Daily Archives: માર્ચ 20, 2022

ડન્બાર્સ નંબર:પરેશ વ્યાસ

ડન્બાર્સ નંબર: વો પાંચ..

બસ એ જ સંબંધો સાચા, જેની પાસે સ્વયં ખૂલતી હોય હૃદયની વાચા. -મુકેશ જોષી ટાગોર કહી ગયા કે એકલો જાને રે! પણ અઘરું છે. સાથ જોઈએ, સંગાથ જોઈએ. અને સંબંધ બાંધવો અને નિભાવવો એ બે અલગ વાત છે. જીવવું હોય, સારી રીતે જીવવું હોય તો મિત્રો, સગાવહાલાંઓ અને ઓળખીતાપાળખીતાઓ-નો સાથ હોવો જરૂરી છે. દેશને ચલાવવા સૌનો સાથ, સૌનો વિકાસ જોઈએ પણ માણસને ચલાવવા કેટલાં જણ (કે જણી)નો સાથ જોઈએ? આજનો શબ્દ ડન્બાર્સ નંબર (Dunbar’s Number) એ દર્શાવે છે. માનવ સંબંધનું પણ એક શાસ્ત્ર છે. અર્થપૂર્ણ અને સ્થિર સંબંધો તમે કેટલાં સાથે બાંધી/જાળવી શકો? ૭૫ વર્ષીય રોબિન ડન્બાર નામનાં બ્રિટિશ ઍન્થ્રપૉલજિસ્ટ(માનવશાસ્ત્રી)નો જવાબ છે: ૧૫૦. આ ડન્બાર્સ નંબર છે. ઘણાં ઘનિષ્ઠ સંશોધનનાં અંતે એ પૂરવાર થયું છે કે માનવીનું મગજ ૧૫૦થી વધારે અર્થપૂર્ણ સંબંધ હેન્ડલ કરી શકતું નથી. જો એથી વધારે હોય તો એવા સંબંધ કોહીસિવ (Cohesive) રહી શકતા નથી. ‘કોહીસિવ’ એટલે સાથે વળગી રહે તે, સ્નેહાકર્ષણવાળા, સંઘાતવાળા, સંયુક્ત રહેવાની વૃત્તિવાળા. અમારે ફેસબૂકમાં તો ૫૦૦૦ સંબંધો છે. ઓ રે! પણ એ મિત્રો નથી. અડધાને તો તમે ઓળખાતા ય નથી. કેટલા તો ક્યારેય તમને લાઇકું ય કરતાં નથી. અને તમને લાગે છે કે.. તમે બહોળું મિત્ર વર્તુળ ધરાવો છો. ઓ રે! રોબિન ડન્બાર ફેસબૂકનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેઓનાં મતે ૧૫૦નો આંકડો લિમિટ છે. એથી વધારે હોય એવી વ્યક્તિઓ માત્ર નામ પૂરતી હોય છે. પણ આજે અમારે અંતરંગ સંબંધનાં ડન્બાર્સ નંબરની વાત કરવી છે. રોબિન ડન્બારનું એક નવું પુસ્તક આવ્યું છે. ‘ફ્રેન્ડ્સ:અન્ડરસ્ટેન્ડિંગ ધ પાવર ઓફ અવર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીલેશનશિપ’. એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે કે સંબંધોનાં વર્તુળોમાં શામેલ વ્યક્તિઓનો આંકડો ૧.૫થી લઈને ૫૦૦૦ જેટલો છે. ૧.૫ એટલે તદ્દન અંગત, રોમેન્ટિક સંબંધ. પછી આવે છે એવા ૫ સંબંધો, જેનાં ખભે માથું મૂકીને તમે રડી શકો. તમારી તકલીફનાં ટાણે તેઓ બધું જ પડતું મૂકીને તમારી પડખે જ ઊભા હોય. તે પછીનું વર્તુળનો આંકડો ૧૫ છે, જેમાં ઉપરનાં ૫ તો ખરા જ પણ બીજા એવા ૧૦ કે જેની સાથે તમે ઉજાણી કરો, ફિલ્મ જોવા જાઓ, આઇસક્રીમ પાર્ટી કરો. પછી આવે ૫૦ વ્યક્તિઓનું વર્તુળ. કોઈ નાનો પ્રસંગ જેમ કે બર્થડે પાર્ટી ઉજવીએ ત્યારે જેઓને બોલાવીએ એવા લોકો. અને પછી આવે ૧૫૦નો આંકડો. એટલા લોકો જે લગ્ન કે મરણમાં હાજર રહે. સામાન્ય રીતે આ બંને પ્રસંગ જીવનમાં એક વાર જ આવે. હવે ૧૫૦ની મર્યાદા કેમ છે? કારણ.. કારણ કે આપણી પાસે સમય મર્યાદિત છે. ટાઈમ ઈઝ મની. કિંમતી ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ સમજી વિચારીને કરવું- એવું ગુજરાતીને સમજાવવું ન પડે! બધા લોકો સ્વભાવે સરખા હોતા નથી. કેટલાંક સ્વભાવે અંતર્મુખી હોય છે. ઓછું બોલે. આવા લોકો ઓછી સંખ્યામાં મિત્રો રાખવા-માં માને છે, જેથી દરેકને પૂરતો સમય દઈ શકાય. ક્વોલિટી ટાઈમ, યૂ સી! બાહ્યમુખી પ્રતિભા ધરાવતા લોકો સંબંધોની બાબતમાં વધારે પડતો આત્મવિશ્વાસ ધરાવે છે. અને ક્યાંક મેળ ન પડે તો…તું નહીં તો ઓર સહી..આવા લોકોનો અંગત ડન્બાર્સ નંબર વધારે હોઈ શકે. અને એવું પણ છે કે દરેક ઉંમરમાં આ સંખ્યા આટલી જ રહે એવું નથી. ઈન ફેક્ટ, છોકરો/છોકરી પ્રેમમાં પડે ત્યારે એ બે મિત્રો/સહેલીઓનો ભોગ લઈ લેતા હોય છે. પ્રેમ એ પૈસા અને સમયનો વ્યય છે! સમય ન આપી શકે એટલે દોસ્ત દોસ્ત ન રહા થૈ જાય! એ પણ છે કે ઉંમર વધે એમ ડન્બાર્સ નંબર ઘટે. અને પછી રહી જાય છે વો પાંચ અને… અંતે તો ૧.૫ જ. મરો ત્યારે તો એટલાં જ હોય. અરે તો પછી આ હોબાળો શાનો છે?!! પ્રિય કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ લખે કે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે; જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. પણ… અમે પાંચનાં ડન્બાર્સ અંકનાં તરફદાર છીએ. બે મિત્ર વત્તા અનેક સગાઓ પૈકીનાં બે વહાલાંઓ વત્તા એક, જે આ બેમાંથી કોઈ પણ કેટેગરીનાં હોઈ શકે. આમ થયા કુલ પાંચ. ઓહો! ઘણાં થઈ ગયા, ભાઈ! નક્કી કરી લો આપનાં એ પાંચ કોણ છે? એનો અર્થ એવો નથી કે આપનાં જીવનમાં આવેલાં બાકીનાં લોકો નાલાયક છે. પણ આ પાંચ અનન્ય વ્યક્તિઓ આપનાં આપ્તજન છે, પ્રિયજન છે. આપે ‘આનંદ’ ફિલ્મ તો જોઈ જ હશે. અસાધ્ય કેન્સરથી પીડિત આનંદ(રાજેશ ખન્ના)ને દોસ્ત બનાવવાનો ભારે શોખ. કોઈ પણ અજાણ્યાં માણસને પાછળથી ધબ્બો મારીને કહે કે કેમ છો, મુરાલીલાલ..? પેલો કહે કે હું મુરાલીલાલ નથી. તો કોણ છો? પોતાનું નામ કહે એટલે આનંદ એને કહે કે ચાલો, આ બહાને આપણી દોસ્તી થઈ ગઇ. એક વાર એવી જ રીતે એક જણ(જ્હોની વોકર)ને ધબ્બો મારીને પૂછે છે કૈસે હો મુરારીલાલ ..પછી તો બે જણાં વાતોએ વળગે છે. ડો. ભાસ્કર બેનર્જી (અમિતાભ બચ્ચન)ને બોલાવીને આનંદ મુરારીલાલની ઓળખાણ કરાવે છે. મુરારીલાલ એને કહે છે કે એ અને જયચંદ સાથે ભણતાં હતા. ડો. ભાસ્કર કહે છે કે આ જયચંદ નથી. તો પેલો કહે છે કે હું ય મુરારીલાલ નથી, હું ઈસાભાઈ સુરતવાલા છું. આનંદને મૂળ અગણિત મિત્રો બનાવવાનો શોખ હતો. ડન્બાર્સ નંબરકી ઐસી તૈસી! પણ મને લાગે છે કે આનંદમાં રહેવા માટે ઘણાં બધા મિત્રો હોવા જરૂરી નથી. મુરાલીલાલપણું ફિલ્મમાં સારું લાગે. બાકી પાંચ અંગતની સંગત હોય એટલે રંગત હી રંગત..ટેસડો પડી જાય, હોં! એમઝોનવાળા જેફ બેઝોસ કહેતા કે ટીમ એટલી નાની હોવી જોઈએ કે બે પિત્ઝાથી બધાનું પેટ ભરાઈ જાય. અંગત સંબંધ માટે પણ આ પિત્ઝાનો નિયમ સત્ય છે. હા, આપણે એને ૫૦૦ ગ્રામ ફાફડાજલેબીનો નિયમ કહી શકીએ. મરીઝ સાહેબ પણ એવું જ કહે છે: ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’, આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે. એ જ તો છે અંતરંગ ડન્બાર્સ નંબર…આજકાલ ઇન્ટરનેટ પર કહેવાય છે કે તમને કોઈ અનફ્રેન્ડ કરે, તમારા ફોલોઅર્સ ઘટે તો એનો અર્થ એ કે તમારો વિકાસ થઈ રહ્યો છે. લો બોલો! શબ્દ શેષ: “એ જેને ઘણાં મિત્રો હોય છે, એને કોઈ મિત્રો હોતા નથી.” –ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલ (ઈ.સ. પૂર્વે ૩૮૪-૩૨૨)”

Leave a comment

Filed under Uncategorized