દર્દની એવી નિશાની હોય છે
જીવતી જાણે કહાની હોય છે
એ હ્રદય સોંસરવી ઉતરી જાય છે
શબ્દની એવી રવાની હોય છે
રાહ જોતા આંખ થાકી જાય પણ
એ વ્યથા કેવી મજાની હોય છે !
આપણે ઈતિહાસ લખવો કઈ રીતે?
એક સરખી જિંદગાની હોય છે
વ્યર્થ ધરતી પર નહીં શોધ્યા કરો
પ્રેમ એ તો આસમાની હોય છે
અશ્રુઓ પડઘા ભલે પાડ્યા કરે
લાગણી તો છાનીમાની હોય છે
યામિની વ્યાસ