Daily Archives: જુલાઇ 12, 2022

તાજું છાપું/યામિની વ્યાસ

તાજું છાપું

“તમારે કેટલી મજા હેંને, સંતોષકાકા. એક જ જગ્યાએ બેસી રહેવાનું ને આરામથી ટિક ટિક કરીને ઉપરનીચે નીચેઉપર ફર્યા કરવાનું? અમારે તો સ્કૂલે જઈ આ ભારેખમ પરીક્ષા આપવાની!”

“હા પિન્ટુભાઈ, તમને ગુડલક. વેકેશનમાં તમેય અહીં આવજો, મારી સાથે બેસજો બસ.”

“ઓ પિન્ટુડા, તારે લિફ્ટમેન થવું છે? ચાલ જલ્દી, વૅન આવી ગઈ. પરીક્ષામાં બરાબર લખજે. સરખું યાદ તો છેને? તારા પાઉચમાં ત્રણ પેન એકસ્ટ્રા મૂકી છે. ને સાંભળ…” પિન્ટુની મમ્મી વિશ્વાએ એને લિફ્ટમાંથી ખેંચી વૅનમાં બેસાડી દીધો. અને વૅન ઉપડી ત્યાં સુધી સલાહ આપતી રહી. પાછી ફરી ત્યારે લિફ્ટને નીચે ન જોતાં ફરી બબડી, “કહીને તો ગઈ હતી. સંતોષથી બે મિનિટ પણ ઊભા નહીં રહેવાય. લિફ્ટ નવમાં ફ્લોર પર ગઈ. હવે દસ મિનિટ ગણી જ લેવી. શ્વેતાડી છેજ જબરી. પોતે મોડી ઊઠે ને છોકરાઓને જેમતેમ તૈયાર કરે. છોકરીનું માથું ઓળવાનું બાકી હશે તોય લિફ્ટ તો બોલાવી જ લે. વૅન તો ગઈ હવે. વરને મોકલશે સ્કૂલે મૂકવા ને સંતોષ લિફ્ટમાં બેઠો બેઠો એક પણ શબ્દ બોલશે નહીં. એ તો ભગવાન જાણે શું કરે છે? આખો દિવસ બધાં સાથે બોલબોલ કરે ને નવરો પડે તો મોબાઇલમાં માથું ખોસી રાખે છે ને કાનમાં દોરા લટકાવી રાખે તે કેમનો સાંભળે? ચાલ, પેપર પણ આવી ગયું હશે. ઓહો! આજે તો બુધવાર, વાર્તા વાંચવાની…”

વિશ્વાબેન બબડે એટલું જ બાકી એ કાયમ એના વિશ્વમાં જ ડૂબી હોય, એ તારણ પણ સંતોષનું જ. વિશ્વા બજાર જાય ત્યારે સંતોષને ભાવતા પાપડના ગુલ્લા પણ એ જ લાવતી.

સંતોષ ચાર વર્ષથી અપેક્ષા એપાર્ટમેન્ટમાં લિફ્ટમેનની નોકરી કરતો. પ્રામાણિક અને નમ્ર હતો. નાનાંમોટાં બધાં સાથે આદરથી વર્તતો. ટૂંકમાં, એના કામથી બધાંને સંતોષ હતો. કોઈની ચાવી રહી ગઈ હોય, ચાર્જર રહી ગયું હોય, લંચ બોક્સ કે પાણીની બોટલ પણ એને કહેવું ન પડે. ઉપર જઈ ત્વરિત લઈ આવતો. એને એક પગે ખોડ પણ સહુ સહકાર આપતા. એને બધાંના સમયની બરાબર ખબર રહેતી. વળી રોજ સ્કૂલ, કૉલેજ, ઓફિસ જનારા જો સમય થતાં ન આવે તો ફિકર પણ કરતો. એની પત્ની પણ અહીં જ ઘણાને ઘરે કામ કરતી એટલે એ નાતે પણ ઓળખાણ. કોણ, કોને ત્યાં કેટલો સમય આવે છે, જાય છે, કોનાં કોણ સગાં, મહેમાન સર્વેને એ જાણે અને એ રીતે આદરથી વર્તે. એપાર્ટમેન્ટનો ઇલેક્ટ્રિક ફ્યૂઝ બદલવો હોય કે પાણીની મોટરનો કૉક બગડી ગયો હોય તો એ એક પગે દોડી જતો. અપેક્ષા એપાર્ટમેન્ટવાળાએ એને નોકરીએ રાખ્યો એ જ મોટો ઉપકાર માનતો.

પહેલાં તે કોઈ પ્રેસમાં વૉચમેન હતો. દિલથી નોકરી કરતો. ત્યાં આવતા લેખક કે પત્રકારોને પણ ઓળખતો. હસતે મોઢે બધાંનાં કામ કરતો એટલે માનીતો હતો. વાંચવાનો અત્યન્ત શોખીન. નહીં સમજાય ત્યારે પૂછવામાં પણ સંકોચ ન રાખતો. એક વખત ફરજ દરમ્યાન ધસી આવેલ ગુંડાતત્વો સામે લડત આપતા એ ઘવાયો. એક પગે ખોડ આવી ને એણે નોકરી ગુમાવી. ત્યાંના કર્મચારીઓએ ખૂબ વિનંતી કરી પણ માલિકે થોડા રૂપિયા આપી છૂટો કર્યો. પ્રેસમાં અવારનવાર આવતા પિન્ટુના દાદાએ જ અહીં લિફ્ટમેનની નોકરી અપાવી હતી.

એ લિફ્ટમાં સતત ઉપરનીચે ફરતો એમ નહીં, પણ દુનિયા ફરતો હોય એ રીતે આનંદ લેતો. લિફ્ટ ચોખ્ખી ચણાક રાખતો. એમાં મોબાઇલમાં ધીમું મ્યુઝિક વાગતું હોય અને વળી એકાદ ન્યૂઝપેપર કે મેગેઝીન હોય જ. ખૂણેખૂણો વાંચી કાઢતો. ભણતર તો હતું એસ.એસ.સી. ફેઈલ પણ અખબાર લોકો વાંચે એ પહેલાં એણે વાંચી લીધું હોય ને પછી એ લોકોની આંખો વાંચતો. સવાર, સાંજ કે બપોર લોકોના હસતા, તાજગીભર્યા, પ્રસન્ન, મસ્તીભર્યા, રાહતભર્યા, આશભર્યા, તોફાની, ઉતાવળિયા, ગભરાટિયા, બેચેન, દ્વિધાભર્યા, થાકેલા, કંટાળેલા અકળાયેલા, ચિંતાગ્રસ્ત કે નિરાશ ચહેરાઓનો અભ્યાસ એને આપોઆપ ચૂપચાપ જ થઈ જતો.

એક દિવસ પિન્ટુના દાદાએ એને બોલાવ્યો. એક કામ સોંપ્યું. હાના કરતા એણે ખંચકાતા સ્વીકાર્યું પણ ખરું. થોડા વખત પછી ખબર નહીં કેમ, તે પોતાના મોબાઇલમાં ખૂપતો ગયો. ઘણાને નવાઈ લાગી. એને પૂછતા તો મજાકમાં હસી કાઢતો. એક દિવસ વિશ્વાથી ન રહેવાયું એણે ઘરે કામ કરવા આવેલી સંતોષની પત્નીને પૂછ્યું, “હા ભાભી, ખબર નથી. ઘરે પણ એ તો આખો વખત મોબાઇલમાં જ હોય. કોણ જાણે શું કરે! એમાં જોવા પણ નહીં દે.” પોતુ નીચોવીને સૂકવતાં સૂકવતાં એણે ખોસેલો છેડો સરખો કર્યો.

“ઊભી રહે, હું પણ આવું છું.” વિશ્વા એને લઈ તરત લિફ્ટમાં પહોંચી. સંતોષના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો. ઉપરનીચે સ્ક્રીન ફેરવી જોઈ. “ઓહોહો.. આમાં તો કંઈ નથી. સંતોષ, આ પેપરની વાર્તા વાંચવા મોબાઇલમાં કેમ આંખો ફોડે છે? ઘરેથી લઈ જતો હોય તો… જોકે, બધાં વાંચી રહે પછીનું વાસી હં. મને તો તાજું જ પેપર વાંચવા જોઈએ. કોઈ વાંચી લે પછી નહીં.” એટલામાં લિફ્ટ આ ફ્લોર પર ઘણી વખત રોકાઈ રહી જોઈ ઘણાએ સંતોષના નામની બૂમાબૂમ કરી. બધાનો જવાનો સવારનો સમય હતો. સંતોષ લિફ્ટની સ્વિચ દબાવે એ પહેલાં દાદાજીએ આવી કહ્યું, “વિશ્વા, તમે ત્રણ અઠવાડિયાથી જે વાર્તા રસપૂર્વક વાંચો છો એ ‘અપેક્ષા’ના ઉપનામથી લખનાર સંતોષ જ છે. એનો મોબાઇલ આપી દે. છાપાંથીય પહેલાં એમાં છપાય છે.

— યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized