પૂરક સાંનિધ્ય/યામિની વ્યાસ

સૌમ્ય અને લાવણ્યા બંને બિલકુલ નામ પ્રમાણેના જ ગુણ ધરાવતાં હતાં. આજે નવીનક્કોર બાઈક પર રાત્રે સાડા બાર વાગે અઠવા ગેઇટ ફલાયઓવર પરથી બંને મૂંગામંતર જઈ રહ્યાં હતાં. સૌમ્ય લાવણ્યાને ઘરે મૂકવા જતો હતો. આજે નાટ્યસ્પર્ધાના અંતિમ દિને જાહેર થયેલા પરિણામના પ્રથમ વિજેતા નાટકનાં બંને બેસ્ટ એક્ટિંગ વિનર અભિનેતા-અભિનેત્રી હતાં, એટલે સ્વાભાવિક રીતે બંને ખૂબ મૂડમાં હતાં. જાણે બંને એકબીજાની એટલાં સમીપ હતાં કે શબ્દોની જરૂર ન હતી. સૌમ્યના મનમાં શું ચાલતું હશે ખબર નહીં પરંતુ લાવણ્યાને લાગ્યું કે, આ જ સમય છે, સૌમ્યે મૂકેલી પ્રેમની દરખાસ્તનો જવાબ આપવાનો. પોતાને વ્યકત કરવા એણે માથું સૌમ્યની પીઠ પર ઢાળી દીધું અને હાથ કમર ફરતે વિંટાળ્યો. આ એટલું અચાનક થયું કે સૌમ્યે પૂરપાટ જતી બાઈક પરનો કાબૂ ગુમાવ્યો. બાઇક ડિવાઈડર પરની રેલિંગ સાથે અથડાઈ. સૌમ્ય ઊછળ્યો અને દૂર ફંગોળાયો. લાવણ્યા પણ આંચકા સાથે બીજી તરફ ફેંકાઈ. એની સાથે જ એના મોઢામાંથી સૌમ્યના નામની ચીસ નીકળી ગઈ. પરંતુ સૌમ્ય એ પહેલી કે છેલ્લી ચીસ સાંભળી ન શક્યો… લાવણ્યાએ એને કાયમ માટે ગુમાવી દીધો હતો. લાવણ્યા શહેરના યુવાન મનોચિકિત્સક ડૉ. અંશની સારવાર હેઠળ હતી. ડૉ. અંશ ખૂબ જ ધૈર્યથી કન્સલ્ટેશન અને પછી કાઉન્સેલિંગ કરતા. લાવણ્યા શક્ય એટલું ઓછું– હા કે નામાં જ જવાબ આપતી. એકવાર તેમણે ખૂબ શાંતિથી લાવણ્યાને પૂછ્યું, ‘લાવણ્યા, સૌમ્યમાં એવું તે શું હતું કે તું એને જવાબ આપવા મોઢું પણ ન ખોલી શકી?” આ સવાલની સાથે જ લાવણ્યા ચહેરા પર હાથ મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ડૉકટરે એને રડવા દીધી. થોડીવારે શાંત થતાં જ લાવણ્યા જાણે નોર્મલ ફીલ કરી રહી હતી. એના ચહેરા પરનું લાવણ્ય અને ઝૂકેલી પાંપણ જોઈ ડૉ. અંશ ઝૂમી ઊઠયા. એની મહિનાઓની મહેનત ફળી હતી. પછીના એક બે સિટિંગ્સમાં તો લાવણ્યા એકદમ નોર્મલ બની ગઈ. એણે સત્યને સ્વીકારી લીધું. ડૉ. અંશે કહ્યું, “કોંગ્રેચ્યુલેશન્સ! મારી મહેનત અને તમારા કો-ઓપરેશનથી આપણે જીતી શકયાં.’ લાવણ્યા ‘થેન્ક યુ’થી વિશેષ કાંઈ ના બોલી. માનસિક રીતે સ્વસ્થ બનેલી લાવણ્યા ફરી ભણવા માંડી. એમ.એ. પાર્ટ ટુના સાયકોલોજી વિષયો સાથેની પરીક્ષાની તૈયારી કરવા લાગી. એણે મનોમન નક્કી કર્યું કે, સૌમ્યની યાદ સાથે જ જીવીશ. એનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. પી.એચ.ડી. કરીને પ્રોફેસર બનવાની તેની ઇચ્છા હતી. આ તરફ અંશને ખબર પણ ન પડી કે લાવણ્યને સારી કરતાં કરતાં પોતે તેનો દર્દી બની ચૂક્યો હતો. એણે સિનિયર ડૉ. પ્રશાંતનો સંપર્ક કર્યો. અંશે જણાવ્યું, ‘લાવણ્યા નોર્મલ થઈ એ જાણે મને અંદરથી ગમ્યું નથી. મને એની ગેરહાજરી પરેશાન કરે છે. ડૉ. પ્રશાંતે ખૂબ સમજાવી ઈલાજ કર્યો છતાં અંશના મનમાંથી લાવણ્યા ખસતી ન હતી. આખરે લાવણ્યાને બોલાવી. લાવણ્યાને ખૂબ નવાઈ લાગી. લાવણ્યા ને અંશની હવેની વાતચીતમાં લાવણ્યા વધુ અને અંશ ઓછું બોલ્યો. જાણે કે, ડૉકટર લાવણ્યા હોય અને અંશ પેશન્ટ હોય! ડૉ. પ્રશાંતે લાવણ્યાને ડૉ. અંશ માટે કાઉન્સેલર તરીકે સેવા આપવાનું કહ્યું. લાવણ્યા થોડી આનાકાની સાથે તૈયાર થઈ. ત્રણેક અઠવાડિયા પછી લાવણ્યા અને ડૉ. પ્રશાંત જાણી શક્યાં કે સૌમ્ય અને લાવણ્યા જેવી જ હકીકત અંશ અને અદાની હતી. અદા અંશને જવાબ આપવાને બદલે અચાનક વળગી પડી. અંશે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. કાર ઝાડ સાથે ભટકાઈ. અદાને બ્રેઈન હેમરેજ… અંશે અદાને ગુમાવી. અદાની યાદ સાથે અંશે ફરી જિંદગી શરૂ કરી હતી. એ જ નિર્ણય સાથે કે અદાનું સ્થાન કોઈ ન લઈ શકે. પરંતુ, લાવણ્યાથી એ સ્થાન ડગમગતું લાગ્યું. થોડાં વધુ સીટિંગ બાદ લાવણ્યાને પણ ડૉ. અંશમાં પોતાના દર્દના અંશ જણાયા. હવે પ્રશ્ન અંશને સૌમ્યમાં બદલાવાનો અને લાવણ્યાને અદામાં બદલાવાનો હતો. હવે બંને એક જ કિલનિકમાં એક સાથે એકબીજાના સાંનિધ્યમાં એકબીજાના પૂરક બની આનંદથી જિંદગી જીવે છે ને હળવાશ અનુભવે છે. એકબીજાનો ખ્યાલ રાખે છે. તેઓ બંને એકબીજાના પૂરક છે,

છતાં સૌમ્ય તથા અદા પોતપોતાની યાદો સાથે, અંશ ડૉકટર તરીકે અને લાવણ્યા કાઉન્સેલર તરીકે….

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.