Daily Archives: ફેબ્રુવારી 3, 2022

ઇન્ફ્લુએન્સર: પ્રભાવનો પાડનાર

ઇન્ફ્લુએન્સર: પ્રભાવનો પાડનાર

ન જોયું કે ન જાણ્યું ને હતા ન કંઈ અભાવમાં,

વગર વિચાર્યે હા કહી છે એમના પ્રભાવમાં. -યામિની વ્યાસ

સમાચાર વાંચ્યા કે વીતેલાં વર્ષ ૨૦૨૧ માં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગમાં ૪૦%નો વધારો અને એમાં ય ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (એફએમસીજી)ની વાત કરીએ તો આ વધારો ૬૨%નો છે. અને ફરી પાછો વર્ષ ૨૦૨૨માં કોવિડ વેવ આવકમાં છે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ તો વધવાનું જ. આ દુનિયામાં માર્કેટિંગ એટલે કે કાંઈ પણ વેચવું ખૂબ અઘરું છે. બનાવવું સહેલું છે પણ (ઉલ્લુ!) બનાવવું અઘરું છે. લોકોનાં મનમાં ઠસાવવું કે અમે શ્રેષ્ઠ છીએ, અમારો માલ જ ખરીદો એ અઘરું છે. માલ વેચાય તો કંપની માલામાલ થઈ જાય અને ખરીદનાર કંગાલ. કાંઈ કેટલી વસ્તુઓ બિનજરૂરી હોય છે પણ ઓનલાઈન ખરીદાઈ જાય છે. જરૂરી નહોતું પણ એક ક્લિકમાં પૈસા ચૂકવાઈ જાય છે. ક્લિક એક એવી નબળી ક્ષણ છે જેમાં માનવીનું સ્ખલન થઈ જાય છે. ભૌતિક વસ્તુઓ પાછળનો આપણો પ્રેમ ભેદી છે. બધું સારું, બધું સારું પણ આપણે માટે શું સારું? રોજ રોજ કેટલીય જાહેરાતો આવે છે. જમાનો ઓનલાઈનનો છે. જાગીને જોઉં તો ફોન દીસે નહીં અને મનમાં અટપટા સંશય ઊઠે. ફોન હાથવગો થાય તો હાશકારો થાય. સવારે ઊઠીને શ્લોક બોલીએ: કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે.. પણ પ્રભાતે ફોન દર્શનમ્ કરીએ એટલે લક્ષ્મી જતી રહે. આ ઓનલાઇનવાળા જાણી જાય છે કે આપણને શેમાં રસ છે. પછી રીતસરનાં આદૂ ખાઈને આપણી પાછળ જ પડી જાય. એમાં ય કોવિડ યુગમાં તો ગ્રાહક સુધી પહોંચવાનો આ જ તો સીધો અને સરળ રસ્તો છે. અને અહીં આવે છે આપણો આજનો શબ્દ ઇન્ફ્લુએન્સર (Influencer). કોઈ એવી વ્યક્તિ છે જેનાં ફોલોઅર્સ અનેક છે. અનુયાયીઓ, અનુસરણ કરે તે. પછી તો એ જેવું કરે, એવું આપણે પણ કરીએ.
ઇન્ફ્લુએન્સર એટલે પ્રભાવકારી વ્યક્તિ. ૧૪મી સદીમાં ઇન્ફ્લુએન્સ શબ્દ જ્યોતિષશાસ્ત્રનો શબ્દ હતો. એમ કે ગ્રહો, નક્ષત્રોની માનવજીવન ઉપર શી અસર છે? શો પ્રભાવ છે?-એનું શાસ્ત્ર. લેટિન ‘ઇનફ્લુએન્શિયા’ એટલે જે વહેણ હોય એમાં વહેવું, પ્રવાહમાં તણાવું. ‘ઈન’ એટલે અંદર અને ‘ફલુઅર’ એટલે પ્રવાહ. હવે ૨૧મી સદી છે કે જેમાં માત્ર મંગળ, રાહુ કે શનિ નહીં, બીજા અનેક છે જે રોજ આપણાં વર્તમાન અને ભવિષ્ય ઉપર અસર કરે છે. રીતસરનું ત્રાટક કરે છે, સાહેબ. ‘ત્રાટક’ એટલે તૂટી પડવું તે; છાપો; અચાનક હલ્લો કરવો તે. પેલી સિનેમાની નટી શ્રદ્ધા કપૂર ચૉકલેટ્સનાં ડબ્બા સાથે પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે, લખે કે.. ઘરે રહો (સાચી સલાહ) અને આ બ્રાન્ડની ચૉકલેટ્સને ચાટો( શા માટે?). દસ લાખથી પણ વધુ અનુયાયીઓ છે, જેઓને શ્રદ્ધા ઉપર અપાર શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધા મેગા ઇન્ફ્લુએન્સર થઈ. વિશાળ પ્રભાવ પાડનારી વ્યક્તિ. ફિલ્મી હીરો કે હીરોઈન કે પછી ક્રિકેટર્સ કહે એટલે આપણે એ આઇટેમ ખરીદ કરીએ. મેગા જેવા નેનો ઇન્ફ્લુએન્સર પણ હોય છે. એમનાં અનુયાયીઓ ઓછા હોય, દસ હજારથી ય ઓછા. પણ વફાદાર હોય. કોઈ ચોક્કસ ચીજ માટે એ અનુયાયીઓને આગ્રહ કરે તેઓ માની જાય. વેચવાવાળાઓને આવા નેનો સસ્તા ય પડે. અનુયાયીઓને મતે નેનો ઇન્ફ્લુએન્સરની વિશ્વાસુ છે. એટલે ખરીદે. ખરીદ કિંમતનો એક નાનો હિસ્સો ઇન્ફ્લુએન્સરને મળે. એને કમાણી થાય. આપણાં ખિસ્સાં ખાલી થાય. આ બધા આધુનિક ખિસ્સાકાતરું છે! ન્યૂઝ-૧૮નાં એક તાજેતરનાં સમાચારનું શીર્ષક છે: વર્ષ ૨૦૨૨માં ફાઇનાન્સથી ફિટનેસ સુધી સોશિયલ મીડિયા ઇનફલેન્સર્સનું ધ્યાન બધી બાજુ હશે.
સઘળું સારું હોય છે. સઘળું નરસું હોય છે. દરજી માટે ધારદાર કુહાડી હોય પણ શા કામની? અને કઠિયારો સોય લઈને જંગલમાં જાય તો? જલેબી સારી પણ દિવસોનાં દિવસો માત્ર જલેબી જ મળે તો ગાંઠિયા માટે આપણે તરસી જઈએ કે નહીં?! ક્યારે શું લેવું? અને ક્યારે દિલમાં ઊઠેલી ઇચ્છાને રફેદફે કરવી? બસ આપણે આટલું જાણીએ તો જીવનમાં દેવું વધે નહીં. ગળે ફાંસો ખાવાનો વારો આવે નહીં. પણ આપણી સ્વવિવેક બુદ્ધિ ઘણી વાર ઘાસ ચરવા જતી હોય છે. આપણે કોઈનાં પ્રભાવમાં આવી જઈએ છીએ. આપણે અન્યને પૂંછડે લટકીએ છીએ. ઓસ્કાર વાઇલ્ડની નવલકથા ‘પિક્ચર ઓફ ડોરિયન ગ્રે’માં મુખ્ય પાત્ર ડોરિયન આવો જ છે. એ અન્ય પાત્ર લોર્ડ હેન્રીનાં પ્રભાવમાં આવી જાય છે. લોર્ડ હેન્રી કુશળ વક્તા છે, હાજરજવાબી છે, રમૂજ કરી જાણે છે. મોટી મોટી વાતો કરવી અને સામાવાળાને પરવશ કરી નાંખે, એવો એનો સ્વભાવ છે. ડોરિયન ગ્રે એ વાતનો સ્વીકાર પણ કરે છે કે બધી જ જાતનાં પ્રભાવ અનૈતિક હોય છે. કોઈ ઉપર પ્રભાવ પાડવો એટલે પોતાનો અંતરાત્મા સામેવાળા ઉપર જબરજસ્તીથી ઠોસી દેવો તે. પ્રભાવમાં આવી જતી વ્યક્તિનું પછી પોતાનું કાંઈ નથી. એનાં પોતાનાં વિચાર હવે એનાં નથી, એનાં સદ્ગુણ પણ હવે એનાં નથી. એનાં પાપ, જો દુનિયામાં પાપ જેવું કશું હોય તો એ ય પછી એનાં નથી. એ ય ઉછીનાં લીધા હોય છે. પછી એનું પોતાનું વ્યક્તિત્વ અલોપ થઈ જાય છે. ઇન્ફ્લુએન્સરની અસર આપણાં દિલોદિમાગ સર કરી લે છે. આપણે એ ઉંદરો છે જે વાંસળીની ધૂન પર વાદકની પાછળ ચાલી નીકળીએ છીએ. પાઈડ પાઈપર ઓફ હેમેલિનની બાળવાર્તા તો આપણે જાણીએ છીએ.
આપણાં શાસ્ત્રમાં જાદૂનાં ચાર પ્રકારનાં પ્રયોગ કહ્યા છે. મારણ, મોહન, વશીકરણ અને ઉચ્ચાટન. મારણ એટલે ઈલાજ. મોહન એટલે ભ્રમમાં નાંખવું તે. વશીકરણ એટલે વશ કરવું તે અને છેલ્લે ઉચ્ચાટન. ભગવદ્ગોમંડલ અનુસાર ઉચ્ચાટન એટલે નિકંદન. ‘ઉત્’ એટલે ઘણું અને ‘ચટ’ એટલે મારવું. મનુષ્યની જાત દુ:ખ નાંખવાનો એક અભિચાર. અમને હાસ્યરસનાં પરમ જ્ઞાતા પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડ સાહેબની લાભુ મેરાઈવાળી વાત યાદ આવી ગઇ. યુરોપિયન એટલે યુરોપિયન! લાભુ મેરાઈને સીવવાનાં સંચામાં ઊંઝવા માટે એક શીશી તેલ જોઈતું હતું પણ યુરોપિયન કંપની એલન બ્રધર્સ એને એક આખું પીપ વળગાડી ગઈ અને પછી જે એની અવદશા થઈ કે વાત ન પૂછો. સુખનો રોટલો રળી ખાતો લાભુ મેરાઈ દુ:ખનાં દેવામાં ડૂબ્યો. દરેક ઇન્ફ્લુએન્સર એલન બ્રધર્સનાં ભાઈ (અથવા બેન) છે. અને આપણે રહ્યા લાભુ મેરાઈ. બચીને ચાલવું. જરૂર પૂરતું લેવું. પગ હોય એટલે ચાદર તાણવી, નહીં તો ટૂંટિયું વળીને હૂઈ રે’વું, તંઈ હું!
શબ્દ શેષ:
“લોકો માલ અને સેવા ખરીદતા નથી, તેઓ સંબંધો, વાર્તાઓ અને જાદૂ ખરીદે છે.” –અમેરિકન લેખક સેઠ ગોડિન

Leave a comment

Filed under Uncategorized