મળ્યું’તું જેવું, એવું જ પરત/ યામિની વ્યાસ

મળ્યું’તું જેવું, એવું જ પરત

“આ શું કર્યું હેમી? બધાં ફૂલ કેમ તોડ્યાં?” જેટલાં દેખાયાં એટલાં ફૂલો તોડી હેમી છાબડી ભરી લાવી.

“બા તમને પૂજા માટે જોઈએને.”

“અરે! પાંચ છ ફૂલો બહુ થઈ ગયાં. ને આ તો રીંગણીનું ફૂલ? દાદા જાણશે તો બહુ વઢશે.”

“ના વઢે, તેઓ ચાલીને આવે તે પહેલાં તો હું મા સાથે જતી રહીશ. બા, તમે મારું નામ આપી દેજો એટલે તમને નહીં વઢે. તમને ગજરો બનાવી આપું?”

“ના હવે, ધોળા વાળમાં ક્યાં નાખું? ચાલ, ભગવાન માટે હાર બનાવી દે.”

ને સોય દોરો લઈ કંઈક ગાતી ગાતી હેમી હાર બનાવતી.

નયનાબાને ઘરે લીલા કામ કરવા સવારે વહેલી આવતી. લીલા ના પાડે તો પણ સાથે હેમી અચૂક આવતી. એ પણ વહેલી ઊઠી નાહી ધોઈ મા પાસે બે ચોટલા વળાવી તૈયાર થઈને આવતી. માને નાનાં વાસણ ધોવામાં કે આંગણું વાળવામાં મદદ કરતી. કોઈપણ કામ મગ્ન થઈ ગાતી ગાતી કરતી ને વાળ્યાં પછી એક પણ પાંદડું ઊડીને આવે તો એનું આવી જ બને. માની જેમ કામની ઝડપ પણ વધારે. અડધો કલાકમાં તો કામ પતાવી નીકળી જાય મા દીકરી. લીલા બીજા ઘરે કામ કરવા જાય અને એ દોડતી ઘરે જાય. નયનબાએ ચા સાથે કંઈક ખાવાનું ખવડાવ્યું જ હોય એટલે દફતર લઈ નિશાળે જવા ભાગે.

ફરી બીજે દિવસે સવાર સવારમાં ટકચક ટકચક કરતી હાજર. કોઈકે આપેલી જૂની હીલવાળી ચપ્પલની એક હીલ તૂટી ગઈ હતી. પથ્થરથી ખીલી ઠોકી માંડ બેસાડી હતી પણ પછી તો તૂટીને જ રહી, છતાં બીજી હીલ રહેવા જ દીધી. એટલે ચાલે ત્યારે તાલબદ્ધ ટકચક ટકચક અને સાથે કંઠમાં કંઈ ગુંજતું જ હોય. આવતાની સાથે જ “બા, હું આવી.” બૂમ પાડે ને દાદાના નીરવ ઘરમાં એ તાર સપ્તકમાં સંભળાય.

શાંતિપ્રિય અને એકાંતપ્રિય દાદાને પહેલેથી જ અવાજ અને ગીચતા નહોતી ગમતી એટલે જ રમ્ય વાતાવરણમાં પ્રકૃતિ ધબકતી હોય ત્યાં નાનકડું ઘર લીધું હતું. જોકે, બાગ તો ગીચતાભર્યો જ બનાવ્યો હતો. જે અધધધ ફૂલોથી મઘમઘતો. થોડું લીલું શાક અને લચીલાં ફળોથી પણ મહેકતો. દાદા આખો દિવસ એની સરભરામાં જ હોય. એ જગ્યાની સવાર તો સાવ અનોખી જ. ખોબા ભરીભરીને ઝાકળનો છંટકાવ જોવા મળતો. લાલાશભર્યા સૂર્યોદય સમયે તરોતાજા આકાશના નિર્મળ રંગો છલકાતા તો કદી બહાર નજર કરો, તો બે ફૂટ દૂરનું પણ ન દેખાય એટલું ધૂમ્મસ હોય. દાદા ધ્યાનપૂર્વક એ નિહાળતા હોય ત્યારે બા કહેતા, “એક દિવસ આપણે બંને હાથ પકડી આમાં સાથે જ ઓગળી જઈશું.”

“તારી હેમીની બૂમ સાંભળી ધૂમ્મસ પણ ઊડી જશે.” દાદા ક્યારેક હસી પણ લેતા.

એમને ખાસ અવરજવર પસંદ નહોતી. મહેમાનો પણ અગાઉથી ફોન કરીને આવતા. બધું જ સમયસર, કંઈપણ હોય એમના નિત્યક્રમમાં ફેરફાર થતો નહીં. બાએ પણ લીલાનો કામ કરવાનો સમય એવો ગોઠવેલો કે દાદા સવારે ચાલવા જાય અને આવી રહે ત્યાં સુધીમાં ઘરનું કામ થઈ જાય. લીલા તો વાડામાંથી જ જતી રહેતી પણ રણક્યા વગર જાય તો હેમી શાની? બા પૂજા કરી એને કપાળે ચાંદલો કરી ધરાવેલો પ્રસાદ ફળ, સાકર કે મીઠાઈ અચૂક આપતાં. ક્યારેક દાદા મળી જતા તો દૂરથી ‘જય જય દાદા’ કહી હેમી દોડી જતી ને એના માથામાં ખોસેલા ફૂલ પર દાદાનું ધ્યાન જતું જ.

“જો નયના, આ બાગ પાછળ હું બહુ મહેનત કરું છું. મને જીવથી પણ વહાલો છે. એને આવો બોડો ન કરો.”

ને ફૂલ તોડવાનું તો હેમીનું ગમતું કામ. અરે! એક દિવસ તો બા કંઈ કામમાં પડ્યાં ત્યારે તો દેવના ફોટા સાથે બા, દાદા અને કેલેન્ડર ને અરીસા સુધ્ધાંને એ હાર પહેરાવી ગઈ. “નયના, આપણને સ્વર્ગવાસી બનાવી ગઈ તારી હેમી.” દાદા આવતાવેંત જ બોલ્યા ને એ બોલી રહે એ પહેલાં બા હસતાં હસતાં બોલ્યાં, “અરે! મહેકે છે ને આખું ઘર, એ તો જુઓ.”

બા હેમીને અનેકવાર ફૂલ ન તોડવા વિશે સમજાવતા. “બા, એ તો હું નવાં ફૂલો માટે જગ્યા કરું છું. આને હટાવું તો બીજા આવેને!” લુચ્ચું હસીને એ પતંગિયા પાછળ દોડી જતી. નયનબાને આમ પણ કોઈ સંતાન નહોતું, એટલે સ્વાભાવિક જ હેમી પ્રત્યે હેતાળ હતાં. દાદાના પેન્શનમાં ઘર બરાબર ચાલી જતું. થોડી ઘણી બચત પણ હતી.

એક દિવસ બાએ એમની લગ્નતિથિએ હેમીને ભણવાના ખર્ચ પેટે અમુક રકમ દાન આપવાની વાત દાદાને કરી. “ના નયના એટલી મમતા સારી નહીં. નાની મોટી ચીજ આપે તો વાંધો નહીં. જો હમણાં તો ઠીક, પછી આગળ વધુ ખર્ચ આવે ને એમને એની આશા જાગે. બહુ માથે ચઢાવવા નહીં. હજુ તો ચાલે છે આપણા હાથપગ, પણ પછી જો પૈસા હશે તો કોઈ સેવા કરશે.” વાત પણ વિચારવા જેવી હતી અને નયનબા ચૂપ થઈ ગયાં. જોકે, લીલા સંતોષી હતી. ક્યારેય કશું માગતી નહીં પણ નયનબા હેમી માટે વારેતહેવારે કંઈક ને કંઈક લાવી દેતાં.

આમ સરસ રીતે એમની દિનચર્યા ગોઠવાયેલી હતી. જે એક દિવસ અચાનક ખોરવાઈ. બા બાથરૂમમાં પડી ગયાં ને માથામાં વાગ્યું. હોસ્પિટલમાં દાખલ કર્યાં પણ એમણે દાદા પાસે વધુ સેવા ન કરાવી. બે દિવસમાં જ જતાં રહ્યાં. સગાઓ આવ્યાં હતાં એ પણ ગયાં. વિધિઓ પણ પૂરી થઈ ગઈ. ઘણાં સગાંસંબંધીએ સાથે આવવા કહ્યું પણ એમણે નમ્રતાપૂર્વક ના પાડી. બધું એટલું ઝડપથી થઈ ગયું કે એમના માનવામાં જ નહોતું આવતું.

હવે તેઓ ચાલવા જતા નહીં એટલે હેમી આવતી નહીં. ટિફિન બંધાવી દીધું. ખાસ વાસણ થતાં નહીં. લીલાબેન ઝડપથી કામ કરી જતાં. એક દિવસ વહેલી સવારે દાદાએ બધાં ફૂલો તોડી લીધાં. એ જોઈને હેમી દોડતી અંદર આવી ને બોલી પડી, “દાદા, મેં નથી તોડ્યાં”

“મેં પણ નથી તોડ્યાં, એ તો નવાં ફૂલો માટે જગ્યા કરી છે. તું આવ, જો બાનો ફોટો.”

હેમી બાએ ગિફ્ટ આપેલી હિલવાળી ચપ્પલ ઉતારીને અંદર ધસી આવી. બાના ફોટા પરનો હાર ખેંચી કાઢ્યો. “મરી જાય એના ફોટા પર હાર લટકાવાય. મારી બા તો જીવે છે મારા ભણતરમાં. મને ભણાવવા એમની ઘરખર્ચની બચતની રકમ સમ આપીને માને આપી ગયેલાં. માએ ના પાડી તો કહેલું, ‘હેમી ભણી રહે પછી એને કહેજો કે શક્ય હોય તો એ બીજા કોઈ એકને ભણાવે. જ્યોત જલતી રહે.’ હવે હું મળ્યું’તું જેવું બસ પરત કરવા પ્રયત્ન કરીશ. દાદા ક્યાંય અટકવું નથી. હવે તમે રોજ સવારે ચાલવા જજો ને હું બીજાં ફૂલો માટે જગ્યા કરીશ.” એ હસતી હસતી બહાર ગઈ, હીલ પહેરી ટકટક ટકટક કરતી ગઈ.

— યામિની વ્યાસ

May be an image of 1 person and text

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.