· રેઝિગ્નેશન: ત્યાગીને ભોગવવાની મઝા
‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા,
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.
– અમૃત ઘાયલ
રાજકોટ એટલે ઘાયલ સાહેબનું શ્હેર. ‘મઝા’ શબ્દ રાજકોટનો ટ્રેડમાર્ક છે. અહીં બસ બધું મઝા મઝા. અને એવું ન હોય તો.. એટલે એમ કે અહીં કશું ન ગમે, પીડા થાય, ભાવે નહીં, મોસમ બગડે એવી બધી જ વાત- મઝા નથી- એવા બે શબ્દો સાથે કહી શકાય. અહીં ખાવાનામાં મઝા નથી, વરસાદમાં મઝા નથી, ઘૂંટણમાં મઝા નથી, માણસમાં મઝા નથી વગેરે. થોડાં દિવસ પહેલાં ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાનો રેઝિગ્નેશન (Resignation) લેટર દર્શાવતો એક નાનકડો ટ્વીટ વાઇરલ થઈ ગયો હતો. એમાં રાજીનામું આપતો આ રાજેશ નામનો જણ નક્કી રાજકોટનો જ હોવો જોઈએ. ‘મઝા’ શબ્દનો અર્થ તો એ જ સમજી શકે. એક અન્ય સમાચાર સૌથી ટૂંકા રેઝિગ્નેશન લેટરને લગતા પણ ગયા અઠવાડિયે આવ્યા. માત્ર ત્રણ શબ્દો. ‘બાય બાય સર’.. અને પછી ‘આપનો વિશ્વાસુ’ લખીને રાજીનામાં ઉપર કર્મચારીએ સહી કરી. અને અમને શબ્દસંહિતા માટે શબ્દ મળ્યો: રેઝિગ્નેશન (Resignation).
ગુજરાતી લેક્સિકોન અનુસાર રેઝિગ્નેશન એટલે પદસ્થાનનું ત્યાગપત્ર, રાજીનામું. ત્યાગપત્ર તો જાણે સમજ્યા પણ રાજીનામું? નારાજગી ભારોભાર ભરી હોય પણ તો ય આપણે ગુજરાતીઓ એને રાજીનામું કહીએ! હિન્દીમાં ત્યાગપત્ર તો સમજાઈ જાય. નોકરીનો ત્યાગ કરવો તે. રાજીપો કે નારાજગી એ તો પછીની વાત છે. ઉર્દૂમાં ઇસ્તિફા. મૂળ અરેબિક શબ્દ ઇસ્તિ+અફૂ. પૂર્વગ ‘ઇસ્તિ’નો તો કોઈ અર્થ નથી. પણ ‘અફૂ’ એટલે ઉપકારથી છૂટું થવાની માંગણી કરવી તે. પણ એ જુઓ કે અહીં ક્યાંય રાજીપો નથી. મૂળ લેટિન શબ્દ ‘રેઝિગ્નેર’ એટલે સીલ તોડવું, રદ કરવું. મૂળ તો આ એકાઉન્ટ્સનો શબ્દ છે. રી+સિગ્નેર. ‘રી’ એટલે ફરીથી અને ‘સિગ્નેર’ એટલે એકાઉન્ટ્સમાં એન્ટ્રી કરવી. એટલે એમ કે એક વાર ઉધાર ખાતે એન્ટ્રી થઈ હોય પછી જ્યારે એટલી જ રકમની એન્ટ્રી જમા ખાતે થાય એટલે મૂળ એન્ટ્રી રદ થઈ ગણાય. કેન્સલ થઈ જાય. એમ રેઝિગ્નેશન આપે એટલે એ કેન્સલ થઈ જાય! રેઝિગ્નેશન સામાન્ય રીતે સ્વેચ્છાએ અપાયેલું હોય છે. શક્ય છે, કોઇની ધાકધમકી કે ડરથી પણ આપવામાં આવ્યું હોય. રાજીનામું નારાજીનામું પણ હોઇ શકે! પુરાવા રૂપે કવિ શ્રી મુકેશ જોષીની ત્રિપદી: ઝાડ નામની ઑફીસ ઉપર પવન-કાયદા જોયા છે? લીલમ્-લીલા કામ કરે પણ અંતે મળતો જાકારો, ઘણાં પાંદડાં રાજીનામું લખતાં લખતાં રોયાં છે. પણ… આજકાલ સ્થિતિ ઊલટી છે. હવે પાંદડાં પર ઝાંકળ નથી હોતું, પાંદડાં રાજીનામું લખતાં રોતા નથી. અમેરિકામાં ગયા વર્ષે ૪ કરોડ લોકોએ નોકરીનો ત્યાગ કર્યો. ઓસ્ટ્રેલિયા, ચીન, યુરોપ સાગમટે રાજીનામું આપવાનો નયા દૌર ચાલ્યો. આગામી જુલાઇ મહિનામાં જર્મન એરલાઇન્સ લુફ્તથાન્સાએ ૧૦૦૦ ફ્લાઇટ્સ રદ કરી દીધી કારણ કે સ્ટાફ નથી. હવાઈ નોકરીમાં હવે લુત્ફ નથી! ભારતમાં રેઝિગ્નેશનનો સિલસિલો આઈ. ટી. ક્ષેત્ર પૂરતો મર્યાદિત હતો પણ તો પણ… દસ લાખ આઇટી એન્જિનિયર્સ એક વર્ષમાં એકસાથે ગાઈ ઊઠે કે… યે મેરા ત્યાગપત્ર પઢ કર, કે તુમ નારાજ ન હોના. કારણ? કારણ કે કાગડો હવે આનંદી છે, વિષમ પરિસ્થિતિમાં દુ:ખી થઈ થઈને પણ કામ કર્યા કરવું? ના રે ના! એ આઝાદ છે. ક્યારે ઊડી જાય, કહેવાય નહીં. રાજા લાચાર છે કારણ કે કાગડાને જોબ સ્ટેબિલિટી કરતા જોબ સેટિસ્ફેક્શન વધારે પ્રિય છે.
ટેક્સાસ યુનિવર્સિટીનાં એક પ્રોફેસરે આ વિશ્વવ્યાપી નોકરી છોડો ઘટનાને નામ આપ્યું: ‘ધ ગ્રેટ રેઝિગ્નેશન’ અથવા ‘બિગ ક્વિટ’ (Big Quit). કોવિડનું કારણ હોય કે કોઈ અન્ય કારણ હોય પણ હવે સ્થિતિ બદલાઈ છે. હવે ગ્રાહક હંમેશા સાચો છે, એવું નથી. હું રેસ્ટોરાંમાં જાઉં અને વેઇટર ઉપર ગુસ્સો કરું કે સર્વિસ કેમ મોડી દીધી? તો માલિક કે મેનેજર વેઇટરની તરફદારી કરશે. કારણ કે મારા જેવા ઘરાક તો અનેક મળી જશે પણ વેઇટર નહીં મળે.. યૂ સી! અને મોટા ભાગનાં લોકોએ નોકરી બદલી છે, છોડી નથી. એટલે એમ કે તેઓ જોબ ક્વિટર્સ નથી પણ જોબ સ્વેપર્સ છે. સ્વેપ (Swap) એટલે અદલબદલ. કદાચ એવું હોય કે કોઈ એક જગ્યાએ ઢસરડો કરતા હતા. કાયમ એકનું એક. નવું ક્યારેય અજમાવ્યું નહોતું. હિંમત નહોતી નવું ટ્રાય કરવાની. પણ કોવિડમાં નોકરી છૂટી ગઈ. એટલે ફરજિયાત કશુંક નવું કર્યું. કરવું પડ્યું. અને એ ચાલી ગયું. કોવિડ ન આવ્યો હોત તો કદાચ હજી ન્યાં ને ન્યાં જ ગૂંદાણાં હોત. અને ન્યાં જ રોદણાં રડતા હોત કે હાય નોકરી.. નો કરી.. કહે છે કે આ સાગમટાં રાજીનામાં પાછળ ‘વર્ક લાઈફ બેલન્સ’ પણ એક કારણ છે. અમે એને મજાકમાં વર્ક વાઈફ બેલન્સ કહીએ છીએ. એટલે એમ કે નોકરી અને પત્ની વચ્ચે સમય ફાળવણીની સમતુલા. અલબત્ત નોકરી કરતી કે અન્યને નોકરી આપતી મહા ઈલાઓ માટે એ વર્ક હસબન્ડ બેલન્સ છે. હવે એ જમાનો નથી કે હાય પૈસો, હાય પૈસો. અત્યારે કમાઈ લેવું. પછી ફુરસદે ખર્ચ કરીશું. પાછલી જિંદગીમાં. ના, એવું નથી. બચત કરવાનો ય વાવરો હવે રહ્યો નથી. અત્યારે જ લાઈફ જીવી લેવી. જલસા કરી લેવા. કારણ કે જિંદગીકે સફરમેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફીર નહીં આતે..’ને ભૂલ ભૂલમાં આવી જાતે હૈ તો તેવારે આપણાં ઘૂંટણ નહીં ચાલતે હૈ! માટે.. જો ભી હૈ, બસ યહી એક પલ હૈ અને એટલે આ ગ્રેટ રેઝિગ્નેશન.
‘રેઝિગ્નેશન’ શબ્દનો એક ઊલટો અર્થ પણ છે. શાંતિથી સહન કરવું તે, દરેક પરિસ્થિતિ પ્રત્યે સર્વથા આત્મસમર્પણની ભાવના. સ્વીકારી લેવું કે કશુંક ખોટું/ખરાબ થશે કે થઈ રહ્યું છે. પણ.. હું અસમર્થ છું. મારો કોઈ કાબૂ નથી. નિદા ફાજલીનો શે’ર યાદ આવે છે. અપની મરઝીસે કહાં અપને સફરકે હમ હૈ, રુખ હવાઓંકા જિધરકા હૈ ઉધરકે હમ હૈ.. એ મારું રેઝિગ્નેશન છે!

શબ્દ શેષ:
“તમે જ્યાં છો ત્યાં તમને ન ગમતું હોય તો ચાલી નીકળો. તમે ઝાડ નથી.” –અજ્ઞાત