Daily Archives: મે 5, 2022

…અંત કહેવો નથી/યામિની વ્યાસ

વાર્તા તો બની,અંત કહેવો નથી.

“કેમ, મેડમ,ઊભા રહો. લાલ લાઈટ નહીં જોઈ?

એક્ટિવા સાઈડ પર લો.”

“ઓહ, સોરી ખૂબ ઉતાવળમાં હતી. ડ્યુટી પર જાઉં છું.’

“એટલે સિગ્નલ તોડીને ભગાવવાનું?ચાલો દંડ ભરો. નામ શું છે?” રસીદબુક પર પેન સરખી કરતાં ટ્રાફિક પોલીસે રસીદ ફાડવાની તૈયારી કરી.વળી ઘણાં એ તરફ જોઈ રહ્યાં. કદાચ જોવું ગમતું હતું. સરસ હાઈટ ધરાવતી ગોરી, પાતળી, નમણી નક્ષત્રા હેલ્મેટમાં વધુ આકર્ષક લાગતી હતી.

“ખ્યાલ જ ન રહ્યો.સર, સેવ લાઈફ હોસ્પિટલની બ્લડ બેંકમાં ટેકનિશિયન છું, પ્લીઝ, જવા દો.”એણે પોતાનો આઈ કાર્ડ બતાવ્યો.

“સારું, જાવ પણ બીજી વાર ધ્યાન રાખજો મિસ નક્ષટ્રા શર્મા.”

‘હવે ટ્ર બોલે કે ત્ર,શું ફેર પડે? રસીદ પકડાવ્યા વગર જવા દીધી એટલું બસ.’ “થેન્કયુ” કહી એણે એક્ટિવા ભગાડ્યું.

ગઈકાલથી ખરેખર એનું મન અને મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું એમ કહી શકાય.ત્યારે એની ડ્યૂટી પુરી થઈ હતી. હેન્ડ ગ્લોવ્ઝ કાઢી હાથ ધોઈ એપ્રોન કાઢી એની જગ્યા પર જેની ડ્યૂટી હોય એ આવે કે તરત ઓવર સોંપી નીકળવાની તૈયારીમાં હતી.એની મમ્મીની બર્થડે હતી.ખાસ કેક ઓર્ડર કર્યો હતો,એ લઈને જવાનું હતું. ને ત્યાંજ એની પાસે એક મા અને એનાં તાજા જ જન્મેલા બાળકના બ્લડ ગ્રૂપ અને હિમોગ્લોબિન કરાવવા માટે બે બ્લડ સેમ્પલ્સ આવ્યા. વળી ઉપર અરજન્ટ લખ્યું હતું. સેમ્પલો પર નામ હતાં બેબી ઓફ કહાની અને બીજા પર કહાની મહેતા. ઘરે જવાનું મોડું થતું હતું તેથી નક્ષત્રાનું મોઢું તો બગડ્યું પણ તાત્કાલિક ટેસ્ટ કરી આપવી પડે એમજ હતી. માનું ઓ પોઝિટિવ અને બાળકનું એબી પોઝિટિવ આવ્યું.વળી કહાનીનું હિમોગ્લોબીન ખૂબ જ ઓછું આવ્યું. એણે બીજીવાર પણ ચેક કર્યું, એટલું જ હતું. રિપોર્ટ લખતી હતીને જ ને રિપોર્ટ લેવા માટે જોતા જ ગમી જાય એવો છ ફૂટ હાઈટ ધરાવતો, ઘઉંવર્ણો, સપ્રમાણ બાંધો ધરાવતા હેન્ડસમ યુવાનને જોઈ એનું મગજ ચકરાવા લાગ્યું. એ ખૂબ ઉતાવળમાં હતો, એને તો અર્જુનને દેખાતી પક્ષીની ડાબી આંખની જેમ રિપોર્ટ સિવાય કશું દેખાતું નહોતું. થેન્ક્સ કહી ડોક્ટરને બતાવવા દોડી ગયો.’ઓહ, આરવ મહેતા,તો આ કહાની માટે મને નાપસંદ કરવામાં આવી હતી?’ નક્ષત્રાના મનમાં વિચારોનું ને ધારણાઓનું જંગલ સર્જાયું.. એમાં અટવાતી નક્ષત્રા હજુ કંઈ ધારણા બાંધે એ પહેલાં તો ઝાડીઝાંખરા, પર્વતપથ્થર હડસેલીને કોઈ વગડાઉ નદી ધસી આવતી હોય એમ બીજા વિચારે એનો ગુસ્સો આકાશે પહોંચ્યો. ઘરે જવાનું અત્યંત મોડું થતું હોવા છતાં એણે ગાયનેક વોર્ડની નર્સ પાસે જાણી જ લીધું કે ડિલિવરી પૂરા નવ મહિને જ થઈ હતી. ધુંઆફુંઆ થતી ઘરે જવા નીકળી હતી.

આરવ મજાનો છોકરો હતો. આઈ. ટીમાં બી ઈ થયો. સરસ જોબ મળી હતી.વ્યવસ્થિત સેટલ થવા માટે લગ્નની વાત પાછળ ઠેલતો હતો. પણ વ્હાલાં દાદીમાએ સોગંદ આપી એને મનાવી લીધો હતો, “ભાઈ,ઉપરથી વિઝા આવી ગયા છે. હવે હું કેટલું જીવવાની?” વળી કાકા અમેરિકાથી થોડા સમય માટે આવ્યા એટલે દાદીની વાતને વેગ મળ્યો.પહેલેથીજ માગાં તો હતાં જ તોય શહેરના સારા મેરેજબ્યુરો અને સગાઓ દ્વારા વાત ચલાવાઈ. વડીલો સાથે ચર્ચા બાદ આરવની પસંદગી મુજબ ત્રણેક યુવતીઓના નામ સુચવાયા. તે જોવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે આરવને ખાસ કોઈ વરણાગી નહોતી.પણ યોગ્ય ભણતર, સૌમ્ય અને પોતાની હાઈટ મુજબ ઠીક ઊંચી હોય એવી એ ઇચ્છતો. પહેલી પસંદગી જ નક્ષત્રા હતી.નક્ષત્રા પણ એના વિશે જાણી એટલી જ આતુર હતી.બંને તેમજ બંનેના પરિવાર મળ્યા. સરસ વાતો થઈ. બંને એકલાં પણ મળ્યાં. નક્ષત્રા વધુ રણઝણી કે એનું હૃદય એ ઘૂઘરીઓ પણ નક્કી ન કરી શકી. બન્નેને જાણે વર્ષોથી એકબીજાને ઓળખતાં હોય એવી અનુભૂતિ થઈ. એકબીજા માટે જ સર્જાયા છે એવું બંને તરફના પરિવારજનોને પણ લાગ્યું. હવે ફાયનલ જવાબની રાહ બાકી હતી ને ત્રીજા દિવસે આરવ તરફથી જવાબ આવ્યો,’સોરી.’

” સોરી મિન્સ વોટ? આ બધું ખોટું છે, તેં મને છેતરી આરવ.” નક્ષત્રા ઉધમાં ચીસ પાડી ઊઠી. બાજુના રૂમમાંથી મમ્મી દોડી આવી. એ ચૂપ થઈ ગઈ પણ મનમાં ચાલતા પ્રશ્નાર્થના ભરડાએ એણે આરવને ગાળ આપી.

બીજે દિવસે વહેલીવહેલી નોકરીએ જવા નીકળી ને અંદર સળગતી હલચલે સિગ્નલ તોડાવ્યું.એને ધાડ હતી હોસ્પિટલ પહોંચી આરવને ખખડાવવાની, એની પાસેથી જવાબ માંગવાની,”આ કહાની સાથે પહેલેથીજ લફડું હતું તો મને જોવા શું કામ આવ્યો?” પણ લેબ પર જઈ જોયું તો આરવ સામે જ હતો. નજર ડોનર લિસ્ટ પર ગઈ ને એક ઓર આંચકો લાગ્યો. એનું બ્લડગ્રુપ પણ ઓ પોઝિટીવ હતું.તો બાળક એબી ક્યાંથી? “ઓહો,પ્યારી પત્નીને બ્લડ આપે છે, પણ એ પત્ની તને ઉલ્લુ બનાવે છે. ચલો જૈસે કો તૈસા મીલા.”

નક્ષત્રાની આંખોના નક્ષત્રોની જટિલ ગૂંચવણ વાંચી ગયેલા આરવે ખૂબ નમ્રતાથી જવાબો આપ્યા.

“એક્સટ્રીમલી સોરી નક્ષત્રા, સમજી શકું છું, તું શું વિચારે છે? કહાનીની કહાની વિશે ડિટેઈલમાં પછી કહીશ. તારી બધી કુતૂહલતાઓ, ધારણાઓ કે ગુસ્સો કલ્પી શકું છું. કહાની મારા એક મિત્રની બહેન છે. એના પર પાશવી બળાત્કાર થયો હતો .તું વિગત જાણે તો કંપી ઉઠે. એણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.એની નાજુક તબિયતને કારણે ડોક્ટરે પણ આશા છોડી દીધી હતી. એને જીવાડવાના બધાના પ્રયાસોમાં હું સફળ રહ્યો. મારા આ નિર્ણય સામે બધાં જ વિરોધમાં છે. તું પણ હોઈશ.તું ગમે એવી તો છેજ. પણ મેં તને હા પાડી બાંધી નહોતી. સોરી સિવાય હું કંઈ કહી શકું એમ નહતો. હવે કહાની એ મારી કહાની છે, હું જલદી જાઉં એને બ્લડ ચઢાવવાનું છે..વધુ વાતો પછી કરીશું, ઓહ તારું તો પૂછ્યું જ નહીં.તું મજામાં હોઈશ…હું ભાગું…”

“અરે,અરે, ઊભો રહે આરવ…કહાનીની કહાનીમાં તકલીફ પડે તો કહેજે.હું સાથ આપીશ.

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized