Daily Archives: ફેબ્રુવારી 17, 2022

વિદાયનાં શબ્દો/Paresh Vyas

વિદાયનાં શબ્દો: ફેઅરવેલ, ગૂડબાય, આઈરિશ ગૂડબાય, ફ્રેંચ લીવ.. મને રજા મળી ગઈ છે.મિત્રો, મને વિદાય આપો.હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છુંમારા દરવાજાની ચાવી પાછી સોંપું છું – રવીન્દ્રનાથ ટાગોર, અનુ. શૈલેશ પારેખછોડી દીધી. કેપ્ટન્સી. કોઈ કાઢી મૂકે તે પહેલાં. બસ હવે બહુ થયું. ૯૯ ટેસ્ટ મેચ એ રમ્યો. સૌથી સફળ ભારતીય ક્રિકેટ કેપ્ટન. કેપ્ટન તરીકે ૬૮માંથી ૪૦માં એ જીત્યો. ૧૧ ડ્રો થઈ. માત્ર ૧૭ માં જ એ હાર્યો. વિદેશની ધરતી પર પણ વિજય વાવટો એણે વારંવાર લહેરાવ્યો. હવે પછીની એની સેન્ચુરી મેચમાં એક કેપ્ટન તરીકે ફેઅરવેલ મેચ રમવાની ઓફર એણે ઠૂકરાવી. ‘એક મેચથી શું ફેર પડે? એવો હું નથી’- એવું એણે કહ્યું. અમને લાગ્યું કે એણે હા પાડવી જોઈતી હતી. ફેઅરવેલ ઉપર સૌનો અધિકાર છે. ગૂડબાય પણ વિધિવત કહેવાવું જોઈએ. આમ સાવ આઈરિશ ગૂડબાય અથવા ફ્રેંચ લીવ ન ચાલે.. ચાલો શબ્દો મળ્યા. તો એની જ વાત કરીએ. ક્રિકેટનું ઝનૂન આપણે માથે અમથું ય છે જ. આજે એ સંદર્ભમાં વિદાયનાં શબ્દોની વાતો કરીએ તો કેવું? ગુજરાતી લેકસિકોન અનુસાર ફેઅરવેલ (Farewell) એટલે (વિદાયનાં) રામરામ, આવજો, શુભેચ્છા, છૂટા પડતી વખતે શુભેચ્છા માટે બોલાતા શબ્દો, વિદાયગીરી. અને ગૂડબાય (Good-bye) એટલે? એટલે પણ એમ જ. વિદાય વેળાએ શુભેચ્છાવાચક આવજો, રામરામ, નોખા પડતી વખતે વપરાતો ઉદ્ગાર. એટલું નક્કી કે આ વિદાય વેળા વપરાતા શબ્દો છે. ‘બાય’ એટલે હંગામી આવજો. પણ ‘ગૂડબાય’ એટલે અહીં છૂટાં પડવાનું કાયમી છે. કાયમી આવજો! પણ કાયમી જુદાઇ હોય તો પછી આવજો? ગુજરાતી લેક્સિકોનમાં ‘આવજો’ એવો ય અર્થ છે. આ તો આપણી સંસ્કૃતિ છે કે આપણે કોઈને કાયમી વિદાય આપતા નથી. ‘આવજો’ આપણો પોતીકો ગુજરાતી શબ્દ છે. આવજો-માં આમંત્રણ છે. ગૂડબાયમાં શુભેચ્છા છે. માત્ર શુભેચ્છા. ગૂડબાય શબ્દ ૧૬મી સદીથી ઇંગ્લિશ ભાષામાં છે. ૧૪મી સદીથી બોલાતાં ‘ગોડ બી વિથ યે’ (ભગવાન તમારી સાથે રહે)નું ટૂંકું સ્વરૂપ એટલે ગૂડબાય. ‘ગોડ’માંથી ‘ગૂડ’ થઈ જવાની પાછળ ગૂડ મોર્નિંગ, ગૂડ નાઈટ જેવા સંબોધનની અસર છે. શુભેચ્છા ભરી કાયમી વિદાય એટલે ગૂડબાય. ના, માણસ મરી નથી જતો પણ એ હવે ત્યાં રહેશે નથી. એ હવે બીજે ક્યાંક જશે. એનો હોદ્દો હવે અલગ છે. એનું કામ હવે નોખું છે. એની સ્થિતિ હવે જુદી છે. કહેવાય છે કે પુરુષને એ આવડતું નથી કે ગૂડબાય કેવી રીતે કહેવું? અને સ્ત્રીને એ આવડતું નથી કે ગૂડબાય ક્યારે કહેવું? ‘ગૂડબાય’ કહેવા કરતાં ‘ફરી મળીશું’ એવું ય કહી શકાય. જો કે માંડ છૂટકારો મળ્યો હોય એવો ભાવ મનમાં આવે તો હે પ્રિય વાંચક, ગૂડબાય જ કહેવું! ફેઅરવેલ એટલે ફેઅર અને વેલ. ફેઅર શબ્દ જૂના ઇંગ્લિશ શબ્દ ‘ફેરન’ પરથી આવ્યો છે. ફેરન એટલે યાત્રા, મુસાફરી, ચાલી નીકળવું તે, પોતાનો રસ્તો શોધી લેવો તે. કશુંક બનવું એવો અર્થ પણ નીકળે. અને ‘વેલ’ તો આપણે જાણીએ. વેલ એટલે શુભેચ્છા. મૂળ લેટિન શબ્દ ‘વેલે’ એટલે ઈચ્છા કરવી. વિદાય આપનારાં ‘ફેરવેલ’ આપે અને વિદાય લેનાર ‘ગૂડબાય’ કહે એવી સામાજિક રીતભાત છે. તે હેં વિરાટભઈ, તમે કહો છો કે તમે એવા નથી. તો તમે કેવા છો? કપિલદેવે કહ્યું કે નવા કેપ્ટનની નીચે રમવા માટે વિરાટે એનો ઇગો છોડવો જોઈએ. ઇગો એટલે? ગર્વ. તમે કેપ્ટન તરીકે ફેઅરવેલ મેચ માટે ઇન્કાર કર્યો એટલે એનો અર્થ એવો કે આપનો ઇગો હજી અકબંધ છે? રામ જાણે. પણ આમ અચાનક રામ રામ કહી દેવું અઘરું છે, નહીં?‘આઈરિશ ગૂડબાય’ આમ તો બોલચાલની ભાષાનાં શબ્દો છે. કોઈને કશું ય કહ્યા વગર ચૂપચાપ વિદાય લઈ લેવી એટલે આઈરિશ ગૂડબાય. એમ કે અમે ઝઘડો થાય એવું ઇચ્છતા નથી. એમ કે અમે વધારે પડતું પી ગયા છે, બોલવાનો હોંશ નથી, ખોટી ફજેતી થાય. કહે છે કે એ સ્ત્રી જેને ડેઈટ કરતી હતી એ બીજો આઈરિશ બોયફ્રેન્ડ પણ ગૂડબાય કહ્યા વિના એને છોડી ગયો. એટલે એમ કે એવું કહ્યા વિના, ખુલાસો કર્યા વિના, ગૂડબાય કહ્યા વિના કોઈ ચાલી જાય તો એને ‘આઈરિશ ગૂડબાય’ કહેવાય. તો પછી ફ્રેંચ લીવ અથવા તો ફ્રેંચ એક્ઝિટ એટલે? કોઈને કશું ય કહ્યા વિના અચાનક ચાલ્યા જવું એ અસંસ્કારી કે અણઘડ કહેવાય. ઈંગ્લેન્ડ અને ફ્રાંસ વચ્ચે કાયમ પાડોશી ઝઘડો ચાલે. એટલે એમ કે અપમાન થાય એવી રીતે જતા રહેવાને ફ્રેંચ લીવ કે ફ્રેંચ એક્ઝિટ કહેવાય. એમ કે અમે ઇંગ્લિશ લોકો તો સુધરેલા લોકો. આ તો અણઘડ ફ્રેંચ લોકો આવું કરે. હવે સામે પાર ફ્રેંચ લોકો ઇંગ્લિશ લોકોને અસંસ્કારી માને. ફ્રેંચ ભાષામાં ફ્રેંચ લીવથી ઊંધા એવા ‘ફીલર અ લા’એન્જેલાયઝ’ શબ્દો વપરાય છે, એનો અર્થ થાય ઇંગ્લિશ સ્ટાઇલમાં જતા રહેવું તે! અણઘડ ઇંગ્લિશ લોકો! જ્યારે કોઇની પણ વિદાય થાય, ખાસ કરીને હવે તેઓ ત્યાં નથી કે તે પદ પર નથી ત્યારે જનારાને માન સન્માન આપવું એ શિરસ્તો છે અને જનારાએ પણ એનો ઔચિત્યપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. અમને લાગે છે કે વિરાટ કોહલીએ અહમ્ ત્યાગ કરીને, ઇગોને ગો કહીને, એની ૧૦૦મી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે રમીને, વિદાય લેવી જોઈતી હતી. આમ વિદાયની શુભેચ્છા લીધા વિના જ કેપ્ટનપદ છોડી દેવું ઠીક નથી. એક સારી વિદાયમાન વિધિ હંમેશા જરૂરી હોય છે. મનમાં ઊઠતી લાગણીને શ્રીકાર શબ્દોનાં વસ્ત્રોથી સજાવી દઈએ, ભેટસોગાદ આપી દઈએ એટલે અધ્યાય સારી રીતે પૂર્ણ થયો કહેવાય અને જીવનનાં હવે પછીનાં અધ્યાયનાં શ્રીગણેશ થાય. છૂટા પડવું, છોડી દેવું, માયા મૂકી દેવી- એ તો કુદરતનો ક્રમ છે. આમ પણ કશું ય યાવત્ ચંદ્ર દિવાકર નથી. પણ જો આ અલવિદા વિધિવત થાય તો મનમાં ખટાશ ન રહી જાય. કોઈ મનદુ:ખ ન રહે. ફેરવેલ કે ગૂડબાય યોગ્ય રીતે ન થાય તો મનમાં ખટરાગ રહી જાય. ફેરવેલ કે ગૂડબાય એ અનુરાગનાં દ્યોતક છે. અને આપણે મૂળભૂત અનુરાગી લોક છીએ!વિરાટ કોહલીની આક્રમકતા, વ્યૂહરચના, સંઘભાવના અને પોતે જે કરે એમાં એનો જડબેસલાક આત્મવિશ્વાસ- હવે જોવા નહીં મળે. બસ, એ યાદ કરતાં રહીએ એ જ આપણું ફેરવેલ. ગૂડબાય કેપ્ટન.. શબ્દશેષ: “જો તમે ગૂડબાય (વિદાયઉદ્ગાર) કહેવાની હિંમત ધરાવતા હો તો જિંદગી તમને નવો હેલ્લો (આવકાર)નો પુરસ્કાર આપશે.” –બ્રાઝિલિયન ગીતકાર, લેખક પૌલો કોએલ્હો

Leave a comment

Filed under Uncategorized