“આખરે નહીં આવીને?/યામિની વ્યાસ

 “આખરે નહીં આવીને? “હેલો ગતિ… હા યાર, વચ્ચે કપાઈ જતો’તો. હંમમ… તું કાલે કેમ ન આવી? તને બહુ જ મિસ કરી. વી એન્જોઇડ અ લોટ. શું સેલિબ્રેશન હતું વિમેન્સ ડેનું? હવે તો નેક્સટ યર. ત્યાં સુધીની એનર્જી મળી ગઈ.” “હા રેશ્મા, મારે આવવું જ હતું પણ શું કરું? ગીતિ કામ પર નહોતી આવી એટલે ન આવી શકી.” “ઓ ગોડ! ગતિ તારી મેઇડનો બહુ ત્રાસ છે યાર, ને તું પણ શું બધું કામ કરવા બેઠી? અરે, બધું એમને એમ મૂકીને ઘર બહાર દોડી જ જવાનું. આવીને બીજે દિવસે કરે! હું તો ધોવાનાં કપડાંનું બાસ્કેટ ભરી રાખું, સિન્કમાં ઢગલો વાસણ હોય ને નીચે ફ્લોર પર કચરો હોય. એટલું ઓછું હોય તેમ જૂની પોસ્ટ, બિલ કે વેસ્ટપેપર્સ ફાડીફાડીને નાખું. બસ બીજે દિવસે આવે ને એટલો શોક લાગે કે બંદી રજા પાડવાનું નામ જ ન લે.” “તું ય ખરી છે રેશું, પણ ગીતિને ચોક્કસ કોઈ ઈમ્પોર્ટન્ટ કામ આવી ગયું હશે, નહીં તો રજા ન જ પાડે. કાલે વાત.” “તું પહેલાં તો ગીતાને ગીતિ કહેવાનું બંધ કર. સરવન્ટને વળી કેવા લાડપ્યાર! જરા સોબરનેસ બતાવીએ કે માથે ચઢી જાય ને તને ટ્રીટ કરતા ન આવડે તો મને પૂછતી રહે. અમારા નંદા એવન્યૂનું બધા ટાવરનું અમારું વોટ્સએપ વિમેન ગ્રુપ છે. એમાં બધી મેઈડસની હિસ્ટ્રી-જોગ્રોફી આવી જ જાય, કોણ, ક્યાં, શું કરે છે. ઘર, પરિવાર, લફરું, ચાલચલગત, દાનત, કામની ઝડપ, બોલવાની મોંફાટ બધું જ. અરે, કોઈ પાસે ઉછીના લીધા હોય કે એડવાન્સ પગાર લીધો હોય એ ગ્રુપમાં લખાઈ જ જાય. કેટલીય યન્ગ મેઇડ આઈબ્રો કરાવવા કયા પાર્લરમાં જાય તે પણ. બધા ટાવર મળીને અઢારવીસ હશે પણ સહુની જન્મકુંડળી અમારી પાસે, કોણ ડસ્ટિંગમાં વેઠ ઉતારે, કોણ વાસણમાં પાવડર રહેવા દે કે કપડાંની ક્લિપ બરાબર ન મારે એ પણ. સી ટાવરમાં સાતમા માળે રુહીની બેબીના ફ્રોકને તો પેલી ઓલ્ડ સવિતા જાણીજોઈને ઊડવા જ દે, ને એ નીચે જાય ત્યારે વીણી લે એની છોકરીની છોકરી માટે. નીચે રચનાએ જોયું ને તરત જ ગ્રુપમાં મેસેજ આવી ગયો.” “ઓહોહો! તમે તો બહુ ધ્યાન રાખો છો! સારું, ચોરી વિગેરે અટકાવી શકાય પણ એટલો ટાઈમ ક્યાંથી લાવવો? વળી મારે તો આ સોસાયટીમાં છુટ્ટાંછુટ્ટાં ઘર. ચાલ કંઈ હશે તો તને પૂછીશ. બાય.” રેશ્માને તો ઘણું કહેવું હતું પણ ગતિને કામ હતું એટલે એણે ફોન મૂકીને રસોઈની ગતિ વધારી. એટલામાં ગીતિ આવી. “સૉરી ભાભી, કાલે મારી મા પડી ગઈ’તી. દવાખાને લઈ ગઈ ને એટલામાં મારી પરીક્ષાનો ટાઈમ થઈ ગયો. ઉપરથી પાછું બેલેન્સ પતી ગયેલું એટલે ફોનેય કેવી રીતે કરું?” કહી ઝડપથી કામે વળગી. ગતિ સહેજ અટકી ને બોલવા જતી હતી કે કેમ છે માને? અને તારું પેપર કેવું ગયું? પણ રેશ્માની વાત યાદ આવતા ગીતિની આઈબ્રો તરફ ધ્યાન ગયું ને ખૂણામાં ટેબલ પર મૂકેલા એના મોબાઈલમાં આવતા મેસેજના ટિંગ ટિંગ પર ધ્યાન ગયું.” ગતિએ જ પોતાનો જૂનો મોબાઇલ એને આપ્યો હતો. “હવે ચાલે છે મોબાઈલ બરાબર?” “હા ભાભી, આવતી વખતે બેલેન્સ નખાવી દીધું.” “બહુ વોટ્સએપ મેસેજ આવે છેને?” “હા ભાભી, કાલે ફોન બંધ હતો, હમણાં ચાલુ થયો એટલે. ગ્રૂપમાં બધા બહુ મેસેજ કરે પણ મને તો જોવાનો ટાઈમ જ નથી.” ગીતિના હાથ ઝડપથી ચાલતાં, કામ પતાવી એણે બીજું પેપર આપવા જવાનું હતું. ગીતિ બે ત્રણ ઘરે કામ કરતી ને પાર્ટ ટાઈમ કૉલેજ જતી. પહેલાં એની મા કામ કરતી પણ એને કમરના મણકાની મોટી તકલીફ થતાં ગીતિએ કામ ઉપાડી લીધું. ગીતિ જેવડી બીજી કામ કરવા આવતી છોકરીઓએ ભણવાનું છોડી દીધું હતું. ગીતિનો સ્મિતસભર નમણો ચહેરો, કામમાં ચીવટ અને ભણવાની ચાહત જોતા જ ગતિ મદદ કરવા તૈયાર રહેતી. ફરી રેશ્મા યાદ આવી અને એ ગીતિને પૂછ્યા વગર ન રહી શકી. “ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ છે?” “હા ભાભી, કૉલેજનું છે. કામ કરે એ બેનપણીનું ને સગાસંબંધીનું પણ છે. ઘરે એક જ મોબાઇલ એટલે બધાં આનાથી જ વાત કરે.” “ઓહો, કામ કરે એ કઈ બહેનપણીઓ?” ગતિને રસ પડ્યો. “જવા દો ભાભી, જાતે જ જોઈ લ્યો. બધી શેઠાણી વિશે બધા બહુ લખે. કહેતા સંકોચ થાય.” “તું લખે મારા વિશે?” “વાંચી લો, મારા હાથ ભીના છે.” ગતિ ધીરજ ન રાખી શકી. રેશ્માને ટક્કર મારે એવા શેઠાણીઓ વિશેના મેસેજ હતા. આજે કોને ઘરે ઝઘડો થયો, કોને ત્યાં સાસુનું કોને ત્યાં વહુનું રાજ, ક્યા સાહેબ કોને લાઇન મારે, કોનાથી બચવા જેવું, કોણ ભગવાનનું માણસ, કોણ કઈ સિરિયલ જુએ, કોણ વટમાં, કોણ લઘરવઘર ફરે, કોણ ઉદાર, કોણ કંજૂસ, કોણ કોનાથી શું છુપાવે, કોના છોકરાંઓ ડાહ્યાં, કોના બગડેલાં વગેરે અધધ મેસેજની ભરમાર હતી. ગીતિની કૉમેન્ટ વાંચવા ઉત્સુક ગતિને માંડ બેએક ટૂંકા શબ્દો મળ્યાં એ પણ ભારોભાર વખાણભર્યા. ગતિએ ફોન મૂક્યો ને ગીતિના હાથમાંથી કામ લઈ લીધું, માની ખબર પૂછી, સારવાર માટે થોડા રૂપિયા આપ્યા ને પરીક્ષા માટે જવા કહ્યું. “ભાભી, હું પતાવીને જ જાઉં, હજુ વાર છે પહોંચી જઈશ.” “ના, તું જા રિલેક્સ થઈને પરીક્ષા આપ. પેપર પતે પછી ફોન કરજે.” ગીતિના ગયાં પછી ગતિ ધીમી પડી. રેશ્માને ફોન કર્યો પણ રેશ્મા તો, “ગતિ પ્લીઝ પછી વાત કરું. આ કુકિંગવાળી રેણુ આવી છે તે પર અવર બસ્સો રૂપિયા ચાર્જ લે છે. હું એની એક પણ સેકન્ડ વેસ્ટ નહીં જવા દઉં. મારો 24×7 ઓફિસનો સરવન્ટ છે, એને ઘરે બોલાવી લીધો છે. એની પાસે નાસ્તાની પૂરીનો ને ચકરીનો લોટ બંધાવી લઉં છું. અથાણાંના ચીરિયા કપાવી રાખ્યા છે. તેલ વિગેરે કઢાવી રાખું. સુખડીની તૈયારી કરાવી રાખું તો ઝડપથી કલાકમાં થઈ જાય.” અને ફરી ધીમેથી બોલી, “સાંભળ, આ મારા સરવન્ટને રેણુ બહુ ગમે છે, એને જોતો જોતો ઝડપેય કરશે. આપણે એય બેનિફિટ લઈ લેવાનો, સમજી?” ફોન કટ કરતાંય એનાથી આંખ મિચકારાઈ ગઈ. ગતિએ હવે રેશ્મા સાથે એ બાબતની વાત કરવાનું છોડી દીધું. રેશ્માની વાત એક કાને સાંભળતી તો ખરી પણ ધ્યાન ન આપતી. વરસોની મિત્રતા હતી અને રહી. જોતજોતામાં વર્ષ વીતી ગયું. એ જ સંસ્થામાં બીજે વર્ષે ગતિના પ્રમુખપદે નક્કી થયું કે, આ વર્ષે મહિલાદિને ઘરે કામ આવતાં બહેનોનું સન્માન કરવું અને એ દિવસે એમને રજા આપવી. રેશ્માને બહુ ન ગમ્યું પણ આ પગલાંથી વાહવાહી થાય એ ખુશી હતી. ઘરે આવતી કામવાળી બહેનને વહેલી સવારે બોલાવી બધું કામ કરાવી તૈયાર કરીને લઈ આવી. ગતિએ ગીતિને પણ કહ્યું હતું પણ એ ન આવી. “આખરે ના આવીને? અહીંનું બહાનું કાઢી ક્યાંક ગઈ હશે. તું મૂર્ખ બને છે, યાર.” રેશ્માએ ગતિને સંભળાવ્યું. ગતિ કંઈ બોલી નહીં. ગીતિના સન્માનની કિટ એ લેતી આવી. ઘરે જઈ ગતિએ જોયું તો બધું જ કામ ગીતિએ લગભગ કરી દીધું હતું અને ખૂણાના ટેબલ પર મોબાઇલની બાજુમાં એક ટ્રોફી પર ગીતિનું નામ રૂપેરી અક્ષરે ચમકતું હતું. કૉલેજમાં મહિલાદિન નિમિત્તે સ્ત્રીસશક્તિકરણ વિષય પર યોજાયેલ વકતૃત્વસ્પર્ધામાં તે પ્રથમ વિજેતા થઈ હતી. == યામિની વ્યાસ”

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.