Daily Archives: ફેબ્રુવારી 13, 2022

અનોક્રસી’બોલે તો અડધી લોકશાહી (આ વળી નવું!)

– શબ્દસંહિતા-પરેશ વ્યાસ

– ઘણાં લોકશાહી દેશોમાં સત્તા એક સ્થાને કેન્દ્રિત થાય તો વ્યક્તિગત સ્વતંત્રતા ઘસાતી જાય, તકરાર વધે, વિગ્રહ પણ થાય

ગઇ કાલે

લોકશાહીના

પેટમાં

સખત

દુ:ખાવો ઊપડયો.

ડૉક્ટરે

તપાસીને કહ્યું:

‘પેટમાં’

સત્તાની ગાંઠ છે.- ફિલિપ ક્લાર્ક

કેટલાંક રાજ્યોની ચૂંટણીનો એલાન-એ-જંગ થઈ ચૂક્યો છે. કોંગ્રેસનાં સાંસદ ‘અનોક્રસી’ (છર્હબચિબઅ) શબ્દ ટ્વીટ કરી સરકારની ટીકા કરી શકે, એ જ બતાવે છે કે ભારત દેશમાં ઓટોક્રસી(સરમુખત્યારશાહી) તો નથી જ. ડેમોક્રસી છે? અલબત્ત છે. લોકોની સરકાર છે, લોકો માટેની સરકાર છે, લોકોનાં પ્રતિનિધિઓ રાજ કરે છે અને.. લોકોને ન ગમે તો ચૂંટણી પછી આખી ને આખી સરકાર ફેંકાઇ જાય. ભારત દેશમાં બધી જગ્યાઓ ઉપર માત્ર એક પક્ષનું જ શાસન હોય એવું નથી. અનેક રાજ્યોમાં એક અથવા એકથી વધારે એવાં સંયુક્ત પક્ષોનું શાસન છે કે જેઓ દેશની સંસદમાં વિરોધ પક્ષમાં છે. છતાં શશી થરૂર આ દેશને લોકશાહી કહેવા તૈયાર નથી. તેઓ કહે છે આપણે હવે  અનોક્રસી શબ્દ શીખી લેવો જોઈએ. તેઓ કહે છે કે ચૂંટણી યોજાય તો છે પણ ‘એકાઉન્ટેબિલિટી’ નથી. એકાઉન્ટેબિલિટી એટલે? જવાબદારી, ઉત્તરદાયિત્વ. તેઓ એમ પણ કહે છે કે ‘કોમ્પિટિશન’ બહુ ઓછી છે. કોમ્પિટિશન એટલે? સ્પર્ધા, હરીફાઈ. પણ તે હેં શશીભઈ, તમારો પક્ષ સ્પર્ધા માટે તૈયાર છે ખરો? પણ એ જવા દો. કારણ આ કૉલમ પોલિટિકલ નથી. પણ શબ્દનાં લેખાંજોખાં કરવાનો અમારો અબાધિત અધિકાર છે. 

‘અનોક્રસી’ શબ્દ કોઈ પણ પ્રમાણભૂત ડિક્સનરીમાં છે જ નહીં. મેરિયમ વેબ્સટર, અમેરિકન હેરિટેજ, ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ, કોલિન્સ, ડિક્સનરી.કોમ- કશામાં આ શબ્દ છે જ નહીં. ગુજરાતી લેક્સિકોનમાં તો પછી ક્યાંથી હોય? ફક્ત વિકિપીડિયા અને વિકિઓનરીમાં ઉલ્લેખ છે. વિખ્યાત બ્રિટિશ અનુવાદક આર. એફ. સી. હલ દ્વારા સને ૧૯૫૦માં ઑસ્ટ્રિયન યહૂદી ફિલોસોફરનાં સાહિત્ય સર્જન ‘પાથ ઈન યુટોપિયા’નાં અનુવાદમાં પહેલી વાર ‘અનોક્રસી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. ‘યુટોપિયા’ એટલે કાલ્પનિક રામરાજ્ય.  અનુવાદમાં એવું સમજાવવામાં આવ્યું કે ઍનાર્કિ (અરાજકતા) એટલે કે -શાસનનું નહીં હોવું- કરતાં અનોક્રસી એક અલગ વાત છે. ‘અનો’ એટલે નહીં અને ‘ક્રસી’ એટલે શાસન, એટલે શાસન જેવું  કશું નહીં હોવું- એવો અર્થ અહીં નથી. અનોક્રસી એટલે? એટલે લોકોની સરકાર પણ લોકોનાં અધિકાર મર્યાદિત. અનોક્રસી શબ્દ ‘ઓટોક્રસી’ અને ‘ડેમોક્રસી’ એવાં બે શબ્દોથી બનેલો શબ્દ છે. અનોક્રસી એટલે અર્ધ-લોકશાહી. જ્યારે ચૂંટણીમાં ઘાલમેલ થાય, દેશમાં અસ્થિરતા સર્જાય, આંતરિક વિગ્રહ ગમે ત્યારે ફાટી નીકળે એવી સ્થિતિ હોય તો એ અનોક્રસી કહેવાય. ભારતમાં એવું તો નથી. હા, એટલું છે કે લિબરલ્સ લોકો પોતાનો બળાપો કાઢતા ફરે છે. લિબરલ્સ? કઠોર કે કટ્ટર નહીં એવા, મનને ઉદાર બતાવવાનાં ઉદ્દેશવાળા, લોકશાહી પદ્ધતિથી સુધારાને અનુકૂળ, ઉદારમતવાદી. ઓહો! આ તો સારા લોકો કહેવાય. પણ પછી તો કોઈ પણ કામ થાય એનો બસ વિરોધ જ કર્યા કરવો એ લિબરલ્સ? અત્યારે એ લિબરલ્સનો  અવાજ દબાઈ ગયો છે એવી દુહાઈ દેતાં શ્રી શશી થરૂર એટલે  ડેમોક્રસી-નાં સ્થાને અનોક્રસી-ની વાત કરે છે. અનોક્રસી જેવો એક સરસ શબ્દ અમને જડી ગયો. ‘ઇલિબરલ  ડેમોક્રસી’ (ૈંનનૈમીચિન ઘીર્સબચિબઅ). મારાં  વ્હાલાં શબ્દશાસ્ત્રી શશીભઈ, તમારી વાત તમે આ શબ્દથી વધારે સારી રીતે સમજાવી શકયા હોત. 

અહીં મૂળ શબ્દ છે: લીબર્ટી, જેનો એક અર્થ મુક્તિ, સ્વાધીનતા, સ્વતંત્રતા થાય. ઇલિબરલ ડેમોક્રસી એટલે આવું નહીં હોય તેવી, પરાધીન લોકશાહી. આ શબ્દ સીએનએનનાં અમેરિકન-ઇન્ડિયન જર્નાલિસ્ટ ફરીદ ઝકરીયાનો લાડલો  શબ્દ છે. તેઓ કહે છે કે લોકશાહી અને સ્વાધીનતા બંને સાથે જ હોય પણ ઘણાં લોકશાહી દેશોમાં સત્તા એક સ્થાને કેન્દ્રિત થાય તો વ્યક્તિગત સ્વતંત્રતા ઘસાતી જાય, તકરાર વધે, વિગ્રહ પણ થાય. અલબત્ત ચૂંટણી તો થાય, વિરોધ પક્ષ એમાં ભાગ પણ લઈ શકે પણ ચેક્સ એન્ડ બેલન્સ (પરસ્પર અંકુશ અને પ્રતિઅંકુશ) નથી. આવી શાસનપ્રણાલિ  ‘હાઇબ્રીડ’ કહેવાય. થોડી થોડી લોકશાહી, થોડી થોડી તાનાશાહી. ગુજરાતી લેક્સિકોનમાં ‘લીબર્ટી’નાં અન્ય અર્થ પણ છે. લીબર્ટી એટલે અમર્યાદા, પોતાની ઈચ્છા મુજબ કરવા કે વર્તવાનો હક કે સત્તા, ધૃષ્ટતા, સામાન્ય સભ્યતાનો ભંગ કરનારી વાણી કે વર્તણૂંકની અણઘટતી છૂટ. લો બોલો! અને ઇલિબરલ ડેમોક્રસી એટલે? એટલે  આવું નહીં હોય એવી લોકશાહી. વાણી વર્તણૂંક બાબતે અણઘટતી છૂટ ન હોય એવી લોકશાહી તો સમૂળગાની સારી કહેવાવી જોઈએ, હેં ને?

તમે ભલે જરૂર ગણો પણ હે શ્રી શશી થરૂર, અમે ભારતને આવો દેશ ગણતાં નથી. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાસનનો પણ માપદંડ હોય છે. પોલિટી ડેટા સીરીઝની પોલટીકલ સાયન્સ રીસર્ચ અનુસાર દરેક દેશની શાસન પ્રણાલિને ૨૧ પોઇન્ટ્સનો એટલે કે -૧૦ થી + ૧૦ સુધીનો સ્કોર આપવામાં આવે છે.  માઇનસમાં હોય એટલે સરમુખત્યારશાહી. દા. ત. ચીનનો સ્કોર -૭ છે. ભારતનો સ્કોર +૮ છે. એટલે આપણે લોકશાહી છીએ. પૂર્ણ લોકશાહી દેશ કેનેડા +૧૦ છે. તો પૂર્ણ સરમુખત્યારશાહી દેશ નોર્થ કોરિયા -૧૦. અમેરિકા +૭ છે. કહે છે કે હવે એ +૫ તરફ જઈ રહ્યો છે. કોઈ દેશનો સ્કોર -૫ થી +૫ વચ્ચે હોય તો એ અનોક્રસી છે. શશી થરૂરનાં મતે ભારત પણ +૫ તરફ જઈ રહ્યો છે. મૂળ વાત છે લીબર્ટીની. સ્વતંત્રતા એટલે સ્વછંદતા? કાંઈ પણ અણઘટિત બોલવાની કે વર્તવાની છૂટ હોય એવી લીબર્ટી કરતાં તો નિયંત્રણ હોય એ સારું. હેં ને? મઝાની વાત એ છે કે 

આ બધી મુશ્કેલીઓ -૫ થી +૫ વચ્ચેની છે. પોઝિટિવ કે નેગેટિવ પણ જો સ્કોર ૬ થી ૧૦ વચ્ચેનો હોય તો એ દેશમાં શાસન સ્થિર જ હોય છે! કેનેડા કે નોર્થ કોરિયા બંનેમાં સ્થિરતા તો છે જ. શરતો લાગુ. 

તો ચાલો, આજે અડધી પડધી લોકશાહીની વાત કરીને અમે અડધાં અડધાં થઈ ગયા. આ તે લોકશાહી છે કે અડધી અડધી ચાય! પણ આમ જુઓ તો લોકશાહી આખરે એ જ તો છે. અમેરિકાનાં સ્થાપક પૈકીનાં એક થોમસ જેફરસન એવું કહેતા કે લોકશાહી એ બીજું કશું નથી પણ ટોળાશાહી છે, જેમાં ૫૧% લોકો બાકીનાં ૪૯% લોકોનો અધિકાર છીનવી લે છે. લોકશાહીનો જય હો!

pbs.twimg.com/media/DSypHkQWAAA281r.jpg
Anocracy or semi-democracy[

શબ્દશેષ :

‘આ દુનિયાનો આખો પ્રશ્ન જ આ છે કે મૂરખાઓ અને કટ્ટર લોકો પોતાની માન્યતાઓ બાબતે હંમેશા એકદમ સ્પષ્ટ  હોય છે અને ડાહ્યા લોકો પોતાના વિષે હંમેશા અનેક શંકા કુશંકા કરતાં રહે છે.’ – બ્રિટિશ ગણિતશાસ્ત્રી ફિલોસોફર બર્ટરેન્ડ રસેલ (૧૮૭૨-૧૯૭૦)

Leave a comment

Filed under Uncategorized