Daily Archives: જૂન 7, 2022

મને પાંપણના ઝૂલે ઝૂલાવજો../યામિની વ્યાસ

મને પાંપણના ઝૂલે ઝૂલાવજો..

“જોતા જ મને ઓળખી કાઢી?”રાજને વળગી પડતાં રાધ્યા ઊછળી પડી.

રાજના હૃદયમાં એકસામટી ઘૂઘરીઓ રણકી “અરે નહીં જોતે તો પણ ઓળખી કાઢત.” રાજ મનમાં બબડ્યો,’તારી મહેક હજુ મને યાદ છે!”

“કેવી રીતે?” રાધ્યાની ઉત્સુકતા વધી

“અરે, પાગલ! આંખ કાણી કરીને જોઈ ન લેત?”

“બદમાશ, બચપણમાં છુપાછુપી રમતા એક આંખ ખોલી જોઈ લેતો હતો એમ?”

” યસ, એકઝેટલી..”

રાજ અને રાધ્યા એરપોર્ટથી ઘરે આવવા કારમાં બેઠાં.

રાજ સાથે વાત કરવાનો બદલે એ બારીમાંથી બહાર ફેરવાઈ રહેલાં દ્દૃશ્યો જોતી ખુશ થતી હતી.

“ઓ રાજ! કેવાં કલરફુલ વેજટેબલ્સ ને ફ્રેશ ફ્રૂટ્સ છે! ઓયે તને આ નહીં ભાવે ને બ્રિન્જલ? ગુજરાતીમાં શું કહે,ઓહ આઈ ફરગોટ..”

“રીંગણ, મને બિલકુલ ન ભાવે. ને ઓ ડાહી, મને સુધીર અંકલે કહ્યું છે રાધ્યાને ગુજરાતીમાં જ બોલવા કહેજે. મેં એને શીખવી જ છે.”

“ઓહ, સોરી પપ્પા, હું ગુજરાતી જ બોલીશ.”

રાજ હસી પડ્યો.”માફ કરજો, પિતાજી કહેવાય.”

“એટલુંય શુધ્ધ બોલવાનું નથી કહ્યું. આઈ નો..ના, મને ખબર છે.”

રાધ્યા આવવાની છે એ ખુશખબરની કેટલા વખતથી રાજ રાહ જોઈ રહ્યો હતો, એણે કેટલી બધી વાત એને કહેવી હતી પણ રાધ્યા તો શાક ને ગુજરાતી ભાષાની વાત લઈ બેસી ગઈ. રાજે એની સાથે વાત કરતાં કરતાં કેટલીય વાર ગોઠવ્યું કે, હવે તો ગુજરાતીમાં પ્રપોઝ કરવું પડશે.’ હું તને ખૂબ ચાહું છું, શું તું મારી સાથે લગ્ન કરશે?’ વિચારતા જ એ હસી પડ્યો.

“કેમ? કેમ તું હસે છે? હું કંઈ ખોટું બોલી? મેં તો કહ્યું, મને લીંબુ અથાણું બહુ ભાવે છે. જઈને સીધી પન્નામાસીને કહીશ.”

‘હે ભગવાન,આ વચ્ચે લીંબુ અથાણું ક્યાં લાવી? આખો મૂડ ખાટો કરી દીધો’

“રાજ, તું મનમાં શું બબડે છે?”

“કંઈ નહીં, તું કેનેડાની તો વાત કર, મેં પણ એપ્લાય કર્યું છે.”

“ઓહ, વેરી ગુડ, પણ હું અહીં સેટલ થવા ઈચ્છું છું. આપણો વહાલો દેશ. રાધ્યા એ યાદ કરીને ગુજરાતી વાક્ય ગોઠવ્યું.

“ઓહ,એમ! વેરી ગુડ” એને થયું,’હું કેમ બધે ઊંધો પડતો જાઉં છું.એના માટે મેં ત્યાં જવા તૈયારી કરી,તો એ તો અહીં સેટલ થવાની વાત કરે છે.’

“હા જી , મારું પણ નક્કી નથી,અહીં સારી જોબ હશે તો અહીં જ રહીશ “

“હા, હું તને રોકી જ લઈશ.મારા બેસ્ટ ફ્રેન્ડ વગર શું મજા આવે? બાય ધ વે, કોઈ કોઈ શબ્દ અંગ્રેજી ચલાવી લેજે.”

‘અરે, હું આખી જિંદગી વિશે વિચારું છું ને એ અંગ્રેજીની પત્તર ખાંડે છે. મનની વાત ક્યારે કહીશ, હવે તો ઘર પણ આવી ગયું.’ રાજ મનમાં અકળાયો.’ રાજ ઘરે બહેન રીનાને પ્રોમિસ કરી આવ્યો હતો કે,’રાધ્યાને મનની વાત કરીને જ આવીશ.’

કારમાંથી ઉતરતાંજ રાધ્યા કૂદી પડી.રમેશકાકા અને પન્નામાસીને પગે લાગી.અને બચપણની બહેનપણી રીનાને વળગી પડી. રમેશભાઈ અને પન્નાબેન એના પપ્પા મમ્મીના પડોશી અને એમની વચ્ચે ઘર જેવી જ મિત્રતા હતી. બાજુમાં જ સુધીરભાઈનું ઘર. એઓ કેનેડા ગયા પછી એની નિયમિત સાફસફાઈ અને દેખરેખ રમેશભાઈ ને પન્નાબેન જ રાખતા. કેટલા વર્ષે એઓ અહીં આવી રહ્યાં હતાં. એકની એક દીકરી રાધ્યાને રજા હતી એટલે જીદ કરી વહેલી આવી હતી.પપ્પામમ્મી આવે ત્યાં સુધી એ રમેશકાકાને ઘરે જ રહેવાની હતી.બધાંએ એને વહાલપૂર્વક આવકારી.એ રીના સાથે આખા ઘરમાં ને ચાવી લઈ પોતાના ઘરમાં પણ ફરી વળી.એની પગલીઓથી નિર્જીવ રૂમમાં પ્રાણ ફૂંકાયા.

“કેટલું ચોખ્ખું ઘર છે,જાણે અહીં જ રહેતા હોઈએ!”

” રેગ્યુલર સાફ કરાવીએ જ છીએ પણ તમે પ્રિન્સેસ આવવાના એટલે ઑર જ્યાદા ક્લીન કરવાયા.” રાધ્યા “એમ?”કહી રાજને એક ટપલી મારવા ગઈ, ને રાજ એને મારવા પાછળ દોડ્યો તો એ દોડીને પન્નામાસીની પાછળ છુપાઈ ગઈ.”અરે ,હજુ તમારું બચપણ ગયું નથી.લે,તારે માટે બરણીમાંથી લીંબુનું અથાણું કાઢું છું.”

“થેન્કયુ સો મચ, માય સ્વીટ સ્વીટ પન્નામાસી” પન્નામાસીના બન્ને ગાલ થાબડતાં એણે ખુશી વ્યક્ત કરી.

ફ્રેશ થઈ જમી પરવારી આરામ કરવાને બદલે એ રાજ,રીના સાથે બાળપણને યાદ કરવા બેઠી. દરમિયાન એક ફોન આવ્યો, એ વાત કરતી કરતી બીજા રૂમમાં ગઈ ત્યાંથી ઢીંગલી લેતી આવી.” કેમ,રીના તેં છુપાવેલી આ મારી ઢીંગલી ખોવાઈ ગયેલી તે?”

” ના, ભાઈએ છુપાવેલી, મને તો કાલે જ ખબર પડી.”

“મને તમારાં ઘરમાંથી જ મળી એકવાર સફાઈ કરાવવા ગયો હતો ત્યાંથી.”

” ભાઈએ તો જીવની જેમ સાચવી છે, એના માટે ગાદી તકિયા બનાવ્યા છે.કાલે જ કાઢી.” બોલતી બોલતી રીના ઢીંગલીનો નાનકડો છત્રપલંગ લઈ આવી.

આ જોઈ ખુશીની મારી રાધ્યાની આંખો ઉભરાઈ.” ઓહ રાજ,મારા બેસ્ટ ફ્રેન્ડ, તું મને બહુ ગમે છે.મારા કરતાં પણ તારાં પર વધારે વિશ્વાસ છે.તું તો મારા બાળપણ સુધી પહોંચવાનો પૂલ છે.દોસ્ત,તને મારે એક ખાસ વાત કહેવી છે, પણ કાલે કહીશ.પપ્પા મમ્મી આવે એ પહેલાં એક નિર્ણય કરવો છે.એમને સરપ્રાઈસ આપવી છે. તું અને રીના સાથ આપજો.આજે જેટલેગને લીધે ઉંઘ આવે છે.” કહી આંખો બંધ કરી બેડ પર લંબાવ્યું.રાજ અને રીનાની અઢળક ઉસ્તુકતા અધીરાઈમાં ફેરવાઈ પણ વાત જાણવા ફોર્સ ન કર્યો. મનોમન તેઓ ખૂબ ખુશ થયાં.રાજ ઢીંગલી લેવા ગયો

પણ બંધ આંખે જ રાધ્યાએ ઢીંગલી પર હાથ મૂકી એને અટકાવ્યો. રીના રાજને ચૂપ રહેવાનું કહી ખેંચી ગઈ. રાજ રાધ્યાને લેવા ગયો હતો ત્યારે રાધ્યાની અહીં સેટલ થવાની વાત એણે જાણી ત્યારે જ કેનેડા નહીં જવાનું નક્કી કરી લીધું હતું.હવે સપનું સાકાર થતું લાગતાં બીજા દિવસની કાગડોળે રાહ જોવા લાગ્યો. પોતાના મમ્મી પપ્પાને આ ખુશખબર પછી આપીશું એવું ભાઈબેને નક્કી કર્યું હતું.

બીજા દિવસે શોપિંગ માટે કહ્યું એટલે સવારથી ત્રણેય નીકળી પડયાં હતાં,રાધ્યાએ પોતાને માટે બધાં માટે ભારેખમ કપડાં ખરીદ્યા.કેનેડા વિડીઓ કોલ કરી મમ્મી પપ્પાની પસંદગીનું લીધું. એમને પણ નવાઈ લાગી પણ દીકરીનો ઉત્સાહ એમને ગમી ગયો.

ઘરે આવી પરવારી ફરી બધાં ભેગાં થયાં. રાધ્યાએ રમેશકાકા અને પન્નામાસીને પણ આદરપૂર્વક બોલાવ્યા.”જૂઓ,તમારી સહુની હાજરીમાં જ મારે વાત કરવી છે. મારા કોઈ પણ નિર્ણય પર મમ્મીપપ્પા રાજી જ હોય એની તો તમને ખબર જ છે. પણ એક નવા જીવનનો મોટો નિર્ણય કરવા જઈ રહી છું,હવે હું અહીં જ સેટલ થવા માંગુ છું, મમ્મીપપ્પાને પણ કાયમ માટે અહીં જ બોલાવી તમારી બાજુમાંજ રાખવા છે.

“પણ બેટા..”

રમેશભાઈને અટકાવી રાધ્યાએ જરા સંકોચ અને નમ્રતાથી વાત ચાલુ રાખી, “હું અહીં જ લગ્ન કરવાની છું, એમાં તમારી મદદ જોઈએ છે.”

રાજના હૃદયે દ્રુત તાલમાં ધડકવાનું શરૂ કર્યું ને રીના તો બેનપણી ભાભી બને એ વાતની છાલકમાં ભીંજાવવા આતુર હતી. રાધ્યાએ એક ઊંડો શ્વાસ લઈ કહ્યું, “કેનેડામાં મારી સાથે ભણતો હતો એ કુણાલ અને હું એકબીજાને ચાહીએ છીએ.એ ભણીને અહીં આવી ગયો છે, હવે અહીં જ એના પપ્પાનો બિઝનેઝ સંભાળશે. એની સાથે લગ્ન કરવા છે, હું એટલે જ વહેલી આવી છું. તમે વાત કરવામાં મદદ કરશો? મમ્મીપપ્પાને સરપ્રાઇઝ આપીશું, એઓ ખુશ થશે.અને ખાસ તો રાજ તું. મારો ખાસ દોસ્ત..” રાજ ધબકારો ચૂકી ગયો એને ગળે બેઠું ને ખાંસી આવી એટલે પાણી પીવા કિચન તરફ ગયો.પાછળ રીના ગઈ ને પાણી આપ્યું,”ઝેર આપી દે રીના મને.” એના આંખના પાણીથી પીવાના પાણીનો ગ્લાસ ખારો થયો.

સુધીરભાઈએ ખુશ થતા તરત જ કહ્યું,”હા, જરૂર, પણ બહુ સરપ્રાઈઝ ન રાખતી.મારે તો મારા દોસ્ત ગણો કે ભાઈ સુધીરને કહેવું પડે. ને હા, જો, રાજ કેનેડા જવાનો ને દીકરી તું અહીં રહેવાની એટલે અમારે તો બેલેન્સ થઈ જશે.વળી બાજુમાં દોસ્ત આવી જશે એટલે પછી તો જલસા.હેં ને રાજ?તું ય ભણીને પેલું શું નામ છે,કુણાલની જેમ પાછો આવી જજે.એને ત્યાં ક્યારે મળવા જઈએ રાજ?”

“પપ્પા એ બાથરૂમમાં શાવર લે છે?”રીનાએ ધીમે રહી કહ્યું.

” લે, આટલી ઉતાવળ, ફ્રેન્ડને પરણાવવાની?” રાધ્યા રૂમમાં જતી બોલી ને રૂમમાં જોયું તો એની ઢીંગલી એના ગાદી તકિયા સહિત નહોતી.

…..વધુ આવતા અંકે.

ખૂબ રસપૂર્વક નવલકથાનું પ્રકરણ વાંચતી રૈના પેપરની પૂર્તિની ઘડી વાળતાં. બબડી,’ ખરો રસ પડે ત્યારે જ વધુ આવતા અંકે.. કહી દે. લેખિકાને જ પૂછી લઉં.

“મમ્મુ, મારી ગમતી ને પ્રસિદ્ધ લેખિકા,તું પૂર્તિમાં કેમ આવું અધુરું છોડી દે છે, મારાથી તો રાહ નહીં જોવાય,કેટલાં પ્રકરણ બાકી? ચાલ,આ નવલકથાનો અંત હમણાં ન કહે તો કંઈ નહીં, એટલું કહે એ ઢીંગલી ફરી મળી કે નહીં?.”

“ના”

“તો પપ્પાની ઓફિસના લોકરમાં છે એ તો નહીં?”

(ગત અંકનું આગળ)

“ઓહોહો, મારી ઢીંગલીને પણ પગ આવી ગયા લાગે છે. મારા લગ્નની તૈયારી માટે ડાન્સ પ્રેક્ટિસ કરવા ગઈ લાગે છે. ઓ માય ગોડ, આ કુણાલ સાથેની વાત કહી દેવાથી કેટલી હળવાશ લાગે છે ને અહીં બધાં કેટલાં પ્રેમાળ છે! થેન્ક ગોડ! હવે મમ્મીપપ્પા જલદી આવો. મોટી સરપ્રાઈઝ રેડી છે.”

રાધ્યા ઝૂમી ઊઠી. એના પાતળા ગુલાબી હોઠ મલકયા, તરતજ કુણાલને ફોન જોડ્યો. રાધ્યાના મમ્મીપપ્પા આવે ત્યાં સુધીમાં રમેશભાઈ અને પન્નાબેને કુણાલ અને એના પરિવાર વિશે જાણકારી મેળવી લીધી હતી. સંસ્કારી, પ્રતિષ્ઠિત પરિવાર, પૈસેટકે પણ સુખી અને સમાજમાં પણ સારું નામ હતું. કુણાલ પણ સરસ છોકરો, દેખાવડો, ઉચ્ચ કારકિર્દી, કેનેડાના અભ્યાસ પછી અહીં જ ઘરનો બિઝનેસ નવી તરહથી વધારવા માંગતો હતો. નાની બહેન હતી યાશી.

રાજ ખૂબ હતાશ થયો. આભમાંથી વરસવા દોડી આવેલું ઘનઘોર વાદળું અચાનક ક્યાંક ફંગોળાઈ ગયું. દિલની વાત રાધ્યાને કહી દેવા રીનાએ ખૂબ આગ્રહ કર્યો. પણ રાજે ના પાડી. એ રાધ્યાની ખુશીને બિલકુલ ખલેલ પહોંચાડવા તૈયાર નહોતો. વળી રાધ્યા આગળ એ નોર્મલ બની રહેવા અને એના આનંદમાં સહભાગી થવા પ્રયત્ન કરતો. રીનાથી એનું દુઃખ નહોતું જોવાતું.

“રાજભાઈ, મમ્મીપપ્પાને તો વાત કરીએ.”

“ના રીના, પ્રેમ આને જ કહેવાય. જેને ખૂબ ચાહતા હોઈએ એની ખુશી માટે સમર્પિત થઈ જવું.”

“અરે, રાધ્યાને તો જાણ પણ નથી. કુણાલથી પણ પહેલી દોસ્તી છે તમારી?”

“હા, દોસ્તી તો છે અને રહેશે આજીવન.”

“તો તમે શું કરશો?”

“હવે હું કેનેડા જઈશ. કદાચ ત્યાં જ સેટલ થઈ જઈશ. પણ લગ્ન નહીં કરું.”

ભાઈબહેનની આંખો વરસવા લાગી, એને છુપાવવા મદદે વરસાદ આવ્યો. વરસાદ જોઈ રાધ્યા દોડી આવી, ત્રણેયે મન ભરીને પોતપોતાનો વરસાદ માણ્યો.

કેનેડાથી સુધીરભાઈ અને તોરલબેન આવી ગયાં. રમેશભાઈ અને પન્નાબેને સગા ભાઈભાભી આવ્યાં હોય એટલા હેતથી આવકાર્યાં.

રાધ્યાએ સરપ્રાઈઝ આપવાનું કામ અનહદ મીઠા સૂરે રાજને સોંપ્યું. રાજના કર્ણપટલ પર રેડાયેલું આ મીઠી વાતનું અમૃત કડવું બની એની રગરગમાં તીવ્ર તાણ અનુભવી રહ્યું. રીનાએ ભાઈનું દર્દ જોઈ, “આવી વાત તો વડીલો જ કરે.” કહી સાચવી લીધું.

વાત પણ સાચી હતી. રમેશભાઈએ કુણાલ વિશે જણાવ્યું અને બારીકમાં બારીક તપાસ કરી છે, એ બાબત પણ જણાવી. ખાસ તો રાધ્યાની ઉત્તમ પસંદગીને મહત્વ આપ્યું. સુધીરભાઈ, તોરલબેને થોડો વિચાર કરી આનંદાશ્ચર્યથી દીકરીના સરપ્રાઈસ પરાક્રમને વળગીને વધાવી લીધું. અને રમેશભાઈ પન્નાભાભીનો દિલથી આભાર માન્યો.

કુણાલ તો ગમી જાય એવો હતો. એના ઘરેથી પણ હા થઈ. વિવાહ નક્કી થઈ ગયું. નાની બહેન યાશીનું શોધી એનાં પણ સાથે જ લગ્ન લઈ શકાય એવું એ લોકો ઇચ્છતા હતા.

“રાજ, તને મારી પસંદ ગમી?”

“તું જ મારી પસંદ છે, આઈ મીન તું પસંદ કરે એ ગમે.”

“એમ, તો કુણાલની બહેન યાશી તારા માટે કેવી લાગે છે?”

“ઓહ નો, આઈ મીન, હું… હું તો કેનેડા જવાનો, હમણાં કોઈ વિચાર નથી. સોરિ.”

યાશી ખૂબ સરસ છોકરી હતી. રાધ્યાના અને આખા પરિવારના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. રાજ એકનો બે ન થયો. આખરે યાશીનું પણ બીજે સારે ઠેકાણે નક્કી થયું અને ધામધૂમથી બંને લગ્ન થઈ ગયાં.

રાજે દિલ પર પથ્થર મૂકી હસતે મોઢે આખો પ્રસંગ પોતાના ખભા પર ઊંચકી લીધો. પોતાની નાનામાં નાની વાત, કુણાલની વાત, સાસરાની વાત, ખરીદીની વાત, મમ્મીપપ્પાના વિરહની વાત બધું જ રાધ્યા રાજને કહેતી. વિદાયવેળાએ રાજને વળગી એ ધ્રૂસકે ધ્રૂસકે રડી. સાથે રાજની આંખોમાં ધસી આવેલાં આંસુ શેનાં છે એ રાજ પોતે પણ નક્કી ન કરી શક્યો. જતી વખતે કુણાલને ભેટતી વખતે મનમાં બોલ્યો, “મારી રાધ્યાને ખૂબ ખુશ રાખજે, દોસ્ત.”

રાધ્યાને ખૂબ સરસ ઘર મળ્યું એ માટે બધાં રાજી હતાં.

વળી, એઓ માટે હનીમૂન ટૂર પ્લાન કરવામાં પણ રાજે મદદ કરી હતી. એરપોર્ટ પર મૂકવા પણ એ જ ગયો હતો. રાજની મનની વાત જાણે કુણાલ સાંભળી ગયો હોય એમ પળેપળ રાધ્યાને ખુશ રાખવા એ તત્પર રહેતો.

એઓ હીલ સ્ટેશન પર રોમેન્ટિક રમ્ય સાંજ માણી રહ્યાં.”કુણાલ, મસ્ત ફોટો, અહીં સેલ્ફી લઈએ. આ તો બકવાસ જેવો છે. ડ્રેસ ચેઈંજ કરું પછી પાડ, નહીં તો ફ્રેન્ડને એકના એક ડ્રેસમાં બતાવીશ? લે હવે પાડ. દૂરથી પાડ વધુ સ્લિમ લાગુંને! ને બેકગ્રાઉન્ડ પણ સારું આવે.”

“યાર તું બીજાને બતાવવા ફોટા પડાવે છે!”

“ના યાર, યાદગીરી રહે, વરસો પછી આપણે જ આપણને નવા લાગીએ.” પણ આ ફોટો ખરેખર છેલ્લી સ્મૃતિ બની રહ્યો. કુણાલનો પગ લપસ્યો. રાધ્યા એને પકડે કે કંઈ સમજે એ પહેલાં એ ખીણ તરફ ફંગોળાઈ ગયો. અને રાધ્યાની ચીસ પડઘો બનીને રહી ગઈ.

આ દુર્ઘટનાની ખબર આવી ત્યારે રાજ એરપોર્ટ પણ કેનેડા જવા નીકળી ગયો હતો. ફ્લાઇટ પડતી મૂકી એ દોડી આવ્યો હતો. રાધ્યાના દુઃખમાં ભાગીદાર થવા. હીબકાં લેતી રાધ્યાને જોઈ કુણાલના આકસ્મિક મૃત્યુનું એ ખરેખર દુઃખ અનુભવી રહ્યો.

સમયે સમયનું કામ કર્યું. રાધ્યાએ કુણાલની બાળકીનો જન્મ આપ્યો. રાજ એનું સીધું કે આડકતરી રીતે ખૂબ ધ્યાન રાખતો. રાધ્યાએ સાચા દોસ્ત તરીકે એને કેનેડા જઇ આગળ વધવા કહ્યું. રાધ્યાના સાસુસસરાએ પણ દીકરાનું દુઃખ ભૂલીને દીકરી જેવી વહુને ફરી પરણાવવા સુધીરભાઈ અને તોરલબેનને વાત કરી. બાળકીને પોતે રાખશે એમ પણ કહ્યું. પણ રાધ્યા ન માની. રીનાના પણ લગ્ન થઈ ગયા.

“હવે તો દિલની વાત કહી દો. કુદરતે મોકો આપ્યો છે.” રીનાએ સાસરેથી આવી વ્હાલા ભાઈને કહ્યું, પણ રાધ્યાના કહેવાથી રાજ તો કેનેડા જવા તૈયાર થયો. એને મૂકવા રાધ્યા જ કાર ડ્રાઇવ કરી ગઈ. ચૂપ રહેલા રાજને જોઈ એ બોલવા લાગી, “જો આ રંગબેરંગી શાકભાજી અને તરોતાજા લોભામણાં ફળો. ઓયે, તને ભાવે રીંગણ? એય દોસ્ત, હવે કેવું છે ગુજરાતી?”

“મારવેલસ”

“લે, હવે તું અંગ્રેજીમાં? હા, હવે તો કેનેડાવાસી?”

“જરાયે નથી જવું, તું કહે છે એટલે જાઉં છું.” આખરે મનની વાત હોઠ પર આવી ગઈ.

“તો હું કહું તો ન જાય? ચાલ દોસ્તની જેમ રહીશું” બ્રેક મારતાં રાધ્યાએ પૂછ્યું ને રાજે વરસોની ગૂંગળામણમાંથી મુક્તિ અનુભવી. (પૂર્ણ)

પેપરની પૂર્તિને ચૂમી લેતાં ભીની આંખે રૈના બોલી, “મમ્મી, એટલે હું કુણાલ પપ્પાની દીકરી છું? એમને તો મેં જોયા પણ નથી. હું તો રાજ પપ્પાને જ ઓળખું છું.”

“બેટા, તેં પપ્પાની ઓફિસના લોકરમાં ઢીંગલી છે એ સસ્પેન્સ કહ્યું તો મેં તને આ સસ્પેન્સ કહ્યું. જીવન પણ એક વાર્તા જ છે, બેટા!”

યામિની વ્યાસ

May be an image of 1 person

Leave a comment

Filed under Uncategorized