એવી તે વાત શી કીધી?
‘હેલી ચાલ, તારો શોખ પૂરો થયો હોય તો. હવે અહીં બહુ રહી શકાય એમ નથી. પછી તારી કેરિયરનું શું? થોડે થોડે વખતે અહીં આવી જઈશું બસ.’
‘મમ્મા, મારે તો અહીં જ રહેવું છે, આખી દુનિયામાં મને તો આ જ જગ્યા પસંદ છે.’
‘હા બેટા પછી તારી લાઈફ, કેરિયર સાથે મેરેજનું શું?’
‘ઓ ડિયર પપ્પા, વખત આવ્યે બધું થઈ રહેશે.’
‘પણ બેટા કોઈ અહીંની આવી જિંદગી તો ન જ પસંદ કરેને?’
આવા સંવાદો તો જ્યારે જ્યારે હેલીના મમ્મી પપ્પા અહીં આવતાં ત્યારે અચૂક રચાતા.
ડૉ. હેલીનો સફરશોખ પહેલેથીજ કંઈક જુદા પ્રકારનો જ હતો દર વેકેશનમાં હેલી સહેલીઓ સાથે ભારતભરનાં ગામડાં ખૂંદી વળતી. પરંતુ એમાં એને દક્ષિણ ગુજરાતનું સારલા ગામડું બેહદ પસંદ હતું. સામાન્ય સગવડોથી વંચિત અને અઢળક કુદરતી સૌંદર્યથી ભરપૂર. સારલા એને ખૂબ આકર્ષતું. બહારથી ગમાર લાગતા ભોળા લોકો સાથે એમની ભાંગીતૂટી બોલીમાં વાતો કરતાં એ થાકતી નહીં. એક વખત ઈલાજ વગર સાવ સામાન્ય બીમારીથી મૃત્યુનાં મુખમાં પહોંચેલી પાંચ વર્ષની નાનકડી બાળાને જોતાં એ દ્રવી ઉઠેલી, ત્યારથી જ એને અહીં આરોગ્ય કેન્દ્ર ચલાવવાની તમન્ના હતી અને એણે અહીં રહેવાનો નિર્ણય કર્યો. એ તો રોજ ગામડું ખૂંદવા અને લોકોને મળવા એને નોકર ઘેલા સાથે નીકળી પડતી. એને લહેરાતાં ખેતરો, એક સરખી ઝૂંપડાંની લાઈન, કૂવામાંથી પાણી ખેંચતી સ્ત્રીઓ, હળ,બળદગાડાં વગેરે જોવાની ખૂબ મજા આવતી. ખેતરમાંનો માંડવો, ચાડિયો, ગોફણ તો એના ખૂબ પ્રિય હતાં. ગમતાં દ્રશ્યોને કેમેરામાં કંડારી લેતી અને ફોટોગ્રાફ્સ જોવા મમ્મી-પપ્પાને મુંબઈ મોકલાવતી.
સારલામાં હેલી ફક્ત દવાખાનુ ચલાવતી એટલું નહીં, ગામલોક સાથે ખૂબ વાતો કરતી. શહેર, રાજ્ય, દેશ- વિદેશની માહિતી આપતી ભણતરનું મહત્વ સમજાવતી. ખાસ કરીને સ્ત્રીઓને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન પણ આપતી અને બાળકો તો હેલીને ખૂબ જ વહાલાં હતાં. હેલીની પ્રેમાળ સારવારથી ગામ લોકોને ખૂબ રાહત મળતી. હેલીએ ઘણા લોકોને બીમારીમાંથી બેઠાં કર્યાં હતાં અને ઘણાનાં જીવ બચાવ્યા હતાં. ગામલોકો તો એમ જ માનતા કે હેલીના હાથમાં જાદુ છે. સામાન્ય રોગ તો હેલીના સ્પર્શથી દૂર થઈ જતો. ખરેખર તો હેલીના લાગણીભર્યા અને કાળજીભર્યા શબ્દોની હૂંફથી જ દર્દી અડધો તો સારો થઈ જતો.
એક દિવસ રાત્રે ધોધમાર વરસાદ, કાળી બિહામણી રાત ને વચ્ચે વીજળીના કડાકા. આ બધા અવાજોને કારણે હેલીની માંડ આંખો લાગી હતી. અને બહારથી જ બૂમ પડી.’બેન સાબ, બેન સાબ.’ આતો ગામના મુખી પૂંજાનો અવાજ.’ હેલી બારણા નજીક આવી.’બેન સાબ, ઘરવાળીની હાલત નથી હારી. તમે આવો તો હારું,’ પૂંજાએ વિનંતી કરી.હેલી તરતજ ઊઠી ‘ચાલો’ હું તમારી સાથે જ આઉં છું,’હેલીએ બહાર જોયું તો સઘળે પાણી પાણી. આટલા પાણીમાં જવાની વાતથી જ જાણે થ્રિલ અનુભવી પણ જવાય કેવી રીતે? ‘તમોને લેઈ જવા ભેંહ લાયવો સું.’ પૂંજાએ કેડસમાણાં પાણીમાં ભેંસ પર ખાટલી મૂકીને હેલીને લઈ જવાની વ્યવસ્થા કરી. ઘેલો બીમાર હતો એટલે હેલી એકલી જ કેપ્રી, ગમબૂટ, રેઈનકોટ પહેરી ફટાફટ તૈયાર થઈ. રાત્રે ભર વરસાદમાં થોડા કુતૂહલ અને થોડા રોમાંચ સાથે એ ભેંસ પર બેઠી.પૂંજો બાજુમાં ચાલતો ચાલતો ગર્ભવતી ઘરવાળી ચોઘડીની ગંભીર હાલત જણાવતો હતો.હેલીને જલદી પહોંચવું હતું પણ ઊંડા કાદવમાં ભેંસ ચાલે એજ ઝડપે પહોંચાય.એણે પૂંજાને હૈયાધારણ આપી.પૂંજાને હેલીમાં વિશ્વાસ હતો.ઝૂંપડે પહોંચ્યા. હેલીએ ચોઘડીનો હાથ પકડ્યો.જાણે આખરી શ્વાસ ચાલતા હતા, બચવાની કોઈ શક્યતા નહોતી, છતાં હેલીએ શકય એટલી તાત્કાલિક સારવાર આપી બાળક બચાવી લીધું. ચોઘડીને ન બચાવી શકી. ચોઘડીના મરણની ખબર આખા ગામમાં ફેલાતા સહુ ટોળે મળી હેલીને જ મોતની જવાબદાર માની ગાળો ભાંડી,મારવા તૈયાર થયા, પરંતુ બે-ત્રણ વડીલોએ વચ્ચે પડીને વાતનું વતેસર થતું અટકાવ્યું. હેલી માંડ છૂટી. એને ઘરે મૂકવાની વ્યવસ્થા થઈ. એ ડઘાઇ ગઇ હતી.
બીજે દિવસે ઘેલાએ એને મુંબઈ પાછી ફરી જવા સમજાવી, પણ નવા પડકારનો સામનો કરવા એણે એ જ ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો.
ત્રીજા દિવસે મમ્મી પપ્પા ગાડી લઈ સારલા આવી પહોંચ્યા ત્યારે અજાણ હેલી આંખે પાટો બાંધી બાળકો સાથે પકડદાવ રમતી હતી. ગામડામાં આવેલી ગાડી જોઈને આશ્ચર્યથી બાળકો તો પાગલની જેમ સામે જ દોડ્યા. ડ્રાઈવરે ખૂબ કંટ્રોલ કર્યો તો ય નાનકડી સાવલી આગલા ટાયરની અડફેટે આવી ગઈ. ચીસ સાંભળી હેલી દોડી અને કોઈને કંઈ પણ પૂછ્યા કહ્યા વગર સાવલીને ઊંચકી ગાડીમાં બેસાડી અને તેઓ શક્ય એટલી ઝડપે શહેર તરફ રવાના થયા.
ગામમાં તો વાતાવરણ તંગ થઇ ગયું. પૂંજાએ જ વાત શરૂ કરી કે ‘હેલી સાવલીને ઉઠાવી ભાગી ગઈ સે, અવે ધીમે ધીમે બધાં પોયરાઓને લેઈ જહે.’ ઘેલાની પણ ખૂબ પૂછપરછ થઈ. પરિસ્થિતિ સાચવતા એનો દમ નીકળી ગયો. છેક ચોથા દિવસે માથા પર પાટો અને પ્લાસ્ટરવાળા પગ સાથે સાવલી આવી. સૌના ઉગ્ર ચહેરા જોઈ સાવલીએ જ પોતાની થયેલી સારવારનું વર્ણન કર્યું. વાત સમજાવતા પૂંજા સિવાય સહુ હેલીના વખાણ કરવા લાગ્યા,એની માફી માંગવા લાગ્યા.
એ ગામનો એવો રિવાજ હતો કે, હોળીનો તહેવાર આવે એ પહેલા જૂનું વેર વાળી લેવું. એકવાર હોળી પ્રગટી જાય એની સાથે એ વર્ષનું વેર નાશ પામે. હોળીને દિવસે ગામલોકોએ હેલીને ચેતવી હતી,’બેન,પૂંજો વેર લેવા આવહે, છુપાઈ જાવ. હોળી હલગ્યા પછી દેખા દેજો.’ પરંતુ હેલીએ હળવા સ્મિત સાથે તેઓને વિદાય કર્યા એને આવનારી આફતનો સામનો કરવો હતો. વાત સાચી પડી. પૂંજો વેર લેવા આવ્યો. બારણું તોડી ઘરમાં આવી હેલીને શોધી. તે ક્યાંય નજરે ન ચઢી તો તોડફોડ કરી ચાલ્યો ગયો.આખરે હોળી પ્રગટી, સાથે હેલી પણ પ્રગટી. સહુને નવાઈ લાગી, ઘેલાએ રહસ્ય છતું કર્યું. એણે હેલીને લીલું કપડું ઓઢાડી ઘટાદાર ઝાડ પર છુપાવી હતી. હવે રિવાજ મુજબ જૂનું વેરઝેર પૂરું થયું. સહુએ પૂંજાને સમજાવ્યો,’ દાકતર હો માણહ છે, થાય એટલું બચાડા કરે, ભગવાન પાંહે એનું ન યે ચાલે.’
હેલીનો અનુભવ રોમાંચક રહ્યો. હોળી પછી એની ફરતે થતા નાચગાનમાં સહુને ગળે મળી એ ભળી ગઈ. એ નાચગાનમાં પૂંજો પણ સામેલ હતો.
ફરી બમણા ઉત્સાહથી હેલીએ આ લોકોની સેવા કરવાનો મનોમન નિર્ધાર કર્યો. બીજે દિવસે ધુળેટીએ સહુ સાથે એ રંગોમાં એ એવી રંગાઈને ભળી ગઈ કે ઓળખાતી પણ નહોતી ને મમ્મી પપ્પા આવ્યા.આ વખતે તો તેમની સાથે એક યુવાન ડોકટર પણ હતો જે હેલીનો ખાસ મિત્ર. રંગીન ટોળામાંથી એણે હેલીનો દુપટ્ટો પકડી ખેંચીને હેલીના કાનમાં કંઈક કહ્યું. આ જોઈ સ્તબ્ધ થઈ ગયેલા ગામલોકોએ હેલીના ચહેરાનો ઓર ખીલેલો રંગ જોઈ પેલા યુવાનને પણ ગ્રામ્યરંગમાં રંગી દેવા હાથ લંબાવ્યા.
યામિની વ્યાસ