Daily Archives: ફેબ્રુવારી 4, 2022

ઊંધિયા તવ ઉપદેશ

ઊંધિયા તવ ઉપદેશ : “છે સંપ, સંગ, સહજીવન, સંઘ સ્વર્ગે”
-સ્નેહલ મુઝુમદાર

મહાભારતને અંતે બિચારા વ્યાસ કહે છે કે ऊर्ध्व बाहुर्विरोम्येष न च कश्चित् शृणोति मे – કે ઊંચા હાથ કરીને પોકારું છું પણ કોઇ મારું સાંભળતું નથી. મારી સ્થિતિ પણ એવી જ છે. દર વર્ષને અંતે હાથ ઊંચા કરીને માનવજાતને કહું છું કે છોડો આ અવિશ્વાસ અને અસહિષ્ણુતાની આલમ. છોડો આ આતંક અને અત્યાચારની આલમ. છોડો આ અંધાધૂંધી અને અરાજકતાની આલમ. કોરાણે મૂકો આ વાદ-વિવાદ-વંટોળ-વેર-વસૂલાત. ચાલો સુરત, માણો લિજ્જતદાર ઊંધિયું. કોણ મારું પણ સાંભળે છે?

વાત તો માટીના ઘડાની જ છે. કબીરજીએ માટીના ઘડાનું જળ, ઘડો ફૂટી જતાં નદીના જળમાં એકાકાર થઇ જાય એ વાત કરી અને એ દ્વારા માનવજાતને આધ્યાત્મિક સંદેશ આપ્યો. કબીરજી કાશીમાં હતા અને ‘કાશીનું મરણ’ માટે ઘડો તો ફૂટવો જ જોઇએ. પણ સુરતનું શું? ‘સુરતનું જમણ’ માટે સુરતીઓએ માટીના ઘડામાં પાપડી સહિત વિવિધ શાક અને કંદમૂળ ભરી ઘડાને ઊંધો કરી જમીનમાં આખી રાત દાટી દઇ સવારે ઊંધિયું બનાવીને ખાધું અને એ દ્વારા માનવજાતને સંદેશો આપ્યો કે ઊંધિયામાં વિવિધ શાક અને કંદમૂળ સાથે રહીને પણ પોતીકાપણું જાળવી શકે તો શાણી માનવજાત કેમ સાથે રહી શાંતિથી રહી ન શકે? લેજો એની શીખ : “છે સંપ, સંગ, સહજીવન, સંઘ સ્વર્ગે”.

તો માણો વિવિધ છંદમાં (કે છંદનું) ઊંધિયું:

શાર્દૂલવિક્રીડિત

આવો ઊંધિયું ખાઇએ રસભરી સ્વાદિષ્ટ એ વાનગી
શી મીઠાશ કતારગામ કુમળી લીલી ભલી પાપડી
માંહી વેગણ, કંદ ને શકરિયાં, કેળાં, બટાકા વળી
એ ખાનાર તમામ નારનરનું કુર્યાત્ સદા મંગલમ્

વસંતતિલકા

સાથે વસે વિવિધ શાક ને કંદમૂળો
છે સખ્યભાવ અદકો, નહીં શૌક્ય કેરો
ના કોઇ વાદ, ઝગડો નથી કે દલીલો
જીયો ભયો સુખ તણો સહવાસ મીઠો

શાર્દૂલવિક્રીડિત

શાને માનવજાત ના સુખદુઃખે સંગે રહી જીવતી
જ્યાં ત્યાં દંગલ, મારઝૂડ, કજિયા, યુદ્ધે ખુવારી થતી
માંહોમાંહ લડી વિનાશ કરતા સૌ કોમવાદે ચડી
લેતા પાઠ ન ઊંધિયા તમ કને, જીવો બધા પ્રેમથી

શિખરિણી

સુણો રે નેતાઓ, ધરમ બહાને તંગ ન કરો
કટારી ફેંકી દો , કટુ વચનને મ્યાન કરજો
ઉપાડો બૅગો ને સુરત જઇને ઊંધિયું જમો
જરા તો ચાખો ને સહવસનના ઉત્તમ ફળો

વસંતતિલકા

જે ખાય ઊંધિયું સુરતી બનીને
સાથે વળી લસણની ચટણી લઇને
સ્વર્ગીય સ્વાદ મુખમાં ઋષિજ્ઞાન લાવે
“છે સંપ, સંગ, સહજીવન, સંઘ સ્વર્ગે

તીરકીટધા: કર, કલમ અને કલા: સ્નેહલ મુઝુમદાર
જન્મભૂમિ પ્રવાસી જાન્યુઆરી 2, 2022 See less— with Manjari Muzoomdar.

Leave a comment

Filed under Uncategorized