Daily Archives: જૂન 2, 2022

ડ્રોમોમેનિઆ:Paresh Vyas

ડ્રોમોમેનિઆ: આતા માઝી ભટકલી!

કોવિડ ગયો. વેકેશન આવ્યું. ઘરમાં ગોંધાયેલા લોકો ફરવા નીકળી પડ્યા. ગુજરાતીઓ તો હવાફેરને પણ હવા ‘ખાવા’ જઈએ, એવું કહે. ફરવા સાથે ખાવાનું મહાત્મ્ય સવિશેષ. એક પોટલું તો માત્ર પેટપૂજા માટે લીધું હોય! પછી આ બધા સહેલાણીઓ સોશિયલ મીડિયા ઉપર આપણી મેથી મારે. આવા લોકો જોવા કે માણવા ઓછું, પણ ફોટા પાડીને અપલોડ કરવામાં વધારે ધ્યાન આપે. પછી એ ફોટા/વીડિયા જોઈને તેઓનાં ફ્રેન્ડ્સ કે ફોલોઅર્સ અંદરથી બળી મરે. બહારથી જો કે લાઇક પણ કરે. દેખાદેખી અને અદેખાઈ બે અલગ શબ્દો છે. ‘દેખાદેખી’ એટલે એક જણનું જોઈ બીજાએ આચરવું એ, અનુકરણ, સરસાઈ, હરીફાઈ, સ્પર્ધા. અને ‘અદેખાઈ’ એટલે બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી, અદેખો સ્વભાવ, ખાર, ઈર્ષા. બેમાંથી એક કે બંને હોય એટલે એનું જોઈને હોકે મજબૂર ચલા, મેં ભટકવા ચલા, દૂર, બહોત દૂર… ચલો કશ્મીર કે ચલો માલદિવ્સ કે.. ના, ના, પુતિન ઘણું બોલાવે છે પણ ઓણ સાલ રશિયા જવા વિચાર નથી! જો કે બીજે ક્યાંક તો જવું જ જોઈશે. નિરંજન ભગત સાહેબનો ખુલાસો કે ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કે ઉમાશંકર જોશી સાહેબનો અભરખો ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ પણ.. અહીં એ વાત ધ્યાનમાં રાખવી કે આ કવિતા લખાઈ ત્યારે સોશિયલ મીડિયા નહોતા. નહીં તો તેઓએ આવું લખ્યું ન હોત. અને -જીવ્યા કરતાં જોયું ભલું- જેવું તદ્દન ખોટું લેશન આપણાં વડીલો આપણને શીખવાડી ગયા છે. હાસ્યનાં પર્યાય જ્યોતીન્દ્ર દવે સાહેબે લખ્યું હતું કે ‘.. પણ જોયા કરતાં જીવ્યું સારું! કારણ કે જોવા માટે જીવનની જરૂર છે અને જીવવા માટે પૈસાની.’ આજકાલ તો એવા ય છે કે જે દેવું કરીને ઘૂમવા જાય છે. પછી ગીત ગાય કે જગ ઘૂમિયાં થારે જૈસા ન કોઈ.. તો શું જખ મારવા ઘૂમવા ગિયો’તો? ઘરમાં જ રહેવું’તું ને? હવે હદ બહાર ફરવાનું થયે રાખે તો ઘરબાર વેચાઈ જાય, નોકરીને તિલાંજલિ આપી દેવી પડે, છેડા છૂટા થઈ જાય, સલામતીની ઐસી તૈસી થઈ જાય. પણ કેટલાંક માટે બસ ફરવું, એટલે ફરવું એટલે ફરવું. આ મનોરોગ છે જેને ડ્રોમોમેનિઆ (Dromomania) કહે છે.

ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ડ્રોમોમેનિઆ’ એટલે ભ્રમણોન્માદ. ‘ભ્રમણ’ એટલે હરવું ફરવું તે અને ‘ઉન્માદ’ એટલે ગાંડપણ, ઘેલછા, તોર, મદ કે સંનિપાત. તર્કઅસંગત અથવા તો સૂઝસમજણ વિહોણો લાગણીનો સતત આવેગ. શેને માટે? તો કે ફરવા, રખડવા, ભટકવા. કોઈ પણ હેતુ વિના બસ નીકળી જ પડવું. શરૂઆતમાં લોકોને બતાડવા માટે અને પછી તો લોકો જુએ કે ન જુએ પણ એ જણ (કે જણી)એ તો જવું જ જવું. જાણે હાથમાં પાંખો ફૂટી, પગમાં પૈડાં લાગ્યા, અને બસ, ઊડી નીકળવું, હાલી નીકળવું. હાલી હું નીકળ્યા?! આમ મૂળ ગ્રીક શબ્દ ડ્રોમોમેનિઆ. ‘ડ્રોમો’ એટલે ગતિ કે રેસ. ડ્રોમો એટલે રેસકોર્સ. રનિંગ ઉર્ફે દોડવું એવો ય અર્થ થાય. વેગ કે ગતિ માપવાનાં યંત્રને ડ્રોમોમીટર કહેવાય. અને ‘મેનિઆ’ તો આપણે જાણીએ છીએ. આમ નિયંત્રણહીન પ્રવાસન અથવા યાત્રાની અવિરત ઈચ્છા થયા કરે એવો મનોરોગ એટલે ડ્રોમોમેનિઆ. સને ૨૦૦૦માં માનસિક રોગ માટે પ્રમાણભૂત ગણાતા ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ (ડીએસએમ)માં ડ્રોમોમેનિઆ અધિકૃત રીતે ‘ક્લિનિકલ ટ્રાવેલ એડિક્શન’ (નૈદાનિક પ્રવાસ વ્યસન) ગણવામાં આવ્યું.

ડ્રોમોમેનિઆનાં લક્ષણો શું છે? તમારી સૂટકેસ આમ સાવ ખાલી ક્યારેય નહીં હોય. તમે પાંચ છ ભાષામાં ગાળ બોલી શકો. કામ માત્ર એટલે જ કરો કે તમે તે પછીનાં પ્રવાસ માટે પૈસા ભેગા કરી શકો. હજી તો પાછા ફરો ફરો ત્યાં તો બીજા પ્રવાસનું પ્લાનિંગ શરૂ કરી દો. તમારા ઘરમાં શેમ્પૂ કે શાવર જેલની અનેક નાની નાની બોટલ્સ હોય જે ક્યારેય ખૂટે નહીં. કયા દેશ, કયા નગરમાંથી શું શું લાવ્યા એના સુવેનિયર ઘરમાં ચારો તરફ વિખેરાયેલા પડ્યા હોય. ઘરમાં હો ત્યારે તમે તમારો હાથ વૉશબેસિનનાં નળ નીચે મૂકો અને રાહ જુઓ કે પાણી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે કે કેમ? વીકએન્ડમાં ઘરમાં રહેવું પડે તો તમારા મોતિયા મરી જાય. તમે તમારી બેગ પાંચ મિનિટ્સમાં પેક કરી શકો. મરણ પહેલા કરવા જેવા કામની યાદી ઉર્ફે બકેટ લિસ્ટમાં માત્ર હોય પ્રવાસ, પ્રવાસ અને પ્રવાસ. જે મહિનામાં તમારો પ્રવાસ ન થાય તો તમને લાગે કે તમે હવે મરી જશો. મને લાગે છે કે આજુબાજુ નજર કરો તો હળવા લક્ષણ ધરાવતા ડ્રોમોમેનિઆનાં દર્દીઓ ઘણાં મળી જશે. આપણે માત્ર એટલું જ ધ્યાન રાખવું. તેઓના રવાડે ચઢવું નહીં. ધરતીનો છેડો ઘર હોય છે. પણ ડ્રોમોમેનિઆક માટે ધરતીનો તો કોઈ છેડો જ નથી. પ્રવાસ અલબત્ત આનંદનો અહેસાસ કરાવે. પણ પ્રવાસ એક રૂટિન થઈ જાય તો? ફરજ રૂપે ફરવા જવું એના કરતાં ઘરમાં રહેવું સારું.

આપણે સૌ આમ જુઓ તો પ્રવાસી જ તો છીએ. ચોર્યાસી લાખ ફેરા કરવાનાં છે. પ્રવાસ માત્ર હવા ફેર નહીં, સંજોગ ફેર પણ કરી આપે છે. રોજની એકધારી કંટાળાજનક જિંદગીમાંથી કામચલાઉ છૂટકારો છે પ્રવાસ. બસ, એક ખયાલ રહે કે ક્યાંક ફરવાનું ગાંડપણ ન થઈ જાય, ખાસ કરીને બીજા ફરવા ગયા, તેઓએ ફોટા અપલોડ કર્યા, મોટી મોટી ડંફાસો મારી એટલે…. આપણે પણ જવું, એવું શા માટે? ઘણાં તો ખાવા, ખાસ કરીને પીવા જ જાય છે. આ ડ્રોમોમેનિઆ કરતાં વધારે ડ્રિંકોમેનિઆ છે. કશું ય વધારે પડતું કરવું ઠીક હોતું નથી. તન-દુરસ્તી, મન-દુરસ્તી અને ધન-દુરસ્તીનાં ભોગે કશું ય નહીં. કવિ શ્રી મિલિન્દ ગઢવી વાતવાતમાં માશૂકાને કાને વાત નાંખી દે છે: ‘ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે.’ આ વળી નવું. આ તો નોકરી ય ચાલુ રહે, પગાર ય મળતો રહે અને અલગારી રખડપટ્ટી પણ ચાલુ રહે. આ તો ડ્રીમ ડ્રોમોમેનિઆ! ભ્રમણા ભ્રમણોન્માદ! જ્યાં પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. વર્ચ્યુઅલી (ખરું જોતાં), લિટરરી (સાહિત્યિક રીતે) કે લિટરલી (શાબ્દિક અર્થ અનુસાર), આવો ડ્રોમોમેનિઆ સારો. હેં ને?

શબ્દશેષ:

“મારે છ મહિનાનું વેકેશન જોઈએ, વર્ષમાં બે વાર.” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized