ચલતી જાયે ઘડી
“ભઈ, આ ઘડિયાળ મુંગી થઈ ગઈ છે એને બોલતી કરને.”
“હા, દાદાજી, બસ હમણાં કૉલેજ જાઉં છું. વળતા સેલ લેતો આવીશ.”
“અરે સેલનું આખું પેકેટ જ લાવી મૂકી રાખજે, તને ખબર છેને પપ્પાજીને એક ઘડી પણ બંધ ઘડી ન ચાલે.” કૌશિકે કરણને રૂપિયા આપતા કહ્યું. પ્રભાકારભાઈ આટલી ઉંમરે આમ સ્વસ્થ પણ આંખે દગો દીધો. ઝાંખપ વળી ગઈ હતી. બહુ ટ્રીટમેન્ટ પછી પણ બહુ ઝાંખું ઝાંખું દેખાતું.
નિયમિતતા સાથે આદર્શ કહી શકાય એવું આખું જીવન જીવ્યા હતા. ઘર અને નોકરી પ્રત્યે પૂરી નિષ્ઠા, સંઘર્ષમાં પણ ખુમારી અને હંમેશા સમયને માન આપી એકધારી ફરજ નિભાવી હતી.
પણ પ્રભાકરભાઈ નોકરીમાંથી રીટાયર્ડ થયાં પછી દૈનિક જીવન થોડું બદલાયું હતું. એમાં પણ એમણે નિયમિતતા તો જાળવી જ રાખી હતી. ડાબા કાંડા પર એમની સાથીદાર ઘડિયાળ તો હોય જ. સૂઈ જાય ત્યારે પલંગની અડોઅડ રાખેલા નાના ટેબલ પર ઘડિયાળ કાઢી પટ્ટા સીધા કરી બરાબર પૂર્વ પશ્ચિમ દિશામાં ગોઠવતા. ઊઠતાંવેંત બંધ આંખે પણ લઈ શકાય. બાકી સામેની ભીંત પર તો જૂની, મોટી લોલકવાળી, કલાત્મક ઘડિયાળ લટકતી રહેતી, જેમાં કલાકે કે અડધો કલાકે સમય મુજબ મધુર ટકોરા પડતા ને જાણે રાતની રવરવતી શાંતિ રણઝણી ઊઠતી. દુર્ગાબા તો ટેવાયાં હતાં. ઘરના બાકીના સભ્યોના બેડરૂમ ઉપર હોવાથી બહુ વાંધો ન આવતો. કરણ-કેયાને પરીક્ષા વખતે વાંચવા ઉઠાડવાના કે કૌશિકને ઑફિસ ટૂર પર વહેલા જવા માટે ઊઠવાનું હોય ત્યારે એલાર્મને બદલે દાદાજી જ ઘડિયાળ બની જતા. વળી આ એવી ઘડિયાળ કે ભાઈબેન ઊઠીને વાંચવા ન બેસે ત્યાં સુધી હાથ ફેરવીને વારેવારે ટપારે પણ.
આ ટીકટીક તાલે એમણે એમના જીવનનો લય ગોઠવી દીધો હતો. પોણા છએ ઊઠવાનું, ધ્યાન, યોગ, પ્રાણાયામ કરીને અખબાર વાંચવાનું. એ સમય પર ન આવ્યું હોય તો એની પ્રતીક્ષામાં ઓટલાથી આંગણામાં એટલી ઝડપથી આંટા મારતા કે દુર્ગાબા ચા બનાવી લાવી હસતાં હસતાં ટકોર કરતાં, “ચાલો, આ ચા લો. સમય પર ન વાંચો તો જાણે સમાચાર બદલાઈ જવાના હોય! જીવનને આરે આવી ગયા, આટલી રાહ તો કદી મારીય નથી જોઈ!”
“પણ તું દૂર જ નથી ગઈ ને ક્યારેય.” બોલતા પણ ધ્યાન તો ઝાંપા પર જ રહેતું.
એમની પ્રતીક્ષાની તીવ્રતા જાણનારો પેપરવાળો છોકરો પણ સાયકલને બ્રેક મારી “સૉરી દાદા, આજે મોડું થયું.” કહી સવારની ભેટ ધરતો હોય એમ સ્મિત સાથે એમના હાથમાં જ અખબાર મૂકતો ને એમને હાશ થતી. હીંચકે બેસી ચા પીતા પીતા પરીક્ષા આપવાના હોય એટલા ધ્યાનપૂર્વક આખાં પેપરનો ખૂણેખૂણો વાંચતાં ને દુર્ગાબાને રસ પડે એવી ખબર એમને સંભળાવતા પણ ખરા. દુર્ગાબાને પણ પ્રભાકરદાદાની જેમ રોજના કામમાં પેલી ટીકટીક સાથે તાલ મેળવવાનું ફાવી ગયું હતું. આગણું છાંટી નાનો સાથિયો પૂરતાં ને પંખીઓને ચણ નાંખતાં. થોડીવારમાં તો ચહેકાટથી સવાર ગુંજી ઊઠતી.
“જુઓ બેટા, સૂરજ એના સમયે ઊગે જ, ફૂલો ખીલે જ, ઋતુઓ એની..”
“ટીકટીક પ્રમાણે બદલાય, દાદાજી મને ખબર છે, તમે આમ જ કહેશો.” બ્રશ કરતી કરતી પંખીઓ જોવા આવેલી કેયા વાક્ય પૂરું કરતી.
દાદાજીની સવાર, બપોર કે સાંજ આ રીતે જ પડતી. સમય પર જમવાનું, દવા લેવી, ચા પીવી, રેડિયો પર સમાચાર સાંભળવા, મિત્રોને મળવું, ટીવી પર મેચ કે ગમતા કાર્યક્રમો માણવા. બેન્ક, પોસ્ટ, ખરીદી જેવાં નાનાંમોટાં કામ પતાવવાં. ઘરમાં કોઈને કંઈ પણ કામ હોય યાદ દેવડાવા માટે તેઓ દાદાજીને કહી રાખતા. અરે! દૂર રહેતી દીકરીને પણ ફોન કરીને પણ પૂછી લેતા.
દર રવિવારે એમની પ્રિય લોલકવાળી ઘડિયાળ ખોલી, અંદરની મશીનરી કાઢી કેરોસીનમાં બોળી સાફ કરી ફરી સ્ક્રૂ લગાડતા ત્યારે કોઈ એમને ખલેલ પહોંચાડતું નહીં. પણ જ્યારથી આંખે ઝીણું જોવાની તકલીફ થઈ ત્યારે કૌશિક કે કરણની મદદ લેતા.
હવે તો આંખ સાવ જ ગઈ. એની સાથે એ લોલકવાળી ઘડિયાળ પર રિસાઈ. સાવ આંખની નજીક લાવી જુએ તો જરાતરા ઝાંખું દેખાય, બાકી તો ધોળુંધબ. ટકોરા બંધ થવાથી એમની અકળામણ વધી. કૌશિકે બહાર રીપેર પણ કરાવી પણ થોડાં વખતમાં બંધ થઈ જતી. એટલે બીજા રૂમની સેલવાળી વૉલ ક્લૉક એમના રૂમમાં ટીંગાડી. એનો સેલ પતી ગયો ને ટીકટીક બંધ થઈ. બીજા અવાજો વચ્ચે એમને આ અવાજ પરખાતો.
કરણ કૉલેજથી આવતા સેલ લેતો આવ્યો ને ફરી એ ધબકવા લાગી. દાદાજી ખુશ થયા, “જો, ભઇ આની પણ અમને વસ્તી લાગે, તમે જાવ તમારા કામે.”
ને બીજે જ દિવસે એમની નેવુમી બર્થડે હતી. કરણ, કેયા અને દીકરીની દીકરી શ્રેયા દાદાજી માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈ આવ્યા. “ચાલો દાદાજી, પહેલા કેક કટ કરો.” સાથે જ ધૂન વગાડી, ‘ટીકટીક ટીકટીક, ટીકટીક ટીકટીક ચલતી જાયે ઘડી કલ, આજ, કલ ઓર કલ કી પલ પર જુડતી જાયે ઘડી…’ ને બાર ટકોરા પડ્યા. દાદાજી કાનથી સાંભળતા અને જોતા પણ રહ્યા. અને ઘડિયાળને હાથ ફેરવી કહ્યું, “આ બેટા, સીટિંગ રૂમમાં લટકાવી દો તમારે માટે, મને સંભળાશે.” અને એ રાત્રે જ વિદાય લીધી સમયસર.
— યામિની વ્યાસ