Daily Archives: જુલાઇ 8, 2022

‘તમસના ટોળાં’

સંવેદનાસભર નવલકથા ‘તમસના ટોળાં’

(આ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે યામિની વ્યાસ, ડૉ. પન્ના ત્રિવેદી, ડૉ. પ્રફુલ્લ દેસાઈ, રૂપીન પચ્ચીગર, પ્રજ્ઞા વશી, ચિંતન નાયક અને નરેશ કાપડીઆ)

સાહિત્ય એ સમાજનો આયનો છે. સમાજમાં જે બને છે તે એક યા બીજી રીતે સાહિત્યમાં ઝીલાય છે. આપણી વાર્તાઓ, જેમાં નવલકથા, ટૂંકી વાર્તા અને નાટક-ફિલ્મોમાં જે ઘટના ચક્ર આવે છે તે સમાજમાં ઘટેલી ઘટનાઓનું પ્રતિબિંબ હોય છે. એ પ્રતિબિંબ ચોક્ખું હોય અથવા તેમાં નૈતિક ફેરફાર પણ થાય. એનું કારણ એ છે કે વાર્તા એ કલ્પના છે. જયારે સત્યઘટના આધારિત વાર્તા હોય તેમાં પણ કલ્પનાના અંશો સામેલ હોઈ શકે છે. પણ મોટા ભાગનું આપણું કથા સાહિત્ય કલ્પના આધારિત હોય છે, જેને અંગ્રેજીમાં આપણે ‘વર્ક ઓફ ફિક્શન’ કહીએ છીએ.

જીવનમાં કેટલીક મોટી ઘટનાઓ બને, જેનો વ્યાપ મોટો હોય, સમાજના અનેક લોકોને તેની અસર થઇ હોય તેવી ઘટના આધારિત સત્યકથા કે કાલ્પનિક કથાનું સર્જન એ સાહિત્ય કર્મ છે. જેમકે પહેલું અને બીજું વિશ્વ યુદ્ધ. તેમાં કેટલીય ઘટનાઓ એવી બની જેણે અનેક સ્થળે અનેક લોકોના જીવન પર અસર કરી. તો તેનું ચિત્રણ થાય અને તેમાં માનવ સંવેદના અને વેદના ઉમેરાય ત્યારે ઉત્તમ સાહિત્યિક સર્જન થાય. એ મહાઘટનાઓ કેમ ઘટી તેનું ચિત્રણ પણ થાય અને એ ઘટનાઓની પાશ્વભૂમિમાં નવી વાર્તાઓનું સર્જન થાય. આપણા દેશમાં છૂત-અછૂતની સમસ્યા હતી અને તે ધીમે ધીમે નાબૂદ થવા માંડી. આ ગાળામાં કેટલીય ઉત્તમ કથાઓ સર્જાઈ જેમાં આ સમસ્યાની વેદનાઓ ઝીલાઈ. કેટલીય રાજકીય ઘટનાઓ પણ આ રીતે માનવ સમૂહને અસર કરતી હોય છે. જેમકે ભારતના ભાગલા અને બે દેશોનું સર્જન થાય તે મહાઘટના આધારિત સેંકડો કથાઓ સર્જાઈ. એમાંની કેટલીય કથાઓ સત્ય, અર્ધસત્ય અને કાલ્પનિક હશે, આપણને તેમાંથી સઆદત હસન મંટો જેવાં મહાન વાર્તાકાર મળ્યાં. વિદેશોમાં પણ આજ રીતે કેટલાંય મહાન વાર્તાકારો થયાં.

આપણા જીવનકાળમાં દેશના ભાગલા, આઝાદી મળવી ત્યારબાદ રાજકીય કટોકટી (જેને આર્થિક કટોકટી નામ અપાયું હતું), અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો તોડી પાડવો અને તેના અનુસંધાને થયેલાં કોમી હુલ્લડો આવી મોટી ઘટનાઓ હતી. કોમી બાબતોને આપણે સંવેદનશીલ માનીએ છીએ. કોઈની પણ કોમી લાગણી ઘવાઈ શકે અને તેઓ જઝબાતમાં પ્રતિક્રિયા આપે અને માનવીય દુર્ઘટનાનું ચક્ર ફરતું રહે એવું બનતું રહે છે.

હવે મુદ્દો એ છે કે દેશમાં ૧૯૯૨માં અયોધ્યામાં ઘટેલી ઘટના અને તેની પ્રતિક્રિયાઓના ચક્રો ગતિમાન હોય ત્યારે સંવેદનશીલ સાહિત્યકારની ભૂમિકા કેવી હોય? કુદરતી રીતે તેમણે એવાં સર્જન કરવા જોઈએ કે જેથી જનમાનસમાં એકમેક માટેની કડવાશ ઘટે. સર્જનાત્મક સાહિત્યકાર લાગેલી આગને ઠારવા માટે પ્રયાસ કરે, તેમાં પેટ્રોલ છાંટવાનો પ્રયાસ નહીં કરે. વળી, આ કાર્ય પણ અઘરું છે કારણકે તેમાં બે કે વધુ કોમના ઝનૂની લોકોને ગમે-ન ગમે તેવી ઘટનાના ચિત્રણ હોય અને તેઓ સાહિત્ય સર્જક પ્રત્યે પણ પ્રતિક્રિયા આપે. છતાં, સાહીત્યકારનો એ ધર્મ હોવો જોઈએ કે દિશાહીન થયેલાં ટોળાંઓને તેઓ માર્ગ સૂચવે. ‘ગાંધી’ ફિલ્મની કથામાં આવો એક અદભુત કિસ્સો છે. એક કોમનો ઝનૂની માણસ કહે છે કે તેમણે અન્ય કોમના માનવની હત્યા કરી છે, તો ગાંધીજી સૂચવે છે, ‘તમે એના સંતાનને દત્તક લઇ લો, એ સારું પ્રાયશ્ચિત હશે.’

આ ચર્ચા આપણે ડૉ. પ્રફુલ્લ દેસાઈની તાજા નવલકથા ‘તમસના ટોળાં’ના લોકાર્પણ પ્રસંગે કરીએ છીએ. ૧૯૯૨માં ઘટેલી કોમી ઘટનાઓથી ગુજરાત પણ રક્તરંજીત થયું હતું, ત્યારે ડૉ. દેસાઈએ બાબરી મસ્જીદ ઘટનાને પાશ્વભૂમાં રાખીને અનેક કાલ્પનિક પ્રસંગો દ્વારા બે અલગ કોમના પ્રેમી યુગલની પ્રેમકથા સર્જી હતી અને તેમાં બંને કોમો દ્વારા થયેલાં કરવા જેવાં અને ન કરવા જેવાં કૃત્યો દ્વારા ઘટનાચક્ર સર્જીને ‘કોણ એને બોલાવે?’ જેવી સંવેદનશીલ નવલકથા દ્વારા પોતાની રીતે રાહ ચીંધ્યો હતો. આ નવલકથા સુરતના ‘ગુજરાતમિત્ર’માં ધારાવાહી રીતે રવિપૂર્તિમાં પ્રગટ થઇ અને વિશાળ વાંચક વર્ગે તેની સરાહના પણ કરી હતી.

તેના દસેક વર્ષ બાદ ગોધરા કાંડ થયો. ફરી કોમી હુતાશની પ્રગટી. ગુજરાતે ફરી રક્તસ્નાન કર્યું. હવે ડૉ. દેસાઈમાંના સાહિત્યકારે ફરી પોતાનો ધર્મ યાદ કર્યો અને પહેલી નવલકથાના ઉત્તરકાંડ રૂપે સર્જી નવલકથા ‘તમસના ટોળાં’. તેમણે આગલી નવલકથા જ્યાં પૂરી થયેલી ત્યાંથી એ પાત્રોના જીવનમાં દસેક વર્ષ પછી સર્જાયેલી ઘટનાઓની કલ્પના અહીં કરી છે.

એ કથાનો અંત ખુલ્લો હતો. એક મુસ્લિમ યુવતી હિન્દુ યુવકના પ્રેમમાં છે, પણ કોણ એને બોલાવે? એ પાત્રોની વાત આગળ વધી હવે એ યુવતી વકીલ બની છે અને પેલા યુવકના પિતાની સહાયક છે. ૨૦૦૨માં લખાયેલી આ નવલકથા વીસ વર્ષ પછી વાચકો સુધી આજે પહોંચી.

ડૉ. દેસાઈ આ નવલકથા દ્વારા જે સંદેશો આપે છે તે સ્પષ્ટ છે. સામાન્ય માનવ જીવનની મુસીબતોમાંથી ખસીને કોમી બનતો નથી. તેને ઉશ્કેરવામાં આવે છે. જેઓ ઉશ્કેરતા હોય છે, તેમાંના મુખ્ય હોય છે રાજકીય નેતાઓ, જેઓ આવી ઉશ્કેરણી બાદ બનતી ઘટનાઓને વટાવીને મત મેળવીને રાજકીય સફળતા મેળવવા પ્રયત્નશીલ હોય છે. આમ મતનું રાજકારણ કેવાં ખતરનાક ખેલ ખેલે છે તે નેતા સિવાય સૌને માટે કેટલું ખતરનાક હોય છે, તેની અહીં લેખકે પોતાની રીતે સમજ આપી છે. આ લેખક એક સામાન્ય તબીબ છે, જેણે આજીવન બંને કોમોના દર્દી – લોકોની સેવા કરીને બંને કોમનું માન ગ્રહણ કર્યું છે.

‘તમસના ટોળાં’નું વિમોચન આજે સવારે ૧૦.૩૦ કલાકે રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા વજુભાઈ ટાંક સ્મૃતિ ભવન, શાહપોર, સુરત મુકામે થયું.

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત ‘તમસના ટોળાં’ ડૉ. પ્રફુલ્લ દેસાઈ લિખિત ૨૭૨ પાનાની નવલકથા છે, જેનું મૂલ્ય રૂ. ૩૫૦ છે.

પુસ્તક પરિચય – ૨૪.૦૪.૨૨ (ડૉ. પ્રફુલ્લ દેસાઈનો ૮૫મો જન્મદિન – ‘ધબકાર’માં પ્રકાશિત)

Leave a comment

Filed under Uncategorized