સિમેન્ટિક બ્લીચિંગ: અભિધા રંગનિખાર
શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન. શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ – ઉમાશંકર જોશી

શબ્દસંહિતા શબ્દને વધાવે છે. ક્યારેક અમે બોલચાલનાં શબ્દની વાત કરીએ છીએ. ક્યારેક કોઈ શાસ્ત્રીય શબ્દની છણાવટ કરીએ છીએ. ક્યારેક ક્યારેક તો ગાળ પણ, જો સાંપ્રત હોય તો, એની ચર્ચા કરવી જરૂરી સમજીએ છીએ. અમેરિકાનાં પ્રેસિડન્ટ જાહેરમાં એક પત્રકારને ‘સન ઓફ અ બિચ’ કહે તો અમારે એ ગાલીપ્રદાન શબ્દસમૂહનો અર્થ સમજવો પડે, સમજાવવો પડે. અનેક અર્થ થતાં હોય છે એક શબ્દનાં. સમય વીતે શબ્દ પર પણ વીતે છે, એ ઘસાય છે, તરડાય છે. કયારેક નવા અર્થનાં વાઘાં પહેરીને ફરી પાછો આવે છે એ જ શબ્દ. અર્થમાં વધઘટ થતી રહે છે. કોઈ શબ્દ ક્યારેક જૂની હજારની નોટની જેમ ચલણમાંથી ગાયબ થઈ જાય છે. કોઈ શબ્દ પોતાનો જીવવાનો અર્થ ખોઈ બેઠો છે. આવા તો અનેક શબ્દો છે. અમે ‘નાઇસ’ શબ્દ વિષે પણ લખ્યું હતું. નાઇસ એટલે સરસ, સુંદર, મનપસંદ પણ એનો મૂળ અર્થ હતો: સામાન્ય, હલકટ કે સ્વછંદી. આવું થાય એને શું કહેવાય? સિમેન્ટિક બ્લીચિંગ (Semantic Bleaching)
શબ્દનું શાસ્ત્ર ‘સિમેન્ટિક’ કહેવાય છે. ગ્રીક શબ્દ ‘સેમા’ એટલે ધ્યાનપૂર્વક જોવું. ‘સિમેન્ટિકોસ’ એટલે અર્થવાળું, ખૂબ સૂચક, મહત્વનું, નોંધપાત્ર. એના પરથી ફ્રેંચ શબ્દશાસ્ત્રી માઇકલ બ્રિયલ(૧૮૩૨-૧૯૧૫)એ ફ્રેંચ શબ્દ આપ્યો: ‘સેમેન્ટિક’ અને એ પરથી ઇંગ્લિશ શબ્દ સિમેન્ટિક. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે: અર્થનું, શબ્દાર્થોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. અભિધા એટલે વાચ્યાર્થ.
અને ‘બ્લીચિંગ’ તો આપણે જાણીએ. ડાઘાં કાઢવા, રંગનો નાશ કરવો કે પછી રંગ નિખારવો તે. અહીં નિખાર એટલે ‘સૌંદર્યનાં ઉઘાડ’- એવો ય અર્થ તમે કરી શકો. જો કે અહીં નિખાર એટલે કપડાંને ખૂબ ધોઈને ખંખાળી નાખવું એવો અર્થ થાય છે. શબ્દનું જ્યારે ‘બ્લીચિંગ’ થાય ત્યારે અર્થ બદલાય છે. કોઈ પણ અવગતિયાં વ્યાકરણવેદિયાં જહાલ ભાષાશાસ્ત્રીઓ એ પ્રક્રિયાને રોકી શકતા નથી. શબ્દની સંહિતા રોજ રીવાઇઝ થતી રહે છે. અમે મવાળ છઈએ, અમે મવાળી છઈએ. મવાલી? ફારસી મૂળનો શબ્દ ‘મવાલી’ એટલે ગુંડો. પણ ‘મવાળી’ એટલે સૌમ્ય પ્રકૃતિનો, વિનીત, નરમ, મોળો! અમે ચલણી શબ્દને કોશિશપૂર્વક ખોલી આપીએ છીએ.
કોઈ પણ શબ્દ હોય એનો અર્થ તો બદલાતો રહે. દા. ત. ‘મિલ્કિંગ’ એટલે ગાયને દોહવું, પણ કોઈ છેતરીને મારી પાસે પૈસા પડાવી જાય તો એ મારું મિલ્કિંગ કહેવાય. ‘લીકર’ એટલે લીક્વીડ. કોઈ પણ પ્રવાહી પદાર્થ લીકર કહેવાય પણ હવે આ શબ્દ માત્ર કેફી પીણાં માટે જ વપરાય છે. કેફની માત્રા વધે તો એ હાર્ડ લીકર થઈ જાય. અહીં હાર્ડ એટલે પ્રવાહી ‘કઠણ’ કે ‘નક્કર’ થઈ ગયું, એવો અર્થ નથી. એ વધારે કેફી થઈ ગયું, એવી કેફિયત કહેવાય. શબ્દનો અર્થ બદલાય એવી આવી જ એક પદ્ધતિ ‘સિમેન્ટિક બ્લીચિંગ’ છે. કેટલાંક શબ્દો અર્થનાં ઇન્ટેન્સિફાયર’ હોય છે. એટલે એવા શબ્દો વાક્યનાં અર્થને ઉત્કટ કરે છે, તીવ્ર કરે છે. ‘એક્સાઈટેડ’ની આગળ ‘વેરી’ લખીએ એટલે ઉત્તેજના વધી જાય. ઇંગ્લિશ શબ્દ ‘વેરી’ એટલે સાચું, યથાર્થ. પણ જ્યારે વેરી એક્સાઈટેડ કહીએ ત્યારે એ -યથાર્થ રીતે સત્ય હોય એવી ઉત્તેજના કે રોમાંચ- છે, એવો અર્થ એમાં નથી. આ ‘વેરી’ શબ્દનું બ્લીચિંગ છે. હવે તો જો કે ‘વેરી’ પણ ઓછું વપરાય છે. હવે એના સ્થાને ‘સુપર’ શબ્દ આવી ગયો. સુપર એક્સાઈટેડ કે પછી સુપર સ્માર્ટ. ચઢિયાતો સ્માર્ટ? આવા ઘણાં શબ્દોનાં મૂળ અર્થનો રંગ ઊડી ગયો છે. હવે એ શબ્દ અન્ય કોઈ શબ્દ કે કથનનાં અર્થને ઉત્કટ કરવા માટે બોલચાલમાં વપરાય છે. અમેરિકાનાં પૂર્વ પ્રેસિડન્ટ ઓબામાએ ગાયિકા ટાયલર સ્વિફ્ટને ‘પરફેકટલી નાઇસ ગર્લ’ કહી હતી. સર્વોત્તમ રીતે સુંદર છોકરી!
ઇન્ટરનેટની ભાષા જબરજસ્ત છે. બીએફ (બેસ્ટ ફ્રેન્ડ) હવે બીએફએફ (બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર) થઈ ગયો છે. લાફિંગ હવે લોલ (લાફિંગ આઉટ લાઉડ) થઈ ગયું છે. ‘હેવ અ ગુડ ડે’ની શુભેચ્છા હવે ‘હેવ એ ગ્રેટ ડે’-ની શુભેચ્છામાં તબદીલ થઈ ચૂકી છે. હવે ‘હોટ’ અને ‘કૂલ’માં કોઈ ફરક જ નથી. છોકરી કેવી છે? યુવા કવિ મિલિન્દ ગઢવી કહે છે કે ગાલિબનાં શેર જેવી છોકરી! એ ગાલિબનાં શેરનું સિમેન્ટિક( કે રોમેન્ટિક!) બ્લીચિંગ છે. કવિને તો એ છોકરીનાં પાલવ પકડવાની નોકરી કરવાનાં અભરખાં છે. એ છોકરી જો માને તો..! અને આવી નોકરી હોય તો સોમવાર પણ રવિવાર લાગે. હેં ને?
સિમેન્ટિક બ્લીચિંગ શબ્દનાં અર્થને ઉઘાડી આપે છે. ટીકાકારો સિમેન્ટિક બ્લીચિંગને અનિચ્છનીય ગણે છે. કેટલાંક લોકો માટે બધું ઓસમ (Awesome) છે. ઓસમ એટલે ભયાનક. પણ હવે અર્થ બદલાયો છે. ઓસમ એટલે સરસ, મજેદાર, જલસો થઈ જાય એવું. આવા લોકો માટે પ્રેમિકા ઓસમ છે, ફિલ્લમ ઓસમ છે, ખાધી તે પાઉંભાજી પણ ઓસમ છે. જ્યારે કેટલાંક માટે બધું જ હોરિબલ (Horrible) છે. હોરિબલ એટલે ભયાનક. બોસ હોરિબલ છે, સરકાર હોરિબલ છે, જોક પણ હોરિબલ છે. હોરિબલ હવે ‘ન ગમે’ એને પણ કહે છે. એક શબ્દ લિટરલી (Literally) પણ છે. લિટરલી એટલે ‘શાબ્દિક અર્થ અનુસાર’. પણ હવે એનો સાવ ઊલટો અર્થ પણ છે. કોમેડી ફિલ્મ જોઈને કોઈ કહે: આઈ લિટરલી ડાઈડ લાફિંગ. હું હસતાં હસતાં યથાર્થ રીતે મરી ગયો. અહીં મર્યો તો નથી. તો ‘શાબ્દિક અર્થ અનુસાર મરી ગયો’ એવું શા માટે કહેવું? પણ… કહે છે. સિમેન્ટિક બ્લીચિંગ ઇચ્છનીય તો નથી. પણ હે પ્રિય ટીકાકારો, તમારી ઇચ્છનીયતાનું અહીં કાંઈ ઉપજે એમ નથી. દરિયાનું મોજું આવે એટલે કિનારે બનાવેલાં રેતમહેલ નાશ પામે છે. એ જ મોજું જો કે પોતાની સાથે નવી રેતી પણ લાવે છે. સિમેન્ટિક બ્લીચિંગ રોકી શકાય એમ નથી. અભિધા રંગનિખાર. એટલે જ અમને કવિ પ્રકારનાં લોકો ગમે છે. કવિલોકો અકવિ હોય એમને માટે ભાષાને સરળ કરી આપે છે. અકવિ એટલે? ભગવદ્ગોમંડલ અનુસાર ‘અકવિ’ એટલે અબુધ, મૂર્ખ. મૂળ તો અકવિને સમજાવું જોઈએ. કારણ કે સમજાય એ જ ભાષા છે. સમજાય તો જ ભાષા છે.
શબ્દશેષ:
“શબ્દનું પણ વજન હોય છે.” –અમેરિકન લેખક સ્ટીફન કિંગ