ઇન્સેસ્ટ્યુઅસ:Paresh Vyas

ઇન્સેસ્ટ્યુઅસ: અગમ્યગમન કરનાર

અરુણ શોરી કોણ છે? અર્થશાસ્ત્રી, લેખક અને એક સમયે ઇન્ડિયન એક્સપ્રેસનાં તંત્રી અને બાજપાઈ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ. તેઓનું નવું પુસ્તક ‘ધ કમિશ્નર ફોર લોસ્ટ કોઝિઝ’ તાજેતરમાં જ પ્રકાશિત થયું. ઇન્ડિયન એક્સપ્રેસનાં માલિક રામનાથ ગોએન્કા અરુણ શોરી માટે આ શબ્દો રમૂજમાં કહેતા હતા. એટલે એમ કે કોઈ કાર્ય કરવા માટે તમે ખૂબ મહેનત કરો પણ એનો હેતુ સર ન થાય, પરિણામ ન મળે એ લોસ્ટ કોઝ. ૧૯૮૦નાં દાયકામાં તેઓનાં પત્રકારત્વની કથા આ પુસ્તકમાં લખાયેલી છે. આરોપી ત્યારે જ ગુનેગાર કહેવાય જ્યારે ગુનો પુરવાર થાય. પણ હજારો અન્ડર ટ્રાયલ કેદીઓ જેલમાં સડતા હતા. અરુણ શોરીએ એ મુદ્દો હાથ ઉપર લીધો અને પરિણામ સ્વરૂપ સુપ્રીમ કોર્ટનાં આદેશથી અન્ડર ટ્રાયલ કેદીઓ જેલમુક્ત થયા. આ લોસ્ટ કોઝ નહોતો. અરુણ શોરી કહે છે કે મીડિયા માત્ર એવું રીપોર્ટ કરવા માટે નથી કે… આજે સોમવાર છે. પત્રકાર હોવું એ તો મોટી જવાબદારી છે. તેઓને અત્યારે એવું લાગે છે કે સરકારી તંત્રમાં બધી જગ્યાએ સ્તર કથળતું જાય છે. આમ આ બળાપો ય હોઈ શકે. આમ સાચું ય હોઈ શકે. તમે કોઈ પણ સિનિયર સિટિઝનને પૂછી જોજો, તેઓ કહેશે જ કે આ-દુનિયા-હવે-પહેલાં-જેવી-રહી-નથી!

હે પ્રિય વાંચક, આપ એ વિચારતા હશો કે આજનો શબ્દ અને આ સમાચારને શું લાગે કે વળગે? તમે સાચા છો. અમને પણ એવું જ થયું. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ઇન્સેસ્ટ્યુઅસ’ (Incestuous) એટલે બહુ જ નિકટના સગા સાથે સંભોગ કરનાર, અગમ્યગમન કરનાર. ઇન્સેસ્ટ એટલે એવો સંભોગ જે નિષિદ્ધ છે. તેઓએ આ શબ્દ ‘ધ પ્રિન્ટ’નાં શેખર ગુપ્તા સાથેનાં એક તાજા ઇન્ટરવ્યૂમાં કહ્યો. તેઓએ કહ્યું કે આજનું સરકારી તંત્ર ‘ઇન્સેસ્ટ્યુઅસ’ છે. ચાલો, શબ્દ જ સમજીએ.

મૂળ શબ્દ ઇન્સેસ્ટ એટલે ઇન+સેસ્ટસ. ‘ઇન’ એટલે નહીં અને ‘સેસ્ટસ’ એટલે શુદ્ધ અથવા પવિત્ર. જે પવિત્ર નથી એ. કાસ્ટ(જ્ઞાતિ) શબ્દ પણ સેસ્ટસ પરથી આવ્યો છે. લેટિન શબ્દ ‘ઇન્સેસ્ટમ’ એટલે અપવિત્ર, અશુદ્ધ, ભેળસેળવાળું. ઇન્સેસ્ટ્યુઅસ એટલે બહુ જ નિકટના સગા સાથે સંભોગ કરનાર, અગમ્યગમન કરનાર. અગમ્ય એટલે મળે નહીં,સમજાય નહીં, પહોંચી ન શકાય એવો ય અર્થ થાય. પણ અહીં ‘અગમ્ય’ એટલે નિષિદ્ધ, પ્રતિબંધિત, નઠારું, ખરાબ, દૂષિત એવો અર્થ કરવો. અને ‘ગમન’ એટલે સંભોગ. ગમન શબ્દનો અન્ય અર્થ ‘ગતિ’ કે ‘જવું તે’ પણ થાય છે પણ એ અહીં પ્રસ્તુત નથી. ઇન્સેસ્ટ એ વ્યભિચારનું એક અલગ જ લેવલ છે. ફોન+ઈન્ટરનેટનાં કારણે હવે પોર્ન ફિલ્મ્સ હથેળીવગી છે. એમાં વિવિધ કેટેગરી પૈકી એક છે ઇન્સેસ્ટ. ભાઈ બહેન, બાપ દીકરી, મા દીકરા, પછી તે સગા હોય કે સાવકા પણ તેઓ વચ્ચે સેક્સ સંબંધોની ફિલ્મ્સ. પોર્નની ય બૂરી લત પડી જતી હોય છે અને સાંપ્રત સમયમાં જે કુંટુંબમાં કે ઓળખીતા પાળખીતામાં બળાત્કાર કે શારીરિક છેડતીનાં ગુના થાય છે, એને માટે આવી લત પણ જવાબદાર હોય છે. હિંદુ ધર્મનાં ગ્રંથ ઋગ્વેદમાં સગોત્ર વિવાહ પર પ્રતિબંધ છે. દુનિયાનાં લગભગ દરેક ધર્મમાં, કેટલીક મામૂલી છૂટછાટને બાદ કરતાં ઇન્સેસ્ટ સંબંધ વર્જ્ય છે અને એટલે ત્યાજ્ય છે. કેટલાંક શાહી પરિવારમાં આવા લગ્ન થતાં, જેથી રોયલ બ્લડલાઇન આગળ વધી શકે પણ તેઓની સંતતિમાં રોગ, અકાળ મૃત્યુનું પ્રમાણ વધી જતું હોય છે. અનુવાંશિક વિકારની શક્યતા રહેલી છે. ભારત સહિત કેટલાંક દેશોમાં વયસ્ક કૌટુંબિક પુરુષ સ્ત્રી વચ્ચેનાં પરસ્પર સંમતિથી બંધાયેલા શારીરિક સંબંધ ગુનો તો નથી પણ આવા સંબંધો સામાજિક રીતે સ્વીકાર્ય નથી અને એવું કૃત્ય શાપિત કે વર્જીત ગણાય છે. આવા સંબંધ જબરજસ્તીથી હોય તો એ અલબત્ત બળાત્કાર ગણાય છે. પણ આ એક અર્થ છે.

બિઝનેસ કે પોલિટિક્સમાં ‘ઇન્સેસ્ટ્યુઅસ’ શબ્દનો એક બીજો અર્થ પણ છે. ગુજરાતી લેક્સિકોનમાં આ અર્થ શામેલ નથી. ઇન્સેસ્ટ્યુઅસ એટલે હદ બહાર કે ખોટી રીતે અંગત ઘરોબો ધરાવતો સંબંધ. સમાવેશક નહીં હોય એવો સંબંધ. ઇંગ્લિશ શબ્દ ‘એક્સક્લુસિવ’.ધંધો કે રાજકારણ પણ બહારનાં લોકોને પ્રવેશ નહીં. બહારનાં લોકોનો મત, સૂચન ગણવાના/ગણકારવાના જ નહીં. અમે કહીએ તે જ સાચું, બાકી બધા ખોટા. દાખલા તરીકે: કોઈ ફેશન મેગેઝીનને એમાં જાહેરાત આપનારા સાથે ઇન્સેસ્ટ્યુઅસ સંબંધ છે. એટલે એની જ વાત જ એ કહ્યે રાખે, એને જ વખાણે. સને ૨૦૧૧ માં જાપાનનાં ફુકુશિમા અણુશક્તિ પ્લાન્ટમાં થયેલી દૂર્ઘટના બાબતે બિઝનેસ ઇનસાઇડરે લખ્યું હતું કે ‘આનાં મૂળમાં રેગ્યુલેટર (નિયંત્રક) અને રેગ્યુલેટેડ (નિયંત્રિત) વચ્ચેનાં ઇન્સેસ્ટ્યુઅસ સંબંધ જવાબદાર હતા, અમેરિકામાં પણ એવું જ છે.’ અને ભારતમાં? આ લ્લે લે! ભારતમાં તો આવું હોય જ. ઔદ્યોગિક ગૃહો અને સરકાર વચ્ચેનાં સુંવાળા સંબંધ એવા કે નવા માટે ‘નો એન્ટ્રી’. હવે એમાં નવું શું છે? નવું આ શબ્દનો ઉપયોગ છે. ઇન્સેસ્ટ્યુઅસ! યે અંદરકી બાત હૈ! ગુજરાતની યુનિવર્સિટીઝમાં ગેસ્ટ લેક્ચર અંદરોઅંદર ગોઠવાય. હું તમને બોલાવું, પછી તમે મને બોલાવો. આ વાડકી વ્યવહાર પણ એક જાતનો ઇન્સેસ્ટ્યુઅસ સંબંધ જ ગણાય. કવિ સંમેલનમાં તો એવું ઘણું ઘણું થાય. નવો કોઈ ઘૂસવો ન જોઈએ. આમ સાહિત્યિક અગમ્યગમનમાં નવોદિત જૂનોદિત થઈ જાય તો ય વારો ન આવે!

ઇન્સેસ્ટ્યુઅસ શબ્દ જો કે શોરી સાહેબનો ફેવરિટ શબ્દ છે. તેઓએ ૨૦૧૧માં એક પ્રવચનમાં આ શબ્દ કોઈ એક પત્રકાર અને એ વ્યક્તિ/સંસ્થા કે જેની એ તપાસ કરી રહ્યો છે સાથેનાં એનાં સંબંધો માટે ઉપયોગ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે પત્રકાર એ ટ્રુથ(સત્ય)નો ટ્રસ્ટી છે, નહીં કે કોઈનો માઉથપીસ (મુખપત્ર). તેઓએ આ શબ્દ ૨૦૧૪ માં ઈન્ડિયા ટૂડેની ગેસ્ટ કૉલમમાં પત્રકાર માટે આચાર સંહિતા કેમ અને કેવી હોવી જોઈએ?-એની દલીલ માટે પણ કર્યો હતો. આજે તેઓ કહે છે કે સ્વતંત્ર પત્રકારત્વ અને સ્વતંત્ર ન્યાયતંત્ર માટે આ અઘરો સમય છે. ન્યાયાધીશો પણ નિવૃત્ત થયા પછી સરકારી નોકરી સ્વીકારતા થઈ ગયા છે. અત્યારે સત્તાનું એક જ કેન્દ્ર છે. સરકાર ઉપર કોઈ સંસ્થાગત કાબુ નથી. અને એ માટે કશી શરમ પણ નથી. ઇન્સેસ્ટ્યુઅસ સંબંધ છે તો છે તો છે. પણ અમને નવાઈ લાગે છે. એક પ્રતિબંધિત સંભોગનો શબ્દ રાજકીય સ્થિતિને દર્શાવવા માટેનો શબ્દ કેવી રીતે બની ગયો?

શબ્દ શેષ:

“સરકાર અને મોટા ઔદ્યોગિક ગૃહો વચ્ચેનાં ઇન્સેસ્ટ્યુઅસ સંબંધો અંધકારમાં ઉપર ચડે છે, ધમધમે છે, સમૃદ્ધ થાય છે.” –આધુનિક સંશોધનાત્મક પત્રકારત્વનાં પિતામહ ગણાતા કટારલેખક જેક એન્ડરસન (૧૯૨૨-૨૦૦૫)

May be an image of 1 person and text

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.