Daily Archives: ઓગસ્ટ 22, 2022

ઓર્વેલિયન: paresh Vyas

ઓર્વેલિયન: સ્વતંત્રતાનો માપદંડ

અને થઈને કવિ, માગું એટલું

ના તું અમારા કવિવૃંદને કદી

ઝૂલંત તારે કર પીંજરાના

બનાવજે પોપટ- ચાટુ બોલતા.

સ્વતંત્રતા, દે વરદાન આટલું. -ઉમાશંકર જોશી

એમેઝોન અત્ર તત્ર સર્વત્ર છે. આમ ઇ-કોમર્સનું પ્લેટફોર્મ. વેચનાર વેચી શકે, ખરીદનાર ખરીદી શકે. લોકોને પૂરતી પસંદગીનો અવકાશ. અને આપણે સ્વતંત્ર છીએ ખરીદી કરવા માટે. પણ સમાચાર છે કે એમેઝોનનાં કર્મચારીઓ સ્વતંત્ર નથી. તેઓ માટેનાં આંતરિક સંદેશા વ્યવહારનાં એપ ઉપર કેટલાંક શબ્દો પ્રતિબંધિત થશે. કર્મચારી ‘યુનિયન’ બનાવે તો નહીં જ પણ એ શબ્દ પણ આંતરિક ગૃપમાં લખી ન શકે. ‘ફાયર’ એટલે નોકરીમાં કાઢી મૂકવું. ફાયર શબ્દ લખી ન શકાય. અલ્યા, આગ લાગે તો શું? ‘ફાયર’ શબ્દ ન લખાય તો ‘સળગી ગયું’ એવું લખવું! તંઈ શું? ‘ટર્મિનેટેડ’ (નોકરીમાંથી કાઢી મૂકવા), ‘પે રાઇઝ’ (પગાર વધારો), ‘ગ્રીવન્સ’ (ફરિયાદ), ‘ફેવરિટીઝમ’ (તરફદારી) શબ્દો પર પણ પ્રતિબંધ. આ શબ્દો જાણે કે છે જ નહીં. જેફ બેઝોસનું પોતાનું સામ્રાજ્ય છે. તેઓનાં કર્મચારીઓએ વફાદાર તો રહેવું પડે. ‘મેરી બિલ્લી ઓર મુઝિસે મ્યાઉં’- આ ન ચાલે! પ્રતિબંધ માટે ઇંગ્લિશ ભાષામાં એક શબ્દ છે: ઓર્વેલિયન. એવી જ રીતે, જે બે મોઢાંની વાત હોય કે જેમાં કોઈ કહે કાંઈ પણ… એનો અર્થ એનાથી ઊલટો જ નીકળે તો એવી સ્થિતિ માટે પણ ‘ઓર્વેલિયન’ શબ્દનો ઉપયોગ થાય. પુતિન માટે એવું કહેવાય છે કે એ શબ્દ ઉપયોગમાં માહેર છે. તેઓ કહે છે કે આ વૉર (યુદ્ધ) નથી. આ ‘પીસ કીપિંગ ડ્યુટી’ (શાંતિ બહાલ કરવાની ફરજ) છે. યુક્રેન સંસદમાં સાંસદ કિરા રુડિકે કહ્યું કે પુતિન જ્યારે કહે કે સૈન્યને પાછું ખેંચું છું ત્યારે એવું માનવું કે તેઓ ફરીથી આયોજનબદ્ધ હૂમલો કરશે. તેઓ એવું કહે કે યુક્રેન પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની કોશિશ કરે છે ત્યારે એમ સમજવું કે પુતિન પોતે એવી સાઝિશ રચી રહ્યા છે. આ ડબલસ્પીક (બે મોઢાની વાત) છે, ઉપરોક્ત બંને આંતરરાષ્ટ્રીય સમાચારોમાં ઓર્વેલિયન (Orwellian) શબ્દ ઉપયોગ થયો છે. આપણે એ શબ્દ સમજીએ.

બ્રિટિશ લેખક જ્યોર્જ ઓર્વેલે વર્ષ ૧૯૪૯ માં એક નવલકથા લખી જેનું શીર્ષક હતું: 1984. એમણે લખ્યું કે ભવિષ્યમાં એવું શાસન આવશે, જેમાં લોકોનાં મૂળભૂત હક્કો પર તરાપ મરાશે. સરકાર જ સર્વ સત્તાધીશ. સરકાર સામે આંગળી ચીંધે એ મર્યો જ સમજો. ગાયબ થઈ જાય. અવશેષ પણ ન મળે. એની હયાતીનાં સર્વ પ્રમાણ પણ નષ્ટ કરી દેવામાં આવે. એમ કે એવી વ્યક્તિ ક્યારેય હતી જ નહીં આ દુનિયામાં. તેઓ ‘થૉટ પોલિસ’નો વિચાર રજૂ કરે છે. સરકારની ટીકા કરવાનો વિચાર માત્ર કરો કે પોલિસ પકડી જાય. આવા શાસનમાં ‘શાંતિ મંત્રાલય’ યુદ્ધનો મામલો સંભાળે, ‘સત્ય મંત્રાલય’ જૂઠને ઉજાગર કરે અને ‘પ્રેમ મંત્રાલય’ નફરત ફેલાવવાની કોશિશ કરે અને છેલ્લે ‘પુષ્કળ મંત્રાલય’ જે દુષ્કાળ, ભૂખમરોની બાબત સંભાળે. સૂત્ર લખાયા હોય: ‘યુદ્ધ એ જ શાંતિ’ ‘આઝાદી એ જ ગુલામી’ અને ‘અજ્ઞાન એ જ શક્તિ’. આ ‘ડબલથિંક’ છે. પુતિન કહે છે કે આ યુદ્ધ નથી, આ શાંતિ બહાલ લરવાની પ્રક્રિયા છે એ ‘ડબલસ્પીક’ છે. જેફ બેજોસ કહે છે કે એમઝોનમાંથી હું કોઈને ‘લે ઓફ’ (નોકરીમાંથી કાઢી મૂકવું) કરતો નથી, હું ડાઉનસાઈઝિંગ (સંસ્થાનું ક્દ ઘટાડવું) કરું છું. એ ‘ડબલસ્પીક’ છે. આવું અથવા આના જેવું જે હોય એ ઓર્વેલિયન કહેવાય. ઓર્વેલે કહ્યું’તું એવું. ઓર્વેલ તો લેખકની અટક છે. જૂના ઇંગ્લિશમાં ઓર્વે એટલે ઝરણું. ઝરણું પાસે રહેતા એટલે એમની અટક થઈ ઓર્વેલ. જ્યોર્જ ઓર્વેલની ‘1984’ વ્યંગ નવલકથામાં જે શાસન પ્રણાલિની વાત લખી એવી વાત ઓર્વેલિયન કહેવાય. લેખકની અટક શબ્દ બનીને આજે ઇંગ્લિશ ભાષાની ૨૩ ડિક્સનરીઝમાં શામેલ થઈ ગઈ. આમ એક મૂળ શબ્દ તો હતો જ. ટોટાલિટેરિઅન (Totalitarian). અર્થ થાય સર્વસત્તાત્મક અથવા એકહથ્થુ શાસન. પણ ઓર્વેલિયન શબ્દનો એક અલગ જ સ્વાદ છે.

1984માં શું હશે? એવું ૧૯૪૯માં લખાયેલું. અત્યારે ૨૦૨૨ છે. ટેકનોલોજી એવી કે સરકાર માટે ઓર્વેલિયન થવું સરળ થઈ ગયું. એક શબ્દ છે: ‘બિગ બ્રધર’. મોટાભાઇ. એ સઘળું જુએ, ધ્યાન રાખે, ધ્યાનમાં રાખે છે અને… આપણ કોણ? આપણ લોક, સાદા સીધા, મેસેજ ફોરવર્ડિયા, વોટ્સએપ કે ટ્વીટ કરીને પોતાનો બળાપો કાઢતા અને પછી થાકીને લોથપોથ થઈ પોઢી જતા લોક. આપણને સંતોષ છે કે આપણે શ્રેષ્ઠ યુગમાં જીવી રહ્યા છીએ. સુખ અને દુ:ખ એ તો મનની સ્થિતિ છે- એવી છેક ખોટી વાત વર્ષોથી જાણકારો, જ્ઞાનીઓ, કવિઓ, લેખકો આપણને સમજાવી રહ્યા છે. ન્યૂયૉર્ક ટાઈમ્સનાં એક આર્ટિકલનું શીર્ષક હતું: આ મારો ફોન નથી, ‘ટ્રેકર’ છે. ટ્રેકર એટલે પગેરું શોધનાર. શહેરમાં ઠેર ઠેર કેમેરા હોય. અરે, એ તો આપણી સુરક્ષા માટે હોય. પણ.. ટેકનોલોજી એટલી વિકસી છે કે હવે થૉટ પોલિસ શક્ય છે. તમારા વિચારો બદલી નાંખે. ‘કશ્મીર ફાઇલ્સ’નાં તરફેણ અને વિરુદ્ધનાં મતમતાંતર હજી ય ચાલ્યા જ કરે છે. બિગ બ્રધર આ સઘળું જાણે જ છે! ચીનમાં વોટ્સએપ નથી. વીચેટ છે. સરકાર વિરુદ્ધ તમે કાંઈ લખી ન શકો. લખો તો આપમેળે ભૂંસાઈ જાય. એમેઝોનવાળા જેફ બેઝોસ પણ એમનાં કર્મચારીઓ માટે એવું કરવા જઈ રહ્યાનાં સમાચાર આવ્યા. ‘ઓર્વેલિયન’ શબ્દ ચર્ચામાં આવતો રહે છે. છેલ્લે ભારત સરકાર દ્વારા ખરીદાયેલ ઇઝરાયેલી જાસૂસી સોફ્ટવેર પિગાસેસથી ભારતીય નાગરિકોની ખાનગી માહિતી પણ સરકાર મેળવી રહી છે, એવા આરોપ સાથે સર્વોચ્ચ અદાલતમાં દાખલ થયેલી યાચિકા પર નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે ‘ઓર્વેલિયન’ શબ્દ ઉપયોગ કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાનાં નામે સરકાર કશું ય ફોડ પાડીને નથી કહેતી, એ એટિટ્યુડની ટીકા પણ કરી હતી. હવે એક સ્વતંત્ર કમિટી એની તપાસ કરી રહી છે. નક્કી થશે કે આપણે ઓર્વેલિયન છીએ કે નહીં? અને છીએ તો કેટલા ટકા?

આમાં સાલું આપણે કેટલા ટકા? એક વિચાર અમને એવો પણ આવે કે આ બધા બુદ્ધિજીવી લોકનાં ગતકડાં છે. ખેતરમાં કામ કરતો ખેડૂત કે શાકભાજીની રેંકડી ફેરવતો બકાલી માટે શું થૉટ પોલિસ, શું ડબલસ્પીક અને શું ઓર્વેલિયન? મારો જીયા બેકરાર ન થાય અને મારી રોજી રોટી બકરાર રહે એટલે ઘણું. પણ છતાં મને મારી આઝાદી પ્રિય તો છે જ. હમે ચાહિયે આઝાદી.. અમે માણીએ આઝાદી.

શબ્દશેષ:

“આઝાદી એટલે બે-વત્તા-બે-એટલે-ચાર કહેવાની આઝાદી, એક વાર એની છૂટ મળે એટલે બાકી સઘળું આપોઆપ મળી જાય.” -જ્યોર્જ ઓર્વેલ

Leave a comment

Filed under Uncategorized