ક્ષણ માત્ર એક જ*
“અરે, તમારો રૂમ તો જુઓ?”
જ્યાં ત્યાં પેન્સિલ્સ, કલર પેન્સિલો, ઇલેક્ટ્રિક ઇરેઇઝર, ડ્રાફ્ટિંગ સપ્લાય, પેપર શીટો, પ્લોટર, ગ્રાફ પેપર, સેટ સકવેરો, લેમ્પ, મોડી રાત્રે મંગાવેલાં પીઝાના ખાલી બોક્સો, એમાં વધેલા થોડા ટુકડાઓ, કોલડ્રિન્કની બોટલો, સુકાયેલા કૉફિ મગ, આગલે કે બેત્રણ દિવસ પહેલાં પીધેલા ખાલી તરોપા સ્ટ્રો સાથે, ચોળાયેલી ચાદર, એના પરેય કેટલીય વેરવિખેર ચીજો અને ડૂચો થઈ પડેલું ઓઢવાનું ને વચ્ચે ગાથા ઓશીકું મોઢા પર ઢાંકી ઘસઘસાટ ઊંઘતી હતી. રૂમની અસ્તવ્યસ્તતા પલાંઠીવાળી અડ્ડો જમાવી બેઠી હતી.
બાથરૂમમાંથી નીકળીને વિશ્વ બંને હાથેથી ધરતીને પકડી ધીમે રહી બહાર લઈ ગયો અને બારણું બંધ કરી દીધું. એ લોકોનું પ્રોજેકટ વર્ક ચાલતું હોય ત્યારે કામવાળા બહેન પણ સફાઈ માટે જઈ ન શકતાં.
“અરે, બેટા દસ વાગવાના, તમને બોલાવવા જ આવી હતી.”
“હા મમ્મી, ગાથા આઠેક વાગ્યે જ સૂતી છે. આખી રાત એ કામ કરતી હતી. એને એકાદ વાગે ચા બનાવીને ઉઠાડીએ. ચાલ મને તો ચા આપ તારા જેવી કડકમીઠી.”
ચા ગરમ કરતાં ધરતીથી મનોમન પોતાની સરખામણી ગાથા સાથે થઈ ગઈ, ‘મને તક મળી હોતે તો હું ય…’
ધરતી કાબેલ નર્સ હતી. લગ્ન થયા પછી નોકરી ચાલુ રાખવી કે છોડી દેવી એ બાબતે કોઈ પ્રકારનું દબાણ નહોતું. પણ નોકરી કરવી જ હોય તો ઘર, પરિવાર કે સામાજિક જવાબદારી અપેક્ષિત હતી. એ પણ કામ પરથી થાકીને કે નાઈટ ડ્યૂટીમાંથી સવારે આવતી ત્યારે, ‘ચાલ, થાકી હોઈશ. ચા પીને સૂઈ જા.’ એવું નહોતું. બધાના ટિફિન તૈયાર કરી બપોરે જ સૂવા મળતું. આખરે વિશ્વ અને વેદિકાના જન્મ પછી એણે નોકરી છોડી દીધી. વેદિકાને તો ગમતા છોકરા સાથે પરણાવી અને વિશ્વ પરજ્ઞાતિ તો શું પરપ્રાંતની, સાથે ભણતી ગાથાને લઈ આવ્યો. દેખાવડા વિશ્વ સામે એ ભીનેવાન હતી, પણ ધરતીએ આલોકને સમજાવી પુત્રવધૂને પ્રેમથી આવકારી.
“મમ્મી, ચાની કેટલી વાર? પપ્પા ઓફિસે ગયા?”
“લે તારી કડકમીઠી ને તને ખબરને? પપ્પા તો પોણા દસે નીકળી જ જાય. ઉપર એક મિનિટ પણ ન થાય.” આલોકને ગાથાનું વર્તન ગમતું નહીં પણ ધરતી સાચવી લેતી. ગાથા એના વ્યવસાયિક કામમાં અવ્વલ પણ બીજી કોઈ જવાબદારી નિભાવતી નહીં. રસ પણ નહોતી લેતી. વારતહેવાર, સામાજિક પ્રસંગ અનુરૂપ એ વેદિકાને કહી ગાથા માટે કપડાં મંગાવતી. ગાથા ભાગ્યે જ જવા તૈયાર થતી, તે પણ જીન્સ-શર્ટ કે બહુ બહુ તો કૂર્તિ પહેરતી. આલોક નાખુશ થતો તો એ સમજાવી લેતી, ‘બાળકો થશે એટલે આપોઆપ સમજ આવી જશે. આમ તો એ જિદ્દી કે અવિવેકી નથી. એની વાત કે વિચાર એ નમ્રતાથી રજૂ કરે છે. ચિંતા ન કરો.”
“મમ્મી, ચામાં બોળવાનું તો આપને તેં જ નાનપણથી શીખવ્યું છે તો જોઈએજને.”
મલકાતાં ધરતીએ પ્લેટમાં મસાલાવાલી પૂરી આપતાં વહાલથી વિશ્વના માથામાં ટપલી મારી. “નાનપણવાળા, તારા બાળકો આવશે એનેય શીખવાડી દઈશ. તું ફિકર ન કરતો. તું ને ગાથા… તમતમારે તમારું કામ કરો, બાકી હું છું ને.” ધરતીની ભીતર જાણે સમુદ્રનું એક મોજું ઊછળ્યું.
“વાર છે, મમ્મી” હસતો હસતો વિશ્વ તૈયાર થવા ગયો.
ધરતી ઇચ્છતી કે વહુ હોય કે દીકરી, એમનાં સપનાં પૂરાં થવાં જોઈએ.
“એમાં ને એમાં તું વધુ પડતી છૂટ આપે છે. તેં જ ચડાવી મારી છે.” આલોક કે સહેલીઓ એને આવું ટોકતાં પણ ખરાં. સહેલીઓની વહુઓ, અરે ખુદની દીકરી વેદિકા પણ સમયોચિત સજતીધજતી, વ્યવહારમાંય ક્યાંય પાછળ ન પડતી. ધરતી ગાથાને ધીરજપૂર્વક વાત કરવાનું વિચારતી.
તે દિવસે તો બધાં ખુશખુશાલ. વેદિકાએ દિવસો રહ્યાના સારા સમાચાર આપ્યા. ઘૂઘવતાં હૃદયે બધાંએ ભેગાં થઈ ફિલ્મ જોવા જવાનો અને ત્યાંથી રેસ્ટોરાંમાં ડિનર લેવા જવાનું ગોઠવ્યું હતું. વેદિકાનો સાસરી પરિવાર પણ જોડાયો.
“જો બેટા ગાથા, આજે કોઈ પણ કામ હોય, સમયસર નીકળવાનું છે અને તું તૈયાર પણ મસ્ત થજે, રૂપાળી તો છે જ.” ધરતીએ વહાલની વીણાના તાર છેડ્યા. વળી, વિશ્વને પણ કહેતી આવી,” જલદી નીચે આવી જજો, વેદિકા જો તમને બોલાવવા આવશે તો…”
“રૂમ જોઈ બેભાન જ થઈ જશે એમજને. ડોન્ટ વરી મમ્મી, અમે જલદી આવીએ છીએ, પ્રોમિસ બસ.”
વિશ્વ અને ગાથાએ પ્રોમિસ પાળ્યું. જોઈને જ વેદિકાના સાસુ બોલ્યાં, “ચાલો ભાઈ જલદી, મને તો ફિલ્મની એક મિનિટ જાય એ ન પોષાય ને મને તો બીજી ફિલ્મનું ટ્રેલર કે એડ પણ જોવી ગમે ને મોડા પડીએ તો અંધારામાં બેટરીવાળાને શોધવાનો.”
“ચાલો ચાલો, તમે જવા માંડો. અમે લોક કરીને આવીએ.” બધાં ગાડીમાં બેસવાં ગયાં. ધરતીએ ઘરનું લોક લગાવવા ચાવી કાઢી ને પર્સ ગાથાને પકડાવ્યું. ત્યાં જ પર્સમાં મોબાઈલ રણક્યો. “બેટા, હવે રહેવા દે, જેનો હોય એનો, હું કાલે વાત કરી લઈશ.”
“પણ મમ્મી, કોઈને અરજન્ટ કામ હશે તો?”
“હવે મારે શું અરજન્ટ હોય? કોઈ સગુંવહાલું હશે તો પપ્પાને ટ્રાય કરશે. આપણને મોડું થશે તો ખરાબ લાગશે.” છતાં ગાથાએ, “એક મિનિટ જોઈ તો લઉં. લ્યો સ્પીકર… બસ.”
“હેલો…”
“સાંભળ ધરતી, હું કંટાળી ગઈ છું, બહુ હતાશ થઈ ગઈ છું, બહુ વિચાર્યું. હવે મારે જીવવું નથી. હું સ્યૂસાઇડ કરવા જઈ રહી છું.” ધરતી ગભરાઈ ગઈ. વહાલી બહેનપણી આભાનો ફોન હતો.
ગાથાએ ધરતીને ઈશારો કર્યો જલદી વાત કરો. “જો ખોટું પગલું ન ભરીશ. પણ શું થયું એ તો કહે.”
“ના, બસ હવે કોઈ કાળે જીવવું શક્ય નથી. મને ઉદયની બહુ યાદ આવે છે. હું એની પાસે જઈ રહી છું. તને તારી આભાની છેલ્લી યાદ.” વાતો ચાલતી હતી, દરમ્યાન ગાથાએ જરા દૂર જઈ પોતાના મોબાઈલથી કોઈને ફોન કર્યો. અને પછી તરત જ ધરતી પાસેથી ફોન ખેંચી આભાને કહ્યું, “પણ આભામાસી, અમે હોસ્પિટલમાં છીએ. વિશ્વને એક્સિડન્ટ થયો છે, એ બહુ જ સિરિયસ છે પ્લીઝ, મમ્મી પાસે અવાય તો જલદી આવો. તમારાં ઘર નજીકની જ સેવ લાઈફ હોસ્પિટલ… પ્લીઝ.” એણે ફોન કાપી નાખ્યો અને ધરતીનો હાથ પકડી ગાડી પાસે ગઈ.
રાહ જોતા વિશ્વથી ન રહેવાયું,” કેટલી વાર? તમે લોકો પણ…”
વિશ્વના હાથમાંથી ચાવી લઈ ગાથા ડ્રાઇવિંગ સીટ પર બેઠી, “મમ્મી પ્લીઝ, ગભરાશો નહીં.”
“પણ, વાત શું છે? તું ગાડી કઈ તરફ લે છે? ન આવવું હોય તો સીધું કહી દેવાયને?એક તો આભાની ફિકર, કંઇ કરી ન બેસે..”
ગાથાએ રસ્તે બધી વાત કરી અને ગાડી હોસ્પિટલ તરફ વાળી. વિશ્વને ગાડીમાં બેસી રહેવા કહ્યું ને ધરતીને લઈ એ ઓપરેશન થિયેટર બાજુ વળી, ત્યાં બહાર જ આભા ચિંતીત ચહેરે આંખોમાં વાદળ ઘેરી ઊભી હતી. બંને બહેનપણીઓ એકબીજાને વળગી ધોધમાર રડી પડી. આભા ગાથાને પણ વળગી. ધીમે રહીને અળગી થઈ ત્યારે બહુ બધું ન સમજાયું. વળી વિશ્વને જોતા આભા આભી જ બની બધું પામી ગઈ, પણ એને હલબલાવતા ધરતીએ પૂછ્યું, તને શું થયું, બોલ?”
“કંઈ નહીં એ જ વાત, રીતિ વારંવાર ટોકે એટલે હવે હું થાકી ગઈ છું. મારી જ વહુ મને કહે, મમ્મી, તમે કેમ લાલ સાડી પહેરી? મોટો ચાંદલો કેમ કર્યો? ગામમાં જાન નીકળે ત્યાં તમે આવી શું કરશો? શહેરમાં તો બધાં ફરે, આપણા રીતિરિવાજ અપનાવવા પડેને? અને આજે તો બોલવામાં હદ કરી નાખી, મને કહે, કાલે મારો ખોળો ભરાવાનો છે, ત્યારે તમે ધરતીમાસીને ત્યાં જતાં રહેજો ને હું પિયર જાઉં પછી જ આવજો.”
વિશ્વે કહ્યું, “આજે તો તમે ખરેખર અમારે ઘરે ચાલો, ફિલ્મ તો શરૂ થઈ ચૂકી હશે, અમારા બધાં પર બહુ ફોન આવી ગયા.”
“વિશ્વ, તમે આભામાસી સાથે થિયેટરમાં જાઓ. આમેય હવે ટિકિટ મળશે નહીં. હું રિતીને મળીને સમય પર રેસ્ટરાંમાં આવું છું. હરિતાને લેતી આવીશ.
“એ વળી કોણ?”
“આભામાસી, તમારા ઘરની નજીક જ રહે છે, મારી ને વિશ્વની દોસ્ત. તમારો ફોન પત્યો પછી એણે જ તમને ફરી વિશ્વના અકસ્માતની ખબર આપી હતી. જેથી કન્ફર્મ થાય અને સ્યૂસાઇડના વિચાર પરથી તમારું ધ્યાન ડાયવર્ટ થાય. એ તો હોસ્પિટલ સુધી તમને ફોલો કરતી હતી. અમે કૉલેજમાં અપમૃત્યુ નિવારણના ગ્રુપમાં સાથે હતાં. ક્ષણ સાચવવાની હોય, માસી. ક્ષણ ચૂક્યો સદી જીવે!”
યામિની વ્યાસ.
5