Daily Archives: મે 12, 2022

લિમરિક: પાંચ પંક્તિઓનું વિનોદી પદ્ય

લિમરિક: પાંચ પંક્તિઓનું વિનોદી પદ્ય

અરવિંદ કેજરીવાલની અંગડાઇ, ભાજપની ટીકા અને શશી થરૂરની કવિતા..

ધેર વન્સ વોઝ અ સીએમ ઓફ દિલ્હી

હૂ સ્ટ્રેચ્ડ ફ્રોમ હેડ ટૂ હિઝ બેલી

ધ ઓનસ્ક્રીન રેટિકયુલેશન

રીવિલ્ડ હિઝ પેન્ડિકયુલેશન

સો બીજેપી ફ્રોથ્ડ એન્ડ ક્વિવર્ડ લાઇક અ જેલી!

વાત જાણે એમ હતી કે વિડીયો મીટિંગ હતી આપણાં વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનો વચ્ચે. વિષય હતો કોવિડ-૧૯ની સમીક્ષા. મીટિંગ દરમ્યાન દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કંટાળ્યા હશે તે એમણે અંગડાઇ લીધી. આળસ મરડ્યું. ના, બગાસું તો નહોતું ખાધું. વિડિયોમાં એ દેખાયું. બીજેપીને લાગ્યું કે આ વર્તણૂંક શિષ્ટાચાર વિરુદ્ધ છે. તેઓએ વિરોધ નોંધાવ્યો. કહ્યું કે કેજરીવાલ મેનરલેસ (અશિષ્ટ) છે. કોંગ્રેસનાં સાંસદ અને શબ્દોનાં જાદુગર શશી થરૂરે આ ઘટના અને એની ઉપરની બીજેપીની પ્રતિક્રિયાને એક કવિતાનાં માધ્યમથી વર્ણવી. ‘પેન્ડિકયુલેશન’ એટલે પેટથી માથા સુધી આળસ મરડવું તે. ‘ફ્રોથ’ એટલે નકામી બકબક. આમાં પહેલું કામ દિલ્હીનાં સીએમ દ્વારા થયું. બીજું બીજેપી દ્વારા. અમને જો કે એમાં રસ નથી પણ એનડીટીવી, ધ ટેલિગ્રાફ, ફાઈનાન્સિયલ એક્સપ્રેસ, ઝી ન્યૂઝ, ઇંડિયન એક્સપ્રેસ, ધ ક્વિન્ટ, ટાઈમ્સ નાઉ, ધ હિંદુ સહિત અનેક અખબારોએ શશી થરૂરનાં સાહિત્યિક સર્જનને ‘પોએમ’ કે ‘પોએટ્રી’ ઉર્ફે કવિતા કહી. એક માત્ર હિન્દુસ્તાન ટાઇમ્સે લખ્યું કે આ શશી થરૂરનું ‘લિમરિક’ (Limerick) છે. ધન્યવાદ આપવા જોઈએ એ પત્રકારને કે જેણે સાચો શબ્દ લખ્યો. આમ તો તમે ગઝલને કવિતા પણ કહી શકો. પણ ગઝલ કહો ચોક્કસ અર્થ સમજાઈ જાય. શશી થરૂરનાં સર્જનને કવિતા કહેવા કરતાં લિમરિક કહેવું વધારે યોગ્ય છે કારણ કે…. એ લિમરિક છે!

‘લિમરિક’ શુદ્ધ કવિતા નથી. પણ લિમરિકનું એક બંધારણ ચોક્કસ છે, કેટલાંક નિયમો છે અને પ્રાસ, અનુપ્રાસ છે. લયનું મીટર પણ છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘લિમરિક’ એટલે પાંચ લીટીવાળી એક વિનોદી કવિતા. એમાં પહેલી, બીજી અને પાંચમી લાઇનમાં પ્રાસ મળે. જેમ કે દિલ્હી, બેલી, જેલી. અને ત્રીજી અને ચોથી લાઇનમાં પ્રાસ મળે. જેમ કે રેટિક્યુલેશન અને પેન્ડિક્યુલેશન. એ પણ છે કે પહેલી લાઇનમાં સામાન્ય રીતે કવિતાનું પાત્ર- એ કોણ છે? અને ક્યાંથી છે? એ કેવો/કેવી છે?- એવી ઓળખાણ સૂચક માહિતી હોય. જેમ કે એક સમયે દિલ્હીનો એક સીએમ હતો. આમ તો અત્યારે પણ શ્રી અરવિંદ કેજરીવાલ જ સીએમ છે. પણ લિમરિકમાં, એ ભૂતકાળ છે, એવું લખી શકાય. અને હા, વિનોદ.. હ્યુમર એ લિમરિકનું અભિન્ન અંગ છે. લિમરિકમાં જે હ્યુમર નીપજે છે એ પંચલાઇનથી નહીં પણ પાંચ લાઇનનાં અર્થ અને અનર્થની ખેંચતાણમાંથી નીપજે છે.

ઇંગ્લિશ ભાષામાં લિમરિકનું ચલણ અઢારમી સદીથી છે. આ માટે કવિતાનું શાસ્ત્રીય જ્ઞાન આવશ્યક નથી. આવડે તો સારું, પણ ન આવડે તો ચાલી જાય. લિમરિક એ એવું ‘વર્સ’ છે જે વિનોદી ઉપરાંત અધિકાંશ બરછટ, ઉદ્ધત કે ઉચ્છૃંખલ હોય છે. વર્સ એટલે કવિતાનું ચરણ, પદ કે કડી. ઓગણીસમી સદીમાં લિમરિકને લોકપ્રિય બનાવવાનું શ્રેય ઇંગ્લિશ કલાકાર, સંગીતકાર, લેખક અને કવિ એડવર્ડ લીયર (૧૮૧૨-૧૮૮૮)નાં ફાળે જાય છે. એ વાત જુદી છે કે લીયરે પોતે પોતાની કવિતાને લિમરિક કહી નહોતી. સને ૧૮૪૬માં એની કવિતાઓનું પુસ્તક છપાયું હતું, એનું શીર્ષક હતું: ‘ધ બૂક ઓફ નૉનસેન્સ’. એટલે એમ કે તમે વાંચો તો થાય કે આવું તે કાંઈ હોય? દા. ત. પુસ્તકનાં પહેલાં જ લિમરિકમાં તેઓ લખે છે કે તેઓની દાઢીમાં બે ઘુવડ, એક મરઘી, ચાર લાવરી અને એક રેન પક્ષીએ માળો બાંધ્યો છે. આ ‘લિટરરી નૉનસેન્સ’ (સાહિત્યિક વાહિયાતપણું) કહેવાય છે; એ જ જે વિનોદ નિષ્પન્ન કરે છે. એ યોગાનુયોગ છે કે આવતીકાલે એડવર્ડ લીયરની ૨૧૦મી વર્ષગાંઠ છે. ૧૨મે-નો દિવસ અમેરિકામાં રાષ્ટ્રીય લિમરિક દિવસ તરીકે ઉજવાય છે. એ દિવસે લોકો લિમરિક રચે છે, બોલે છે, હસે છે, હસાવે છે, મઝા કરે છે. કેટલાંક સર્જક લિમરિકનું બંધારણ લઈને ગંભીર કવિતા કહે છે. પણ એ બીજું કાંઈ પણ હોય, લિમરિક નથી.

‘લિમરિક’ શબ્દની વ્યુત્પત્તિ વિષે ચોક્કસ માહિતી મળતી નથી પણ આયર્લેન્ડનાં એક શહેરનું નામ લિમરિક છે અને એ શહેરનાં નામ પરથી આ શબ્દ આવ્યો હોવો જોઈએ. આયરીશ સૈનિકોનાં મસ્તી મજાકનાં તોફાની સમૂહગીતની પહેલી કડી હતી: વિલ યૂ કમ અપ ટૂ લિમરિક? અને પછી.. ત્યાં આવીને શું શું કરવું? એ વિષે જે મનમાં આવે તેવું, ભદ્ર કે અભદ્ર જે ગવાતું એ લિમરિક. આમ આપણાં ફટાણાં જેવું. ફાગ જેવું. ભગવદ્ગોમંડલ અનુસાર ‘ફાગ સંભળાવવા’ એટલે ભૂંડાં બોલી ગાળો દેવી તે. લિમરિકમાં આમ પણ લોકોમાં બોલાતી આમ ભાષાનો વધારે ઉપયોગ થાય છે. એવા શબ્દો પ્રયોજાય છે જે શિષ્ટ સાહિત્યમાં અસભ્ય ગણાય. એ પણ છે કે નિર્દોષ બાળકોનાં હળવાં લિમરિક પણ એટલાં જ લોકપ્રિય છે. લિમરિકની કક્ષા સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ હોય એવું સામાન્ય રીતે હોતું નથી. તેમ છતાં ઇંગ્લિશ ભાષાનાં મહાન સાહિત્યકાર વિલિયમ શેક્સપીયર, ઓગ્ડન નેશ, આઇઝેક એસિમોવ, લેવિસ કેરોલ, રુડયાર્ડ કિપ્લિન્ગ, માર્ક ટ્વેઇન, જ્યોર્જ બર્નાર્ડ શૉ, સલમાન રુશદી દ્વારા પણ મસ્તીખોર લિમરિક લખાયા છે. ગુજરાતી કવિઓએ લિમરિકમાં હાથ અજમાવવા જેવો છે. આમ હાઇકુ કરતાં ય તાન્કા જેવું વધારે, આમ કદાચ ત્રિપદી કે મુક્તક જેવું પણ કુલ પાંચ પંક્તિઓ અને એનું નૉનસેન્સ હોવું જરૂરી! જુઓ એક નમૂનો..

ભાયડો હતો એક, બડો જ્ઞાની, ભાષાનો ભરાડી

શબ્દોનો શાહુકાર, ભોળો ‘ને રમૂજનો ખેપાની

સાંસદનું એ મહાન અસ્તિત્વ

સ્ત્રીઓમાં પ્રિય એનું વ્યક્તિત્વ

અને એની સ્ત્રીદાક્ષિણ્યતા ઓ હો હો હો, છે મસ્તીખોર મઝાની!

આપ જ વિચારો કે આપણને ‘તારક મહેતાકા ઊલટા ચશ્મા’નાં જેઠાલાલ કે ‘ભાભીજી ઘર પે હૈ’-નાં વિભૂતિનારાયણ મિશ્રા કે મનમોહન તિવારી જેવા પાત્રો કેમ ગમે છે? તેઓ જે હરકત કરે છે એ આમ જુઓ તો હાસ્યાસ્પદ છે. તેઓ જે કરે છે, કહે છે એ આપણે આપણાં જીવનમાં ઉતારવાનું નથી! એનું સમર્થન પણ કરવાનું નથી. પણ એ વાતનાં મૂળમાં તો છે હાસ્ય નીપજાવવાનું, એવું હાસ્ય જે આમ જુઓ તો નૉનસેન્સ છે. અને એનું શ્લીલ હોવું પણ આવશ્યક નથી.

શબ્દ શેષ:

“સાચું લિમરિક પવિત્ર હોતું નથી. પવિત્ર લિમરિક ઊતરતી કોટિનું હોય છે. અશ્લીલ લિમરિક યાદ રહી જાય છે.” –અમેરિકન લોકમાન્યતા અને સંસ્કૃતિનાં વિવેચક લેખક ગેરશોન લેગમેન

May be an image of text

Leave a comment

Filed under Uncategorized