Daily Archives: એપ્રિલ 14, 2022

ધ લાસ્ટ ઈવનિંગ/યામિની વ્યાસ

ધ લાસ્ટ ઈવનિંગ

હિલસ્ટેશનની રમ્ય સાંજ રોયલ ગેસ્ટહાઉસના બગીચાની લોનમાં અતિ નમણી લાગતી હતી. નિવૃત્ત અધિકારી અવિનાશ મહેતા કૉફિની આહ્લાદક મહેક સાથે સાંજની મહેક માણી રહ્યા હતા. અચાનક જ એક ગ્રેસફુલ લેડી દોડી આવ્યાં. એમના ચહેરાના હાવભાવ એવા હતા કે જાણે કોઈ એમની પાછળ પડ્યું હોય! પણ એમણે હાવભાવ છુપાવવાનો પ્રયત્ન કરીને અવિનાશને પૂછ્યું, “સૉરી ટુ ડિસ્ટબ યૂ, સર. બીજું કોઈ દેખાતું નથી. અહીંના મેનેજર ક્યાં હશે? રહેવા માટે રૂમ અવેલબલ હશે? મારે જાણવું છે.”

હાથમાં ફકત પર્સ ઝૂલતું જોઈને અવિનાશે આશ્ચર્યથી કહ્યું, “જી, રૂમ તો હશે જ પણ આપ એકલા જ છો કે આપના ફેમિલી મેમ્બર્સ પણ આવે છે?”

“જીના, હા… હા… ઍક્ચુઅલિ હું એક આર્ટિસ્ટ છું, મારે આજના સૂર્યાસ્તનું પેઇન્ટિંગ બનાવવું છે. ‘ધ લાસ્ટ ઈવનિંગ’ એટલે હું ટૅક્સિ કરીને વહેલી આવી. મારો પરિવાર પાછળથી આવશે. અરે, મારો સામાન પણ એ લોકો સાથે જ આવશે.” બોલતાં બોલતાં એ સન્નારી ગભરાયેલી નજરે સતત આમતેમ જોતાં હતાં. એ જોઈ અવિનાશની શંકા પાકી થઈ.

“મેડમ પહેલા બેસો, રિલૅક્સ થાઓ, મારે માટે તો આર્ટિસ્ટને મળવાનું સૌભાગ્ય છે, લ્યો કૉફિ, કૉફિ વીથ…” તેઓ સૂચક અટકયા.

“ચંદ્રિકા… ચંદ્રિકા દિવાન. આર્ટ વર્લ્ડમાં હું તેજસ્વીના નામે ઓળખાઉં છું. મુંબઈની જહાંગીર આર્ટ ગૅલરીમાં મારા પેઇન્ટિંગના શો થાય છે.”

“કેટલા આનંદની વાત! કલાકારને મળવાનો આનંદ જ અનોખો હોય છે. કલાકારની કલ્પના અને એની કળાને સલામ, મિસ તેજસ્વિની.”

તરત જ ચંદ્રિકાએ જવાબ આપ્યો, “જી, મિસિસ ચંદ્રિકા દિવાન. મારો એક દીકરો છે. એને ત્યાંય બાળગોપાલ છે. મને મારો પરિવાર ખૂબ જ ચાહે છે. આપ? આપના વિશે કંઈ જણાવો.”

“જી વેલ, છું તો અવિનાશ પણ ક્યારેક મારો નાશ થઈ જશે. કોર્પોરેટ સેક્ટરમાં વિજિલન્સ ઑફિસર હતો. મારા દીકરાને મારી સાથે તકલીફ છે. એ એના પરિવાર સાથે વિદેશમાં રહે છે. હું અને મારી પત્ની ખૂબ પ્રેમથી રહેતાં હતાં પણ ગયા વર્ષે અહીં જ મારી પત્ની સ્યૂસાઇડ પૉઇન્ટ પરથી જ પગ સરકવાથી નીચે પડી ને મૃત્યુ પામી. અમે તો એ સ્થળ જોવા ગયાં હતાં. સેલ્ફી લેતી હતી ત્યાં મારી આંખો સામે એણે સંતુલન ગુમાવ્યું. હું કંઈ કરું એ પહેલાં તો… એની ચીસોથી ઘાટી પડઘાઈ ઊઠી. બીજે દિવસે એની લાશ મળી એ પણ એવી હાલતમાં કે વર્ણવવું શક્ય નથી. એના પછી પણ હું બદનસીબ એટલો કે પૂરો સમાજ… અરે, ખુદ મારો દીકરો પણ એમ માને છે કે અવનિએ આત્મહત્યા કરી અથવા તો મેં જ એને… અરે, મારે તો કોર્ટમાં સાબિત કરવું પડ્યું કે મારી વહાલી પત્નીએ અકસ્માતે જીવ ખોયો છે. મેડમ, ત્યારથી હું એકલો છું. અવિનાશમાંથી અવિ નીકળી ગઈ. હવે ફકત નાશ બાકી છે. તમે માનશો? મારી અવનિ એક કવયિત્રી હતી. એની જાણ મને એના મૃત્યુ પછી એની ડાયરીઓ દ્વારા થઈ. કરિયરની પાછળ ભાગવામાં હું એને સમય ન આપી શક્યો, વિચાર્યું, રિટાયર્ડ લાઈફમાં બંને આનંદથી સાથે રહીશું, પણ..હવે..અફસોસ..એની યાદમાં જ અહીં આવ્યો છું.”

આ સાંભળતાં જ ચંદ્રિકા કંઈ બોલે એ પહેલાં એના મોબાઇલની રિંગ વાગી. હેલો કહેવાની પણ જરુર ન પડી. સીધો જ પુત્રવધૂ નીતિનો હલ્લો હતું, “મોમ, વ્હેર ધ હેલ આર યૂ? ક્યાં છો તમે? ઓલ્ડ એઇજ હોમમાં પણ નથી. તમારાથી ચેનથી બેસાતું નથી? તમે લોકો કોઈ પિકનિક પર ગયેલા ને આખું ગ્રુપ પાછું આવ્યું ને તમે…? બધાં કેટલી ચિંતા કરે છે તમારી? આ ઉંમરમાં તો સુધરો…” ચંદ્રિકાનું મોબાઈલનું સ્પીકર ચાલુ હતું. એ બંધ કરવા ખૂબ ટ્રાય કરતી રહી પણ કંઈ ખામી હશે એટલે ન થયું. આ બધી વાત અવિનાશે સાંભળી. ચંદ્રિકા વધુ ક્ષોભમાં ન મુકાય એટલે એ ‘આપ શાંતિથી વાત કરો’ કહી દૂર ખસી ગયા.

ફરીથી નીતિ બોલી, “કોની સાથે છો, મોમ? મેં હમણા જ કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો. સાચું કહો, કોની સાથે છો? પપ્પાનાં ગયાં પછી આપને મોજ પડી ગઈ છે. અમે બંને અમારા બિઝનેસમાં બીઝી રહીએ એટલે તમને રિચ ઓલ્ડ એઈજ હોમમાં મૂક્યા તો ત્યાંય સીધા ન રહ્યાં. ચિત્રો દોરવા માંડ્યાં. કેનવાસ પેપર્સ લઈ લીધા તો ત્યાંની દીવાલો પર ચિત્રામણ કરવા માંડ્યાં ને હીલસ્ટેશન પર પિકનિકના બહાને જઈ ત્યાંથી ભાગી છૂટ્યાં. હવે પોલીસમાં કમ્પ્લેન્ટ નોંધાવવી જ છે. હવે હું જ તમારું લોકેશન આપું છું. ત્યાં જ રહેજો.”

ચંદ્રિકા ગુસ્સાથી રાતીચોળ થઈ ગઈ ને બોલી, “નીતિ, સ્ટૉપ ધીસ નૉન્સન્સ. હું કોઈની સાથે નથી. તું કોણ છે મારા કૅરિક્ટર પર પ્રશ્ન કરવાવાળી? પપ્પાના ડેથ પછી તમે લોકોએ મારી બધી મિલકત લઈ લીધી ને મને એવા ઓલ્ડ એઈજ હોમમાં મૂકી કે મારે માટે તો એ જેલ છે જેલ. હું ચિત્ર દોર્યા વગર જીવી શકું એમ જ નથી. અને હા, હું ત્યાંથી ભાગી જ આવી છું ને સાંભળ, હું તો માત્ર લાગણીઓ કે હૂંફની ભૂખી છું જે તમે મને આપી શકો એમ નથી. એટલે હું અહીં સ્યૂસાઇડ કરવા જ આવી છું. બસ આ તારો છેલ્લો ફોન. તમને પણ શાંતિ…” ચીસ પાડી ફોન પછાડી ચંદ્રિકા રડી પડ્યાં. અવિનાશ દૂર ઊભા પરિસ્થિતિ પામી જઈ ત્યાં આવ્યા. આભાર માની જવા માટે નીકળતાં ચંદ્રિકાને અવનાશે રોકયાં, “મેડમ, સ્યૂસાઇડ પૉઇન્ટનો શોર્ટ કટ આ બાજુથી છે. તમારે સ્યૂસાઇડ જ કરવું છેને!”

ચંદ્રિકા રડમસ અવાજે, “નથી જીવવું મારે, કોના માટે જીવવાનું?”

અવિનાશ મોબાઈલમાં પોસ્ટર બતાવતા, “આના માટે, આપનો બલાઈન્ડ બાળકો માટે વન વુમન શો છેને? તમે વાત કરતાં હતાં એ દરમ્યાન જ મેં ત્યાં ઊભા ઊભા તમારો પ્રોફાઈલ શોધી કાઢ્યો. પરિવારમાંથી નફરત મળી તો તેજસ્વીનીના નામથી પેઇન્ટિંગ બનાવ્યા. અરે કલાજગતમાં તમારું કેટલું માન છે! ને તમે આવ્યા ત્યારે જ મને ડાઉટ હતો કે, કોઈપણ ક્રેડલ કે કેનવાસ વગર આપને ‘ધ લાસ્ટ ઈવનિંગ’ પેઇન્ટિંગ બનાવવું હતું એ પણ સ્યૂસાઇડ પૉઇન્ટ નજીક! જુઓ, હું વિજિલન્સ ઑફિસર હતો એટલે થોડી ઘણી સાઇકૉલોજી જાણું છું. દરેક જિંદગી ખૂબ કિંમતી હોય છે. અવનિને ગુમાવી પછી મને ખાસ સમજાય છે, છતાં… વેલ, આપને સ્યૂસાઇડ કરવું જ છે તો આ બાજુ રસ્તો છે. પણ હા, મેડમ તેજસ્વીની, ત્યાં કદાચ પોલિસ તમારી રાહ જોઈ ઊભી જ હશે, કારણ કે તમારી પ્યારી પુત્રવધૂએ એમને જણાવી દીધું હશે. એ તમને ફરી ઓલ્ડ એઈજ હોમમાં મૂકી આવશે.”

ચંદ્રિકા ઊભી રહી ગઈ. બોલી, “સૉરી અવિનાશજી, મેં આપને ખોટું કહ્યું હતું. મારા દીકરાવહુએ મારી એવી હાલત કરી નાખી છે કે, મને મારા ધનવાન પતિનો એકે પૈસો વાપરવાની આઝાદી નથી કે નથી ચિત્રો દોરવાની આઝાદી… બસ કેદ છું કેદ. શું કરું?”

અવિનાશે ખૂબ શાંતિથી કહ્યું, “જૂઓ, તમને વાંધો ન હોય તો અને આપની મરજી હોય તો હું આર્ટિસ્ટ તેજસ્વીનીને સાદર સન્માન સહિત મારે ઘરે નિમંત્રિત કરું છું. અને આપ આપનો નિર્ણય ક્યારેય પણ બદલી શકો. હું કોઈ ઉપકાર નથી કરતો પણ એમ માનીશ કે, મારી અવનિની કલાને હું જીવનના અંત સુધી જાણી પણ ન શક્યો કે બિરદાવી પણ ન શક્યો એનું આ પ્રાયશ્ચિત છે. ત્યાં આપને પૂરી આઝાદી હશે. જો હા હોય તો આગલી બધી મેમરી ડિલીટ કરી દો, પછી જુઓ તો આપને લાગશે કે, વિશાળ કલાજગત આપની રાહ જોઈ રહ્યું છે.” ચંદ્રિકાને અસમંજસમાં જોઈ એણે ફરી કહ્યું, “હું સમજુ છું. આટલો મોટો નિર્ણય આટલી વારમાં લેવો કઠિન છે. હવે આપની ઈચ્છા…”

ચંદ્રિકાએ વિચાર્યું. ત્રણ રસ્તા છે; સ્યૂસાઇડ, ઓલ્ડ એઈજ હોમ કે આ હમણાં જ પરિચય થયો છે એવા પરિચિતનો સાથ… સહસા બોલી, “ચાલો, જલદી ક્રેડલ અને કેનવાસ મંગાવી આપો. સૂરજ આથમે એ પહેલાં આજની આ સોહામણી સાંજનું પેઇન્ટિંગ બનાવી દઉં, “ધ લાસ્ટ ઈવનિંગ”, કારણ કે સૂર્યાસ્ત પહેલાં જ નવો સૂરજ ઊગી રહ્યો છે. કાલથી હું નવા સૂરજને મારી કલા સમર્પિત કરીશ.

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized