Daily Archives: એપ્રિલ 22, 2022

સી.એલ. સેલિબ્રેશન/ યામિની વ્યાસ

સી.એલ. સેલિબ્રેશન

“મેં કહ્યું જ હતું, હું સાચી છું. આ બાબતમાં મારી ગણતરી ખોટી હોય જ નહીં.”

“હા, માની ગયા. સાચી વાત, કૃતિબેન. વર્ષને અંતે બચેલી સી.એલ. અને વર્ષને અંતે લાગતા સાડી/ડ્રેસ સેલની આપ બહેનોને પાક્કી જ ખબર હોય. સૉરી, મારી જ ગણવામાં ભૂલ હતી.” ક્લાર્કે સી.એલ. કાર્ડમાં સુધારીને હસતાં હસતાં હાથ જોડ્યા.

“એમ નહીં રાકેશભાઈ, પણ અમે તો એક એક રજા બચાવી બચાવીને સોનાના સિક્કાની જેમ વાપરીએ. ઘરે ભાભીને પૂછી જોજો. થેન્ક યુ” કૃતિ હરખાઈ અને બચેલી સી.એલ. ક્યારે લેવી એ વિચારવા લાગી.

“છેલ્લું જ અઠવાડિયું હતું ને નહીં લે તો લેપ્સ જાય એમ હતી. એ તો જવા ન જ દેવાયને! ભલે પેલી સ્મૃતિ વટમાં કહે, ‘નારે હું તો નોકરીને વફાદાર રહું, આજ તો રોજી છે. એકબે રજા જાય તો હાય હાય નહીં કરવાની.’ અ,રે એને શું? ચાલુ નોકરીએ તો સાહેબને મસ્કા મારી મારીને બહાર ભટકતી હોય છે. ઓફિસનું કામ તો બહાનું. શાક લાવવું ફોલવું પણ મીઠું મીઠું બોલી પેલી સ્વિપર પાસે કરાવી લેતી હોય છે. ના, બાબા ના, આપણને કોઈની પગચંપી ન ફાવે. આપણે ભલા ને આપણું કામ ભલું.”

નોકરીનો સમય પૂરો થયો પણ એ નક્કી ન કરી શકી. વિચારતી વિચારતી ઍક્ટિવા પર બેઠી ને મનમાં કૅલેન્ડર સેટ કર્યું.” સોમથી શનિ છ દિવસ ને વળી પચીસમીએ તો નાતાલ લાલ તારીખ એટલે સોમવાર તો ગયો. બચ્યા માંડ પાંચ દિવસ ને એમાંયે શનિવાર તો હાફ ડે. એમાં શું કામ આખી સી.એલ. બગાડું? હવે રહ્યા ચાર દિવસ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. એય જલદી નક્કી કરવું પડશે. વળી સ્ટાફમાં બીજા કોઈ રજા પર હશે તો ઍડજસ્ટ કરવું પડશે. મારી જેમ ઘણાની બચી હશે.” એટલામાં ઍક્ટિવા વિચિત્ર અવાજ કરવા લાગ્યું. “આને પણ સર્વિસમાં આપી દઈશ એ જ દિવસે. ભલે આખો દિવસ લગાડે પણ સ્વીચ અડકતાની સાથે સ્ટાર્ટ થવું જોઈએ. અરે ઉડનખટોલા છે મારો સાથીદાર.” રજાના મૂડમાં તો એણે ઍક્ટિવા પર પણ વ્હાલ વરસાવ્યું. પ્રતિભાવમાં ઍક્ટિવાએ પણ એને ઝડપથી ઘરે પહોંચાડી. ઘરે પહોંચતાં જ એણે એની એક રજાનું એલાન કર્યું. “લે તારી તો રજા પતી ગઈ હતીને? ક્યાંથી વીયાઈ?” પતિએ પતી ગયેલી રજા પર ભાર મૂક્યો.

“અરે, મેં એને સત્તર વાર કહ્યું પણ સાંભળે જ નહીં. અમારો કલાર્ક…”

“બધા પતિ ન હોય કે પહેલી જ વખતે સાંભળે.” બિમલે ચાનો ખાલી કપ આપતા બચેલી ચા જોતા થોડી બીજી માંગી. ખુશીભર્યા મિજાજમાં કૃતિએ ચા સાથે મસલાવાળી પૂરી પણ આપી ને ડબ્બો મૂકતા બબડી, “આ નાસ્તાનું ખાનું તો ટીનુંપિંકુ બહુ અસ્તવ્યસ્ત કરી દે છે. ચાલ રજામાં ગોઠવીશ.” ટીનુંપિંકુ બહારથી રમીને આવ્યા ને મોટેથી ગર્જ્યા. “મમ્મી, અમને તો આ વખતે આખું વીક ક્રિસમસ હૉલિડે છે.”

“હાશ, એ દિવસે છોકરાઓ સાથે મસ્તી કરીશ ને ખાસ તો મોડી નવદસ વાગે ઊઠીશ. રોજ જેવી કોઈ હાયવોય નહીં!” રાત પડી પણ કૃતિને જંપ નહોતો. બિમલને વળગી લટકો કર્યો, “તું પણ તે દિવસે રજા મૂકી દેને.”

“અરે, તારા જેવું નથી. અમારે તો ડિસેમ્બરમાં પણ યર ઍન્ડિંગનું બહુ કામ હોય. તું બાળકો જોડે ઍન્જોય કર.” પણ એ મનાવીને જ રહી. બિમલે માંડ શુક્રવાર ફાળવ્યો.

બીજે દિવસે ઓફિસે કેટલીય કચકચને અંતે એને રજા લેવા શુક્રવાર મળ્યો.

હાશના નગારા વગાડતી શુક્રવારની રાહ જોવા માંડી. બસ ગુરુવારની નોકરી તો એણે દોડતાં પૂરી કરી. ત્યારથી જ જાણે શુક્રવારની સી.એલ. શરૂ થઈ ગયેલી. ઘરે પહોંચી તો હાથમાં ચાનો કપ લઈ બિમલે એનું ભાવભીનું સ્વાગત કર્યું. કૃતિ તો ફૂલી ના સમાય. જમી પરવારી ટીવી પર મોડે સુધી ફિલ્મ જોઈ. હજુય એને જાગવું હતું પણ બાળકોને ઊંઘ આવતી હતી એમને સુવડાવી વહાલ વરસાવતાં બંને સૂતાં. સવારે કોઈ ઉતાવળ નહોતી તોય એની આંખ પાંચ વાગે ખૂલી ગઈ. પછી રજાનું યાદ આવતા મલકીને પડખું ફેરવ્યું. બે કલાક તો જાગતી જ સૂતી. બિમલને ઊઠેલો જોઈ બેઠી થઈ.

“યાર, આજે નોકરીના કામે જવું પડે એવું જ છે. આપણે સન્ડે રજા ઊજવવાનો પ્લાન કરીશું. સૉરી યાર, પણ તું કાલે મોડી ઊઠજે. લંચ હું કૅન્ટીનમાં કરી લઈશ. રિલેક્સ… ઓકે?” કૃતિ કંઈ બોલી શકે એમ નહોતી પણ એટલું જરૂર બબડી, “સન્ડે તો કાયમ આવે જ છે.” એનો જીવ ન રહ્યો. બિમલ ન્હાવા ગયો ને એણે ટિફિન બનાવી દીધું ને બેલ વાગ્યો. “આજે મોટર બગડી ગઈ હોવાથી ટાંકીમાં પાણી છે એટલું જ આવશે. ઉપયોગ કરી લેજો નહીં તો નીચેથી પાણી ભરવું પડશે.” વોચમેન ગયો.

ત્યાં નીચેવાળી મારવાડી પૂજા ભજનનું આમંત્રણ આપી ગઈ. “ભાભીજી, આજ આપકી છુટ્ટી હૈના, ટીનુંને બતાયા થા. આજ હમારે ઘરપે કિર્તન રખ્ખા હૈ, જરૂર આના.”

“બેન,મારી સાથે આવશો મારા ઘર પાસેની બેંકમાં ખાતું ખોલાવવા? આજે રજા છે તો. રવિવારે તો બેંક બંધ હોય.” કામવાળીને તો કેમ ના પડાય?

ત્યાં તો લાડકી નાની બેનનો ફોન, “મોટી, આજે તને રજા છેને? બેન, તને મમ્મીએ ચઢાવેલો તે સોનાનો સેટ લૉકરમાંથી લેતી આવશે? મારા દિયરના લગ્નમાં પહેરવા વિચારું છું. વટ પડી જાયને?”

હવે ફોન કે ડોરબેલ પર ધ્યાન ન આપવાનો નિર્ણય કરે એ પહેલાં તો બિમલનો ફોન આવી ગયો. “ડિયર, કેવું ચાલે છે સી.એલ. સેલિબ્રેશન? તે કહેલુંને તે છેક આજે માણસ મળ્યો. બોલ મોકલું? બાલ્કનીની જાળી બતાવી દેજે. ઉપરથી તૂટી ગઈ છે, આમ તો કંઈ નહીં પણ છોકરાંઓ ત્યાં રમે તો બીક લાગે.”

“બેન, ત્રણ વાર ફોન કર્યો, ઍકવાગાર્ડ સર્વિસમાંથી બોલું છું, આ વર્ષની છેલ્લી સર્વિસ. ફિલ્ટર બદલવાના ડ્યૂ છે. આવી જઈએ? આગળ કોન્ટ્રાકટ રિન્યૂ કરવાનો હોય તો કહેજો.”

ચીસ પાડીને બધાને ઘસીને “ના” કહેવાનું મન થઈ ગયું. સોફા પર મોબાઈલ બંધ કરી ફંગોળ્યો ને ડોરબેલની સ્વીચ બંધ કરવા ગઈ ત્યાં જ એ રણક્યો, પિંકુએ દોડીને દરવાજો ખોલ્યો, તો નણંદબા એમના બાળકો સાથે પધાર્યા. “ભાભી, ચાલોને આપણા દરજીને ત્યાં બ્લાઉઝ સિવડાવવાના છે. હાશ! આજે તમને રજા છે તો સારું છે, ચીકુના પપ્પા ઓફિસેથી સીધા અહીં જ આવશે. બિમલભાઈ આવતાજ હશેને? ફિકર નહીં કરતા. અમે જમીને જ જઈશું. મેં પણ આજે સી.એલ. લીધી છે. આખો દિવસ પડી રહી હતી. એટલું સારું લાગ્યું. સાચું કહું, મારી તો બાર સી.એલ. પતી ગયેલી પણ અમારો ક્લાર્ક તો સાવ બાઘ્ઘા જેવો છે.”

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized