સ્કેપગોટ: સાક્ષાત્ વનેચંદપણું

કોનો ગણવો વાંક ?
પોતપોતાનો મારગ જ્યારે
લેતો આજ વળાંક. – મકરંદ દવે
‘વોશિંગ્ટન ટાઈમ્સ’નાં સમાચાર છે કે અમેરિકામાં વધતી મોંઘવારી અને ગેસોલીન(પેટ્રોલ)નાં વધતાં જતાં ભાવ માટે પ્રેસિડન્ટ બાયડનને સ્કેપગોટ મળી ગયો છે અને એ છે વ્લાદામિર પુતિન. ‘પાયોનીયર’ લખે છે કે રશિયા અને પશ્ચિમ(નાં દેશો) વચ્ચેનાં યુદ્ધમાં યુક્રેન સ્કેપગોટ છે. સ્કેપગોટ(Scapegoat) એટલે?
આપણો સાહિયારો અનુભવ છે. કશુંક ન થવાનું થાય એટલે આપણે દોષારોપણ કરવા માટે કોઈને ને કોઈને ગોતી કાઢીએ કે આ અસફળતા માટે આ વ્યક્તિ જવાબદાર. બિચારાનું આમ તો પાંચિયું ય ન આવે પણ જ્યારે દેશ કે સરકાર કે પેઢી કે સંસ્થા ફસાય ત્યારે કોઈ વ્યક્તિને જવાબદાર ઠેરવી સામે ધરી દેવામાં આવે. એમ કે અમે તો દૂધે ધોયેલાં છીએ પણ આ જે અયોગ્ય બન્યું એ માટે આ ભાઈ કે આ બહેન જવાબદાર. વાંક ન હોય કે ન હોય ગુનો પણ તો ય જવાબદાર જે ઠેરવાય એ સ્કેપગોટ કહેવાય. આપણે એને હોળીનું નાળિયેર પણ કહી શકીએ. ભગવદ્ગોમંડલ અનુસાર ‘હોળીનું નાળિયેર’ એટલે આફત કે જોખમમાં ત્રાહિતને સંડોવવો કે સપડાવવો તે. અમેરિકામાં મોંઘવારી વધી પણ બાયડેનની જવાબદારી નથી. એ તો પુતિન યુક્રેન સામે યુદ્ધે ચઢ્યા એમાં અમેરિકામાં ભાવ આસમાને ચઢ્યાં. અહીં પુતિન સ્કેપગોટ છે. અથવા તો બીજો દાખલો આપીએ તો રશિયા અને પશ્ચિમી દેશોની કોલ્ડવોર (શીતયુદ્ધ)માં યુક્રેન આજે સ્કેપગોટ બની ગયું.
ગૂગલને અર્થ પૂછો તો ઇંગ્લિશ શબ્દ ‘સ્કેપગોટ’ નો ગુજરાતી અર્થ ‘બલિનો બકરો’ એવું કહે. આમ સમાચાર વાંચીએ તો અર્થ સાચો ય લાગે. પણ શબ્દની વ્યુત્પત્તિ એવું સૂચવતી નથી. ‘સ્કેપ’ એ એસ્કેપ (Escape) પરથી આવ્યો છે. એસ્કેપ એટલે ભાગી છૂટવું. ગોટ (Goat) તો આપણે જાણીએ. બકરો. સ્કેપગોટ એટલે બલિનો બકરો થવામાંથી છટકી/ભાગી ગયો એ બકરો. અને આમ જુઓ તો યુક્રેન બલિનો બકરો બન્યો. તો પછી છટકી ગયો એ કોણ? આ માટે, હે પ્રિય વાંચકો, આપણે શબ્દનો ઇતિહાસ જાણીએ.
પૌરાણિક હિબ્રુ કથાનક અનુસાર વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતનો દિવસ આવે ત્યારે બલિ ચઢાવવાની વિધિ માટે લોકો બે બકરાંને પસંદ કરે. પછી લોટરીથી નક્કી થાય કે કયો બકરો વધેરાશે? અને કયો બકરો છટકી જશે? એક ઈશ્વર માટે અને બીજો અઝાઝેલ માટે. આધુનિક ઇતિહાસવિદ વિદ્વાન ‘અઝાઝેલ’નો અર્થ કરે છે એવો રાક્ષસ જે રણપ્રદેશમાં રહે છે. પણ તે વખતે અમારા જેવા સારા અનુવાદકો નહોતા! હિબ્રુમાં શબ્દ છે ‘એઝ ઓઝેલ’ એટલે બકરો જે જતો રહ્યો. અને એટલે આવું કન્ફ્યુઝન થયું. પછી તો પુરાણ કથા ગ્રીક અને પછી લેટિનમાં થઈને ૧૬મી સદીમાં ઇંગ્લિશમાં આવી ત્યારે અઝાઝેલ શબ્દ અનુવાદ થતો થતો ‘સ્કેપગોટ’ થઈ ગયો. બકરો જે ભાગી છૂટયો. પણ આ બકરો એમ ભાગી છૂટયો નથી. ધાર્મિક વિધિ અનુસાર આખા ઈઝરાયેલનાં લોકોનાં તમામ પાપનો ભાર એને માથે નાંખીને પછી… એને રણમાં છૂટ્ટો મૂકી દેવામાં આવે છે. એવું મનાતું કે જે બકરો વધેરાયો એ પ્રાયશ્ચિત માટેનો હતો હતો અને બીજો બચી ગયેલો બકરો લોકોનાં તમામ પાપ લઈને રણમાં જતો રહ્યો. એનો અર્થ એ કે હવે પૌરાણિક ઇઝરાયેલનાં લોકોને એક વર્ષ સુધી પાપમાંથી મુક્તિ મળી ગઈ. હવે આવતા વર્ષ સુધી પાપ થઈ શકે! જબરું અનુકૂળ અર્થઘટન. હેં ને?
એ જરૂરી નથી કે સ્કેપગોટ કોઈ વ્યક્તિ જ હોય. સ્કેપગોટ સંસ્થા પણ હોય. રાજકીય પક્ષ પણ હોય. રાજકીય પક્ષનાં અસંતુષ્ટ લોકો પણ હોય. દેશ પણ હોય. અથવા અર્થતંત્ર પણ હોય. વિરોધપક્ષનાં નેતા પણ હોય. અરે, ખુદ વડાપ્રધાન પણ હોય. પ્રખર હ્યુમરિસ્ટ માર્ક ટ્વેઇન અનુસાર આપણાં પાપ માટે છેલ્લે ભગવાન તો સ્કેપગોટ હોય જ છે! આપણે આપણાં પાપ જેની પર થોપી દઈએ એ સ્કેપગોટ. પણ સાચું કહું.. બહુ રાહત મળી જાય છે હોં જ્યારે આપણી ભૂલ કે પાપનો આરોપ મઢવા માટે કોઈ બીજું આપણને મળી જાય. એમ કે અમે તો બહુ સારા પણ અમને આવા જ લોકો ભેટી ગયા. અમે કરીએ તો કરીએ પણ શું? કહે છે કે હારમાં પણ જે હસી શકે છે એનો અર્થ એ કે એને કોઈ સ્કેપગોટ મળી ગયો છે! સંજોગને આપણે સ્કેપગોટ બનાવી દઈએ છીએ. સરકાર, અર્થતંત્ર, નસીબ, હરીફો વગરે મારા ફેવરિટ સ્કેપગોટ છે. મારા પાપ એમનાં કારણે છે. હું દોષારોપણ કરું એટલે મનને શાંતિ મળે છે. મારી પોઝિટિવ છબી યથાવત રહે છે. ફિલોસોફર કેનેથ બર્ક એને સ્કેપગોટ મિકેનિઝમ કહે છે. એક સમાનાર્થી શબ્દ ‘વ્હીપિંગ બોય’ વિષે અમે અગાઉ લખી ગયા છીએ. પુરાણા જમાનામાં રાજકુમારને તાલીમ અપાતી ત્યારે એની સાથે એની જ ઉંમરનો અન્ય સામાન્ય છોકરાને પણ એવી જ તાલીમ અપાતી. રાજકુમાર ભૂલ કરે તો એને સજા થોડી અપાય? એટલે પેલાં સામાન્ય છોકરાને કોરડે કોરડે મારીને સજા કરવામાં આવે. રાજકુમારને પોતાની ભૂલ ઈનડાયરેક્ટલી સમજાય જાય! અહીં પેલો સામાન્ય છોકરો સ્કેપગોટ છે. મોટા માણસની મોટી વાતો.. હેં ને?
મને કોઈ સ્કેપગોટ બનાવે તો હું શું કરું? મારે સ્વીકારી લેવું કે મારી ઉપર એની અવળી અસર ચોક્કસ પડશે. દુ:ખી થવું કુદરતી છે. એવું પણ થાય કે એક વાર સ્કેપગોટ બન્યા એટલે વારંવાર બનીએ જ. પદ્મશ્રી શાહબુદ્દીનભાઇનું અમર પાત્ર વનેચંદ જેવું મારી સાથે થતું રહે. સ્કેપગોટ ખરેખર તો સેક્રિફાઇસગોટ છે. પણ હું મારી હદ નક્કી કરી દઉં. હવે એવાં લોકો સાથે મારે કટ. અને પછી સ્વસંભાળ મારી પ્રાથમિકતા રહે. આમ તો ‘સ્વાર્થ’ શબ્દ ખોટો બદનામ થઈ ગયો છે પણ હું સ્વ માટે, મારા પોતાના માટે સઘળું કરી છૂટું. અને એટલું તો મારે ઓછામાં ઓછું કરવું જ રહ્યું કે હું પોતે મારી જાતને ન જ ધિક્કારું. ફરીથી નવેસરથી નવા સંબંધ. જે મને સ્કેપગોટ બનાવે એને હવે હું ઓળખી ગયો છું. એનાં જેવા લોકોને હવે ઓળખી ગયો છું. કોઈ ફરીથી એવું કરે તો હું સામનો કરી શકું છું.
લેખની શરૂઆતમાં મૂર્ધન્ય કવિ મકરંદ દવે સાહેબની પંક્તિ ટાંકી છે. મારગ પોતે વળાંક લે તો વાંક કોનો? અહીં કોઈ વ્યક્તિ સ્કેપગોટ નથી. સંજોગ સ્કેપગોટ છે. પોતે પોતાની જાતને સ્કેપગોટ બનાવવા કરતાં અન્ય મૂર્ત કે અમૂર્તને સ્કેપગોટ બનાવતા રહેવું. ટેન્શન નહીં લેનેકા, ક્યા?
શબ્દ શેષ:
“સ્કેપગોટ બનતા અટકવાનો શ્રેષ્ઠ રસ્તો છે બીજો કોઈ સ્કેપગોટ શોધી કાઢવો.” –અમેરિકન લેખક વોરેન આઇસ્ટર, ધ ગોબલિન્સ ઓફ ઈરોસ (૧૯૫૭)
