Daily Archives: સપ્ટેમ્બર 1, 2022

આર્મચેર: આરામખુરશી…પરેશ વ્યાસ

આર્મચેર: આરામખુરશી એક વિશેષણ

जिन बातों को खुद नहीं समझे, औरों को समझाया है -निदा फ़ाज़ली

‘ફર્સ્ટપોસ્ટ’માં લિબરલિઝમ (ઉદારમતવાદ) વિષેનાં એક લેખનું શીર્ષક હતું: આજનું લિબરલિઝમ કઈંક જુદું જ છે. એમ કે હોવો જોઈએ એવો ઉદારમતવાદ ભારતમાં હવે રહ્યો નથી. ઉદારમતવાદ એટલે બીજાનો મત જુદો હોય તો પણ એની વાત સાંભળવી, ધ્યાનમાં લેવી. ઉદારમતવાદ એટલે નવીન વિચારોને સ્વીકારવાની તૈયારી. ઉદારમતવાદ એટલે નાગરિક સ્વાતંત્ર્ય. ઉદારમતવાદ એટલે લોકશાહી. પણ શબ્દ અર્થ બદલે છે. ક્યારેક એ બદલાયેલું રૂપ મૂળથી તદ્દન વિપરીત થઈ જાય છે, એમ પણ બને. એટલાં માટે કે બુદ્ધિજીવીઓ અને/અથવા શક્તિશાળી લોકો મોટા અવાજે બરાડા પાડી પાડીને બોલે છે કે એનો અર્થ હવે આ છે. ભારતનાં એવા ઉદારમતવાદીઓ ય છે કે જેઓ માને છે કે ‘ભાઇબીજ’ જ શું કામ? ‘બહેનબીજ’ કેમ નહીં? બ્રિટનમાં રમાતી વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટમાં રશિયન ખેલાડી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એ સારું પણ આઈપીએલમાં પાકિસ્તાની ક્રિકેટરની નો-એન્ટ્રીની તેઓ ટીકા કરે. એક ધર્મની વાત હોય ત્યારે બોલે નહીં પણ બીજા ધર્મની એવી જ વાત આવે ત્યારે ટીકાનો વરસાદ વરસાવે. ટૂંકમાં, જો તમે તેઓનાં મતથી જુદી વાત કરો તો આ ઉદારમતવાદીઓ તમારો વિરોધ કરે. આ તો જબરો ઉદારમતવાદ છે, ભાઈ! તેઓ માને કે ચૂંટાયેલી સરકારનો તો કાયમ વિરોધ જ કરવાનો હોય. સરકાર કોઈ દિવસ એક પણ સારું કામ કરે જ નહીં કરે. અને આખરે લેખનું સમાપન કરતાં લખ્યું કે ભારતનાં આ ઉદારમતવાદીઓ ‘આર્મચેર’ (Armchair) ટીકાકાર છે. ટીકાકાર તો જાણે સમજ્યા પણ આર્મચેર ટીકાકાર? આર્મચેર એટલે તો હાથાવાળી ગાદીદાર આરામદાયક ખુરશી. એમાં બેસવાની, એમાં આરામ ફરમાવવાની મઝા પડે. પણ એ શબ્દ એક વિશેષણ તરીકે?

પ્રતિષ્ઠિત મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર વિશેષણ તરીકે ‘આર્મચેર’ શબ્દનો અર્થમાં એવી વ્યક્તિની વાત છે જેઓ કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં, સીધી કે આડકતરી રીતે, સ્વયં પોતે હોતા નથી. તેઓને કોઈ અનુભવ પણ નથી. અહીં કશું ય પ્રેક્ટિકલ નથી, બધું બસ થીયરી જ થીયરી. પોથીમાંના રીંગણ! આ એવા સંત જ્ઞાનેશ્વર છે જેઓ પોતે ગોળ ખાય છે પણ અન્યને બિંદાસ કહી શકે કે ગોળ ન જ ખાવો જોઈએ. આરામખુરશીમાં બેઠાં બેઠાં જ્ઞાની અને ઈશ્વર, બન્ને, હેં ને? આર્મચેર ક્રિટિક એટલે એવો ટીકાકાર કે જે ખુરશીમાં આરામથી બેઠો બેઠો સોશિયલ મીડિયા પર મોટી મોટી ટીકા કર્યા કરે કે મોદીએ આવું ન કરવું જોઈએ કે રાહુલ અહીં થાપ ખાઈ ગયો કે કેજરીવાલનું શું ઉપજે? કેટલાંક માત્ર ટીકાકાર જ નથી હોતા, આરામખુરશીમાં બેઠા બેઠા વ્યૂહરચના પણ ઘડી આપે છે. તેઓ આર્મચેર સ્ટ્રેટેજિસ્ટ કહેવાય છે. જાતઅનુભવ કાંઈ છે જ નહીં. પણ તમને વિગતે બધું જ પ્લાન કરી આપે. કેટલાંક આર્મચેર ટ્રાવેલર પણ હોય છે. આરામખુરશી એમને મન ઊડતી શેતરંજી છે. એમાં બેસીને કશ્મીર પણ જઈ આવે; અન્યનાં અનુભવને પોતાને નામે કરી, મીઠું મરચું ભભરાવી, ઘરબેઠે સાદૃશ્ય રજૂ કરી આપે.આતંકવાદીઓ કશ્મીરી પંડિતને ગોળી મારી દેય, એનો આંખો દેખ્યો અહેવાલ એની પાસે હોય. તેરમી સદીનો મહાન પ્રવાસી માર્કો પોલોની ચીનનાં પ્રવાસ ગાથા આપણે ભણ્યાં છીએ. પણ કેટલાંક લોકો માને છે કે એણે ખરેખર પ્રવાસ કર્યો જ નહોતો. એ તો વેનિસમાં એની પ્રેમિકા સાથે પડ્યો રહ્યો અને જ્યારે એને પ્રેમિકાને પ્રેમ કરવામાંથી ફૂરસદ મળતી ત્યારે એ આર્મચેર પર બેસીને પરાક્રમ ગાથા લખતો. એણે ચીનનાં અનુભવમાં ત્યાં કોલસો બાળવામાં આવે છે અથવા ત્યાં પેપર કરન્સી (કાગળનું નાણું) છે, એવો ઉલ્લેખ જરૂર કર્યો પણ એના પ્રવાસ વર્ણનમાં ચીનની દીવાલનો ક્યાંય ઉલ્લેખ નથી. ચીની ભાષાની લખાતી લિપિ કે એના અલગ જ લાગતાં અક્ષરોનો ય ક્યાંય ઉલ્લેખ નથી. ચીની લોકો ચમચીની જગ્યાએ ચોપસ્ટિકથી ખાવાનું ખાય છે, એવી ય નોંધ નથી. એટલે કદાચ માર્કો પોલો આર્મચેર ટ્રાવેલર હતો! આર્મચેર ઉપર બેઠો હોય, એ પોતે કાંઈ કરે નહીં, નિષ્ક્રિય, નિશ્ચેષ્ટ. કોઈ જાતઅનુભવ નથી, પ્રથમદર્શી જ્ઞાન નથી પણ પોતાની મનઘડંત વાતનો વૃતાંત લખી નાંખે. આ ઉપરાંત આરામખુરશીમાં બેઠાં બેઠાં મુસલસલ સલાહ આપતા આર્મચેર એડવાઇઝર પણ હોય છે. રાજકારણીઓને કારણે ખુરશી અમથી ય બિચારી બદનામ છે. એમાં…. આરામખુરશી બદનામ હૂઈ ડાર્લિંગ તેરે લિયે..

‘આર્મચેર ક્રિટિક’ એવો શબ્દસમૂહ પહેલી વાર સને ૧૮૯૬માં છપાયો પણ એ શબ્દો એનાથી દસ વર્ષથી પહેલાથી બોલચાલની ભાષામાં હતા. જાણીતા બ્રિટિશ રાજકારણી અને સમાજ સુધારક જોસેફ ચેમ્બરલેઈન એના વિરોધીઓને આર્મચેર ક્રિટિક કહીને તેઓને મહેણું મારતા, ઉતારી પાડતા. ક્રિટિક ઉર્ફે ટીકાકાર એટલે એવી વ્યક્તિ જેને રસ્તો ખબર છે, ભૂતકાળમાં એ ત્યાં ગયો પણ છે. ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે, એ એને અલબત્ત ખબર છે. પણ.. પણ એને પોતાને કાર ચલાવતા આવડતું નથી! અને પછી જે ચલાવે છે એની એ ટીકા કરે. આર્મચેર ક્રિટિક તો વળી એનાથી ય ઊંચા માંહ્યલી હસ્તી છે. એ કદી એ રસ્તે ગયો નથી. ખાડાટેકરાની એને કશી ખબર નથી. એને પોતાને કાર ચલાવતા ય આવડતું નથી. શક્ય છે કે એણે કાર દીઠી ય નઈં હોય! અને છતાં એ ટીકા કરે કે આ રસ્તે કાર ચલાવતા તમને આવડતી નથી. આ એવો ઊંટ છે જેનાં અઢાર નહીં, છત્રીસ અંગ વાંકા છે!

કહે છે કે જિંદગી એક મેદાન-એ-જંગ છે. કેટલાંક નકામા લોકો દૂરથી, સલામત અંતરે રહીને તમાશો જુએ છે અને નકામી ટીકા ટિપ્પણ કરે છે. આ લોકો આર્મચેર ક્રિટિક છે. આવા કૂતરાં તો પાછળ દોડશે, ભસશે, ભલે ભસે, આપણે સલૂકાઈથી મોટરકાર હંકાર્યે જવી. તઈં શું?

શબ્દશેષ:

“તમે તો મેદાનમાં ય નથી, તમે પોતે માર ખાધો નથી, તો પછી… તમારી સલાહની મારે કોઈ જરૂર નથી.” -‘ધ ગિફ્ટ્સ ઓફ ઇમ્પરફેક્શન’ની લેખિકા બ્રિની બ્રાઉન

See Translation

May be a cartoon of text

Leave a comment

Filed under Uncategorized