Daily Archives: જૂન 22, 2022

સાર્કાઝમ/ શ્રી પરેશ વ્યાસ

સાર્કાઝમ: શબ્દનો તમાચો અને રમૂજ

મૌન બોલે છે તે સમજાતું નથી વક્ર ઉક્તિઓ છે હાજર સ્ટોકમાં -યામિની વ્યાસ

સાંપ્રત સમાચાર છે કે દક્ષિણ આફ્રિકામાં કામ કરવાની જગ્યાઓમાં સાર્કાઝમ ઉપર પ્રતિબંધ આવી ગયો છે. સાર્કાઝમ એટલે મર્મવચન, મહેણું, કટાક્ષ, વક્રોકિત, વાંકો બોલ, કરડું કે કટુવચન. તો તો સરકારી ઓફિસમાં એનો વાંધો નથી. કારણ કે સરકારી ઓફિસ એ કામ કરવાની જગ્યા છે જ ક્યાં?! બસ, આ જ અર્થ આજનાં શબ્દનો. વાંકું બોલવું. કોઈ વિષે. અમે બોલ્યાં. અહીં અમે સરકારી ઓફિસ અને ‘બાબુડમ’ વિષે બોલ્યા. સાર્કાઝમ એટલે વ્યંગપૂર્ણ ટિપ્પણી જેનો અભિપ્રેત અર્થ સામાન્ય શબ્દાર્થથી વિપરીત હોય અને બીજાની નિંદા કે અપમાન માટે ઉપયોગ થાય તે. સરકારી ઓફિસમાં કામ થતું નથી-ની નિંદા કરવા અમે લખ્યું એ કટાક્ષ ઉર્ફે સાર્કાઝમ.

‘ધ સાઉથ આફ્રિકન’ અનુસાર હવે પછીથી કામની જગ્યાઓ ઉપર ‘ગોસિપ’ (Gossip) ‘સાર્કાઝમ (Sarcasm) અને આઈ-રોલિંગ (Eye-rolling) ગુનો ગણાશે અને જે એવું કરશે એની ઉપર શિસ્તભંગનાં પગલાં લેવાશે. ‘ગોસિપ’ એટલે કુથલી કરવી, નકામી વાતો કરવી. અને ‘આઈ-રોલિંગ’ એટલે આંખો ગોળ ફેરવવી એવું બતાવવા કે સામેવાળાએ જે કહ્યું એ બકવાસ છે, વાહિયાત છે, નકરી સ્ટુપિડીટી છે. હા, બોલ્યાં વિના ય અપમાન થઈ શકે. પણ આજે સાર્કાઝમની વાત.

એક એવો જ બીજો શબ્દ છે આયરની (Irony). અર્થ થાય ઊલટું બોલવું, વક્રોક્તિ કે કટાક્ષવચન. પણ એ યાદ રહે કે દક્ષિણ આફ્રિકાએ આયરની ઉપર પ્રતિબંધ મૂક્યો નથી. સાર્કાઝમ આમ તો આયરની જ છે. બે વચ્ચે ફરક બસ એટલો કે સાર્કાઝમમાં અપમાન હોય છે, સામેવાળાને નીચે દેખાડવાની વૃત્તિ હોય છે, ટીકા હોય છે, લાગણીને ઠેસ પહોંચાડવાની ઈચ્છા હોય છે. કોઈએ કશું ન કરવાનું કામ કર્યું હોય, ‘ભૂલ થઈ ગઈ’ એમ પણ કહે પણ ત્યારે તમે પ્રતિક્રિયા આપો કે ‘બહુ સરસ!’ તો પેલાને ખરાબ લાગે કે ‘તમે આમ વાંકું વાંકું કેમ બોલો છો?’ બસ આ સાર્કાઝમ છે. કોઈ પાર્ટીમાં બહુ મોડા આવે તો તમે કહો કે ‘તમે તો બહુ વહેલાં આવી ગયા, ભાઈ!’ આમાં આયરની પણ છે અને સાર્કાઝમ પણ છે પણ આયરની વિનાનું સાર્કાઝમ પણ હોઈ શકે. જેમ કે એક અસુંદર મહિલાએ એક વાર વિન્સ્ટન ચર્ચિલને કહ્યું કે ‘તમે પીને ટલ્લી થઈ ગયા છો’ તો ચર્ચિલે જવાબ આપ્યો હતો: ‘મારો નશો તો કાલે ઉતરી જશે.’ અહીં કોઈ વક્રોક્તિ નથી પણ છતાં ટીકા તો છે જ. એમ કે એ મહિલા બદસૂરત છે તે રહેશે જ, કાલે પણ. ટૂંકમાં, વક્રોક્તિ એ રમૂજનાં વેશમાં છૂપાયેલો વિરોધ છે, દ્વેષભાવ છે. કહે છે કે વક્રોક્તિ રમૂજનું સૌથી નીચ સ્તર છે પણ એ છે જબરું મઝાનું. અને બેહદ બૌદ્ધિક પણ છે. ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ટીવી સીરીયલનો ઇન્દ્રવદન વક્રોક્તિનો બેતાજ બાદશાહ છે. એ વક્રોક્તિથી રમૂજ નિષ્પન્ન કરે છે. દા. ત. માયાને કહે છે કે ‘કમ ઓન માયા! પ્લીઝ ડોન્ટ ક્રાય. તુમ તો જાનતી હો કે રોતે હુએ તો તુમ ઓર ભી અચ્છી નહીં લગતી!’

મૂળ ગ્રીક શબ્દ સાર્કાસમોસ-માં સાર્કા એટલે માંસ કે માંસનો ટૂકડો. સાર્કાસમોસ એટલે કૂતરો ચીરે એમ માંસને ચીરી નાખવું તે. સાર્કાઝમમાં શાબ્દિક હિંસા છે. સાર્કાઝમ શબ્દ ઇંગ્લિશ ભાષામાં સને ૧૬૧૦થી શામેલ છે. એક શબ્દ સટાયર (Satire) પણ છે. સટાયર એટલે અન્યનાં દુર્ગુણ, અવગુણ કે અપલક્ષણનો ઉપહાસ કરનારું લખાણ. એક જાતની વક્રોક્તિ જ થઈ. સટાયર જો કે સાર્કાઝમની સરખામણીમાં લાંબુ હોય છે અને જરૂરી નથી કે સટાયર કડવું જ હોય. સાર્કાઝમ ઉર્ફે અપમાનજનક વક્રોક્તિ ઘણી વાર વધારે અસરકારક હોય છે. ધીમે ધીમે કહીએ તો કાંઈ સુધારો ન થાય પણ વાંકું કહીએ તો એને લાગી આવે. નારાજ થાય પણ સુધારો ય થાય! ‘મેં તાળી એટલે નથી પાડી કે તમારી કવિતા અમને ગમી. મેં તાળી એટલે પાડી કે એ પૂરી થઈ!’ કવિને ખ્યાલ આવે કે એની કવિતા રોશેષિસ છે. અને પછી સુધારો થાય. આમ જુઓ તો સાર્કાઝમ મઝાની આદત છે. સામાવાળાનું જે થવાનું હોય તે થાય! કોઈને તમાચો મારવો પણ આ તો ભાઈ, શબ્દોનો તમાચો છે. એવું ય કહેવાય છે કે મૂર્ખાઓનું અપમાન કરવું હોય તો વક્રોક્તિ કહેવી. અપમાન ય થાય અને એને એમ કે મારા સમૂળગાનાં વખાણ કર્યા!

‘કાશ્મીર ફાઇલ્સ’નાં ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને મધ્યપ્રદેશનાં એક આઈએએસ અધિકારી નિયાઝ ખાને કહ્યું કે ‘તમારી ફિલ્મની આવક કાશ્મીરી પંડિતનાં બાળકોનાં શિક્ષણમાં તમારે દાન કરી દેવી જોઈએ’. અમને લાગે છે આ સાર્કાસ્ટિક ટ્વીટ હતો. વિવેક્ભાઈએ પણ વિવેકથી કહી દીધું કે ‘હા, તમે પણ તમારા લખાયેલા પુસ્તકોની રોયલ્ટી રકમ દાન કરી દો’. સાર્કાઝમ વિ. સાર્કાઝમ!

વક્રોક્તિ જો આદત બની જાય તો સંબંધ તૂટે. એટલે એમ કરવું ટાળવું. તમે વ્યગ્ર હો અને કોઈ પૂછે કે ‘તમે કેમ છો?’ તો ‘ખૂબ સારું!’-એવું બોલવું ટાળવું. જો એ તમારો પોતીકો હોય તો સીધી વાત કરો. અરે, પોતાની સાથે વાત કરો તો પણ વક્રોક્તિ ટાળવી. મેં કાંઈ ભૂલ કરી, ‘બહુ સરસ મિસ્ટર પરેશ વ્યાસ, સારું કર્યું!’ આવી જાત વક્રોક્તિ પણ શું કામ? એની જગ્યાએ ‘ભૂલ તો બ્રહ્માની ય થાય, હવેથી હું કાળજી લઇશ’, એવું હું મારી જાતને કહું તો સારું. અને એ પણ વિચારી લેવું કે તમે અવળું બોલો, ટોણો મારો તો સામેવાળાની પ્રતિક્રિયા પણ સાર્કાસ્ટિક હોઈ શકે. પછી તો મહાભારત થઈ જાય! વાંકું બોલવું, કરડું બોલવું, એનાં કરતાં ભલું બોલવું સારું. છોરો કે’દાડાનો કરડું કરડું કરતો’તો પણ કટુવચન જો વ્યસન બની જાય તો ખોટું. વક્રોક્તિ માત્ર ઉક્તિ (બોલ, કથન,વચન) છે એવું નથી. ઇશારામાં પણ થાય. અથવા શબ્દમાં પણ લખાય. અહીં સંભાળવું. વધારે પડતી ગેરસમજ ન થાય તે જોવું. સાર્કાઝમથી સામી વ્યક્તિમાં સુધારો થાય એવી અપેક્ષા રાખો તો તમારી એમ કહી/લખી દીધા પછીની વાત અને હાવભાવ સારા હોવા જોઈએ. શબ્દોનાં ઘા થાય તો રૂઝ આવતા વાર લાગતી હોય છે, સાહેબ! અને લખો ત્યારે તેને ‘સેન્ડ’ કરતાં પહેલાં ‘રી-રીડ’ કરવું. સાર્કાઝમ આમ તો ઇન્ટેલિજન્ટ વ્યક્તિની નિશાની છે. જે સાર્કાઝમ કહી/લખી શકે, એ વ્યક્તિ બેલાશક હોંશિયાર છે. પણ એનાથી સંબંધ તૂટે છે. એના કરતા સબ કુછ શીખા હમને, ન શીખી હોંશિયારી-નું ગીત ગાવું હિતાવહ છે.

શબ્દ શેષ:

“તમે પહેલેથી જ આટલા મૂર્ખ છો કે પછી આજે કોઈ ખાસ પ્રસંગ છે?” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized