Daily Archives: એપ્રિલ 6, 2022

શૂસ્ટ્રિંગ બજેટ/પરેશ વ્યાસ

શૂસ્ટ્રિંગ બજેટ: થોડા હૈ…

બજેટ

વરસની શરૂઆતમાં મા રજૂ કરી શકે છે

ઘરનું ખુશીભર્યું અંદાજપત્ર

કારણ કે

વધેલા શાકમાંથી સ્વાદિષ્ટ મુઠીયા,

લગ્ન વખતની સાડીમાંથી

બ્રાન્ડેડને પણ ટક્કર મારે એવું

પિન્કીનું યુનિક પાર્ટીગાઉન, ઘસાયેલ ટોવેલમાંથી આકર્ષક પગ લુછણિયું કે

પગની લંબાઈ મુજબ કપડું જોડી

સુંદર ચાદર બનાવવામાં એ માહિર છે.

વળી, આકસ્મિક ખર્ચા કે આવકની પણ જાણતલ ખરી!

-યામિની વ્યાસ

આત્મનિર્ભર ભારતનું બજેટ રજૂ થયું. નવાં શબ્દો મળ્યા: ફિસ્કલ રૅક્ટિટ્યૂડ (રાજવિત્તીય સરળતા), એસેટ મોનાટાઈઝેશન (અસ્ક્યામત મુદ્રીકરણ), કોસ્ટ હેડવિન્ડ્સ (ખર્ચની વિપરીત પરિસ્થિતિ),વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (યથાર્થ અંકીય અસ્ક્યામત), ફિસ્કલ પ્રુડન્સ (રાજવીત્તીય દૂરદર્શિતા). વિરોધ પક્ષે ટીકા કરી કે આ ઝીરો સમ (શૂન્ય સંક્ષેપ) બજેટ કે નથિંગ (કશું નહીં) બજેટ છે. ટીવી ચેનલ ચર્ચામાં બે શબ્દો આવ્યા. આ બજેટ ગેમચેન્જર (ખેલપરિવર્તક) છે કે સ્ટેટસક્વો (અપરિવર્તક) બજેટ? ઓહો! કેટલાં બધાં શબ્દો.. બજેટ જેમ આંકડાની માયાજાળ હોય છે એમ શબ્દોની પણ માયાજાળ હોય છે! આમ ઝટ ન સમજાય. કહે છે કે પૈસો એ હાથનો મેલ છે પણ દરેક જણ આ મેલ સાથે મેળ પાડવા તલપાપડ હોય છે. અને આમ પણ બજેટથી કશો ફેર પડતો નથી, ઊલટાની ચિંતા વધે છે અને સમજાતું ય નથી કે આ બધું છે શું?

આજે આત્મનિર્ભર આમ આદમી (સેલ્ફરીલાયન્ટ મેંગોમેન)ની રોજબરોજની સ્થિતિ દર્શાવે એવા એક મુહાવરાની વાત કરવી છે. ઓન શૂસ્ટ્રિંગ બજેટ (On Shoestring Budget).

‘બજેટ’ શબ્દ મૂળ લેટિન શબ્દ બલ્ગા પરથી આવ્યો છે. ‘બલ્ગા’ એટલે ચામડાં કે કૅન્વાસનો થેલો. એના પરથી ‘બૉગ’ એટલે પાકીટ કે બટવો. આવશ્યક કે ઉપલબ્ધ નાણાં અથવા આવક અને ખર્ચનું અંદાજપત્ર-નાં આધુનિક અર્થમાં આ શબ્દ ઇંગ્લિશ ભાષામાં સને ૧૭૩૩થી ચલણમાં આવ્યો છે. નાણામંત્રી પોતાનો હિસાબ પાકીટમાં રાખીને લઈ જતા હતા, એને કહેવાય બજેટ.

‘શૂસ્ટ્રિંગ’નો શાબ્દિક અર્થ તો સાદો છે. બૂટની દોરી. ગુજરાતી લેક્સિકોનમાં જો કે ‘શૂસ્ટ્રિંગ’નો એક બીજો અર્થ પણ છે. શૂસ્ટ્રિંગ એટલે થોડાક કે અપૂરતા પૈસા. તો ચાલો એ જોઈએ કે બૂટની દોરી અને થોડાક પૈસાને શું સંબંધ છે? મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરીમાં એની નોંધ છે. એક એવો ય જમાનો હતો જ્યારે ધર્મપ્રચારકોને પ્રવાસ કરવો પડતો હતો. કશું ય ઓનલાઈન નહોતું. ધાર્મિક ટીવી ચેનલ્સ પણ નહોતી. લો બોલો! એટલે ધર્મ પ્રચારાર્થાય પગપાળા યાત્રા યુગે યુગે- કરવી પડતી હતી. આ માટે થોડો ઘણો ખર્ચ પણ થતો. તે વખતે કેશલેશ ટ્રાન્સેક્શન તો હતું નહીં. પેટીએમ કે ગૂગલ પે કે ફોન પે.. કશું જ નહીં! (ઓહો!) એટલે તેઓ ધર્મ પ્રચાર ઉપરાંત પોતાની સાથે રાખેલી નાની નાની ચીજવસ્તુઓ વેચતા. જેમ કે સોય, પવાલું કે પછી બૂટની દોરી. તે વખતે એમેઝોન કે ફ્લિપકાર્ટ પણ નહોતા. લો બોલો! અને એટલે સામાન્ય લોકો આવી નાની નાની ચીજવસ્તુઓ આવા પ્રવાસી ધર્મ પ્રચારકો પાસેથી ખરીદતા. અને આમ પગપાળાં પ્રચારકને સામાન્ય આવક થતી અને એટલે એનું ગુજરાન ચાલી જતું. આવક ક્યાંથી થઈ? તો કે બૂટની દોરી વેચવાથી. એટલે તેઓ શૂસ્ટ્રિંગ બજેટ પર છે, એવું કહેવાયું. શૂસ્ટ્રિંગ એટલે નાની રકમ, થોડોક પૈસો. અને બજેટ એટલે.. બજેટ એટલે બટવો- એ તો આપણે જાણીએ જ છીએ.

શૂસ્ટ્રિંગ એટલે ઓછો પૈસો. પણ કેટલો ઓછો? દાખલા તરીકે મારે મારી ઓફિસ બનાવવી છે. મારી ઈચ્છા તો છે મોકાની જગ્યાએ એક આલીશાન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ હોય. પણ એના માટે મારી પાસે પૈસો નથી. એટલે પછી હું મારા ઘરમાં જ, એક નાનકડા ઓરડામાં મારી ઓફિસ શરૂ કરું કારણ કે… આઈ એમ ઓન અ શૂસ્ટ્રિંગ બજેટ. બૂટની દોરી જેવા મારા ફાઈનાન્સિયલ રીસોર્સિસ છે. આમ અપૂરતા પણ આમ જો તાણીને બાંધો તો બૂટ બંધાઈ તો જાય. પગનો જે ભાગ ખુલ્લો રહી ગયો એ બંધ તો થઈ જાય. દોરી કેવી રીતે બાંધવી એની કલા મારે અલબત્ત શીખી લેવી પડે. વેડફાટ અટકાવવો પડે, કરકસર કરવી પડે, પેટે પાટા બાંધવા પડે.. ના, છેક એવું તો નહીં પણ ખાણીપીણી, ખાસ કરીને પીણી-નો ત્યાગ જરૂરી છે. બિનજરૂરી દેખાડા આપણને ખાડામાં નાંખી દેય. તાયફો શબ્દ આમ તો તવાયફ ઉર્ફે નાચગાન કરતી સ્ત્રી પરથી આવ્યો છે પણ ખોટા ખર્ચ માટે આ શબ્દ હવે છાપાળો થઈ ગયો છે. શૂસ્ટ્રિંગ બજેટ પર હોઈએ ત્યારે તાયફા શીદને કરવા? સરકાર હોય કે રૈયત, દોરી એવડો બૂટ રાખવો..

ફરવા જવું છે? વૈભવી હોટલ્સમાં રહેવું જરૂરી નથી. કુદરતનું સાંનિધ્ય, મિત્રોનો સંગાથ હોય તો શૂસ્ટ્રિંગ બજેટમાં, યૂથ હોસ્ટેલ કે ટેન્ટમાં પણ ટનાટન જગ ઘૂમિયા થઈ શકે. ફેશનનું પણ એવું છે. શૂસ્ટ્રિંગ બજેટમાં પણ ફેશન થઈ શકે. થોડી મહેનત કરવી પડે. સેલ, ડિસ્કાઉન્ટ.. પૈસા ઓછા ખર્ચાય અને સ્ટાઇલિશ પણ દેખાઈ શકીએ. સોળ શણગાર એટલે? ભગવદ્ગોમંડલ અનુસાર સોળ શણગાર એટલે મંજન, હાર, તંબોળ, અરગજા (પીળું અત્તર)નો રોળ, શીશફલ, રત્નરાખડી, ચુન્ની, ગોફણો, માળા ગળુબંધ (ગળામાં પહેરવાનું ઘરેણું), મુકતાહાર, કંકણ, ચૂડા, નેપુર, અણવટ, વીછુવા અને ઝાંઝર. શૂસ્ટ્રિંગ બજેટ ઉપર હોઈએ તો સોળ શું કામ? આઠ નવ શણગારથી ય ચાલી જાય. જે આપણને ઓળખે છે એ તો ઓળખે જ છે અને જે નથી ઓળખતા એને બતાવીને કામ શું છે? હેં ને? અને ખરીદી.. આમ તો ખરીદી એ મેન્ટલ ડીપ્રેશનનો ઈલાજ છે પણ શૂસ્ટ્રિંગ બજેટ હોય તો ખરીદી ન કરીએ તો ય ચાલી જાય. આમ પણ આપણે ખરીદેલી વસ્તુઓ પૈકી અડધી વસ્તુઓ બિનજરૂરી જ હોય છે. અને હા, પ્રેમ અને લગ્ન પણ શૂસ્ટ્રિંગ બજેટમાં થઈ જ શકે. થોડા થોડા પ્રેમ સાથે થોડી થોડી સમજણ જરૂરી છે. બે જણ વચ્ચે સમજણ હોય એટલે ઝટ જાઓ ચંદનહાર લાવો-વાળી ડીમાન્ડ ન થાય. માંડ માંડ બે છેડા ભેગા થતાં હોય ત્યાં.. અને ચંદનહાર એટલે ચંદનનાં લાકડાનો હાર સમજવો નહીં. અહીં મૂળ શબ્દ ચંદ્રહાર છે અને આ નકશીદાર સોનાનું ઘરેણું છે. મોંઘું દાટ. આપણો દાટ વાળી નાંખે! પણ શૂસ્ટ્રિંગ બજેટમાં લાલ ચંદનનો હાર પણ ચાલી જાય.. તેરી ઝલક અશરફી શ્રીવલ્લી.. અહીં તો પ્રિયતમાની ઝલક જ સોનાની ગીની જેવી છે, પુષ્પા..!

મારી અને નિર્મલા તાઈની મુશ્કેલી સરખી છે. પૈસા નથી. એક સાંધીએ તો તેર તો નહીં પણ ત્રણ ચાર તો તૂટે જ છે. પણ હું મારી બૂટની દોરીને ગાંઠ મારીને ચલાવી લઉં છું. પગ સલામત તો પગરખાં બહોત!

શબ્દશેષ:

“બજેટ સત્ર: એક એવી નિર્ણયાત્મક કસરત જેમાં આવકનાં સ્રોત શૂસ્ટ્રિંગ છે અને જોવાનું એ છે કે કોણ તમારી પાસે અધિકારપૂર્વક ભીખ માંગી શકે છે.” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized