ડોગ્સ ઓફ વોર: છૂટ્ટા મૂકેલાં વિનાશનાં શ્વાન
સરકતું રક્ત કોઈની પીઠે, ચિત્કાર કોઈનો ને સઘળે ખોફ આંખોમાં,તબાહી સર્જે આ યુદ્ધો -યામિની વ્યાસ

*ડોગ્સ ઓફ વોર: છૂટ્ટા મૂકેલાં વિનાશનાં શ્વાન*
ડોગ્સ ઓફ વોર (Dogs of War) એટલે ‘યુદ્ધનાં કૂતરાઓ’ એવો શબ્દાર્થ થાય પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલાં એક ભારતીય વિદ્યાર્થીની આ વાત નથી કે જેણે એનાં પાળેલાં કૂતરાં વગર વતન પરત ફરવાની ના પાડી છે. આ એ કૂતરાની વાત પણ નથી કે જે મહાભારતનાં યુદ્ધ પછી યુધિષ્ઠિર સાથે સ્વર્ગ સુધી ગયો હતો. તો આ મુહાવરો શું છે? વર્ષો પહેલાં ભાડૂતી સૈનિકોની વિષય ઉપર લખાયેલી ફ્રેડરિક ફોરસીથની આ નામની નવલકથા મશહૂર થઈ હતી. સાંપ્રત યુદ્ધનાં સંદર્ભમાં એક વિદેશી ઇંગ્લિશ અખબારે સમાચારનું શીર્ષક દીધું: ‘અનલીઝિંગ ડોગ્સ ઓફ વોર! રશિયા ઇનવેડ્સ યુક્રેન’ ગુજરાતી શબ્દાર્થ થાય: ‘રશિયાનું યુક્રેન પર આક્રમણ; યુદ્ધનાં કૂતરાઓ છોડ્યા!’ શું છે આ ડોગ્સ ઓફ વોર?
‘ડોગ્સ ઓફ વોર’ શેક્સપીયર ઘરાનાનો મુહાવરો છે. ઈ. સ. ૧૬૦૧માં લખાયેલા નાટક ‘જુલિયસ સીઝર’માં ઈ. સ. પૂર્વે ૪૪નાં રોમન રીપબ્લિક દેશની પૃષ્ઠભૂમિ છે. રોમન પ્રજાનાં પ્રતિનિધિઓ(સેનેટર્સ)ને બીક છે કે શાસક તરીકે જુલિયસ સીઝર વધારે ને વધારે આપખુદ બનતો જાય છે અને લોકશાહી ખતમ થઈ જશે. એ કારણોસર બ્રુટસ સહિત એના જ સાથી અને સેનેટર્સ દગાથી ચાકૂનાં ઘા કરીને એને મારી નાંખે છે. સીઝરનો મૃતદેહ પડ્યો છે ત્યાં કોઈ નથી ત્યારે સેનાપતિ અને સીઝરનાં સમર્થક માર્ક એન્ટોની ત્યાં આવે છે. આજનાં મુહાવરાનાં શબ્દો એની સ્વગતોક્તિ (મોનોલૉગ)નો હિસ્સો છે. સ્વગતોક્તિમાં એન્ટોની હવે પછી જે કરવા માંગે છે એ વાત કહે છે. સીઝરની સ્મશાનયાત્રા નીકળે ત્યારે સીઝરનાં હત્યારાઓ વિરુદ્ધ લોકોને ભડકાવવાનો એનો આશય છે. એની ધારણા મુજબ હવે પછી રોમમાં હિંસા ફાટી નીકળશે. એ એવી પણ કલ્પના કરે છે કે સીઝરનો આત્મા અહીં આવી ચઢશે. અને એની સાથે હશે નરકમાંથી પ્રગટ થઈને આવેલી ઉપદ્રવ, ભ્રમણા, વિધ્વંસ અને આંધળી બાલિશતાની દેવી આટિ (Atë). અને એની સાથે મળીને સીઝરનો આત્મા આ હત્યાનો બદલો લેશે, વેરની વસૂલાતમાં કરશે. અને બોલશે કે… ક્રાય ‘હેવોક’ એન્ડ લેટ સ્લિપ ધ ડોગ્સ ઓફ વોર….. ક્રાય એટલે લશ્કરી હૂકમ આપવો. હેવોક (Havoc) એ લશ્કરનો શબ્દ છે. હેવોક એટલે વિનાશ, વિધ્વંસ, પાયમાલી. મુહાવરામાં ‘ડોગ’ શબ્દ ખરેખરાં કૂતરાઓને યુદ્ધની તાલીમ અપાતી હતી, એ પરથી આવ્યો છે. પણ મુહાવરાને લાગેવળગે છે ત્યાં સુધી અહીં કૂતરા એટલે ઝનૂની સૈનિકોની ટૂકડી. એક વાર છૂટે પછી કોઈનાં કંટ્રોલમાં ન રહે. ‘લેટ સ્લિપ’ એટલે છૂટ્ટા મૂકવા. શેને માટે? તો કહે કે વિધ્વંસ માટે. યુદ્ધ જીતવાની અણી પર છીએ. હવે સૈનિકોને છૂટ આપી દીધી કે હાર ભાળી ગયેલા દેશમાં જે કાંઈ પણ છે, એ સઘળું લૂંટી લેવું, બરબાદ કરી દેવું. આ જ કારણસર ભાડૂતી સૈનિકો માટે પણ ડોગ્સ ઓફ વોર શબ્દપ્રયોગ થાય છે.
ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર ‘ડોગ્સ ઓફ વોર’ એટલે યુદ્ધમાં સૈનિકોને છૂટ્ટો દોર આપવાથી થતો વિનાશ. દા. ત. રશિયાની આ રણનીતિ ડોગ્સ ઓફ ન્યુક્લીયર વોર છૂટ્ટા મૂકી દેશે. અથવા તો ડોગ્સ ઓફ વોરને છૂટ્ટા મૂકવામાં પ્રોબ્લેમ એ છે કે એને પાછા સાંકળે બાંધવા ખૂબ જ અઘરાં છે. શેક્સપીયર જો કે એક અન્ય નાટક ‘હેન્રી V’ (ઈ. સ. ૧૫૯૯)માં આ શબ્દો પ્રયોજે છે; પણ અહીં ‘યુદ્ધનાં કૂતરાઓ’ તરીકે સૈનિકો નથી. અહીં યુદ્ધની સ્થિતિ પણ નથી. પણ લોકો પાસે રોજીરોટી નથી. પરિસ્થિતિ તો પાયમાલીની જ છે. અને ઉપરથી દુકાળ છે, આંતરિક વિખવાદ છે અને આગજની થતી રહે છે. આ દુકાળ, વિખવાદ અને આગજની ડોગ્સ ઓફ વોર છે, જે નિયંત્રણમાં નથી. આ પણ તો એક યુદ્ધ જેવી જ સ્થિતિ છે.
રશિયા માટે ‘ડોગ્સ ઓફ વોર’ છૂટ્ટા મૂકવાની વાત નવી નથી. ૧૮ જુન, ૧૮૭૬નાં દિવસે બ્રિટિશ અઠવાડિક મેગેઝિન પંચમાં કાર્ટૂન છપાયું હતું. તે સમયે તૂર્કીશ ઓટ્ટોમન રાજ સામે રોમાનિયા, સર્બિયા, મૉન્ટેનીગ્રો સાથે સતત ઘર્ષણ ચાલતું હતું. કાર્ટૂનમાં રશિયા ડોગ્સ ઓફ વોરને છૂટ્ટા મૂકવાની વેતરણમાં છે ત્યારે બ્રિટિશ પોલીસમેન જોહ્ન બુલ એને ચેતવે છે: સંભાળજે ભાઈ, જો તું એને છૂટ્ટા મૂકી દેશે તો સ્થિતિ વિચિત્ર થઈ જશે. કાર્ટૂન છપાયાનાં દસ દિવસમાં જ સર્બિયા અને મૉન્ટેનીગ્રોએ ઓટ્ટોમન રાજ સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું. રૂસ-ટર્કીશ યુદ્ધ બે વર્ષ ચાલ્યું હતું. રશિયાની જીત થઈ હતી.
ડોગ્સ ઓફ વોર હવે તો શાંતિનાં સમયમાં પણ બોલાતો મુહાવરો છે. એટલું છે ‘ક્રાય’ હેવોકની જગ્યાએ હવે ‘પ્લે’ હેવોક શબ્દ આવી ગયો છે. અવ્યવસ્થા કે પછી ગડબડ સાથે ‘પ્લે’ એટલે રમત એવો અર્થ હવે થઈ ગયો છે. ગયા અઠવાડિયામાં અમેરિકામાં ભારે બરફવર્ષા થઈ એથી અલાબામામાં ૧૦૦૦ ચોરસ માઈલ્સ વિસ્તારમાં હેવોક થઈ ગયો. પણ હા, ડોગ્સ ઓફ વોર શાંતિનાં સમયમાં સાંકળે બાંધ્યા હોય છે. છૂટ્ટા મૂકાય તો હેવોક સર્જી શકે છે. ફ્રેંચ અભિનેત્રી કેથેરીન દીનોવે તો સેલેબ્રિટીનાં ફોટા પાડવા સતત પીછો કરતાં પાપારાઝી ફોટોગ્રાફર્સ માટે કહ્યું હતું કે આ લોકો અન્ય કોઈ નથી પણ ડોગ્સ ઓફ વોર છે. લો બોલો!
કહે છે કે યુદ્ધ ક્યારેક કલ્યાણ હોય છે. પણ ઘણું જ અકલ્યાણકારી કલ્યાણ છે આ. ભારે કિંમત ચૂકવવી પડે છે. અને યુદ્ધનો અંત અંત નથી. અમેરિકાનાં પૂર્વ પ્રેસિડન્ટ જિમી કાર્ટર કહેતા કે ઘણીવાર યુદ્ધ એ જરૂરી દૂષણ હોય છે. પણ એ ગમે તેવું જરૂરી હોય એ દૂષણ તો છે જ. અને એ ક્યારે ય સારું હોતું નથી.
જો કે અમારી વાત મૂળ તો શબ્દની સમજણની છે. ભાષાનાં ભાષ્યની છે. ક્યારેક એમાં અભિપ્રાય ભળે ય ખરો. પણ એ નક્કી કે શબ્દોનાં અર્થ સમજાય તો સંધિ થઈ જ જાય. કોઈ પુતિનને જઈને સમજાવો, યુદ્ધ કરે પણ ડોગ્સ ઓફ વોર છૂટ્ટા ન મૂકે. (આ તો ઈંડું તોડ્યા વિના ઓમલેટ બનાવવા જેવી વાત થઈ!) પણ અમે માનીએ છીએ કે પ્રેમ અને યુદ્ધમાં બધું જ જાયજ હોય- એ વાત તદ્દન વાહિયાત છે.
શબ્દ શેષ:
“જ્યારે ભાષા નિષ્ફળ જાય ત્યારે જે થાય તે યુદ્ધ.” -કેનેડિયન કવયિત્રી લેખિકા માર્ગારેટ એટવૂડ