Daily Archives: જૂન 28, 2022

‘નગરી નામે… !’પ્રતિભા ઠક્કર

· 

‘નગરી નામે… !’

એક સાથે જોયેલાં ખ્વાબની વાર્તા.😍

મારી વહાલી દીકરી મેઘાને જન્મદિવસની ભેટ …✍️🌹🌼🍁☘️🌺

એક મજાનીવાર્તા #સહિયર#ગુજરાતસમાચાર#સ્ત્રીઆર્થ

લેખક – પ્રતિભા ઠક્કર

વાચિકમ – યામિની વ્યાસ

નમી ટ્રેનની બારીમાંથી વૃક્ષો અને વાદળોની સંતાકુકડી ની રમત જોઈ રહી હતી. જીવનના સાતમા દાયકા માં પ્રવેશ થયો હતો. મહામારી પછીના બે વર્ષ પછી એ ઘર બહાર સોલો ટ્રીપ માં નીકળી હતી. નજર સામે દેખાતા પાછા ફરતા વૃક્ષોને જોઈ ને એ પણ પોતાના જીવનના પાછલા દિવસો તરફ સરી પડવાની તૈયારીમાં હતી ત્યાં દીકરી મુસ્કાન ના શબ્દો યાદ આવ્યા વર્તમાનમાં જીવવાનું વર્તમાનમાં જ મહાલવાનું.

હા ટુરની ટિકિટ અને ટુરનો પ્લાન જ્યારે હાથમાં આપી ને તૈયારીઓ શરૂ કરાવી ત્યારે નમી માં પણ એક જોશ ફરી વળ્યો. રેગ્યુલર મેડિસિન, ડાયરી, બુક્સ, નાસ્તોવગેરે પણ ચીવટ પૂર્વક મુકાવ્યું.

બે કલાક પછી જમવાનો સમય હોય ટિફિન ભૂલી ન જાય એની ખાત્રી કરી. બધા ઉત્સાહ સાથે ટ્રેન પર મૂકવા આવ્યા હતાં.

ધીરે ધીરે બહાર અંધકાર પોતાનું સામ્રાજ્ય જમાવતો હતો. સાથે લાવેલું ટિફિન ખોલી અને જમવાનું પતાવવું જોઈએ એવું વિચારી ટિફિન ખોલ્યું. સામે ની સીટ પર મા અને નાનકડી દીકરી હતાં. નમીએ એમની જોડે થોડી ઔપચારિક વાતોની આપલે કરી. પરસ્પર જમવાનું આદાન પ્રદાન કર્યું. એ લોકો થોડી વારમાં સૂઈ ગયા.નમી પણ સાથે લાવેલી બુક વાચતા વાચતા થોડી વાર પછી સૂઈ ગઈ.

ટ્રેનની સવાર થોડી વહેલી પડી. ફ્રેશ થઈ ત્યાં ચા લઈ ફરતાં છોકરાનો અવાજ સાથે કપ રકબીનો તાલબદ્ધ ખખડાટ અને બહાર ઉષાનું આગમન એને એક સુંદર પ્રસ્તુતિ લાગી. એણે ચા પીધી.

એક નવાજ વાતાવરણની અનુભૂતી સાથે એણે બારી બહાર નજર દોડાવી. રસ્તાઓ જાણે ચિર પરિચિત લાગતા હતાં. ક્યારેક અહીં થી પસાર થઈ હોય એવો અહેસાસ થવા લાગ્યો. પર્સ ખોલી ટ્રાવેલ પ્લાન જોયો. હા, આ તો એજ સ્થળ હવે નજીકમાં હતું જ્યાં બાળપણ નાં વેકેશનો ગાળ્યા હતાં. મા અને ભાઈ બહેન સાથે નાની ને ત્યાં મૌજ થી રજાનો સમય પસાર કર્યો હતો.

હવે આટલા વરસે આ ગામ કેવું હશે એ વિચારવા લાગી. એની આ ગામની સલૂણી યાદો દીકરી સાથે વહેંચી હતી એટલે આ રીતનો પ્લાન બન્યો હશે એવું એ સમજી ગઈ અને મનમાં ને મનમાં દીકરીને આનંદ સાથે વહાલ થી જાણે ચૂમી લીધી.

બસ હવે થોડી મિનિટોમાં જ એની બાળ નગરી મા એ પહોંચવાની હતી. સ્ટેશન આવી ગયું.એ એક બાળસહજ થનગનાટ સાથે ઉતરી. જાણે સીતેર માં થી એ સાત વર્ષની બની ગઈ હોય. આજુબાજુ નજર દોડાવી. અહીં હવે કોઈ પરિચિત તો હતું નહિ. એને તો માત્ર ને માત્ર એ રસ્તાઓ પર ચાલવું હતું જ્યાં એની નાની નાની પગલીઓ પડી હતી, એ અદ્રશ્ય છાપને જોવી હતી, એ ધૂળ ને ચહેરા પર ઝીલવી હતી, એ હવા શ્વાસમાં ભરવી હતી.હા એ મૌજ એ માણવા લાગી.

નાનકડા ગામ માં થી શહેરમાં રૂપાંતર પામી ચૂકેલા ગામમાં એ મૌજથી પગપાળા ફરી બધુજ બદલાઈ ગયું હતું, રસ્તે ચાલતાં એક પ્લે હાઉસની બોર્ડ વાચ્યું. એને નાનીનું બાલમંદિર યાદ આવી ગયું, એક ખુમારીથી ભરપૂર જિંદાદિલ ચહેરો જાણે એની સામે વહાલ ભરી નજરે બાળગીત ગવડાવતા નજરે ચડ્યો. બહુ નાની ઉંમરે વિધવા થયેલા નાની કેવા સ્વમાન થી જીવ્યા હતા, અને બા ને ઉછેર્યા હતા.

એણે ઓર્ડર કરેલું પેક લંચ વાવી ગયું હતું. એ વિચારી રહી કે નાની પણ કેવું જમવાનું બનાવતા.

ભૂતકાળની આ આનંદ સભર યાદો સાથે એ સ્ટેશને આવી, વિઝીટર રૂમમાં ફ્રેશ થઈ બેસીને આગળનો ટ્રાવેલ પ્લાન જોયો. એક અચંબા સાથે એણે પોતાના પ્રવાસના મુખ્ય સ્થળનું નામ વાંચ્યું આંખમાં એક ચમક સાથે એ નામ પર નજર થંભી ગઈ.

નગરી નામે સ્ત્રીઆર્થ… ઓહો! આ શબ્દ કેટલું બધું કહી જાય છે. થોડો આછેરો પરિચય હતો અને

એકોમોડેશનની માહિતી હતી. હવે એ મન થી ઉતાવળી થઈ હતી ત્યાં પહોંચવા. એ વિચારવા લાગી કે જીવનમાં આ પહેલા તબ્બકાની નિર્દોષ નમણી સફર અને જીવન ની આ સલૂણી સાંજની સફર… જિંદગીનાં શોરબકોરના બદલે કેવા સરસ લય છેડે છે.

ટ્રેન આવવાનો સમય થતાં એ પોતાની સીટ કનફર્મ કરી બેસી ગઈ.

બરાબર ચાર કલાક પછી એ સ્ટેશને ઉતરી, આહા! સ્ટેશન પર સ્ત્રી શક્તિને ઉજાગર કરતાં પોસ્ટરસ નજરે ચડ્યા. બધુજ નવી નજરે જ આકારાયું હતું. સ્વાતંત્ર્ય વખતના નેતાઓના સ્ત્રી વિષયક સૂત્રો, બંધારણના અધિકારો સમજાવતા પોસ્ટર ઉપરાંત વિવિધ સ્ત્રી વિષયક કવોટેશન્સ ના પોસ્ટર…. ક્યાંય ખોટી ઝંઝટ નહિ બસ વિચારોનું વહેતું વહેણ.

કોઈ પૌરાણિક કલ્પના ચિત્રો નહીં પણ વાસ્તવિકતા સભર સ્ત્રી શક્તિને ઉજાગર કરતા ચિત્રો થી સ્ટેશનની દીવાલો શોભતી હતી એ આ અદભૂત નગરી ની નજાકત જોઈ રહી.અહીં આ નગર વિશે બધીજ માહિતીઓ પણ જોવા મળી. આખે આખો મેપ હતો. એણે ફટાફટ મોબાઈલમાં બધું ક્લિક કર્યું.

હવે તે પોતાને રોકાવાનું હતું એ ઘર પાસે આવવાનું હતું, રિક્ષા જેવું એક વાહન લઈ એક સ્ત્રી આવી અને એમાં બેસવાનું કહ્યું. હા આવું વાહન એણે એક આઇલેન્ડ ની સફરમાં જોયું હતું. એમાં બેસી એએક વિશાળ પટાંગણમાં નાના નાના સુવિધા યુક્ત ટેન્ટ હતાં ત્યાં આવી. આપવામાં આવેલા ટેન્ટ માં પોતાનો સામાન મૂક્યો. ત્યાં એ લોકોએ મુકેલી પ્રાથમિક વસ્તુઓ સાથે અહીંના સ્થળોની માહિતી પણ હતી.એ બધું જોઈ રહી.ત્યાં બેલ વાગ્યો, હવે એને ભોજનશાળા તરફ જવાનું હતું.

અહીં સ્ત્રી પુરુષો સાથે મળી બધીજ વ્યવસ્થા સંભાળતા હતાં. સાદું છતાં સ્વાદિષ્ટ ભોજન હતું.

જમ્યા પછી એ પટાંગણ માં બહાર બેઠી, ધીમું સંગીત વાગતું હતું. પણ મુસાફરીનો થાક તો હતોજ.હવે એને ઊંઘ આવતાં પોતાનાં ટેન્ટ તરફ ગઈ અને મીઠી ઊંઘમાં સરી પડી.

બીજા દિવસથી એને એક ગાઈડ મળી. એક સુંદર મીઠડી છોકરી હતી.એનું નામ મૌસમી હતું. સ્કૂલ થી શરૂ કરી અને બધીજ જગ્યાઓની મુલાકાત લેવાની હતી. મૌસમીની જગ્યાઓનો પરિચય આપવાની શૈલી રોચક હતી.

પહેલાં એ લોકો સ્કૂલમાં ગયા.સ્કૂલમાં વિજ્ઞાન, સાહિત્ય સાથે બુનિયાદી કેળવણી પર ધ્યાન અપાતું હતું. એને તો મજા પડી ગઈ આ બધું જોઈ ને.

ત્યાર પછી એ લોકો લાઇબ્રેરી પાસે આવ્યા.

*લાઈબ્રેરી ડોર પર એક મોટું ચિત્ર હતું લખેલા શબ્દો પર રંગીન ચોકડી મારેલી હતી, શબ્દો હતાં સેકન્ડ સેકસ.*

અહીં એને આ સ્ત્રીઆર્થ નગરીનું હાર્દ સમજાયું. સ્ત્રી સેકન્ડ સેકસ નથી એવી સખત વિચારસરણી સાથે જીવનારાઓનું આ નગર હતું,એ તો આ શહેરના પ્રેમમાં પડી ગઈ હતી.

અહીં ન્યાયાલય પણ હતું. ઉચ્ચ આસને સ્ત્રીઓ જ હતી પણ ત્યાં વિવાદ કરતાં સંવાદ થી પ્રશ્નો નીપટાવવા માં આવતા હતાં. એક નગર આયોજન અને વહીવટ માટે નું કાર્યાલય પણ હતું.અને હોસ્પિટલ પણ હતી. અહીં પણ આ વિશેષતા છતી થતી હતી. સ્ત્રી પ્રધાન વધુ જોવા મળ્યું.અલબત્ત પુરુષો પણ પોતાની યોગ્યતા સાથે કામ કરતાં હતાં પણ સરખી હિસ્સેદારીથી.

ત્યાર પછી એણે કલાકારી નામનું એક સંકુલ જોયું ત્યાં ચિત્રો થી માંડી લેખન રૂમ, સંગીત સદન, નૃત્ય શાળા, નાટ્ય મંચ… અદભુત અદભુત . એના મોં માં થી શબ્દો સરી પડ્યાં.

અહીં રાત્રિ બજાર પણ હતી, ખાવા પીવાની અઢળક વેરાયટી… કોઈ ભેદ નહિ, મોટા ભાગના રેસ્ટોરાં સ્ત્રીઓ જ ચલાવતી હતી.નમીએ એ મજા પણ માણી.એને મન થયું કે ઘરે ફોન કરી કહી દઉં કે હવે હું અહીંજ રહીશ.આમ નમી તો એક નવા જ પ્રવાહમાં તણાઈ રહી હતી.

એણે મૌસમી ને લગ્ન પ્રથા વિશે પૂછ્યું તો બહુ સુંદર અને આદર્શ જવાબ મળ્યો. અહીં લગ્ન કરી ને સ્ત્રી કોઈના ઘરે જતી નથી.યુવક યુવતી પોતાનું અલગ ઘર વસાવે છે, જરૂરતના આધારે કે આનંદથી બંનેના મા બાપ ત્યાં થોડા દિવસોરહેવા જાય છે. બાકી વડીલ સ્ત્રી પુરુષો યુવા જિંદગી માં દખલ નથી કરતા તો યુવા વર્ગ પણ એ લોકો સાથે પ્રેમ અને માન થી વહેવાર કરે છે.

એક પ્રકૃતિ પૂરમ નામનું સંકુલ હતું

જ્યાં ફૂલોની નગરી હતી, કલાત્મક ઝરણાં અને ટેકરીઓ બનાવવામાં આવી હતી.

એકાએક નમી એ પૂછ્યું કે અહીં કોઈ મંદિર જેવું કશું??? મૌસમી એ પોતાની મોટી મોટી આંખો પટપટાવી પૂછ્યું, તમને એવી કોઈ જરૂર લાગે છે? આ તો પ્રકૃતિનું….નમી એ એને અધવચ્ચે જ રોકતાં કહ્યું, ના માત્ર જાણકારી ખાતર જ પૂછ્યું. હું તો માનવ વાદી છું. મૌસમી આ જવાબ સાંભળી ખૂશ થઈ ગઈ એણે નમીને હગ કર્યું.અને બોલી કાશ! સારું વિશ્વ આ બાબતે સમજે તો કેટલાયે પ્રશ્નો હલ થઇ જાય!

બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી. વિવિધ મુદ્દે દલીલો થતી પણ મૂળ વિચાર બંનેના મળતા આવતા હતાં. નમીને આ માહોલ ખૂબ જ ગમી ગયો.

પોતાના ટેન્ટ માં આવી પહેલું કામ એણે પોતાના રોકાણ ના દિવસો વધારવાની એપ્લિકેશન કરી. એણે મૌસમી ની વાત પર થી જાણ્યું હતું કે જો ઈચ્છે તો એને અહીં લાયબ્રેરી માં જોબ મળી જાય. એને દીકરી સાથે આ ખુશી પણ વહેંચવી હતી. એણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો. પણ મોબાઈલમાં એલાર્મની રીંગ વાગી. ઘરમા હસવા બોલવાના કલશોર સાથે એ જાગી ગઈ.

હવે નમી આનંદ છતાં દ્વિધામાં મૂકાઇ ગઇ સામે ખિલખિલાટ હસતી દીકરી ઊભી હતી. નમી ને અહેસાસ થયો કે પોતે જે ટ્રીપ કરી એ તો એનાં સપનાની નગરી હતી જે આજે સ્વપ્નમાં અનુભવી. એક અતિ સુખદ અનુભૂતિ સાથે એ દીકરીને ભેટી પડી આજે તેનો જન્મદિવસ હતો. આમ તો દીકરી એ મોટી થઇને પોતાનામાં પણ એક નવી સ્ત્રી પ્રગટાવી હતી એટલે પોતાનો પણ. અને ખૂબ હોંશ થી ની વાતો આજે આખો દિવસ નગરી સ્ત્રીઆર્થની વાતો ચાલી…❤️

Leave a comment

Filed under Uncategorized