રાહ જોતા પત્રો/ યામિની વ્યાસ

રાહ જોતા પત્રો

“આહાહા, તૂટી પડ્યો. માટી મહેકી ઊઠી. હવે જો ગરમાગરમ ચા મળી જાય તો!”

“આ લ્યો ચા”

“અરે વાહ! આનું નામ જલસા કહેવાય. મન થયું ને હાજર. તેં બનાવી? આ વરસાદમાં કેટલા દા’ડે તારા હાથની ચા પીવા મળશે.”

“ના, શર્વરીએ બનાવી. ગાળી કે તરત જ લઈ આવી. આદુ ફુદીનો છે જ. સરસ બની છે. હું જાણું કે તમને આવી ફફળતી જ જોઈએ.”

“હા, સાચે જ. વરાળ નીકળતી ચાની મહેક ને એમાં ભળી જતી ભીની માટીની મહેકથી તાજગી આવી જાય.”

“સારું, હવે ઊભા થાઓ. એ શું નાના છોકરાની જેમ અહીં બેસી રહ્યા છો? આ ત્રાંસો વરસાદ સીધો ઘરમાં આવે છે. શરદી થઈ જશે. જુઓ તમારું છાપું પણ ભીનું થઈ ગયું.”

“ઘરડાં થયાં તો શું થયું સુરેખા, વરસાદ તો કોઈને પણ ગાંડા કરે.”

“ચાલો, હવે નથી સારા લાગતા.”

સુરેખાબાનો મીઠો લહેકો સાંભળી પ્રભાકરદાદા અંદર આવ્યા પણ એ પહેલાં ચા તો ઓટલે બેસીને જ પીધી. ઉદાહરણ આપી શકાય એવું નદી માફક વહેતું સુરેખાબા અને પ્રભાકરદાદાનું લગભગ પચાસ પાસે પહોંચેલું નિર્મળ દાંપત્યજીવન. જે ઊજવવા દીકરી અને દીકરાનો પરિવાર થનગનતો હતો.

આટલાં વર્ષોમાં બંને વચ્ચે મતભેદ કે ઝગડા થતા જ નહીં એવું તો નહીં પણ એનું આયુષ્ય બહુ ટૂંકું રહેતું. કોઈ પણ સમસ્યાનું નિવારણ ઝડપથી આવતું. એમની પોતાની કોર્ટમાં જ કેસ ચાલતો. ફરિયાદી, આરોપી, વકીલ કે જજ એઓ પોતે જ. ફટાફટ નિકાલ. એટલે કોઈ પણ કેસની ફાઈલ માદરપાટમાં ગૂંચળું વળી મનને માળિયે રહેતી નહીં. બંનેના મન સ્વસ્થ રહેતાં સાથે તન પણ એવું જ જાળવ્યું હતું. આખું જીવન મહેનત અને કરકસર કરીને દીકરા દીકરીને યોગ્ય શિક્ષણ, સંસ્કાર આપી કાબેલ બનાવ્યાં હતાં. સુપાત્ર સાથે પરણાવ્યાં હતાં. એમનાં બાળકોનેય એઓ મદદરૂપ થતાં. નિરપેક્ષ વાત્સલ્ય ઠાલવતાં. મૂકવા લેવા જવું કે મનગમતો નાસ્તો બનાવવો. એઓ સાથે રમવું કે એમને રમાડવાં. હોમવર્કમાં મદદ કરવી. રાત પડે કે નવી વાર્તા તૈયાર જ હોય. પોતાનું આરોગ્ય સાચવવાનો પણ એક હેતુ કે બને ત્યાં સુધી કોઈને ભારે ન પડાય.

એઓનું તાદામ્ય કોશે કોશમાં હતું. એકબીજાને સાચવી લેતાં.પીઢ થતાં પરસ્પરની સમજણના ક્ષેત્રફળનો વ્યાપ પણ અમાપ હતો. ક્યારેક હીંચકે બેસી યુવાનીના મોહક મુલકમાં લટાર મારતાં. એઓએ તે વખતે લખેલાં પમરાટ પ્રસરાવતા પ્રણયપત્રો પતરાની પેટીમાં પ્રાણની પેઠે સાચવ્યા હતા. એમને એકાંતમાં એક દિવસ વાંચવા હતા આજ હિંચકા પર અને એ સમય ખંડમાં પુનઃ જીવી લેવું હતું. પણ એવું આ હીંચકે રોમાંચક એકાંત લાવવું ક્યાંથી? સતત ગમતીલાઓ જ ચોપાસ હતાં પણ આને માટે તો એ બે જ હોવા જોઈએ. બહુ દોડ્યા જીવનપર્યંત હવે બંનેના સાથને હાશ માણવી ગમે જ ગમે. નક્કી કર્યું એનિવર્સરીએ સમય કાઢી વાંચીશું.

એ દિવસને નજીક આવતા શું વાર? પણ ઘરે તો સવારથી ધમાલ ચાલી. ઘર પરિવાર સગાસંબંધીઓએ સરપ્રાઈઝ આપવાના હેતુથી પ્રસંગ છુપાવ્યો હતો. વાજતે ગાજતે ઘર ભરાઈ ગયું. આમેય વેકેશનનો સમય હતો. દરેકના ચહેરાની ખુશીઓ છલકાતી હતી. પુન: લગ્નની જેમ દાદા-બાને શણગારી ફેરા ફરાવી આનંદ માણ્યો. અઢળક ફોટા પડ્યા. મનભાવન ભોજન સમારંભ ગોઠવાયો. દાદા-બાને પણ નવલી ઉજવણી ગમી.અંતે સહુ થાક્યાં. શહેરમાં રહેતા મહેમાનો ગયા. દૂરથી આવેલા સહુ બીજે દિવસે ગયા. દીકરીનો પરિવાર વેકેશન હોવાથી અઠવાડિયું રોકાયા. દાદા-બાને હીંચકે બેસી એકાંતમાં પત્ર વાંચવાનો અવસર ન મળ્યો. પણ હવે મળવાનો હતો. વેકેશન પૂરું થઈ જાય એ પહેલાં દીકરો પરિવારને લઈ ચાર દિવસ મિત્રો સાથે ફરવા જવાનો હતો. જોકે, કુશળવહુ શર્વરીએ એમને માટે ઘરે તકલીફ ન પડે એ માટે રસોઈવાળા બહેન, આખો દિવસના કામવાળા બહેન વિગેરે વ્યસ્થા કરી આપી હતી પણ ‘અમને એ વગર ફાવશે’ કહી સુરેખાબાએ ના પાડી હતી અને બાળકોને વ્હાલ કરી આવજો કહ્યું.

“સુરેખા, હવે આપણે અને આપણો હીંચકો.બપોરે જમ્યા પછી પત્રોને થોડા થોડા ચાર ભાગમાં વહેંચી ચાર દિવસ વાંચીશું.”

“આ કંઈ દવાનો ડોઝ છે કે?” બાને મશ્કરી સૂઝી.

“હા, દવા તો ખરી જને. એ ક્ષણોમાં લટાર મારી તરોતાજા થઈ જઈશું. આમ પણ એની તીવ્રતાથી રાહ જોવી એ ક્ષણો ચૌદ્હવી કા ચાંદ જેવી હોય છે. ચાલ,તું એક કામ કર. આજે મેથીના થેપલા ને ગળવાણું બનાવ. ગરમાગરમ જમીને પત્રપઠન.”

બોલી રહે ત્યાં બેલ પડ્યો.

બારણું ખોલતાંજ, “મામા, કાલે જ શર્વરીભાભી મળી ગયેલાં, તમે એકલા છો જાણ્યું એટલે ચાર દિવસ મમ્મીપપ્પા તમને કંપની આપશે. મામી રસોઈ ના કરતા સુરભી ચીકુ, પિંકુને ક્લાસમાંથી લઈને આવે છે, એ બનાવી દેશે.”

“આવો બેન, સારું થયું….

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.