Daily Archives: એપ્રિલ 7, 2022

જેકપોટ/યામિની વ્યાસ

 “જેકપોટ “ઓહ….! મમ્મી….!” લેબરરૂમમાં પ્રિયાએ મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો. “હે ભગવાન! મારી દીકરીને સારી રીતે આમાંથી પાર પાડ. મંદિરે આવીને બાળકનું માથું ટેકવી જશું.” મેં મનોમન પ્રાર્થના કરી.” પ્રિયાને વેણ આવતું હતું. દર્દથી પીડાતી મારી દીકરીનો કણસાટ સંભળાતો હતો. જોકે, એ પીડામાં એક મધુરી ખુશી પણ વર્તાતી હતી. પણ હવે જલદી પ્રસૂતિ થઈ જાય તો સારું. હું માનું કે ન માનું પરંતુ મારી કાકીસાસુ કહેતાં કે, આવા સમયે શરીર પર કોઈ બંધન ન રાખીએ, તો સારી રીતે છુટકારો થઈ જાય. તેથી, તેના પગમાં પહેરેલી પાયલ મેં કાઢી નાંખી અને વાળ પણ રબરબેન્ડ કાઢી ખુલ્લા કરી દીધા. હું બિલકુલ આ જ રીતે, દીકરીની જેમજ, પ્રથમ પ્રસુતિ માટે મારા પિયર ગઈ હતી. આવી જ મધુરી વેદના… અને હવે જલદી છૂટી જાઉં એવું જ થતું અને થયું પણ ખરું. પરી જેવી મારી પ્રિયા આ જગતમાં આવી. કેવું ગુલાબી ગુલાબી પોચું પોચું શરીર, કાળીભમ્મર આંખો, નાના નાના નાજુક હાથપગ ને ફૂલની દાંડી જેવી કોમળ આંગળીઓ! પહેલીવાર તેને જોઈ ત્યારે થયું કે સ્ત્રીની કૂખમાં બ્રહ્માએ કેવું ગજબ નિર્માણ કરી રાખ્યું છે! કેવી ગજબ કૃતિનું નિર્માણ થાય છે! જાણે માતાપિતાની પ્રતિકૃતિ જ કહોને! તેને છાતીએ વળગાડી ત્યારે અદભૂત રોમાંચ થયો હતો.બચબચબચ કરતી મને વળગી પડી હતી.પહેલો રડવાનો અવાજ સાંભળ્યો. દુનિયાના સંગીતની કોઈ પણ તરજથી મીઠો લાગતો હતો. કાકીજી મને વધામણી આપવા આવ્યાં હતાં ત્યારે કહેલું, “સારું છે! પહેલી વખતે ઘરમાં લક્ષ્મી આવી છે. પણ બીજો રાઉન્ડ બાકી હોં! આ શુકનવંતા પગલે પગલે દીકરો ચોક્કસ આવશે ત્યારે એના પગ દૂધે ધોઇશું” મને સમજાયું નહીં કે, કાકીજી ખુશી વ્યક્ત કરી ગયાં કે આશ્વાસન આપી ગયાં? પહેલેથી જ નાની, દાદી, સાસુ, કાકીસાસુ કે મા, સૌના વર્તન અને વાણીથી કદાચ મારાં મનમાં ઘર કરી ગયું હતું કે, દીકરી પ્રત્યે અપાર વહાલ હોય, દીકરી ખૂબ ગમતી હોય પરંતુ એક દીકરો તો હોવો જ જોઈએ. એટલે જ, સહુના કહેવા મુજબ પહેલી દીકરી હોય તો બીજા રાઉન્ડની ટ્રાય કરવી જ જોઈએ ને પહેલો દીકરો હોય તો પછી મરજી મુજબ. આ બધું જ ભૂલીને હું મારી વ્હાલુકડીને પંપાળવામાં લાગી ગઈ. એ જન્મી તો જાણે ફરીથી હું જ જન્મી! તેની વિચ્છેદાયેલી નાળ જોઈને થયું હતું કે, ભલે ગર્ભનાળથી છૂટાં પડયા પણ હૃદયનાળથી હંમેશને માટે જોડાયેલા રહીશું.અરે,અદ્દલ મારું જ પ્રતિબિંબ જોઈ લો! અને તે હતી પણ કેવી મીઠડી!એની છઠ્ઠીના દિવસે કાકીજીના કહેવા મુજબ સાચવી રાખેલું ધારજણું ઝભલું પહેરાવ્યું અને વિધિના લેખ લખવા કંકુ છાંટી કાગળ અને કલમ મુકાયા. પછી તો જાણે આંખોના પલકારામાં પ્રિયા મોટી થતી ગઈ.અમારી સૌની હથેળીમાં એનું બાળપણ દોડતું રહ્યું. ઘરની ખૂબ લાડકી. આખું ઘર માથે લેતી. કેટલા બધા પ્રશ્નો પૂછતી! ‘મોટી થઈને તું શું બનીશ?’ એવું એને પૂછતા, બીજા બાળકો તો ઘણું બધું કહે પણ, મારી પરી તો કહેતી, ‘હું મમ્મી બનીશ’ ને બધાં ખડખડાટ હસી પડતાં. એ થોડી સમજણી થઈ પછી અમે નક્કી કરેલું તે મુજબ બીજો રાઉન્ડ થયો અને નસીબજોગે મને દીકરો આવ્યો પર્વ. નાના ભાઈને પણ તે ખૂબ વહાલ કરતી.બંને અમારી આંખોના તારા ને હૈયાકાશના સિતારા હતા. પ્રિયા પર્વને સાચવતી પણ ખૂબ. ભણી-ગણીને મોટી થતી ગઈ. તેની સાથે ભણતા સોહામણા અંકિતને તેણે અંકિત કર્યો. તેણે અમને વાત કરી અને અમે એને ખુશીથી ધામધુમથી પરણાવી. દોઢ વર્ષ પછી તેણે આ ખુશખબર આપી કે, તે હવે એકલી નથી. તેનામાં એક નવી જીવંતતા પાંગરી રહી છે, ત્યારે ખૂબ ભાવ સાથે આશીર્વાદ અપાઈ ગયા, ‘અરે વાહ! અમારો ભાણિયો આવી જવાનો!’ કદાચ ઊંડે ઊંડે એવું પણ હતું કે, દીકરો આવે ને એકજ પ્રસૂતિમાં પતી જાય. દીકરીજમાઈ પણ કહેતાં કે, જે પણ હોય, પણ એક જ બાળક. ફાસ્ટ લાઈફમાં એકને જ સંપૂર્ણ વહાલથી અને સમગ્ર ધ્યાન આપી ઉછેરીશું. પ્રેગનન્સી દરમિયાન ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે પ્રિયાની સાથે હું જ જતી. મને વિચાર આવી જતો કે, એક જ વખતની પ્રસુતિમાં ટ્વિન્સ આવી જાય તો કેવું સારું! અને તેમાંય એક દીકરો અને એક દીકરી હોય તો! ફરી પ્રિયાનો ઊંહ્કારો સંભળાયો. તેણે મારો હાથ જોરથી દબાવ્યો ને મેં હાથ ફેરવતા કહ્યું”બસ બેટા, હવે થોડી જ વાર..” બીજી કોઈ ફિકર ન હતી કારણ કે અમારી ભત્રીજાવહુ જ હોશિયાર ગાયનેકોલોજિસ્ટ હતી અને અમે તેની જ હોસ્પિટલમાં હતા. પ્રિયાની પીડા મારાથી ન જોવાતાં મેં ભગવાનને કહ્યું, “જે પણ હોય તે.. પણ મારી દીકરીને હવે પીડા મુક્ત કરો.”ને ખરેખર પ્રિયાને રૂપાળી પરી અવતરી. પરીના મધુર ગુંજથી સૌ આનંદમાં હતા. ખાસ કરીને મારા જમાઈરાજ. ‘ભઈ બાપ બન્યા હતા!’ પ્રિયાએ પોયણી જેવી નાનકડી પરીને છાતીએ વળગાડી ને બચબચબચ… મેં જમાઈરાજને કહ્યું, “તમને ખૂબ ખૂબ વધામણી, દીકરા!” જમાઈરાજે ખૂબ જ વહાલથી એ જન્મેલી દીકરીના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું, “અરે વાહ!પ્રિયા જો તો કોના જેવી લાગે છે?” મારાથી સહજ બોલાઈ ગયું. “બાપમુખી છે, શુકનવંતી છે,એનાં પગલે તે ચોક્કસ ભાઈને લાવવાની.” જમાઈરાજ બોલ્યા, “ના રે…. મમ્મી આજ અમારો જેકપોટ! હવે બીજું કોઈ નહીં, નો સેકન્ડ રાઉન્ડ.”

Leave a comment

Filed under Uncategorized