Daily Archives: જૂન 3, 2022

આજ તો એમ લાગ્યું કે- યામિની વ્યાસ

આજ તો એમ લાગ્યું કે-

“અરે, હવે તો આ કોચમાં પણ સારું છે, વાંધો નહીં આવે. જુઓ, હું નહોતી કહેતી?” સૂચિ બોલતી બોલતી જ ટ્રેઇનમાં ચઢી.

“હા, બરાબર છે, પણ નાનકડી ચકુ સાથે આટલા કલાક આ જનરલ કોચમાં ટ્રાવેલિંગ કરવાનું, વળી નોન એ. સી. માં તો બિચારી અકળાઈ જશે. તેં જીદ કરી એટલે બાકી તો, એ. સી વગર તો હું ન જવા દઉં. છેલ્લે સુધી તપાસ કરી પણ બધ્ધુ ફૂલ.” સૂચિને સ્ટેશને મૂકવા આવેલો પાર્થ અકળાતો હતો.

“હા, લગ્નની સિઝન છે ને વેકેશન શરૂ થયું એટલે ન જ મળે પણ જવું જરૂરી જ છેને. અરે,મારી ખાસમખાસ બેનપણીનું નક્કી થયું છે. ના જ પાડતી’તી. પણ બેનબા હવે તૈયાર થયાં. જોઉં તો ખરી એનો રાજકુમાર. હમણાં તો તું છટકી ગયો. લગ્નમાં તો તારે આવવું જ પડશેને!”

“હા એ જોઈશું. તું સાંભળ, ચકુ ને તારે માટે બધું બરાબર લીધું છેને? પાણી, ખાવાનું. પ્લીઝ બહારનું કંઈ ન લેશો. આવા ડબ્બા તો ખુલ્લું મેદાન, કેટલાંય ફેરિયા આંટા મારશે ને લલચાવશે. સ્ટેશને તો બારીમાંથી હાથ લંબાવીનેય લાંબા થશે. ચકુ માટે ઇન્ફેક્શનનો ડર લાગે.”

“વરી નહીં કર, ચાલ ટ્રેન ઉપડવાની, તું ઊતરી જા. જો અહીં તો ઊલટું બધું ખાલી જેવું જ છે ને ચોખ્ખું છે.”

“એ તો અહીંથી ઉપડે છે એટલે, પછી જોજે ગિરદી.” ઊંઘતી ચકુને હાથ ફેરવી પાર્થ ઊતર્યો. બારી પાસે ઊભો રહ્યો. અડધી ઊંઘમાંથી ચકુ જાગી.

“પપ્પા, બાય. સી યુ. તમે આવતે તો બો મજા પડતે.” એણે હાથ લંબાવ્યો.

“બેટુ, પપ્પાને ઓફિસમાં કામ છે, એન્જોય ઓ કે. મમ્મી કહે એ માનજે. બાય.”

ટ્રેઈન ઉપડી, પાર્થ અને ચકુનો હાથ છૂટો પડ્યો. એ હાથ પોતાના ગાલ પર ફેરવતો ગણગણ્યો.

“હા, કદાચ એ. સી. હોત તો ચકુડીને આમ બાય ન થાત.”

પાર્થની જરા પણ ઈચ્છા નહોતી, સૂચિને નાની ચકુ સાથે આ રીતે મોકલવાની. એ બીમાર પડી જાય એવી બીક રહેતી.

ટ્રેઈન ઊપડી. વહેલી સવાર હતી ને ચકુની આંખો ફરી ઘેરાવા લાગી. એને સુવડાવી એને થાબડતાં થાબડતાં સૂચિને યાદ આવી બાળપણની ટ્રેઇન સવારીની મોજ. ત્યારે તો આજ જાહોજલાલી. એ. સી. ફે. સી. તો દૂરની વાત. પાનાં, પત્તા, સાપસીડી, અંતકડી, નાસ્તો, ઘરનો તો ખરો જ. પણ આકર્ષણમાં ભેળ, દાળ, ફળો ને ગરમાગરમ બટાટાવડા. કોઈને ક્યારે કંઈ થયું નથી. પણ પાર્થને પરણી પછી ખૂબ આરામદાયક મુસાફરીની આદત પડી. તેમાં આ મજા તો બંધ.

ટ્રેઇન આગળ વધી ને પાર્થની વાત સાચી પડતી લાગી. અવાજ અવાજ ને રીતસર ધસારો. બાજુમાં જ એક બેન આવીને બેઠી સાથે ત્રણ બાળકો, કેટલોય સમાન, સૂચિ બારી પાસે બેઠી હતી એ જ બારીમાંથી વાંકી વળી, “તમતમારે જો પાસા, અંદર મત આવતા, ગાડી ઊપડી જાહે. બદ્ધો સોમોન આઇ જ્યો હે. અમી શોન્તીથી પોકી જાસુ.” એને ફટાફટ બધાંના પગ ખસેડાવી સીટ નીચે સમાન ગોઠવી દીધો. મોટી દીકરીએ નાના ભાઈને ખોળામાં લીધો ને વચલી માનો સાદો મોબાઈલ મચડવા લાગી. સૂચિ બારી પાસેથી ખસી ચકુને બારી તરફ બેસાડી એનું માથું ખોળામાં લીધું. હવે સુવાની જગ્યા નહોતી. “બુન, ઈને હૂવા દોકન, ઓપડે આગળપાછળ થઈ જાહું.” છોકરાઓને ખસેડતાં એ બેન બોલી. છોકરાઓના ઠીકઠાક કપડાં, એની ફૂલવાળી સાડી, ચાંદલો, ચોટલો, મંગળસૂત્ર સાથે નમણો ચહેરો. પંજાબી પહેરે તો કદાચ ઓર નાની લાગે. વળી મળતાવળી, બોલકી અને અનુભવે ચબરાક લાગતી હતી. સૂચિએ નિરીક્ષણ કર્યું. “ના, વાંધો નહીં.” વાત નહીં કરવી પડે એટલે સૂચિ મોબાઈલ કાઢી મેસેજ જોવા માંડી. પણ એની મજાલ કે એકેય મેસેજ વાંચી શકે! પેલી બેને તો નામ, ગામ, ક્યાંથી, ક્યાં, શું કામ, કોને ત્યાં, કેટલા દિવસ રોકાણ, બાળકો, પતિ કંઈ કેટલુંય પૂછી નાખ્યું. સાથે પોતાને વિશે પણ વણપૂછ્યા જવાબો આપતી ગઈ. “તમી સૂચિ ન મું સુમિ.”

સૂચિ પાર્થને સતત યાદ કરતી રહી. અનેકવાર પાર્થનો ફોન આવ્યો પણ એને ફિકર થાય એટલે વધુ કહ્યું નહીં. એને આ સુમિબેન પર ચીડ પણ ચડી. પણ જેમ જેમ ગાડી આગળ વધતી ગઈ તેમ તેમ સુમિ વાત કરી કરીને સૂચિનું અતડાપણું દૂર કરતી ગઈ. પછી તો “લે દીકરા બિસ્કિટ, લે ચોકલેટ, સિંગચણા, કમરખ.” એ પોતાના છોકરાઓ સાથે ચકુ તરફ પણ ધરતી.

“તમી ના મત પાડો સૂચિબુન. સોકરાં ભેગું સોકરું ખાય.” સૂચિ ચકુને વધુ વખત ન રોકી શકી. ચકુ પણ પોતાનો હેલ્ધી નાસ્તો વહેંચવા માંડી. બાળકો ભળી ગયા. રમવા લાગ્યા. ‘હવે જે થાય તે.’ વિચારી સૂચિ મોબાઈલમાં ગીતો સાંભળવાં લાગી. સુમિ પણ અંકોડીનો સોયો કાઢી રંગીન દોરા લઈ ત્વરાથી તોરણ ગૂંથવા બેઠી. જોઈ સૂચિ તો ખુશ થઈ ગઈ.

“શું સ્પીડમાં ચાલે છે તમારાં હાથ? આટલીવારમાં કેટલું બનાવી દીધું?”

“આજ રોજીરોટી સ બુન, મિલ બંધ જઈ તે ઈયોન નોકરી તો સૂટી જઈ.” બોલતાં એણે બેગ ખોલી, એમાંથી આસનિયાં, લટકણિયાં કંઈ કેટલુંય રંગબેરંગી કાઢ્યું. ચિવટપૂર્વકનું ગૂંથણકામ જોઈ સૂચિ તો આભી જ બની ગઈ. સુચિએ ઘણી ચીજો ખરીદી. સુમિએ ઓછા ભાવે આપી ને ચકુ માટે એક રૂમાલ ભેટ રૂપે આપ્યો. સૂચિએ થતાં હતાં એથીય થોડાં વધુ રૂપિયા બાળકો માટે છે કહી આપ્યા. અન્ય મુસાફરોએ પણ ઘણો સામાન ખરીદ્યો. સુમિ સાથે સૂચિ પણ રાજી થઈ. પણ ત્યાં જ “મમ્મી, વોમિટ જેવું થાય છે.” એવી ચકુની આ ફરિયાદથી એના હોશકોશ ઊડી ગયા. બે ત્રણ વાર સહેજ થઈ પણ ખરી. સૂચિનું પિયરનું સ્ટેશન આવવાની દોઢેક કલાકની વાર હતી. દવા ક્યાંથી લાવવી? ચકુએ પપ્પાને ફોન કરવા કહ્યું. પણ સૂચિએ એને પટાવી ધ્યાન બીજે દોર્યું. ચકુ તો રડવા લાગી. કેમેય શાંત ન રહી. સૂચિ બહાવરી થઈ ગઈ. સુમિની છોકરીથી ન રહેવાયું, “મા, ઓલી દવા આલન ઈન.” સુમિએ એક બોટલ કાઢીને સૂચિ તરફ જોયું.

“સૂચિને કંઈ સૂઝ્યું નહીં એ જોતી રહી ને સુમિએ ચમચી ભરી લાલ દવા પીવડાવી. “ચકુ હવ મટી જ જ્યું હમજ.”

“સોરી પાર્થ.” સૂચિ મનોમન બબડી, ‘દવા કઈ હશે સાથે ચમચીય કેવી હશે? ખેર, તુમ હી ને દર્દ દીયા હૈ તુમ હી દવા દેના… હવે જે થાય તે.’ પણ ખરેખર જાદુઈ દવા હોય એમ ચકુ રડતી બંધ થઈ ગઈ. આખરે ઊતરવાનું સ્ટેશન આવ્યું ને સૂચિથી ન રહેવાયું.

“સુમિબેન આ કઈ દવા છે? બીજી વાર કામ…”

“ઈટલે જ મું નહોતી આલતી પણ સોડીએ કીધું ન આલું નઈ તોય ચેવું લાગ? આ રસનાનું રોઝ શરબત હે, ઉકાળેલા પોણીમો હોય તે તમને કોય વોધો ના આવે. મુસાફરીમાં છોકરું કંટાળેકન તો વારેઘડી ઓમ કરકન તે રાખી મેલું…”

પણ સુચિ એ આગળ સાંભળતી નહોતી, ફક્ત જોઈ રહી હતી આ સ્વયંસિધ્ધ થયેલી સ્ત્રીને…

— યામિની વ્યાસ

May be an image of 1 person and text

Leave a comment

Filed under Uncategorized