Daily Archives: માર્ચ 4, 2022

હારમાં માન્યું./યામિની વ્યાસ

હારમાં માન્યું જીત બરાબર

રમ્યા જો, જો હૈયાનો ડ્રેસ, તારી પાસે પણ આવા કલરનો હતોને?
“હા, કદાચ, પણ યાદ નથી આવતું. અરે, મારી પાસે તો ઢગલો કપડાં એટલે યાદ પણ ન રહે.ને સાંભળ હું રિપીટ નથી કરતી ક્યારેય.”
“યાર છ દિવસમાંથી પાંચ દિવસ તો યુનિફોર્મમાં હોઈએ.”
“એ હા ને મારી મમ્મી તો બ્રાન્ડેડ જ લઈ આવે. હું કોઈની કોપી ન કરું, કોઈ મારી કરે એવું કરું. “
“શેની વાત ચાલે છે? રમ્યા?”
ચર્ચામાં જાણે બ્રાન્ડેડ પરફુયુમ્સની બોટલો વચ્ચે તાજું મોગરાનું ફૂલ આવી બેસી ગયું. હૈયાએ લંચ બોક્સ ખોલ્યો. મસાલેદાર મુઠીયાની સોડમ ફરી વળી.બધી સહેલીઓએ પોતપોતાનો ટીફીનબોક્સ ખોલ્યો. બધાંએ વૈવિધ્યપૂર્ણ વાનગીઓની મિજબાની માણી પણ મસાલેદાર મુઠીયા વધુ વખાણાયા.
“હૈયા, તારી મમ્મીને કાલે પણ કહેજેને ફરી બનાવી આપે.”થોડો ભૂકો બચ્યો હતો એ ખેંચાખેંચ કરતાં સહુ ડબ્બો સફાચટ કરી ગયા.
રમ્યા ઘરે પહોંચી એનો ટીફીનબોક્સ ફેંકતાં જ બોલી, “મમ્મી, કાલે રસોઈવાળા માસીને કહેજે મુઠીયા બનાવી આપે. દીકરીની આ ફરમાઈશથી સુહાની ખુશ થઈ.” કાયમ સેન્ડવીચ કે પાસ્તા ઈચ્છતી છોકરી મુઠીયા ખાશે વાહ. કોઈના ચાખ્યા લાગે છે. હું કહી કહીને મરી જાઉં તો ભેંસ આગળ ભાગવત.”
“મમ્મી કોણ ભેંસ અને કોણ ભાગવત?”
“રમ્યા, અઘરું છે,આપણાં બેમાંથી તો કોઈ નથી હેં ને?” બંને હસી પડ્યાં.
સુહાની પતિની સાથે જ ઓફિસ જતી. બિઝનેઝમાં મદદ કરતી. પણ રમ્યાનો ધરે આવવાનો સમય થાય એ પહેલાં આવી જતી. દીકરીને હંમેશ ઘરે બનાવેલ સાત્વિક ખાવાના માટે સમજાવતી. પણ રમ્યાને ભાવતું નહીં. સુહાની પાસે સમય ઓછો રહેતો એટલે ઘરે રસોઈ માટે બેન આવતી એ સરસ રસોઈ બનાવતી પણ રમ્યાની ફરમાઈશ તો જુદી જ રહેતી. એને હંમેશ બધાંથી શ્રેષ્ઠ અને અલગ દેખાવું હોય. કોઈ પ્રવૃત્તિ, સ્પર્ધા કે મેળાવડો હોય તો એ માટેના કપડાં કે ચીજ વસ્તુઓ માટે આંખ મીંચીને ખર્ચો કરતી. ભણવામાં પણ પાછળ ન પડે એટલે સુહાનીએ ઘરે જ બે શિક્ષકોના ટ્યૂશન રાખ્યા હતા.એકની એક દીકરી આગળ દરેક બાબતમાં આગળ વધે એમ સુહાની અને એના પતિ ઇચ્છતા એટલે ધોધમાર ખર્ચ કરતાં ખંચકાતા નહીં.
બીજે દિવસે રમ્યાએ હરખાતાં ટીફીનબોક્સ ખોલ્યો.”વાઉ, મુઠીયા!” બધાં બોલી રહે એ પહેલાં હૈયાનો ડબ્બો રમ્યાએ ખેંચી ખોલ્યો. હાંડવો મ્હેક્યો ને સહુ “બહુ મસ્ત બહુ મસ્ત” કરતાં હાંડવા પર તૂટી પડ્યા. ને મલકાતાં મુઠીયા થોડાં મુરઝાયા. વળી લન્ચ પછીની વકૃત્વસ્પર્ધામાં હૈયા પ્રથમ અને રમ્યા દ્વિતીય આવી. એનો હંમેશ પ્રથમ રહેવાનો ક્રમ તૂટ્યો. રમ્યા નિરાશ થઈ.
એવું ઘણી વાર થયું. આજ વરસે આ સ્કૂલમાં ત્રણેક મહિના પહેલાં જ આવેલી હૈયા પર સહુ ઓળઘોળ હતાં. ભણવામાં કે કોઈ અન્ય પ્રવૃત્તિમાં શાળાનું પ્રતિનિધિત્વ કરવાનું હોય તો હૈયાની પસંદગી પહેલી થતી. એનો ખર્ચ પણ શાળા ભોગવતી. હૈયા ખૂબ જ નમ્રતાથી બધાં સાથે વર્તતી. બધે જીતતી એવું નહીં,કદી હારતી પણ. એને બહુ ફેર ન પડતો પણ કોઈ ઇનામમાં રકમ મળે તો ઘરે કઈ દોડતી પપ્પાના હાથમાં મૂકતી.
હૈયાના પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી. એના પપ્પાની સારી નોકરી હતી પણ અચાનક પેરેલીસિસનો હુમલો થતાં નોકરી છોડવી પડી. રહેવા મળેલું ક્વાર્ટર પણ છોડવું પડ્યું. સગાના ખાલી પડેલા મકાનમાં નજીવા ભાડેથી રહેવા આવ્યા. સ્કૂલ બદલવી પડી પણ હૈયાના પપ્પાની જીદ હતી કે ગમે તે થાય,એકની એક દીકરીને સારી સ્કૂલમાં ભણાવવી.
મમ્મીનું ભણતર ઓછું પણ આવડત વધું હતી. ઘરે પતિની સેવા અને અન્ય કામ પણ કરી બે છેડા ભેગા કરતી. દીકરી ભણીગણી એની જિંદગી બનાવે એજ એઓની અભ્યર્થના હતી.
આ તરફ રમ્યાની હતાશા વધતી ગઈ. મમ્મીપપ્પા એને સમજાવતા પણ એ નોર્મલ હોવાનો દેખાવ કરતી. આખરે એક દિવસ વાર્ષિક ઉત્સવ વખતે હૈયાના પહેરવેશના વખાણ સાંભળી એનાથી ન રહેવાયું.બધાંની હાજરીમાં હૈયાઆગ ઓકતી હૈયા સામે ધસી કે,”આજે તો હું..” ને તરત જ હૈયાનું નામ મંચ પરથી ઘોષિત થયું. શ્રેષ્ઠ વિદ્યાર્થીની ટ્રોફી સ્વીકારી પ્રતિભાવમાં હૈયાએ અન્ય સાથે રમ્યાનો ખાસ આભાર માન્યો.
“રમ્યા, મારી ખાસ સહેલી તારા કારણે જ અહીં આવી ત્યારે નવા વાતાવરણમાં હું પ્રિય થઈ. તારા ઘરે મારી મમ્મી રસોઈકામ કરે છે. ત્યાંથી તારા જ નહીં વપરાતા ડ્રેસ કે વધેલું ખાવાનું પણ મળતું. એને જ નવીન રીતે મારી મમ્મી રીપેર કરી શણગારી મને આપતી. તે દિવસે બધાને ભાવેલા મુઠીયા તને નહીં ભાવેલા શાકના અને હાંડવો તારે ઘરે બનતાં ઘીના બગરુંના મોણનો હતો. અને આજનો આ યુનિક ડ્રેસ પણ તારો જ છે તને યાદ પણ નહીં હોય એવા ત્રણ કપડાંનું કોમ્બિનેશન કરી ઉપર ભરતકામ કર્યું છે. અને હા ખાસ વાત તો રહી જ ગઈ દોસ્ત. તે દિવસની વકૃત્ત્વ સ્પર્ધામાં પણ મને આ કપડાને ફરતે વીંટાળેલું એક પેપર પાનું હતું. એમાંથી જ મને મજાનો વિષય મળી ગયો. તો એ સ્પર્ધા માટે મળેલી આ ટ્રોફી
તને અને તારી અને મારી મમ્મી માટે …આવ દોસ્ત..

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized