આપણે ભૂલી જઈએ છીએ કે આ કોર્પોરેટની વ્યૂહાત્મક વેચાણ નીતિ છે. ગો ગ્રીન, ગો ગ્રીન અને પર્યાવરણ વચાવો, બચાવોની બૂમરાણ છે ચારેકોર. એનાં નામે આ કોર્પોરેટ્સ પોતાની પ્રોડક્ટ્સ ગ્રીનમાં ખપાવે છે અને વેચી જાય છે. આપણે હોંશે હોંશે છેતરાઈ જઈએ છીએ. ના, બધી પ્રોડક્ટ્સ એવી નથી પણ.. આપણે ક્યાં જોવા ગયા?!
ફાઈનાન્સિયલ ડિક્સનરી ‘ઇન્વેસ્ટોપીડિયા’ અનુસાર ‘ગ્રીનવૉશિંગ’ એટલે આ કંપનીનો માલ પર્યાવરણની દૃષ્ટિએ સાબૂત છે એવી ગેરમાર્ગે દોરતી ખોટી અસર ઊભી કરવી કે છાપ પાડવી. એમ કે તેઓની પ્રોડક્ટ્સમાં કુદરતને નુકસાન થાય તેવી કોઈ ખોડ નથી. અને આમ ભ્રામક દાવો કરીને ગ્રાહકને છેતરવામાં આવે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર, એક ‘–વૉશ’ અનુનય ધરાવતો શબ્દ ‘વ્હાઇટ વૉશ’ એટલે ઢાંકપિછોડો, મકાન ઇત્યાદિને ધોળવું, –ને ચૂનો દેવો, દોષ કે એબ ઢાંકવી, બનાવટી રૂપરંગ કે બાહ્ય આડંબર. વ્હાઇટ વૉશ પરથી જ શબ્દ આવ્યો ‘ગ્રીન વૉશ’. અને ગ્રીનવૉશિંગ એટલે ગ્રીનનાં નામે થતો બનાવટી રૂપરંગ અથવા બાહ્ય આડંબર. પોતાનાં પ્લાસ્ટિક પેક કે એલ્યુમિનિયમ કેન ઉપર લીલો રંગ ચીતરે એટલે આપણને થાય કે લીલું એટલું સારું.
બ્રિટિશ મલ્ટિનેશનલ ઓઇલ એન્ડ ગેસ કંપની બીપી-નો લોગો જે પહેલાં લાલ હતો તે હવે લીલો થઈ ગયો. તેલનું પ્રદૂષણ જાણે ઘટી ગયું! મેકડોનાલ્ડનો રંગ લાલપીળો હતો એ યુરોપમાં લીલોપીળો થઈ ગયો. જન્ક ફૂડ જાણે નેચરલ ફૂડ થઈ ગયું! કોકાકોલાનું લેબલ લાલ હતું, લૉગો લાલ અને લાલ રંગનું કેન હતુ. ૧૯૮૦ દાયકામાં એનું સ્લોગન હતું: રેડ, વ્હાઇટ એન્ડ યૂ. પણ હવે તેઓએ અમેરિકાનાં કેટલાંક રાજ્યમાં અને ઈંગ્લેંડમાં કોકાકોલાની બોટલ/ટીનને લાલમાંથી લીલી રંગી નાંખી. તેઓ જાહેરાત કરે છે એમાં સ્ટેવિયા પણ છે, જે કુદરતી છે. અલ્યા ભાઈ, ખાંડ તો ય છે તો ખરી જ ને? હાલી હું નીકળ્યાં? પણ ગ્રીન હવે નવો રેડ છે! લીલી છેતરામણીનો રંગ છે આ. સ્ટારબક્સનો પણ લીલો રંગ છે. કોફીને અને લીલા રંગને શી લેવાદેવાં? અકળ લીલા છે તારી ઓ કોર્પોરેટ્સ અને અમે ભોળાં ભગત છઈએ તે ભરમાઈ જઈએ. ગ્રીનવૉશિંગ યૂ સી! હરી છેતરામણી છે; હરિ હરિ..
ગ્રીનવૉશિંગ શબ્દ પ્રમાણમાં નવો છે. આ છેતરામણી ય પ્રમાણમાં નવી છે. ૧૯૮૬ માં પર્યાવરણવિદ જેય વેસ્ટરવેલ્ડે આ શબ્દ સર્જ્યો છે. તેઓએ હોટલ ઇન્ડસ્ટ્રીઝ ઉપર એક લેખ લખ્યો હતો. હોટલ રૂમમાં લખ્યું હોય છે કે પર્યાવરણ બચાવો, એકનો એક ટુવાલ/ચાદર ફરી વાપરો. એમ કે પાણી ઓછું વપરાએ. પણ હોટલ્સવાળા પોતે ઉર્જા કે પર્યાવરણ બચાવવા માટે કશું ય કરતા નથી. પર્યાવરણ બચાવવા નામે લૉન્ડ્રી કોસ્ટ બચાવવાનો આ નૂસખો માત્ર છે. વ્હાઇટવૉશ જેવું ગ્રીનવૉશ. ગ્રીનવૉશિંગમાં પર્યાવરણ બચાવવાની કાં તો કોઈ સાબિતી સાથે જોડી હોતી નથી અથવા જે રીસર્ચનો દાવો કરવામાં આવે છે, એ બહુ ઓછાં પ્રમાણમાં કરવામાં આવી હોય છે અને એનાં પૈસા પણ આડકતરી રીતે તેઓ જ દેતા હોય છે. સ્પોન્સર્ડ રીસર્ચ. યૂ સી! કોઈ વાર જાહેરાત અસ્પષ્ટ કે સંદિગ્ધ હોય છે. ખોટાં લેબલ્સ લગાડયાં હોય છે. કોઈ વાર દાવો સાચો પણ હોય, પણ એ પ્રોડક્ટને લાગુ પડતો ન હોય. અથવા કોઈ વાર એવો સૂર નીકળે કે બે ખરાબમાં આ ઓછું ખરાબ છે. પણ ભાઈ, ખરાબ તો છે જ ને? કોઈ કોઈ ગ્રીનવૉશ જાહેરાત તો બિલકુલ ખોટી હોય. પહેલાં સિગારેટની જાહેરાતમાં એક યુવતી ઘાસમાં સૂતી સૂતી સિગારેટ પીતી દેખાડાતી અને નીચે લખ્યું હોય કે આ સિગારેટ કુદરતી રીતે સૌમ્ય છે. પણ મારા બહેન, એ તંબાકુ તો છે જ ને?! કોઈ પણ કારની જાહેરાત જોઈ લ્યો. એમાં આજુબાજુ હંમેશા કુદરતી દૃશ્યો કેમ હોય છે? એ બધી કાર હંમેશા પહાડ કે નદીનાં રસ્તે કેમ ચાલતી હોય છે? કાર તો શહેરમાં જ ઝાઝી ચાલે. અને ત્યાં જ તો એ પ્રદૂષણ ફેલાવે. પણ આપણાં મનમાં એવું ઠસાવવામાં આવે છે કે આ કાર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. કેટલાંક ગ્રીન શબ્દો જો આપની અડફટે ચઢી જાય તો વિચારજો જરૂર કારણ એ ઝાંઝવાંની ભ્રમણા હોઈ શકે. આવા શબ્દો છે: નેચરલ (કુદરતી), એથિકલ (નૈતિક), લોકલ (સ્થાનિક), વેગન (કટ્ટર શાકાહારી), નૉન-ટોક્સિક(બિનઝેરી), ક્રુઅલ્ટી-ફ્રી (ક્રૂરતામુક્ત), પ્લાસ્ટિક-ફ્રી (પ્લાસ્ટિકમુક્ત) અને સસ્ટેનેબિલિટી (નિરંતરતા). અહીં કોઈ પણ પ્રોડક્ટ્સ સાથે કરવામાં આવેલાં આવા દાવા પોકળ હોઈ શકે, કાવાદાવા હોઈ શકે, છલ છલોછલ હોઈ શકે, ગ્રીનવૉશિંગ હોઈ શકે.
શબ્દશેષ:
“સૂર્ય, પવન અને ગ્રીન જોબ્સ-ની ડાહી ડાહી વાતો ગ્રીનવૉશ છે.” – કોલંબિયા યુનિવર્સિટીનાં ક્લાઇમેટ સાયન્સ પ્રોફેસર જેમ્સ હેન્સન

Leave a comment

Filed under Uncategorized