Daily Archives: જુલાઇ 10, 2022

સ્પર્શ/યામિની વ્યાસ

સ્પર્શ

“યાર, રસ્તો કેટલો મસ્ત છેને, હજુ સ્પીડ વધારને, ધ્યાન, નહીં તો મને ચલાવવા દે?”

“ભાઈ વિરાટ, આમેય આ બાઇકની સ્પીડ બહુ છે. અડકે ને તરત ઊડવા માંડે. ને તારા હાથમાં આપીશ તો તો એરપ્લેન જ. શું ઉતાવળ છે? મમ્મીપપ્પાને આમેય પહોંચતાં વાર લાગશે. ત્યાં વહેલો પહોંચીને શું કરીશ?”

“કેમ રિધમ પણ આવી જ હશેને તને શોધતી? સૉરી રિધમભાભી. જીભને ટ્રેઈન કરવી પડશે પણ બચપણની દોસ્ત ને વળી મારી તો ક્લાસમેટ. ઓકે હવે ભાભી બોલતા ટેવાઈ જઈશ બસ?”

રાજેશભાઈ અને સુચેતાબેનનો જાણીતો સંસ્કારી પરિવાર. સમાજમાં પણ માનમોભો. મોટી દીકરી પરણીને વિદેશમાં સેટલ અને બે હોનહાર દીકરા ધ્યાન અને વિરાટ. ત્રણ વર્ષ મોટો ધ્યાન ઠરેલ ને ઠાવકો. ભણી રહ્યો ને પપ્પાના બિઝનેસમાં જોડાયો. કુશળ ધ્યાને ત્રણેક વર્ષમાં તો આખો કારોબાર ખભે ઉપાડી લીધો. વિરાટનું પણ એમ.બી.એ.નું પરિણામ હમણાં જ આવ્યું. થોડો મસ્તીખોર પણ એનું ધ્યાન રાખવાવાળો ધ્યાન હતો એટલે રાજેશભાઈને ફિકર નહોતી. થોડા દિવસો પહેલાં જ રાજેશભાઈએ પોતાના મિત્ર અને જૂના પાડોશી સુનિલભાઈની દીકરી રિધમ માટે ધ્યાનની વાત કરી હતી. સુનિલભાઈ તો ખુશ હતા. ઊલટું, તેઓ જ એ બાબત વાત કરવાના હતા. રિધમે પણ એમ.બી.એ. હમણાં જ ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું હતું. છોકરોછોકરી એકબીજાને ઓળખતાં તો હતાં છતાં વિધિવત્ એકબીજાને મળવાની ગોઠવણ કરી. રિધમ અને વિરાટ બાળપણમાં સાથે ભણતાંરમતાં એ યાદ કર્યું ને ધ્યાન ત્રણ વર્ષ મોટો એટલે એની પાસે કોઈવાર ગણિતના દાખલા શીખી હતી એ સ્મૃતિમાં હતું. પછી તો સુનિલભાઈની બદલી થતાં દૂર થઈ ગયાં તે છેક આજે મળ્યાં.

બંને પરિવારે ધ્યાન અને રિધમને પોતપોતાની રીતે નિર્ણય જણાવવા સમય આપ્યો. પોતાની ત્વરિત નિર્ણયશક્તિ પર શ્રદ્ધા રાખનાર ધ્યાનની તો હા હતી પણ રિધમે થોડો સમય લીધો. અરે, સુનિલભાઈએ તો એને વિરાટ માટે પણ પૂછી જોયું, “બેટા, કોઈના તરફથી કોઈ જ ફોર્સ નથી, જીવનનો અગત્યનો નિર્ણય ખૂબ વિચારીને લેજે. અને તને તારો દોસ્ત વિરાટ પસંદ હોય તો એ પણ કહેજે. એ ઘરના બધાં જ સારા માણસો છે.”

“અરે, ના પપ્પા એવું કંઈ છે જ નહીં. અમે તો ત્યારે કેટલાં નાના હતાં! ત્યારે તો નાનપણના તોફાન મસ્તી. મને યાદ છે ,પકડદાવ રમતાં ત્યારે વિરાટ જોરથી ધબ્બો મારતો અને અમે એને વિરાટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહેતાં.પણ થપ્પો રમતાં આઉટ થતાં ત્યારે એની મજબૂત પંજો અમને બચાવી પણ લેતો.ને ધ્યાન માટે તો અમારી ટોળકીના મન પર ભણેશ્રીની જ છાપ.” રિધમ યાદ કરી હસવા માંડી. બીજે દિવસે રિધમે ઠરેલ ધ્યાન માટે હા કહી.

બસ હવે વિવાહવિધિ ક્યારે એ નક્કી કરવાનું હતું. બંને પરિવારો એક કૉમન સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે મળવાના હતા ત્યાં જવા નીકળ્યા હતા. રાજેશભાઈ ને સુચેતાબેન વિદેશથી બાળકો સાથે આવેલી દીકરી સાથે ઘરેથી કારમાં વહેલાં નીકળ્યાં હતાં અને બંને ભાઈઓ ઓફિસેથી થોડું કામ પતાવી બાઇક પર પહોંચવાની તૈયારીમાં હતા.

અચાનક જ પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરે કંટ્રોલ ગુમાવ્યો. એટલો વેગમાં ધસી આવ્યો કે સંયમિત રીતે ચાલી રહેલી બાઇકને અડફટે લીધી. ધ્યાને ખૂબ કોશિશ કરી પણ આખરે બંને ભાઈઓ ફંગોળાયા. વિરાટ ઊછળીને ડિવાઈડર સાથે અથડાયો ને ધ્યાન ડમ્પરના પૈડાં સાથે ઘસડાયો. આજુબાજુના વાહનચાલકો અને લોકો ભેગાં થઈ ગયા. તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડાયા.

સારું હતું કે ખૂબ જાણીતી, મોટી, સુવિધાવાળી હૉસ્પિટલ હતી. વિરાટને માથામાં સખત ઇજા થઈ હતી. ધ્યાનનો જમણો હાથ કચડાઈ ગયો હતો. એમના મોબાઈલથી ખબર પહોંચાડતા તાબડતોબ પરિવાર આવી ગયો હતો અને ખબર પડતાં જ રિધમનું કુટુંબ તથા અન્ય સંબંધીઓ મિત્રો પણ દોડી આવ્યા. મોટું મિત્રવર્તુળ હતું. આઘાતથી અવાચક થઈ ગયેલા પરિવારને સહુ આશ્વાસન આપી મદદ કરવા તૈયાર હતા. રિધમ તો કંઈ સમજી જ નહોતી શકતી. થોડી જ મિનિટોમાં વિરાટને બ્રેઇનડેડ જાહેર કરાયો અને ધ્યાનનો જમણો હાથ ઑપરેશન કરી તાત્કાલિક કાપવો પડ્યો. સદ્ભાગ્યે વળી હેલ્મેટથી માથું બચી ગયું હતું. દુઃખના અફાટ મહાસાગર વચ્ચે જે થયું તે સ્વીકારવાનું જ હતું. બબ્બે યુવાન દીકરાની આવી હાલત જોઈ ભલભલાની છાતી બેસી જાય. રડતી આંખ અને ભીનું હૃદય છતાં ઉદાત્ત, પરોપકારી રાજેશભાઈ અને સૂચેતાબેને નાના દીકરા વિરાટના અંગદાનનો નિર્ણય લીધો. સહુએ વિશાળ હૈયે સ્વીકાર્યો. એ મુજબ વિરાટની આંખો, કિડ્નિ, હૃદય, લીવર, ફેફસા… અરે, ચામડી સુધ્ધાંનું દાન કર્યું. અને એના હાથ ધ્યાનને મેચ થાય કે કેમ એની ત્વરિત વિવિધ ટેસ્ટ થઈ. અને સર્વના પોઝિટિવ પરિણામ પછી અડધો જ કલાકમાં વિરાટનનો હાથ ધ્યાનના શરીરમાં આરોપાયો. ઓર્થોપ્લાસ્ટિક સર્જરીથી એક ભાઈના સ્નાયુઓ અને નવ્ઝથી બીજા ભાઈનો હાથ જોડાયો. ઓપરેશન સફળ રહ્યું.

દુઃખનું ઓસડ દહાડા કહેવાય પણ ઘણા દુઃખોનાં ઓસડ કોઈ નથી હોતાં. દિવસો તો વીત્યા પણ ધ્યાન હજુ પણ સ્તબ્ધ હતો.કેવી રીતે બધું અચાનક આંખના પલકારામાં બની ગયું અને વિરાટ કઈ રીતે આ વિરાટ દાન કરી ઘડીના છઠ્ઠા ભાગમાં જતો રહ્યો એ વિચારે ધ્રુજી ઊઠતો. કોઈ અચાનક જતું રહે તોય સૃષ્ટિ કહો કે કાળ કહો કે આ દુનિયા તો એમ જ ચાલતી રહે તેમ સમય વીતતો ગયો. છએક મહિના પછી હાથ થોડું સરખું હલનચલન કરતો થયો. “લે યાર મારો હાથ આપું, ઊભો થા, ધ્યાન. ભાઈ તારે તો બધાને સાચવવાના છે. મમ્મી પપ્પાને હસતાં કર. દીદીને બોલાવ ને રિધમને રિધમમાં લાવ.” જાણે વિરાટનો હાથ, એની આંગળીઓ બોલી ઊઠતી, હથેળી મલકી ઊઠતી. “લાવ, તારો ડાબો હાથ.” કહી ધ્યાનના ડાબા હાથની આંગળીઓને જમણા હાથની આંગળીઓથી બાથ ભીડી દેતો. અને એ સ્પર્શમાં સો ટકા વિરાટને અનુભવી શકાતો.

ધીમે ધીમે આજ સૃષ્ટિ અને આજ દુનિયામાં સહુ ગોઠવાતા ગયા. મોટી બહેન એક વર્ષ પછી રક્ષાબંધને ફરીથી આવી. ધ્યાનના જમણા હાથે બંને ભાઈઓને બાંધે છે એ ભાવથી બાંધી હાથ ચૂમી લીધો. મમ્મીપપ્પા પણ એને સ્પર્શી લેતા ને વિરાટની અનુભૂતિ કરતાં. ધ્યાન સંપૂર્ણ સ્વસ્થ થયો પછી રિધમને પૂછવામાં આવ્યું. જોકે, આ દુર્ઘટના પછી રાજેશભાઈએ રિધમને અને એના મમ્મીપપ્પાને સગાઈ કરવી કે ન કરવી એ નિર્ણય લેવાનું એમના તરફ માનપૂર્વક છોડી દીધું હતું. હવે એનો જવાબ લેવાનો હતો. સારવાર દરમ્યાન રિધમ મોટેભાગે સાથે જ હતી. ધ્યાનને સાજો કરવામાં એનો પણ મોટો ફાળો હતો. સહુએ ધાર્યું હતું એ મુજબ એની હા જ હતી. લગ્ન નક્કી કર્યા અલબત્ત ધામધૂમથી જ. હવે ઘરમાં ધીમે ધીમે ખુશી પ્રવેશી રહી હતી. ને ખાસ તો વેવાઈની એકની એક દીકરી રિધમનો પહેલો કે છેલ્લો જે ગણો તે આ એકજ અવસર હતો. જતા જતા કેટલીય જિંદગીઓ જીવાડતો ગયેલો વિરાટ ઘણા રૂપમાં સાથે જ છે એ સાક્ષીએ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો. હસ્તમેળાપની ક્ષણે સહેજ ધ્રુજતા ધ્યાનના જમણા હાથને રિધમે જોરથી પકડી રાખ્યો.

== યામિની વ્યાસ

May be an image of 1 person and text

Leave a comment

Filed under Uncategorized