સંકલ્પનો સૂર્યાસ્ત/ યામિની વ્યાસ

સંકલ્પનો સૂર્યાસ્ત

રત્ન જ્યારે ઈસ્ત્રી કરેલાં કપડાં ઘરે આપવા આવતો ત્યારે શ્યામલીની એની સાથે હંમેશા લડાઈ થતી. આ કપડું કેમ આ રીતે ઈસ્ત્રી કર્યું છે? આનાં પર કેમ ડાઘ દેખાય છે? આનાં પર કેમ સળ પડ્યા છે? વગેરે વગેરે. ત્યારે રત્ન ખૂબ ધીરજપૂર્વક જવાબ આપતો. આખરે શ્યામલીની મમ્મી વચ્ચે પડતી, “એને હેરાન શું કામ કરે છે? અરે! આટલાં બધાં પોટલાં એક સાથે લાવતાં ક્યારેક દબાયે ખરાં!”

રત્ન સોસાયટીના નાકે જ એના પરિવાર સાથે રહેતો. ઊંચો, ગોરો પહાડી છોકરો. બે ત્રણ પેઢીઓથી એનો પરિવાર અહીં ઇસ્ત્રીનું કામ કરે. રત્ન ભણવામાં સારો હતો. બારમાં સુધી ભણ્યો પણ પછી ઘરના ધંધામાં જોડાતા એણે કૉરિસ્પોન્ડિંગ ગ્રેજયુએશન કર્યું. એને આગળ જઈને ‘રત્ન ડ્રાય ક્લીનર્સ’ એવી મોટી શોપ ખોલવી હતી. એને માટે એ ખૂબ મહેનત કરતો.

શ્યામલી સુભાષભાઈ અને સ્વાતિબેનની એકની એક લાડલી દીકરી. તે કોમ્યૂટર એન્જિનિયરિંગ ભણતી હતી. ચાર દિવસ પછી એની બર્થડે હતી. એનાં માટે એ સરસ ગાઉન ખરીદી લાવી હતી. અને મમ્મીના કહેવા મુજબ, એ હંમેશા કોઈ પણ કપડું ખરીદે, ભલે એ રૂમાલ કેમ ના હોય, એને પાણીમાં પલાળી ધોઈ નાંખતી અને ઈસ્ત્રી કારવીને જ ઉપયોગમાં લેતી. કોણ જાણે કોણે કોણે એ કપડાં અડકયાં હોય કે પહેરી જોયાં હોય! એવી જ રીતે એણે નવો ગાઉન ધોઈને ઈસ્ત્રીમાં આપ્યો હતો.

ઘરનો બેલ વાગ્યો. એણે જ બારણું ખોલ્યું. રત્ન કપડાં લઈ ઊભો હતો. એનું મોઢું વિલાયેલું હતું અને બોલ્યો, “સોરી છોટી મેડમ, આ તમારા ગાઉન પર જે નાયલોનની લેસ હતી એના પર ગરમ ઈસ્ત્રી લાગી ગઈ છે એટલે સહેજ બળી ગઈ છે. હજુ કંઈ બોલે એ પહેલાં તો શ્યામલીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો. રત્ન પર ગાઉન ફેંકતા બોલી, “આવું જ નવું ગાઉન હમણાં ને હમણાં લાવી દે.” ને પગ પછાડતી રૂમમાં જતી રહી. સ્વાતિબેનને દુઃખ તો થયું જ પણ બોલ્યાં, “હવે લેસ બળી જ ગઈ છે તો શું થાય? બીજી વાર ધ્યાન રાખજે.” કહી રત્નને પાછો મોકલીને શ્યામલીને સમજાવવાં લાગ્યાં, “જો, આટલું જ બળી ગયું છે, હું દરજી પાસે નવી લેસ લગાવરાવીને ઠીક કરાવી દઈશ.” પણ માને એ શ્યામલી નહીં.

રત્નને પણ દુઃખ થયું. ગાઉન પર બ્રાન્ડનું નામ વાંચી લીધું હતું. મોલમાં તપાસ કરવા નીકળ્યો.

આ બાજુ શ્યામલી પણ નવા ગાઉનનીની શોધમાં નીકળી. વળી એ જ કલર જોઈતો હતો. ફ્રેંડસ જોડે ડ્રેસકોડ રાખ્યો હતો. હવે પાર્ટીમાં પહેરવું શું? બહુ શોધ્યો પણ એવું ને એવું ગમતું ગાઉન ના મળ્યું. આખરે રત્ન પર બબડતી, ગુસ્સો કરતી, કોઈ બીજો ડ્રેસ ખરીદી ઘરે આવી. એનો મૂડ ઑફ હતો. સ્વાતિબેને તરત જ સામે એક પ્લાસ્ટિક બેગ ધરી. શ્યામલીએ જોયું તો એમાં પેલું જ ગાઉન હતું. શ્યામલી ખુશીથી ફૂલી ના સમાય, “ઓ મારી વહાલી મા, તું નવું લઈ આવી કે પેલું જ રીપેર કરાવ્યું? જે હોય એ. ઓહોહો! સલામ તને. એક્સઝેટ એજ. થેન્ક યુ મા, થેન્ક યુ. પેલા રતનીયાને તો જોજેને, એના આ મહિનાના બીલમાંથી રૂપિયા કાપી લઈશું.”

સ્વાતિબેન એને રોકતાં બોલ્યાં, “જરા ધીરી પડ. આ રત્ન જ આપી ગયો છે.” ગાઉન ફેરવીને જોતાં, “ઓ મમ્મી એમ? મને ના મળ્યું, એ ક્યાંથી શોધી લાવ્યો?”

“અરે! શોધી લાવ્યો એટલું જ નહીં, ધોઈને ઈસ્ત્રી કરીને આપી ગયો છે.”

શ્યામલી ખુશ થઈ ગઈ. તરત જ રત્નને ફોન જોડી થેન્ક યુ અને સોરી કહ્યું.

આ ઘટના બાદ શ્યામલી રતન સાથે સારી રીતે વર્તતી. હંમેશા નવું શીખવા તત્પર રત્ન શ્યામલીને ઘણું પૂછતો, કોમ્યુટર ને મોબાઈલ એપ્લિકેશન્સ વિશે શ્યામલી સમજાવતી. સ્માર્ટ રત્ન તરત શીખી લેતો ને આભાર માનતો. મહેનતુ અને સ્વાભિમાની રત્ન આમ પણ સોસાયટીમાં બધાને પ્રિય હતો. કોઈનું પણ બિલ ભરવાનું, હપ્તા ભરવાનું, પોસ્ટનું કે બેંકનું કામ ખુશીથી કરી આપતો. વળી, ડ્રાયવિંગ પણ શીખી લીધું હોવાથી ડ્રાઇવર તરીકે પણ કામ કરી લેતો. વડીલોને મૂકવા લેવા જવું, હોસ્પિટલ બતાવવા લઈ જવા વિગેરે માટે ફ્રી સેવા આપતો.

સુભાષભાઈ જ્ઞાતિના આગેવાન, વળી થોડું જ્યોતિષ પણ જાણે એટલે સલાહસૂચન માટે કે જન્માક્ષર બતાવવા કે કુંડળી મેળવવા ઘરે અવરજવર પણ રહેતી,કે પછી એમને વક્તા તરીકે બહાર પણ જવું પડતું. કુંડળીની ઝેરોક્સ કોપી કઢાવી લાવવી કે સુભાષભાઈને લેવા મૂકવાનું કામ રત્ન જ કરતો. શ્યામલીને પણ કોલેજ કાર્યક્રમોમાં કે ટૂર પરથી મોડું થતું તો લાવવા લઈ જવાનું કામ સુભાષભાઈ એને જ સોંપતા. એના પર પૂરો વિશ્વાસ હતો.

રત્નના સ્વપ્ન સમાન ‘રત્ન ડ્રાય ક્લીનર્સ’ નામની આધુનિક સુવિધા સાથે એણે શોપ ચાલુ કરવી હતી કે જેમાં ગ્રાહકોને સંતોષપૂર્ણ ફાસ્ટ સર્વિસ મળી રહે, એ પણ કિફાયતી દરે. એના માટે સુભાષભાઈ સહિત સોસાયટીના કેટલાય રહીશો લોન આપવા કે મદદ કરવા તૈયાર હતા પણ બધાને એ આદરપૂર્વક ના પાડતો. એણે પોતાની મહેનતથી જ એ સપનું સાકાર કરવું હતું.

એ બાબત શ્યામલી સાથે ઘણી વાતો થતી. શ્યામલીને એનો આ એટીટ્યૂડ ખૂબ ગમતો. ધીમે ધીમે બન્નેની દોસ્તી વધી, એટલું જ નહીં પ્રેમમાં પલટાઈ ગઈ. રત્ન પોતાની હેસિયત જોઈ દૂર રહેતો પણ શ્યામલી તો એની કાબેલિયત પર વારી ગઈ હતી. રત્નની મનાઈ છતાં એણે ઘરે વાત કરી. મમ્મી તો ઠીક પણ પપ્પા કદી ન માને એની એને સો ટકા ખાતરી હતી.

આખરે એજ થયું. જ્ઞાતિના આગેવાન પપ્પાએ પ્રચંડ વિરોધ કર્યો. મમ્મીએ એને ખૂબ સમજાવી પણ શ્યામલી ન માની. એણે કહ્યું, “મને ખબર જ હતી, અમે તો તમારી જાણ બહાર જ કોર્ટ મેરેજ કરી લેત, પણ આ તો રત્નની ખાનદાની હતી કે આપ બન્નેની રજા વગર લગ્ન નથી કરવા એવો એનો આગ્રહ હતો. હવે હું જાઉં છું.”

આખરે એ ઘર છોડી ગઈ અને રત્ન સાથે પરણી ગઈ. વળી એને નવી જોબ પણ મળી અને કમ્પની તરફથી મળેલાં ઘરમાં તેઓ રહેવાં લાગ્યાં. રત્ન હવે ‘શ્યામ-રત્ન ડ્રાય ક્લીનર્સ’ માટે તનતોડ મહેનત કરવા લાગ્યો.

અહીં સુભાષભાઈને તો પોતાનું નાક કપાયાની લાગણી થઈ. ખૂબ ગુસ્સે થયા. આજુબાજુવાળા સોસાયટીના રહીશોએ ખૂબ સમજાવ્યા પણ એમણે તો જાહેરમાં દીકરીનાં નામનું નાહી નાખ્યું અને કદી પણ મોઢું ન જોવાનો દ્દઢ સંકલ્પ કર્યો.

દિવસો વીતતા ગયા. સુભાષભાઈ અને સ્વાતિબેનને એકની એક દીકરી યાદ આવવા લાગી પણ એ વિરહ ન સહેવાતા સોસાયટીનું ઘર બંધ કરી દૂર નાનો ફ્લેટ લઈ રહેવાં ચાલ્યાં ગયાં. બંનેનાં જીવનની સાંજ વહેલી ઢળી. રોજ દરિયાકિનારે સૂર્યાસ્ત જોવા જતાં પણ પછીનું અંધારું ન સહેવાતાં થોડાં વહેલાં પાછાં ફરતાં. આજે એવી જ ઘેરાશમાં પાછાં ફરતાં હતાં ત્યાં કોઈ ભૂલી પડેલી નાનકડી ઢીંગલીએ સુભાષભાઈની કફનિની બાંય ખેંચી, “મમ્મી…” કહેતી રડવા માંડી. પરાણે વહાલી લાગતી ઢીંગલીને ઊંચકી ત્યાં તો ફરીથી ખુશીથી ચિચિયારી પાડી…”મમ્મી..” પાછળ ફરીને જોયું તો શ્યામલી ઊભી હતી અને એની પાછળ રત્ન.

દરિયામાં સૂરજ ડૂબી રહ્યો હતો પણ જતા જતા કહેતો હતો, ‘સંકલ્પો ક્યારેક તોડી પણ શકાય!’

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.