Daily Archives: ફેબ્રુવારી 10, 2022

મારી દસે રે આંગળીએ બેઠી આંખ

જેમનો ખૂબ જ મધુરો કંઠ છે એવા નમ્રતાબહેન શોધન કે જેઓ અંધજન શાળામાં રીડર તરીકે સેવા આપે છે અને સંગીતથી પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે સૂર સાધી ખુશી વહેંચે છે, એમણે મારું લખેલું અંધ કન્યાનું ગીત ખૂબ મધુર, આર્જવ સંવેદનો સભર સ્વરાંકન કરી ગાયું છે.ખૂબ આભાર..સાથે શ્રી ગણેશના દર્શનથી શરૂઆત થઈ એવી સુંદર વિડીયોગ્રાફી માટે શ્રી રોનકભાઈનો આભાર.💐આ ગીત હું સુરતની અંધજન શાળાની પ્રજ્ઞાચક્ષુ બાલિકાઓની કેશગુંફન અને સાડી પરિધાન સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ગઈ હતી ત્યારે લખાયું હતું.

અંધ કન્યાનું ગીત

મારી દસે રે આંગળીએ બેઠી આંખ મારી સહિયરો કઈ તે આંખ એ વખાણશે રે લોલ

મારાં ટેરવાં અડે તો ફૂટે પાંખ મારી સહિયરો ક્યારે એ પાંખ પહેરી આવશે રે લોલ

મને અજવાળાં ભાસે બારે માસ મારી સહિયરો ફાગણિયે માસ એ પધારશે રે લોલ

કાળા રંગમાં છે રંગ, બાકી રાખ મારી સહિયરો બધી તે રાખ એ ઉડાડશે રે લોલ

હું તો ભૂલું ભૂલું ને આવે યાદ મારી સહિયરો એવી કોઈ યાદથી રડાવશે રે લોલ

એક શમણું રોપું ને ઉગે લાખ મારી સહિયરો બાગ એ લાખનો બનાવશે રે લોલ

આજ કંકુથાપાની પાડું છાપ મારી સહિયરો એવી તે છાપ જોડે પાડશે રે લોલ

આખું આયખું ધરું ને કહું ચાખ મારી સહિયરો પડઘા એ ચાખ’ના લજાવશે રે લોલ

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized