Daily Archives: જૂન 18, 2022

એક લીટીની કવિતા/યામિની વ્યાસ


એક લીટીની કવિતા

‘અરે બાપ રે! એને ઘરે આટલા બધા માણસો? મને ન બોલાવ્યો?’ પરમદત્તને નવાઈ લાગી. આગલી રાત્રે ઊંઘતા મોડું થયું હતું. વળી, મળસ્કે તો તાજા વઘારમાં રાઈ તતડતી હોય એવો અવાજ આવવા લાગ્યો એટલે ઊંઘ ઊડી ગઈ. તેણે ઊઠીને જોયું તો રસોડું તો ઘોર નીંદર માણી રહ્યું હતું. આમેય એકલા રહેતા વૃદ્ધનું રસોડું તો આળસુ જ બની જાય, પણ આ તતડતી રાઈ કઈ બાજુ છે? પહેલી નજર સામે રહેતાં લતીકાજીની રસોડાની બારી પર ગઈ. ઘડીભર તો ખાંડવી પર પાથરવા મૂકેલા વઘારની મનગમતી સોડમેય પ્રસરી ગઈ. પણ આંખ ચોળી જોયું તો એ બારીય અંધારમાં મસ્તીથી રાતરાણી પાછળ આરામ ફરમાવતી હતી. તો અવાજ તરફ કાન વધુ સરવા કર્યા ત્યારે દૂર દેખાયું. વહેલી સવારે દૂર દેખાતા રોડ પર યુવાનોની મેરેથોન ચાલતી હતી. વાહ! કેવા તડતડ તડતડ દોડી રહ્યા છે! પરમદત્ત ખુશ થઈ ગયા. ટ્રાફિક પણ બંધ કરવામાં આવ્યો હતો એટલે આવતો હતો ફક્ત સ્પોર્ટશૂઝના પગલાંનો અવાજ. પરમદત્તને સ્કૂલ યાદ આવી ગઈ. સો મીટર દોડમાં હંમેશ પ્રથમ. પછી તો કૉલેજ, યુનિવર્સિટી, એન.સી.સી. વગેરેની દોડમાં મોખરે જ હોય. નેશનલ લેવલે ભાગ લેવા પણ કહેવામાં આવ્યું. જોકે, ભણવામાં પણ એટલા જ હોશિયાર. રિસર્ચ વર્કમાં કરિયર બનાવવી હતી એટલે સ્પોર્ટ્સમાં ન જોડાયા. બાકી દેશને મેડલ અપાવી શકવાની ક્ષમતા હતી. રોજની કસરત ને જિમને કારણે શરીર એકદમ ફિટ હતું. સરસ ઊંચાઈ, માપસર બાંધો ને સારો દેખાવ કોઈ યુવાનને પણ શરમાવે. કોઈ કહે નહીં સીત્તોતેરમું બેઠું.

એકાદ મહિના પહેલાં જ અહીં રહેવા આવવાનું થયું. મિલનસાર પરમદત્ત તો પહેલે જ દિવસે સામે રહેતાં લતીકાજીને ઘરે પહોંચી ગયા. ખરેખર તો ઘરકામ કરવા માટે કોઈ જોઈતું હતું એ બાબતે પૂછવા. “ગુડમોર્નિંગ લતીકાજી, બહાર નેઇમ પ્લેટ પર તમારું નામ વાંચ્યું. હું સામે જ રહેવા આવ્યો છું. હાલ તો એકલો જ છું. મારે કોઈ કામ કરી શકે એ માટે..”

મલકાતા લતીકાજીએ ઇશારાથી એમની હેલ્પરને ઈશારો કરી ચા આપવા કહ્યું. પણ પરમદત્ત તો ઝડપથી બોલવાના મૂડમાં હતા. એક ઘૂંટડે ચા પી ગયા અને ધડાધડ ગોળી ફૂટે એમ અટક્યા વગર એમની આખી કથા સંભળાવી.

“અમારો એકનો એક દીકરો એની સુશીલ સુંદર પત્ની અને મીઠડાં બાળકો સહિત ભર્યોભર્યો આનંદિત પરિવાર. અમારે ઘરઆંગણે હંમેશ રૂમઝૂમતી ખુશીની લહેરખી વાતી. બધાં જ એકબીજાનો આદર અને કાળજી કરતાં, પણ કુદરતને કદાચ એ મંજૂર નહોતું. અચાનક મારી પત્નીને ગળાનું કેન્સર થયું. અદ્યતન સારવાર છતાં ન બચી શકી. એના કંઠે ગવાયેલ કેટલાંય મીઠાં ગીતો આ મોબાઇલમાં સચવાયેલાં છે. કદી આપને સંભળાવીશ. હા, તમને થશે કે દીકરો ને એનો પરિવાર ક્યાં? એ જ કહેવા જઈ રહ્યો છું. દીકરો જોબ પ્રોજેકટ માટે ત્રણ વર્ષ માટે યુરોપ ગયો છે. ઑફકોર્ષ, ફેમિલી સાથે જ. મને બહુ આગ્રહ કર્યો પણ મેં ના પાડી. કંપનીનું ઘર ખાલી કર્યું. આ તો વરસો પહેલાં અહીં લઈ રાખેલું, થયું કે ચાલો અહીં રહી જોઈએ.”

“એક મિનીટ સર, હું મારે ઘરે કામ માટે આવે છે એમને પૂછી જોઉં. આપને માટે કોઈ માણસની વ્યવસ્થા કરું છું. થોડી વાતો બાકી રાખો તો પાછા અવાશે. મારી માલિશવાળી બહેન મારી રાહ જૂએ છે, સૉરી.”

લતીકાજી બોલી રહ્યાં ને તરત જ પરમદત્તની નજર એમના તરફ ગઈ. એમને ધારીને જોયા. એમને વ્હિલચેરમાં જોઈ અફસોસ અનુભવ્યો. “સો સૉરી મેડમ, મેં જોયું જ નહીં. પગની શું તકલીફ?”

“અકસ્માતને ઘણો સમય થયો. હવે તો ટેવાઈ ગઈ છું. પછી લાંબી વાતો કરીશું. ઓકે.”

“ઓહ સ્યોર, અગેઈન સૉરી તમારો ટાઈમ બગાડ્યો. મારી પત્ની હંમેશા ટોકતી, ‘આટલી બધી વાતો ન કરો, સામેવાળાના સમયસંજોગો પણ જોવાના.”

“લતીકાજીજી…” પેલા માલિશવાળા બહેનથી ન રહેવાયું. પરમદત્તે ફરી અપરાધભાવ અનુભવ્યો. સૉરી કહી રજા લીધી.

આમ અવારનવાર મુલાકાતો વધવા માંડી. પરમદત્ત જ લતીકાજીને ત્યાં આવતા. લતીકાજી ઓછું બોલતાં એમ નહીં, પરમદત્ત સામે બોલવાનો ચાન્સ ઓછો રહેતો. છતાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “છેને… મારો પણ બહોળો પરિવાર છે, ત્રણ દીકરાઓ છે. એમનો પરિવાર છે. આજ શહેરમાં રહે છે. બધાં સારું કમાય છે. સંપ છે ને પોતપોતાની રીતે મોજથી રહે છે પણ રજામાં જોજો બધાં ભેગાં. મને આગ્રહ કરે છે પણ હુંય સ્વતંત્ર- મારી રીતે રહું છું. અકસ્માતે પતિ અને પગ સાથે જ ગુમાવ્યા. બધાંએ મારી સરસ કાળજી કરીને મન અને તનને ટેકો આપ્યો. પતિ પૈસા મૂકી ગયા છે. બધાં કામ માટે માણસો આવે છે. મને પણ કારમાં તેઓ ફરવા કે દીકરાના ઘરે લઈ જાય છે.”

“કેવું સરસ! મને પણ કંપની મળી ગઈ. કાલે ઘરે તમારી દીકરી આવી હતી?”

“નારે, એ તો સારસી. નાનાની વહુ. કંઈ તુંતુંમેંમેં થઈ હશે, એટલે વાટ પકડી અહીંની. કોઈ પિયર નહીં જાય. રિસાઈને સીધા અહીં જ મારી પાસે. મનાવવાવાળા પણ અહીં જ આવે.”

પરમદત્ત અને લતીકાજીને એકબીજાની કંપની ગમતી. લતીકાજીનો પરિવાર પણ આ જાણીને ખુશ થતો. પૌત્રો તો એમને દાદીના બોયફ્રેન્ડ જ કહેતા. પરમદત્તના પરિવારનાં બાળકો પણ લતીકાજીને ઓળખતાં. વિડીઓકૉલ કરી દાદાનાં ગર્લફ્રેન્ડ લતીકાજીને ખાસ મળતાં.

એકદિવસ તો પરમદત્ત બેલ માર્યા વગર જ હાથમાં અખબાર લઈ દોડી આવ્યા. “આ કોર્નરમાં છપાયેલી કવિતા આપે લખી? નામ તમારું છે.”

“હું અને કવિતા? હા, ગમે ખરી.”

“તો આ પણ કોઈ લતીકા જ છે. નામ જ કવિતા જેવું છે.”

લતીકાજીને આ શબ્દો ગમી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં પણ પરમદત્તના ગયાં પછી એક ચબરખીમાં નોંધ્યું, ‘વરસો પહેલા તમે અમારી કૉલેજમાં યુવાવક્તા તરીકે આવ્યા હતા ત્યારે પેપર પર પ્રશ્નો મોકલવાને બદલે મેં હિંમત કરી આ મોકલી હતી. ત્યારે તમે માત્ર આજ કૉમેન્ટ કરી સ્મિત આપ્યું હતું. તમને તો યાદ પણ ન હોય. જે વર્ષો પછી આજે વેલન્ટાઈન ડે નિમિત્તે એક લીટીની કવિતા વિભાગમાં મેં મોકલી.’

લખી લીધું પણ પરમદત્તને આ હકીકત ન કહી શકાઈ. પોતે ભણતી ત્યારે જ સામેની કૉલેજમાં બે વર્ષ આગળ ભણતો ખૂબ સ્કોલર અને હેન્ડસમ પરમદત્તની એ દીવાની હતી.

એ તો પહેલી વારમાં ઓળખી ગઈ હતી પણ પરમદત્તને તો આવો કોઈ ખ્યાલ પણ નહોતો. લતીકાજી ય પછીતો લગ્ન-પરિવાર સાથેની જિંદગીમાં આ ભૂલી જ ચૂક્યાં હતાં, પણ પરમદત્તને જોતાં જ સ્મૃતિપટની સિતાર રણઝણી ઊઠી હતી. હવે પોતાની વિકલાંગતાને કારણે એ છતું કરવા નહોતાં માંગતાં.

ઘણીવાર પરમદત્ત એમને પોતાને ઘરે આવવા આગ્રહ કરતા, “લતીકાજી, હું જ તમારે ઘરે આવું છું. હવે તમે એકવાર તો આવો. તમે દીકરાના ઘર સુધી તો જાઓ છો.”

“હાજી, પણ એ તો કારમાં. વ્હિલચેર અંદર મૂકી દઈએ. હવે સામેને સામે તમારે ઘરે તો કેમ જવું? આપ ઊંચકીને લઈ જાઓ તો…” મલકાતાં લતાજીથી બોલાઈ ગયું.

“અરે, કેમ નહીં, લતીકાજી? આપ તો વેલ જેવા સાવ નાજુક છો આસાનીથી ઊંચકાઈ જાઓ.”

“વળી, પગનુંયે વજન નહીં.” લતીકાના મોં પર હાથ મૂકી પરમદત્તે અટકાવી. બંનેની આંખોમાં વાદળ ઘેરાયાં. બંને મૂંગા થઈ ગયાં. થોડી વારે સ્વસ્થ થઈ બંનેએ ટીવી પર સાથે ફિલ્મ જોઈ. ફિલ્મ તો બહાનું પણ એકબીજાની સતત નિકટતા અનુભવી. અંતે પરમદત્ત માંડ બોલી શક્યા, “હમણાં જાઉં છું. બધાંની હાજરીમાં આપને ઊંચકીને લઈ જઈશ.”

બે દિવસ પછી લતીકાજીની પચ્ચોતેરમી બર્થડે હતી. એ ઊજવવાની ધમાલ ચાલી. તૈયારીમાં પરમદત્ત પણ જોડાયા. મોડા સૂતાને સવારે જોયું તો સામે માણસો જ માણસો. બર્થડે તો સાંજે ઊજવવાની હતી! તેઓ તરત જ લતીકાજીને ઘરે પહોંચી ગયા. જોઈને ઊંડો આઘાત લાગ્યો. લતીકાજી ઊંઘમાં જ મૃત્યુ પામ્યાં હતાં. સહુ બહાવરા બની ગયા હતા. પરમદત્ત પણ મુંગા થઈ ગયા. એમને લઈ જવાની તૈયારી થઈ ત્યારે તેઓ આવ્યા અને પરિવારજનો સામે વિનંતી કરી, “મને ઊંચકીને લઈ જવા દો. બે મિનિટ મારા ઘરે.”

કોઈ કંઈ બોલ્યું નહીં, ઘરે ઊંચકીને લઈ જઈ એટલું જ બોલ્યા, “પ્રિય લતીકાજી, પહેલાં તો નહીં પણ અખબારમાં કવિતા વાંચી તમને ઓળખી ગયો હતો. આ એક લીટીની કવિતા તમારી જ છે.”

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized